Translate

સોમવાર, 8 જુલાઈ, 2019

બર્થ ડે ઉજવવાની અનોખી રીત

      ઉદારતાનો પ્રસાર કરવાની આંતરરાષ્ટ્રીય ચળવળ 'યોર ટર્ન નાઉ' ના સ્થાપક એવા ૪૦ વર્ષીય ઋષભ તુરખીયાએ પોતાના ૪૦માં જન્મદિવસ નિમિત્તે ઉદારતાના કાર્યો કરતા રહેવામાં માનતા અન્ય ૪૦ જણને પોતાની સાથે ઓછામાં ઓછું એક ઉદારતાનું કામ કરવા નામાંકિત કર્યા. તેમણે પોતાનો ૪૦મો જન્મદિવસ આ ૪૦ ઉદારતાનો પ્રસાર કરતી અને અન્યોને ખુશ થવાનો મોકો આપતી   ચેષ્ટાઓ સાથે અનોખી રીતે ઉજવ્યો :

૧. ગાડી ધોઈ સ્વચ્છ કરનારાને ચા - બિસ્કીટ આપ્યાં
૨. રસ્તામાં મળનાર અજાણ્યા જણને ગુલાબનું ફૂલ આપ્યું
૩. રસ્તાની સાફસફાઈ કરનારને વેફર અને જ્યુસ આપ્યાં
૪. સિનિયર સિટીઝન સાથે જલેબીનો સવારનો નાસ્તો કર્યો
૫. હોસ્પિટલના વોર્ડબોય કે વોર્ડલેડી સાથે સવારનો નાસ્તો કર્યો
૬. ગટર સાફ કરનારને આભાર માનતી નોટ અને બિસ્કીટ આપ્યાં
૭. ભીખ માંગતા બાળકોને દૂધ આપ્યું
૮. વૃક્ષારોપણ કર્યું
૯. માળીઓને મીઠાઈ આપી
૧૦. પેટ્રોલ પંપ પર ચોકલેટ ફજનું વિતરણ કર્યું
૧૧. બસ કે રીક્ષા ની કતારમાં ઉભેલા લોકોને ચોકલેટ આપી
૧૨. ટપાલીઓ સાથે નાસ્તો કર્યો
૧૩. ડબ્બાવાલાઓ સાથે નાસ્તો કર્યો
૧૪. મન સંસ્થાના દીવ્યાંગ બાળકોને યોગનું શિક્ષણ આપ્યું
૧૫. એંજલ એક્સપ્રેસ ફાઉંડેશન સંસ્થાના ગરીબ બાળકોને ગણિત શીખવવાનું ખાસ સત્ર યોજ્યું
૧૬. સિક્યોરિટી અને હાઉસ કીપીંગ સ્ટાફના કર્મચારીઓને મીઠાઈ આપી
૧૭. જરૂરિયાતમંદને પુસ્તકોનું વિતરણ કર્યું
૧૮. અનાથાશ્રમમાં કપડાંનું વિતરણ કર્યું
૧૯. સુથાર અને રંગારાઓને બપોરનું જમણ આપ્યું
૨૦. ડ્રાઇવર્સને નાસ્તો આપ્યો
૨૧. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને ગાડીમાં લિફ્ટ આપી
૨૨. કન્યાને એક વર્ષનું શિક્ષણ આપ્યું
૨૩. બેઘર લોકોને જમણ આપ્યું
૨૪. રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દીવ્યાંગ જનને વ્હીલચેરનું દાન કર્યું
૨૫. પ્રીસ્કૂલની આયા-મૌશીઓને લંચ પેકેટ આપ્યાં
૨૬. ચોક્કસ સાઇટ પર મજૂરી કરતા લોકો સાથે જમણ કર્યું
૨૭. ટ્રાફિક પોલિસને ઠંડા પાણીની બોટલનું વિતરણ કર્યું
૨૮. રસ્તા પરના ફેરિયાઓને જ્યુસ આપ્યું
૨૯. અહિંસા સંસ્થાને પ્રાણીઓ માટે વિટામિન્સ ની દવાઓનું દાન કર્યું
૩૦. હોટેલમાં વેઇટર્સને મીઠાઈના પેકેટ આપ્યાં
૩૧. જય વકીલ સ્કૂલના દીવ્યાંગ બાળકોને આર્ટ મટિરિયલનું વિતરણ કર્યું
૩૨. માળીઓને એક મહિનાના રેશનનું વિતરણ કર્યું
૩૩. શેરીના બાળકો સાથે રમત રમી
૩૪. અજાણ્યા જણને જાદૂકી ઝપ્પી (ભેટવું) આપી
૩૫. પોતાની સ્કૂલના આચાર્યની સૌજન્ય મુલાકાત લીધી
૩૬. જરૂરિયાતમંદને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કર્યું
૩૭. નર્સીંગ હોમમાં નર્સને ફૂલ અને મીઠાઈ આપ્યાં
૩૮. ફુગ્ગા વેચનારાને મિલ્કશેક આપ્યું
૩૯. રિક્ષા ડ્રાઇવર્સને આઇસક્રીમ આપ્યાં
૪૦. પોતાના શરીરના ૧૧ અવયવો - કિડની, હ્રદય, લિવર, ફેફસાં, પેનક્રીઆઝ, આંખો, ત્વચા, આંતરડું, કાનના પડદા, હ્રદયનો વાલ્વ, હાડકાં નાં દાનનો નિર્ણય કર્યો.

આ અનોખી જન્મદિનની ઉજવણીમાં ૨૪૫૦ વ્યક્તિઓને આવરી લેવામાં આવી. એ સૌના ચહેરા પર, ભલે થોડી ક્ષણો પૂરતી પણ ખુશી રેલાઈ અને એનું નિમિત્ત બન્યા ઋષભ તુરખીયા.
મારી દીકરી નમ્યાના પ્રથમ છ પૈકી પાંચ જન્મદિન મેં પણ થોડી નોખી રીતે, અલગ અલગ અનાથાશ્રમમાં જઈને ઉજવ્યા હતાં. ત્યારબાદ તેના બે જન્મ દિવસ સાદાઈથી અંગત રીતે પરિવાર સાથે જ ઉજવ્યા, પણ આ વર્ષે ૨૫મી જૂને આવનારો તેનો ૯મો જન્મદિવસ પણ અગાઉની જેમ કોઈક અનાથાશ્રમમાં જઈ ઉજવવાની ઇચ્છા તેણે સામેથી વ્યક્ત કરી અને મારું હ્રદય આનંદથી છલકાઈ ઉઠયું. કોઈ પાસે આપણે કંઈક આગ્રહ કરી કે ક્યારેક ધાક ધમકી થી કરાવીએ ત્યારે થતો સંતોષ અને કોઈક વ્યક્તિ આપણી ધારણા મુજબનું કે આપણી વિચારસરણીને અનુસરતું વર્તન સામેથી કરે ત્યારે મળતા પરમ સંતોષની લાગણીમાં ફરક હોય છે! ઋષભભાઈની અનોખી વર્ષગાંઠની ઉજવણીની વાત તાજી જ વાંચવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈ મેં પણ નમ્યાની નવમી બર્થ ડે નવ કોઈક નવલી નવ ઉજવણીઓનો સમાવેશ કરી મનાવવાનું નક્કી કર્યું.
થોડી પૂર્વ તૈયારી બાદ આ મિશન સફળ રહ્યું! નીચેની ૯ ચેષ્ટાઓ દ્વારા નમ્યાબેનનો નવમો જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવાયો :
૧. નમ્યાના સ્કૂલ અને ઘરના આસપાસનાં મિત્રો માટે ખાસ પ્રકારની અંદર ચોકલેટ હોય તેવી બિસ્કિટ લઈ આવ્યા અને તે વહેંચી.
૨. બંગાળી મીઠાઈ ખરીદી જે અમે પરિવાર જનોએ, અમારા ઘેર કામ કરવા આવતા બહેને અને સવારે બિલ્ડીંગની સફાઈ કરવા આવતા બહેને માણી
૩. કેળાની વેફરના ખાસ પેકેટસ બનાવડાવ્યા અને તે મંદિર પાસે ફૂલ વેચતી બહેનને, એક જોડા સીવતા ભાઈને અને સવારે રસ્તાની સફાઈ કરવા આવતા ત્રણ ભાઈઓને ચોકલેટ સાથે વહેંચ્યા
૪. અમારા ઘેર કામ કરવા આવતા બહેનને તેમના બે નાનકડા સ્કૂલે જતાં બાળકો માટે નોટબુકસ લઈ આપી
૫. તુલસીના છોડનું નમ્યાના હાથે રોપણ કરાવ્યું જેમાં તેના અઢી વર્ષ નાનકડા ભાઈએ પણ હર્ષ અને ઉત્સાહ પૂર્વક સહકાર આપ્યો!
૬. જન્મદિવસ નિમિત્તે પરિવારને જન્મદિવસ બાદ નમ્યાની મનપસંદ હોટલમાં ડિનર કરાવ્યું અને ડિનર બાદ 'વેફલ'નું ડિઝર્ટ એન્જોય કર્યું!
૭. નમ્યા માટે થોડી સોનાની ખરીદી કરી જે તેને ભવિષ્યમાં કામ લાગે
૮. જે અનાથાશ્રમમાં જવાના હતા ત્યાંના રહેવાસીઓ માટે પચાસ જણનું ખાવાનું બનાવવાનો ઓર્ડર કેટરિંગનું કામ કરતા એક બહેનને આપ્યો અને તેમને આવક થાય એ આશય સાથે જ તેમને પણ આ શુભ કાર્યમાં સહભાગી થવાનો મોકો આપ્યો

૯. ૨૫મી જૂનની સાંજે નમ્યા સ્કૂલેથી છૂટીને ઘેર આવી એટલે અમે પરિવારના છ - એક સભ્યો મલાડમાં માલવણી વિસ્તારમાં આવેલા શ્રમ યશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા અનાથાશ્રમ (ફોન નંબર - ૯૯૨૦૧૮૦૯૦૫)  પહોંચી ગયા જ્યાં પાંત્રીસેક બાળકો અને કેટલીક નિરાશ્રિત મહિલાઓ અને કેટલાક વૃદ્ધો એમ કુલ પચાસેક વ્યક્તિઓ રહે છે. કિટકેટ અને રંગબેરંગી જેમ્સ ચૉકલેટસની બનેલી નવ ના આંકડા થી સુશોભિત કેક અમારી પહેલા ત્યાં પહોંચી ચૂકી હતી! આ બર્થ ડે ઉજવણીની રીત એ ઉબેર ટેક્સી ડ્રાઇવર વાળા અમને ત્યાં લઈ જનાર ભાઈ ને એટલી ગમી ગઈ કે તે પણ ત્યાં પહોંચી ગયા બાદ ગાડી બંધ કરી અમારી સાથે જોડાઈ ગયા! કેક પર ભરાવેલી મીણબત્તી બુઝાવવાની પ્રથા ન અનુસરતા મીણબત્તી નમ્યાના હાથે પ્રગટાવી અને પછી એ ત્યાં ઈશુ સમક્ષ મૂકી દીધી અને નમ્યા બેને કેક કાપી! અમે સૌ એ સાથે મળી ઈશુને અને પોતપોતાના ભગવાનને યાદ કર્યા, પ્રાર્થના કરી. ત્યાં બાળકોની સંભાળ રાખતા બહેને જ્યારે હાથ જોડી આંખો બંધ કરી સૌ સમક્ષ ઇશ્વર આરાધના કરી અને નમ્યા અને ઉપસ્થિત સૌ માટે શુભાશિષની માંગણી કરી ત્યારે એક ખૂબ સુંદર લાગણીનો અનુભવ થયો. કેક ખાધા બાદ અમે સૌએ સાથે બેસીને જ થેપલા, સૂકી ભાજી, બીરિયાની ભાત અને ગુલાબજાંબુનું સ્વાદિષ્ટ ભોજન લીધું અને આનંદ અને સંતોષની એક સારું કાર્ય કર્યાની લાગણી સાથે એ જ ઉબેર ગાડીમાં પાછા ફર્યા જેમાં બેસી અમે ત્યાં ગયા હતાં. આશ્રમના સંચાલક બિપીન શિર્સત અને અનિતા એનથોની  સાથે ઘણી વાતો કરી હતી જે ફરી ક્યારેક તમારા સૌ સાથે જુદા બ્લોગ લેખ દ્વારા શેર કરીશ.














4 ટિપ્પણીઓ:

  1. બર્થ ડે ઉજવવાની અનોખી રીત બ્લોગ લેખ ખૂબ ગમ્યો.એ વાંચી મને મેં પણ કંઈક આ જ રીતે કરેલી મારી ષષ્ટીપૂર્તિ અને રક્ષાબંધનની ઉજવણી યાદ આવી ગઈ.મારો જન્મદિવસ ૧૮ ઓગષ્ટે આવે અને મારો ૬૦ મો જન્મદિવસ હતો ત્યારે રક્ષાબંધન પણ આવતી હોઈ મેં રોજીંદા જીવનમાં ઉપયોગી થતા ૬૦ લોકો જેવા કે સાફસફાઈ વાળા, ઘરકામ વાળા,વોચમેન,લિફ્ટ મેન, દૂધ વાળા, શાક વાળા વગેરેને રાખડી બાંધી, જાતે બનાવેલી ડ્રાયફ્રૂટ સુખડી અને રોકડા રૂપિયાનું કવર આપી બર્થડે અને રક્ષા બંધન ઉજવ્યા હતા. તેઓ આશ્ચર્ય ચકિત થઈ મને પૂછવા લાગ્યા કે "મેડમ હમે ક્યું?" પણ તેમણે સહર્ષ આ ચેષ્ટા વધાવી લીધી હતી.કેટલાક તો રાખડી બાંધ્યા પછી મને રૂપિયા આપવા માંડ્યા હતાં ત્યારે મારી આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા અને મારે તેમને કહેવું પડ્યું હતું કે ભાઈ આજે હું લેવા નહી,તમને આપવા આવી છું.આ પ્રસંગ બાદ મેં અનુભવેલા સંતોષ અને સુખ-શાંતિની લાગણી શબ્દમાં વ્યક્ત થઈ શકે નહિં.

    જવાબ આપોકાઢી નાખો
  2. બર્થ ડે ઉજવવાની અનોખી રીત બ્લોગ લેખમાં દર્શાવેલ બર્થડેની ઉજવણીની રીત ખરેખર હ્રદયસ્પર્શી હતી.બાળકોમાં 'શેર એન્ડ કેર' જેવા વિચાર-સંસ્કાર સિંચવાની કેટલી અસરકારક અને અનોખી રીત!નમ્યાને અને સાથે સંકળાયેલા સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!!

    જવાબ આપોકાઢી નાખો
  3. બર્થ ડે ઉજવવાની અનોખી રીત બ્લોગ લેખ ખૂબ સારો રહ્યો.બધાંએ આ રીતે જન્મદિવસ ઉજવવાની રીતનું અનુકરણ કરવું જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો
  4. ઇશ્વરલાલ કોસંબિયા20 જુલાઈ, 2019 એ 01:03 PM વાગ્યે

    તમે દર વખતે તમારી દિકરીનો જન્મ કઈ નવી રીતે ઉજવશો એ વાંચવાની તત્પરતા હોય છે. ઘણી ઘણી શુભેચ્છાઓ!

    જવાબ આપોકાઢી નાખો