Translate

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

ગેસ્ટ બ્લૉગ : વિસર્જન

       સંતાનનો જન્મ થતાં જ ચારેબાજુ આનંદની લહેરો ઉઠે. બરફી અને પેંડા વહેંચાય. ગીતો ગવડાવાય. અભિનંદનની વર્ષા થાય. એટલું જ નહીં, હર વર્ષે એ જન્મદિન અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવાય. પણ મૃત્યુ દિન આવે ત્યારે બધાં જ વાંચેલું ભૂલી જાય. જન્મ છે તેનું મૃત્યુ છે. નામ છે તેનો નાશ છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પણ બીજા જીવનની શરૂઆત છે. મૃત્યુ એ જૂના કપડાં ત્યજીને નવા કપડાં ધારણ કરવાનો અવસર છે. આ સત્ય સમજવા હોવા છતાં પણ નાસમજ બની જઈએ. મૃત્યુ એ પણ મહોત્સવ છે ને એનો હસતાં હસતાં સ્વીકાર કરવાને બદલે આંસુઓ અને શોકથી વાતાવરણને ભારેખમ બનાવી દઇએ. આ ભારેખમતાને હળવાશમાં બદલવા માટે અને મૃત્યુના મર્મને સમજવા માટે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ. ગણપતિ બાપાનું આગમન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવે. નાચતાં નાચતાં અને ઢોલ નગારા વગાડતાં ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે. ઘરે લાવેલા ભગવાનની અનન્ય શ્રદ્ધાથી પૂજા થાય. દસ દસ દિવસ સુધી આનંદની હેલી ઉઠે. ભક્તિ ભાવનાની મહેક પ્રસરે. દસ દિવસ બાદ એ જ ગણપતિ બાપાનું એટલી જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે.  પંચ મહાભૂતમાંથી બનેલો દેહ પંચ મહાભૂતમાં જ વિલીન થવાનો છે એ વાતનો સાક્ષાત્કાર ગણેશજીને જળરાશિમાં વિસર્જિત કરીને થાય. બાપાના વિસર્જન વખતે 'બાપા મોરિયા' અને પુઢચ્યા વર્ષી લવકર યા' નાં નારાઓ ગૂંજે. વિદાય આપતાં દિલ કદાચ રડતું હોય છે પણ બાપા ફરી પાછાં આવતા વર્ષે આવવાનાં છે એની ખુશી મુખ પર છલકતી હોય છે. ગણપતિનાં પુનરાગમન માટે તો વર્ષની રાહ જોવી પડે જ્યારે આ જીવને તો ફરી જન્મ લેવા માટે એક પળની પણ રાહ નથી જોવી પડતી. મૃત્યુ થતાંની સાથે જ જીવ બીજા રૂપે જન્મી જતો હોય છે. આમ મૃત્યુ એ માત્ર પરિવર્તન છે. આ પરિવર્તનની ઘટનાને અનેક રીતે અમર બનાવી શકાય. નેત્રદાન કરીને અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપી આપણે દુનિયાને ફરીથી નિહાળી શકીએ. ત્વચાદાન કરીને અન્ય વ્યક્તિ  દ્વારા ફરી સ્પર્શની દુનિયાનો અહેસાસ કરી શકીએ. દેહદાન કરીને  અન્ય વ્યક્તિ દ્વારા ફરી જીવંતતાની અનૂભુતિ કરી શકીએ. કદાચ કોઈ અકળ કારણસર આપણે જો આ દેહ કે દેહના અંગોનું દાન ન કરી શકતા હોઈએ તો મૃત્યુ પહેલાં સહુને એટલું તો જરૂરથી કહી શકીએ કે મારા મૃત્યુ પછી શોકસભા, પ્રાર્થના સભા કે જમણવાર એવા ખોટા ખર્ચા કરવાને બદલે મારો પૈસો સદુપયોગમાં વપરાય એવું કરજો.
૧.   કોઈ ભૂખ્યાને અન્ન આપજો .
૨.   કોઈ તરસ્યાની પ્યાસ બુઝવજો. 
૩.   કોઇ ગરીબને શિક્ષણ અપાવજો. 
૪.   કોઈ બિમારની દવા કરાવજો. 
૫.   કોઈ વિકલાંગ ને આધાર પૂરો પાડજો
૬.   પક્ષીને ચણ અને પાણી આપજો. 
૭.   ગાયને ઘાસ અને પાણી આપજો. 
૮.   એકાદ વૃક્ષનું રોપણ કરજો. 
            એ તૃપ્ત લોકોના હાસ્યમાં, પંખીઓના કલરવમાં, ગાયના ભાંભરવામાં ને વૃક્ષના નવ પલ્લવિત પર્ણમાં હું જીવંત રહીશ .વિસર્જનમાં જ સમાયેલ સર્જનની અનુભૂતિ કરાવી શકીશ. 
    -    રોહિત કાપડિયા

1 ટિપ્પણી: