Translate

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2019

ગટર સાફ કરતાં મનુષ્યોના મૃત્યુ

     માર્ચ ૨૦૧૯ માં વારાણસીમાં ગટર સાફ કરતાં બે યુવા સફાઈ કર્મચારીઓના મોત. વિચિત્ર જણાય એવી આ દુર્ઘટનામાં તેઓ ચારેક ફૂટ ઉંડી ગટર સાફ કરવા ઉતર્યા ત્યારે બાજુમાં ઘણાં સમયથી ન ઉપડાયેલ કચરાનો ઢગલો ગટરમાં ધસી પડ્યો અને સફાઈ કરવા ઉતરેલા બે જુવાનજોધ કર્મચારીઓ દટાઈ મર્યા. છ કલાકે તેમના શબ બહાર કાઢી શકાયા.
   થોડાં જ દિવસ બાદ, તામિલનાડુના શ્રીપેરૂમ્બૂદૂર ખાતે નેમિલિના એક ખાનગી એપાર્ટમેંટની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં છ સફાઈ મજૂરો મોતને ભેટયા. ઝેરી મિથેન વાયુ શ્વાસમાં લેતા ગૂંગળાઈને તેમનું મૃત્યુ થયું હતું. ચાર જણને તકલીફ થતાં બીજા બે તો તેમને બચાવવા ગટરમાં ઉતર્યા હતાં અને પોતે પણ મૃત્યુ પામ્યાં. અહીં કોઈ જ પ્રકારના સુરક્ષિતતાના સાધનો વગર ગટરમાં ઉતરતા તેમના મોત થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મોત પામેલામાંથી ત્રણ તો એક જ કુટુંબના  સભ્યો હતાં.
     એપ્રિલ ૨૦૧૯માં ગુરુગ્રામના નરસિંહપુરની એક ઓટો મોબાઇલ  કંપનીની સેપ્ટિક ટેન્ક સાફ કરતા બે જણે જીવ ગુમાવ્યો.
     મે ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના નોઈડામાં ૪૦ ફૂટ ઉંડી બોરવેલમાં કોઈજ પ્રકારના સુરક્ષાત્મક પગલા લીધા વિના સફાઈ માટે ઉતરેલા બે મજૂરો ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં.
       જૂન ૨૦૧૯ માં ગુજરાતના વડોદરામાં એક હોટેલની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં સાત જણ મૃત્યુ પામ્યાં. કારણ? હોટલના માલિકો કે સ્ટાફે કે તેઓ જે એજન્સીમાંથી આવ્યા હશે તેમણે એ મૃત સાત જણની સુરક્ષિતતા અંગે કોઈ દરકાર કરી નહોતી,તેમને સેફટી જેકેટસ પૂરા પાડવા કે પહેરવાની ફરજ પાડી નહોતી.
     અત્રે નોંધનીય છે કે મેલું ઉપાડવાની પ્રથા તો આપણાં દેશમાં વર્ષોથી પ્રતિબંધિત છે,છતાં આ રીતે મોતને ભેટતા સફાઈ કામદારો કે મજૂરોના સમાચાર દર મહિને દેશ ભરમાંથી આવતા રહે છે.
      નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીસ (NCSK) ના જણાવ્યાં અનુસાર ૧૯૯૩થી દેશમાં ગટરની સફાઈ કરતી વેળાએ મૃત્યુ પામેલા સફાઈ કામદારોનો સત્તાવાર આંક ૮૦૧ નો છે.અન્ય એક અહેવાલ મુજબ ૨૦૧૦ અને ૨૦૧૭ વચ્ચે આશરે ૧૪૭૦ સફાઈ કામદારોના સફાઈ કામ કરતા મોત થયા છે. એવો એક અંદાજ છે કે દેશમાં લગભગ ૧.૮ લાખ માણસો આ સફાઈ કામ સાથે સંકળાયેલા છે. દરેક રાજ્યને સૂચના આપવામાં આવી છે કે ગટર સાફ કરતી વેળાએ સફાઈ કર્મચારીઓને ફરજીયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. પરંતુ આ સૂચનાનું પાલન થતું નથી અને એટલે જ આજ પર્યંત આવી દુર્ઘટનામાં મોતને ભેટતા કર્મચારીઓના સમાચાર નિયમિત રીતે અલગ અલગ જગાઓથી આવતા રહે છે.
   કોણ જવાબદાર છે આ નિર્દોષ મનુષ્યોના મૃત્યુ બદલ? સફાઈનું ઉત્તમ કામ કરતા લોકો પ્રત્યે કાળજીની ઉદાસીનતા? બેદરકારી? સુરક્ષાના સાધનો પાછળ થનાર ખર્ચ બચાવવાની લાલચ?
     મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેર પર્સન આનંદ મહિન્દ્રાએ આ બાબત અંગે ઉંડા દુ:ખ અને રોષની લાગણી પ્રકટ કરતા ટ્વીટ કર્યું હતું કે "બસ હવે બહુ થયું. માનવ જીવનનું આ હદે અવમૂલ્યન હવે બહુ થયું. મેં અગાઉ પણ એક ઓટોમેટિક સફાઈ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા રોબોટ મશિન - બેન્ડીકૂટ અંગે ટ્વીટ કર્યું હતું. આવા બીજા પણ મશિન બજારમાં ઉપલબ્ધ છે. કોણ રોકે છે તેનો મોટે પાયે ઉપયોગ કરતા આપણને? જો એનું મોટે પાયે ઉત્પાદન કરવા નાણાંની જરૂર હોય તો હું એ માટે તૈયાર છું. "
    બેન્ડીકૂટ કેરળના એંજીનિયર યુવાનોએ તૈયાર કરેલું રોબોટ મશિન છે જે કરોળિયા જેવા આકારનું છે અને તેનું એક યૂનિટ મેનહોલ માં ઉતરી સફાઈનું કામ કરે છે જ્યારે બીજું યૂનિટ બહાર માનવ દ્વારા સંચાલિત હોય છે જે ગટરમાં ઉતારેલા યૂનિટને કંટ્રોલ કરે છે.આ મશિન રોબોટ પોતાની મેળે ગટરનું ઢાંકણું ખોલે છે, ગટરમાં ઉતરે છે અને અસરકારક રીતે સફાઈનું કામ ૧૫ થી ૪૫ મિનિટમાં પૂર્ણ કરે છે.
કેરળના એંજીનિયર યુવાનોએ જેનરોબોટિકસ નામની કંપની સ્થાપી છે જેનો આશય માનવ દ્વારા થતા મળસફાઈ કે ગટર સફાઈના કામનો અંત આણવાનો છે. થીરૂવંતપુરમમાં પ્લાસ્ટિક, કચરો અને મેડિકલ વેસ્ટ ભરેલા પાંચ મેનહોલ સફળતાપૂર્વક બેન્ડીકૂટ દ્વારા સાફ કરાઈ ચૂક્યા છે. જેનરોબોટિકસના ૨૫ વર્ષીય સી. ઈ. ઓ. કહે છે કે હવે મેનહોલ ને રોબોહોલ માં બદલી નાખવાનો સમય આવી ગયો છે. રોબોટને ગટર ના ઝેરી વાયુ, ઓક્સિજન નો અભાવ, ગરમી કે અમાનવીય પરિસ્થિતિ નડતા નથી. એ સફાઈ કર્મચારીઓને માટે અતિ જરૂરી એવા સુરક્ષા ટોપી, સુરક્ષા જેકેટ, મોજા કે માસ્કસ વગર કામ કરી શકે છે. સફાઈ કર્મચારીઓની જાનના ખતરા અને અમાનવીય કામ ની સમસ્યા સામે બેન્ડીકૂટ જેવો ઉકેલ આશાના કિરણ સમાન છે.
       આશા સેવીએ કે દેશભરમાં ગટરોની સફાઈ માટે હવે ઓટોમેટિક રોબોટ મશીનોનો જ ઉપયોગ થાય અને સફાઈ કર્મચારી તેને ઓપરેટ કરવાનું કામ કરે નહીં કે સુરક્ષા સાધનો વગર ગટરમાં ઉતરવાનું.

3 ટિપ્પણીઓ:

 1. Today Janmabhoomi artical - ' Death due to cleaning Gutter' very important issue to stop death if innocent labour's,,who do this kind of work for money only.- I think we have to approach proper authority who looks after cleaning in BMC.Only writing in news paper does not serve any purpose.

  જવાબ આપોકાઢી નાખો
 2. તા. ૨૨/૯/૧૯ રવિવારનો આપનો લેખ વાંચી હૃદય દ્રવી ગયું. તમારો પ્રશ્ન છે કોણ જવાબદાર? મને લાગે છે,’ઉસમેં કુછ નહિ હોતા’ વાળો આપનો અભિગમ. સફાઈ કામદારનો માલિક સલામતીના સાધનો આપતો નથી તો એ કામદાર પણ પોતાનો હક્ક માંગતા નથી.
  ચોમાસાના દિવસોમાં કોલેજની ૬/૭ સહેલીઓ પીકનીક મનાવવા ગઈ અને ત્યાંના વહેતા જોરદાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. વાંચીને ઘણું દૂખ થયું. બીજે દિવસે પોલીસનું સ્ટેટમેન્ટ આવ્યું કે તે જગા ચોમાસામાં જોખમી છે અને ત્યાં પહોંચવામાટે દાખલ થવાની દરેક જગ્યાએ મોટા હોર્ડિંગ લગાવેલા છે. પરંતુ ‘ઉસમેં ક્યા હે કુછ નહિ હોતા.’આજ અભિગમ મારા ઘરે રીપેર કરવા માટે કામદારને બારીની બહાર ઉતારી નીચેવાળાના બારીના છજા પર ઉતરી ઉભા રહી કામ કરવાનું હતું. કોઈ પણ સલામતીના સાધન વગર તેને ઉતારવા માંડ્યું. મેં તેનો વિરોધ કર્યો. ત્યારે તેના સાથીદારે કપડા સૂકવવાની પ્લાસ્ટિકની રસ્સી લઈ આવી નીચે ઉતારનાર કામદાર ની કમરે બાંધી ઉતાર્યો. અલબત્ત આ વ્યવસ્થાથી મને સંતોષ ન હતો પણ તેઓએ મને ધરપત આપી કામ કર્યું. પોતાના જીવનની સલામતી માટે આ કેવી બેદરકારી.
  મારા ઘરની બારીની સામે મારા પાડોશીની બારીઓ દેખાય છે. તેમને ત્યાં કામ કરતી ૧૮/૨૦ વર્ષની મહિલા સ્લાઈડિંગ બારીઓ સાફ કરી રહી હતી. બારીઓ સંપૂર્ણ ખોલી સીડી પર ચડી ઉપરની ફિક્સ બારી સાફ કરી રહી હતી. મારો જીવ અધ્ધર થઈ ગયો. એક નાનકડી શરતચુક અને તે સિદ્ધિ નીચે પડે તેમ હતું ઘરમાં માલકીન બહાર ગઈ હતી. ‘કુછ નહિ હોતા ‘
  બસ સ્ટોપ પર હજૂ બસ થોભે તે પહેલા ચાલુ બસે ચડનારા, ગાડીઓને જવાનું સિગ્નલ ચાલુ હોય તે વખતે જ રસ્તો નાના બાળકો સાથે રસ્તો ક્રોસ કરનારા, ટ્રેનના દરવાજે લટકીને સફર કરનારા એવા તો કેટ કેટલા જેઓ સતત પોતાની જાન સાથે ખેલનારા સમાજમાં જવાબદારી કોની એ પ્રશ્નનો શું હોઈ શકે? સફાઈ કામદારો પ્રત્યે મારી બધી હમદર્દી છે પરંતુ ‘ કુછ નહિ હોતા‘ પ્રત્યેની જવાબદારી કોની?

  જવાબ આપોકાઢી નાખો
 3. હું પણ છેલ્લા દોઢ વર્ષથી આ અંગે કઇંક કરવા મથી રહી છું. મેં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનને હાથે જાતે પત્રો લખ્યાં છે. છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. કમનસીબી છે કે કેટલાક ચોક્કસ લોકોએ આવું કામ કરવું પડે છે અને એથી પણ વધુ ખરાબ વાત એ છે કે તેમનું મૃત્યુ ગટર સાફ કરતાં થાય છે. હું મારી જાતને અતિ લાચાર અનુભવું છું જ્યારે આવા કોઈ સમાચાર વાંચું છું.

  જવાબ આપોકાઢી નાખો