ટ્રેનિંગ એટલે કે પ્રશિક્ષણનો સામાન્ય અર્થ થાય કઇંક નવું શીખવું. આ નવું શબ્દ મહત્વનો છે. કોર્પોરેટ જગતમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને નિયમિત ટ્રેનિંગ આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ કર્મચારીઓ આ નવું શીખવાની વૃત્તિ સાથે સાચા અભિગમ સાથે જો ટ્રેનિંગ લે તો જ તેનો અર્થ સરે.
જીવન જીવવાની સાચી રીત આજીવન કઇંક ને કઇંક શીખતા રહેવાની છે. શીખવાથી આપણે આપણામાં રહેલી ખામીઓ સુધારી શકીએ છીએ, નવો દ્રષ્ટિકોણ અપનાવી કામ અને જીવન વધુ બહેતર બનાવી શકીએ છીએ. આનો ફાયદો પોતાને તો થાય જ છે પણ સાથે સાથે આસપાસના ને કે તમારી કંપનીને પણ થાય છે.
ટ્રેનિંગ જો ઓફીસ માં જ રાખવામાં આવી હોય તો તે દરમ્યાન કામમાં કોઈ સમસ્યા ઉભી થાય તો તમારે બ્રેક લઈ કામ પર થોડા કે વધુ સમય માટે હાજર થવું પડે છે અને ટ્રેનિંગ બિન અસરકારક સાબિત થઈ શકે છે આથી એ બહાર કોઈ હોટેલમાં કે ટ્રેનિંગ સેંટરમાં યોજાય તો કર્મચારી એકચિત્તે, એકાગ્રતા પૂર્વક ટ્રેનિંગ ના વિષય ને સમજી શકે છે, શીખી શકે છે. ભલે આમાં ખર્ચો વધુ થાય છે પણ આવી ટ્રેનિંગ અસરકારક સાબિત થાય છે.
ટ્રેનિંગ દરમ્યાન કર્મચારીને રૂટીન કામમાંથી બ્રેક મળે છે એ છે તેનો વધુ એક ફાયદો. ટ્રેનિંગની અવધિ જેટલો સમય કર્મચારી પોતાની સઘળી જવાબદારીઓ માંથી મુક્ત થઈ કઇંક નવું શીખવા, સજ્જ થવા જાય છે. મન ચોક્કસ આ દરમ્યાન નવી ઉર્જાથી સભર થાય છે અને નવી નવી બાબતો શીખતા કર્મચારીની ઉત્પાદકતામાં વધારો થાય છે.
ટ્રેનિંગ આપનાર ટ્રેનર અનુભવી, સારો વક્તા, અન્યો સાથે સહેલાઈથી હળીમળી જનાર અને ટ્રેનિંગ રસપ્રદ બનાવનાર હોવો જરૂરી છે. ટ્રેનિંગ માટે વપરાતું સાહિત્ય પણ ટૂંકુ, અસરકારક અને રસપ્રદ તથા સહેલાઈથી યાદ રહી જાય એવું હોવું જરૂરી છે.
ટ્રેનિંગ દરમિયાન તમે ટ્રેનિંગ માટે આવેલા અન્ય સહકર્મચારીઓ સાથેના સંબંધને એક નવા સ્તરે લઈ જઈ શકો છો. તેમના કામકાજની માહિતી સાથે તમને તેમની સમસ્યાઓ, તેમની તથા તેમના કામની વિશિષ્ટતાઓ વગેરે અંગે પહેલા ક્યારેય ના જાણેલું કે જોયેલું જાણવા મળી શકે છે.
દોઢેક મહિના પહેલા મેં મારી ઓફિસ દ્વારા અમારી કંપનીના બધાં સિનિયર મેનેજરો માટે આયોજિત એક અસરકારક બે દિવસીય ટ્રેનિંગ મુંબઈની ઓર્કિડ હોટેલમાં અટેન્ડ કરી જે ખૂબ માણવા લાયક, જ્ઞાન સભર અને યાદગાર બની રહી. ટ્રેનિંગ સાથે ઓર્કિડ હોટેલનું સ્થળ, ત્યાંના બ્રેક ફાસ્ટ, લંચ, ટી બ્રેકસ, એ દરમ્યાન મુંબઈ તથા અમારી ઓફિસના અન્ય રાજ્યો માંથી આવેલા સહ કર્મચારીઓ સાથે થયેલ રસપ્રદ વાર્તાલાપ, ટ્રેનિંગના ભાગ રૂપી ટાસ્ક વખતે તેમની સાથે થયેલ કોર્ડીનેશન વગેરે મન પર લાંબા ગાળાની છાપ છોડી જનારા બની રહ્યાં. એચ. આર. તથા સીનીયર મેનેજમેંટના સભ્યોએ આવી ટ્રેનિંગ માટે નો યોગ્ય 'ટોન' સેટ કર્યો અને પછી તો બે દિવસ ક્યાં પૂરા થઈ ગયા તેની અમને જાણ જ ન થઈ! ટ્રેનિંગ માં થિયરી ભણવા સાથે અમે એંગેજીંગ એક્ટિવિટી અને રમતોમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક સાવ ઓછું બોલતા લોકોએ પણ માત્ર બે દિવસને અંતે પોતાના અભિપ્રાય બોલકી રીતે વ્યક્ત કર્યા. આ ટ્રેનિંગમાં શીખેલા કેટલાક અતિ મહત્વના પાઠ નીચેના મુદ્દાઓ રૂપે હું મારા તમામ વાચકો સાથે શેર કરું છું, રખે ને તમને પણ એમાંથી કઇંક અતિ અગત્ય નો પાઠ શીખવા મળી જાય!
* દરેક વ્યક્તિ અલગ પ્રકારની, અલગ મિજાજ ધરાવતી હોય છે, નોકરી કે ધંધામાં તેમની સાથે કામ પાર પાડતી વખતે તેમને અનુકૂળ થઈ આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે,પછી ભલે એ વ્યક્તિ તમારી સિનિયર હોય કે તમારો જૂનિયર કે તમારી સમકક્ષ.
* સામા પક્ષની ભૂલો શોધવા કરતાં તમારું પોતાનું કામ કઈ રીતે શ્રેષ્ઠ બનાવશો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિણામ વધુ સારું મેળવી શકશો.
* તમારા સહકર્મચારીઓ સાથે વધુ ને વધુ ઇન્ટરેક્શન કરી સતત તમારા કામ અંગે ફીડબેક મેળવતા રહો. આનાથી તમે અન્યો તમારા કામને કઈ રીતે મૂલવે છે અને તમે કદી વિચાર્યું જ ન હોય એવો કોઈ મુદ્દો જડી આવશે જે અંગે સભાન થઈ તમે વધુ સારું પરફોર્મ કરી શકશો. આ પોઇન્ટ તમે અંગત જીવનમાં પણ લાગુ પાડી શકો છો.
* તમારા ઇમોશનલ બેંક અકાઉન્ટમાં ખૂબ સારી એવી ડીપોસિટ જમા કરો અર્થાત્ તમારા સહાકર્મચારીઓ સાથે સારું અને યોગ્ય વર્તન કરી તેમને મદદરૂપ થવા સતત પ્રયત્નશીલ રહો અને જુઓ તમારું પોતાનું કામ અને જીવન પણ આપોઆપ સરળ અને સારું બની રહેશે.
* દરેક વ્યક્તિમાં સારા અને નબળા પાસા હોય જ છે, તમે માત્ર સારા પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તેમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં પૂરેપૂરી મદદ કરો.
* સામેવાળાનાં યોગ્ય વખાણ કરવાની એકે તક જતી ન કરો. આપણે મોટે ભાગે નકારાત્મક પ્રતિભાવ આપવામાં વિલંબ કરતા નથી અને કોઈના વખાણ તો કરતા જ હોતા નથી. આ અભિગમ બદલી યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપો. નકારાત્મક હોય તો પ્રતિભાવ ખાનગીમાં આપો પણ વખાણ સૌની સામે કરો.
* ફરિયાદો જ ન કર્યા કરો. બૉસ પાસે સમસ્યા લઈ ને જાવ ત્યારે તેના બે ત્રણ ઉકેલ પણ વિચારી, એ પણ રજૂ કરો.
* કોઈજ બાબત ધારી ન લો, દરેકે દરેક બાબત, ઝીણામાં ઝીણી વિગત સ્પષ્ટ કરો.
* કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો