રવિવાર, 20 ઑક્ટોબર, 2019
ગેસ્ટ બ્લૉગ : ચૂંદડી મનોરથ
" મનોરથ " શબ્દનું વૈષ્ણવ સંપ્રદાય માં આગવું જ મહત્વ છે .જાત જાતના મનોરથો સેવવામાં આવે છે , અને કહે છે ને કે તમારા સાત્વિક મનોરથો ખુદ ભગવાન પરિપૂર્ણ કરે છે।
મારો પણ એક સહજ પ્રાર્થવામાં આવેલો મનોરથ પૂર્ણ થયો અને એટલું જ નહીં અભૂતપૂર્વ આસ્થાને દ્રઢીભૂત કરી ગયો ! ! મૂળ વાત માંડું તો એક દોઢ વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ " રેવા " જોઈ હતી। અદભુત ફિલ્મ ! મેં તો એ ફિલ્મ જોઈને ચુકાદો પણ આપી દીધેલો કે આ વર્ષ માટે આ ફિલ્મને પ્રાદેશિક ફિલ્મ ની શ્રેણીમાં ઓસ્કાર ઍવોર્ડ માટે મોકલી આપવી જોઈએ ! એ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મા નર્મદાના ચૂંદડી મનોરથના દ્રશ્યોને જોતા વેંત મારું હૈયું પણ ધબકી ઉઠ્યું , " મારે પણ મા નર્મદાને ચૂંદડી ઓઢાડવી છે ! મારે પણ મા રેવાનો ચૂંદડી મનોરથ કરવો છે ! પણ પછી થોડાક દિવસ માં રેવામય રહયા પછી વળી પાછા રોજિંદા જીવનમાં વ્યસ્ત થઇ ગઈ। પછી અચાનક મારી બાળ સખી ,,,,નયના નો ફોન આવ્યો અને 2019 ના ગંગા દશહરા દરમ્યાન મા રેવાના ચૂંદડી મનોરથમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો . દર વર્ષે જ્યેષ્ઠ એકમથી જ્યેષ્ઠ સુદ દશમ સુધી ગંગા દશહરા ઉજવવામાં આવે છે તે મ્યાન ભારત વર્ષની પવિત્ર નદીઓ ગંગા , યમુના નર્મદા વગેરેના વિધીવત પૂજન અર્ચનનો મહિમા છે.
વૈરાગ્યની અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ મા નર્મદાની પરિક્રમા 3 વર્ષ, 2 માસ અને 13 દિવસ માં પુરી થાય છે. 1312 કી. મી। લાંબી પરિક્રમા દરમ્યાન મા નર્મદા પોતાની જમણી બાજુ એ રહે તે રીતે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે . અમરકંટકથી કે પછી ૐકારેશ્વરથી જ્યાંથી પ્રદક્ષિણા કે પરિક્રમા શરુ કરી હોય ત્યાં પૂર્ણ થાય છે. એ વિષે અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ છે. નર્મદા દક્ષિણ ભારતની અન્ય સમસ્ત નદીઓથી વિપરીત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. જો કે તાપ્તી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.
તો મૂળ વાત પર આવું તો માં નર્મદાના આશિર્વાદથી ચૂંદડી મનોરથ પાર પાડવા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો અને અન્ય આડશો પણ સહજમાં દૂર થઇ ગઈ અને આપણે બંદા એ અભિયાનમાં જોડાઈ ગયા। ચૂંદડી મનોરથ માટેની બધી અથથી ઇતિ સુધીની તમામ તૈયારીઓ પણ પરમ મિત્ર નયનાબેને જ કરી દીધેલી। આપણે તો તૈયાર ભાણા પર પહોંચી ગયા નયનાબેન ને ઘરે, વડોદરા !
બીજે દિવસે વડોદરાથી 32 શ્રદ્ધાળુઓ પરમ આસ્થાવાન અને પ્રકાંડ પંડિતજી શ્રી દીપકભાઈ મહારાજ સાથે ચાણોદ પહોંચ્યા . નયનાબેને કહેલું કે ચૂંદડી મનોરથ દરમ્યાન મા રેવા સાચા મનથી અર્પણ કરેલી ભક્તની એક ચૂંદડી સ્વીકારી લે છે ! હું નાસ્તિક તો નથી જ પણ ચમત્કારો તો નજરે નિહાળીએ ત્યારે જ દ્રઢ આસ્થાના પૂરક બને ને !!! મા નર્મદાના દર્શન કરતા વેંત જ મેં મનમાં પ્રાર્થના કરી કે " હે મા નર્મદે ! માત્ર ને માત્ર તમારા દર્શને આવી છું મારી હાજરી સ્વીકારજો અને સ્વિકાર્યા નું પ્રમાણ આપજો ! મારી આસ્થાને દ્રઢ કરજો ! પછી વિધિવત નર્મદા સ્નાન , ષોડશોપચાર પૂજન અર્ચન બાદ માં રેવા ને ચૂંદડી અર્પણ કરવાની વિધિ શરુ થઇ માં ને અર્પણ કરવા અમે કુલ 51 સાડીઓ તૈયાર કરી હતી. તે માટે 17/17સાડીઓને મશીન થી બખિયો મરાવીને 3 સેટ તૈયાર કરેલા .અને એ 3 સેટ ને ગાંઠ મારીને જોડી દીધેલા, નૌકામાં બેસી 51 સાડીના તાકાના એક છેડાને પકડી બીજા છેડાને નદીને બીજે કાંઠે પહોંચાડી માં નર્મદાને , માં રેવાને 51 સાડી ઓઢાડી।, પહેરાવી એ ભાવના .... એ મનોરથ પરિપૂર્ણ થયો એ અનુભૂતિ થી . આંખમાંથી આંસુની ધારા વહી, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ! મા નર્મદે , મા રેવા અમારા સહુની આસ્થાને આશીર્વાદ આપવા , દ્રઢીભૂત કરવા જાણે કે સ્વયં પ્રગટ થઈ એમ કહું તો જરાપણ અતિશયોક્તિ નહિ જ કહેવાય ! અમે અર્પણ કરેલી 51 સાડીમાંથી 41 સાડી માએ સ્વીકારી લીધી ! હા ! સાચે જ ! મા નર્મદાએ અમારા સહુની નજર સમક્ષ 40 સાડીઓ પરિધાન કરી અને તેના અસ્ખલિત નિર્મળ ખળ ખળ વહેતા શાંત શીત પ્રવાહમાં વહેતા એ આસ્થાવસ્ત્ર ને જોઈને અગમનિગમના અજ્ઞાત પરમ તત્વની અનુભૂતિ થઇ ! ! ! મા નર્મદાએ સાડીઓનો સ્વીકાર કર્યો એની સાબિતી એ કે અમે 17 /17 સાડીઓને મશીન દ્વારા બખિયો મરાવીને જોડેલી ,અને મા એ સ્વીકારેલી સાડીઓ તો બખીયાને તોડીને માનાં ચરણ પ્રવાહમાં વહી ગઈ હતી ! મા એ મારી હાજરીને સ્વીકાર્યાનુ પ્રમાણ પણ આપીને ધન્ય કરી દીધી !
અમરકંટકથી નીકળીને દેશના પશ્ચિમી કાંઠે અરબી સમુદ્રમાં મળતી પવિત્ર નદી નર્મદાના પાવન તટે કાંઈ કેટકેટ્લાયે સંતો, તપસ્વીઓ,ઋષિઓ અરે ખુદ અમર , ચિરંજીવ એવા અશ્વત્થામા પણ તપ સાધના કરે છે। કોઈ કોઈ પુણ્યશાળી નર્મદા પરિક્રમા કરનારને દર્શન પણ દે છે ! ! મુજ નાચીઝને મા એ પોતાના અમર અસ્તિત્વ નો સાક્ષાત્કાર કરાવ્યો ,,,,, ધન્ય ધન્ય થઈ ગઈ ! ! ! એ બદલ બાળસખી નયનાનો તો આભાર માનુ તેટલો ઓછો છે પણ સાથે સાથે " રેવા" ફિલ્મ ના સર્જકોનો પણ આભાર માનુ છું ! " રેવા " ફિલ્મ, ઓસ્કાર ઍવોર્ડ કરતાં પણ વધારે સાર્થક નીવડી . એક નાચીઝ આસ્થાવાન શ્રદ્ધાળુને પરમ તત્વની અનુભૂતિ કરાવવા માટે કારણભૂત નીવડી ! અને હા, સાત્વિક મનોરથો સેવવાની પ્રેરણા જગાવનાર અને તેને પરિપૂર્ણ કરનાર હાજરાહજૂર મા નર્મદા, મા રેવાને અંજલિ આપવા શબ્દો ઓછા જ પડે ને !
ત્વદીય પાદ પંકજમ , નમામિ દેવી નર્મદે ! ! !
- મૈત્રેયી મહેતા
mainakimehta@gmail.com
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો