મંગળવાર, 9 ડિસેમ્બર, 2025
દીકરીઓને આઝાદી
હાઈડ્રોપોનીક્સ - માટી વગર વનસ્પતિ ઉગાડવાની પદ્ધતિ
આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે વનસ્પતિને ઉગવા માટે હવા, પાણી, માટી અને સૂર્યપ્રકાશની જરૂર છે. પણ ટેકનોલોજીના વિકાસ સાથે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે અને દરેક ક્ષેત્રે અવનવી શોધો દ્વારા અશક્ય જણાતી કેટલીક બાબતો આજે શક્ય અને સરળ બની છે. વનસ્પતિ માટી વગર પણ વિકાસ પામી શકે છે. માટી વગર માત્ર પાણી અને પોષક તત્વો પાણીમાં ભેળવી વનસ્પતિ ઉગાડી શકાય છે જેને હાઈડ્રોપોનીક્સ કહે છે. આજે બ્લોગમાં ખેતીની આ અદ્યતન પદ્ધતિ વિશે માહિતી મેળવીએ.
હાઈડ્રોપોનીક્સ માટી વગર ફક્ત પાણી દ્વારા કે કહો ને પાણીમાં થતી ખેતી છે. માટીની જરૂર માત્ર બીજને પકડી રાખવા અને તેમાંથી ફણગો ફૂટવા માટે હોય છે. પણ પછી તેની વૃદ્ધિ માત્ર પાણીમાં પણ થઈ શકે છે. આ માટે એક ખાસ પ્રકારના સાધનમાં વનસ્પતિના બીજ ગોઠવવામાં આવે છે અને તેમના પરથી પોષક તત્વો ભેળવેલું પાણી પંપ દ્વારા ફરી ફરી ફેરવવામાં આવે છે.
હાઈડ્રોપોનીક્સમાં જુદી જુદી રીત અને જુદી જુદી યુક્તિ શોધાઈ છે જેમકે એક પદ્ધતિમાં બીજ કોકોપીટ જેવા છિદ્રાળુ માધ્યમમાં ઉગાડવામાં આવે છે અને પછી તેને હાઈડ્રોપોનીક્સના સાધનમાં મૂકી દેવામાં આવે છે. આનાથી માટી કે માટીની પોષકતાની ચિંતા ખેડૂતે કરવી પડતી નથી. હાઈડ્રોપોનીક્સ દ્વારા થતો વનસ્પતિનો વિકાસ વધુ ઝડપી હોય છે. આથી ઉત્પાદન પણ વધુ ઝડપી શક્ય બને છે. હાઈડ્રોપોનીક્સ ખેતી ઘરની અંદર કરી શકાતી હોવાથી, રાસાયણિક ખાતરની ઝંઝટથી બચી શકાય છે. નૈસર્ગિક ખાતર પૂરતું થઈ રહે છે. ઉત્પાદન પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. અહીં બીજો મોટો ફાયદો પાણીના બચાવનો છે. અહીં પાણી વપરાઈ કે વેડફાઈ જતું નથી કારણ પાણી પંપ દ્વારા હાઈડ્રોપોનીક્સના સાધનમાં ફરી ફરી ફેરવવામાં આવે છે. આમ પાણીની ઘણી મોટી બચત થાય છે. ખેતીની સાધારણ પારંપરિક પદ્ધતિ દ્વારા એક કિલો ટામેટાં ઉગાડવા ચારસો લીટર જેટલું પાણી જોઈએ છે જ્યારે હાઈડ્રોપોનીક્સ દ્વારા માત્ર સિત્તેર લીટર જેટલું પાણી પૂરતું થઈ રહે છે.
હાઈડ્રોપોનીક્સ દ્વારા સલાડ માટે વપરાતાં લીલા શાકભાજી, તુલસી, પાલક, કોથમીર, અમરનાથ, મેથી વગેરે આસાનીથી ઉગાડી શકાય છે. હા, આ માટે વપરાતું સાધન, પમ્પ વગેરે શરૂઆતમાં થોડો વધુ ખર્ચ માગી લે છે. વળી, હાઈડ્રોપોનીક્સ માટે નિયંત્રિત પ્રકાશની જરૂર પડે છે જે ગ્લાસહાઉસ ઇફેક્ટ જેવી અસર માગી લે છે જેથી સીધો આકરો સૂર્ય પ્રકાશ વનસ્પતિ પર ન પડે. ચેન્નઈ, જયપુર વગેરે જેવા શહેરોમાં હાઈડ્રોપોનીક્સ સરળતાથી શક્ય બનતું નથી જ્યાં તાપમાન અતિ વધુ ઉંચુ જતું હોય છે.
હાઈડ્રોપોનીક્સનું બારેક છોડ સમાવી શકાય એટલું સાધન અઢી - ત્રણ હજાર રૂપિયા જેટલો ખર્ચ માગી લે છે. તમે આ તમારી ટેરેસ કે અગાસીમાં વસાવી શકો છો. હવે હાઈડ્રોપોનીક્સ અંગે લોકોમાં જ્ઞાન વધતું જાય છે અને ઘણાં શહેરી જનો તેમાં રસ લેતા થયાં છે. ઘણી કોર્પોરેટ ઓફિસોમાં પણ હાઈડ્રોપોનીક્સ પદ્ધતિથી વનસ્પતિ ઉગાડાય છે અને ઉત્પાદન તે ઓફિસમાં કામ કરતાં લોકોમાં જ વહેંચી દેવાય છે. ઘણાં સેલિબ્રિટી પણ પોતાને ઘેર હાઈડ્રોપોનીક્સ સાધન વસાવી પોતાનો ખોરાક ઘેર ઉગાડતા થયાં છે.
બુધવાર, 3 ડિસેમ્બર, 2025
દેશ માટે ગૌરવ
આજે સવારથી ભારત માટે ગૌરવ અપાવે એવા સમાચાર વાઈરલ થઈ રહ્યા છે - મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં ઈતિહાસ સર્જી ભારત માટે સિલ્વર મેડલ જીતી મેડલ્સનું ખાતું ખોલાવ્યું છે! આ સમાચાર વાંચી આપણી છાતી ગદગદ ફૂલી છે. આવા પ્રોત્સાહક સમાચાર આવકાર દાયક છે અને ફેલાવવા પણ જોઈએ.
પણ આ સમાચાર વાઈરલ થયેલા જોઈ એક વિચાર આવ્યો. આપણને આમાં આટલી બધી ખુશી કેમ થાય છે? આ એક અજબનો પ્રશ્ન છે. જેવા આ કે આવા અન્ય કોઈ રમતવીર મેડલ જીત્યાના ખબર આપણે જાણીએ છીએ ત્યારે એક હકારાત્મક, યુફોરીક લાગણી અનુભવાય છે. ગૌરવ અને ગર્વ અનુભવાય છે, આપણો એમાં કોઈ પ્રત્યક્ષ ફાળો ન હોવા છતાં! શું આ લાગણી દેશપ્રેમને આભારી હશે? મારો પુત્ર હિતાર્થ હજી જુનિયર કે. જી. વર્ગમાં ભણે છે અને રોજ તેના ઓનલાઈન વર્ગ પતે એટલે રાષ્ટ્રગીત ગવાય. તેને ઉભો થઈ મોબાઈલ સામે સલામી આપતો રોજ જોઉં અને મને ખુશી થાય. કદાચ આપણને સૌને દેશપ્રેમના આ સંસ્કાર આ રીતે નાનપણથી જ મળતા હોય છે. માત્ર સ્પોર્ટ્સ ક્ષેત્રે જ નહીં, પણ અન્ય કોઈ પણ ક્ષેત્રે જ્યારે કોઈ ભારતીય વિદેશમાં અનેરી સિધ્ધી મેળવે કે કોઈ એવોર્ડ જીતે ત્યારે એ જાણી એક અકથ્ય આનંદ અને ગર્વ આપણે સૌ ભારતીયો અનુભવતા હોઈએ છીએ. જે સારી વાત છે. પણ એથી આગળ વધી આપણે આ દેશપ્રેમથી પ્રેરાઈ દેશ માટે સાચા અર્થમાં કંઇક કરવું જોઈએ. જેની સિદ્ધિ બદલ આપણને આનંદ અને ગૌરવ થયો છે એ લાગણી ત્યાં જ સીમિત ના રાખતા આપણે વિચાર કરવો જોઈએ કે હું પણ એવું શું કરી શકું જેથી મારા દેશનું ભલું થાય, તેની ગરિમા વધે, અન્ય દેશોની સરખામણીએ એ વધુ માનદ બને. આ કદાચ અઘરો પ્રશ્ન લાગે પણ એ ખરેખર એટલી અઘરી બાબત નથી. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ, એમાં નિષ્ઠાપૂર્વક અને ખંતથી, પૂરી પ્રમાણિકતાથી અને દિલ રેડીને કામ કરીએ તો એ આ દિશામાં લીધેલું યોગ્ય પગલું લેખાશે. બધાં આવું હકારાત્મક વિચારી સારી રીતે, શ્રેષ્ઠ કામ કરે તો કેટલી બધી હકારાત્મક ઉર્જા સર્જાય! આપણે સૌ મળી ને જ આપણો દેશ બનાવીએ છીએ. એટલે બધાં સારી રીતે કામ કરી, સારા પરિણામ મેળવીશું તો અંતે દેશનું સારું જ થશે.
ફરી છવ્વીસ વર્ષીય મીરાબાઈ ચાનુની વાત પર આવીએ તો જણાવું કે મણિપુરના એક ગામમાં જન્મેલી અને ઉછરેલી આ યુવા ખેલાડી ગત ઓલિમ્પિક રમતોત્સવ- ૨૦૧૬માં પણ વેઈટ લિફ્ટિંગમાં જ ભારત તરફથી રમી હતી, પણ તેનું પ્રદર્શન આ વખત જેટલું શાનદાર નહોતું અને તે વિજેતા બની શકી નહોતી. પણ તે હિંમત હારી નહીં. તેણે આ વર્ષે બમણી તૈયારી કરી, બમણા જોશથી ભાગ લીધો અને ઈતિહાસ સર્જવામાં તે સફળ રહી. વર્ષ ૨૦૦૦માં સિડની ઓલિમ્પિક રમતોત્સવમાં વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સર્વ પ્રથમ કાંસ્યચંદ્રક કર્ણમ મલ્લેષ્વરી જીતી હતી. તે સમયે મીરાબાઈ ચાનુ માત્ર પાંચ વર્ષની હતી! વર્ષ ૨૦૦૪માં એથેન્સ ઓલિમ્પિક રમતોત્સવમાં વેઈટલિફ્ટિંગમાં કુંજરાની દેવીને નાનકડી મીરાએ ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોઈ અને ત્યારથી તેને આ રમતમાં રસ પડ્યો. પછી તો ખૂબ મહેનત કરી તેણે માતાપિતાને પણ આ દિશામાં આગળ વધવા દેવા સહમત કર્યા અને સારી રમતને લીધે વર્ષ ૨૦૧૬માં તેને વિશ્વમાં શ્રેષ્ઠ રમતોત્સવ એવા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું. પણ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા સાંપડી. જો કે હિંમત હારવાની જગાએ તેણે મહેનત વધુ સઘન બનાવી અને આ વર્ષે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડી દીધો!
આ પરથી આપણે શીખવાનું કે જીવનમાં નિષ્ફળતા મળે તેનાથી નાસીપાસ થઈ બેસી જવાનું નથી, એ નિષ્ફળતામાંથી પણ ક્યાં ચૂક થઈ તેનો બોધપાઠ લઈ, ભૂલ સુધારી લેવાની છે અને બમણી મહેનત કરી હાથ માંથી સરકી ગયેલી તક ફરી ઝડપી લેવાની છે. સફળતા ચોક્કસ હાંસલ થશે જ.


