Translate

શનિવાર, 20 જુલાઈ, 2019

નિવૃત્તી પછી પ્રવૃત્તિ

Hi, my dad (63) is looking for a part/full time job in any industry to keep himself mentally active. Something in administration? Previously: hotel management+industrial technologies. Very hard-working & an excellent communicator. Areas: betn Dadar & Thane + New Bombay. Pls help?

- @sundermanbegins (Shruti Sunderraman) 

  સંસ્કૃતિ, સંગીત, કલા, લિંગભેદ, માનસિક સ્વાસ્થ્ય અને જાળવણી વિશે લખતી, સંશોધન કરતી અને શબ્દો, ઈવેન્ટ્‌સ અને ડિજિટલ મૂવમેન્ટસ સાથે જોડાયેલી શ્રુતિ સુંદરરમન નામની એક યુવતિએ નવેમ્બર ૨૦૧૮માં ઉપરોકત ટ્વીટ કરી જગતને જણાવ્યું હતું કે "મારા પિતા (વય ૬૩ વર્ષ) માનસિક રીતે કાર્યરત રહેવા માટે કોઈ પણ ક્ષેત્રે પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ નોકરી કરવા ઇચ્છે છે. એડ્મિનિસ્ટ્રેશન ખાતે કોઈ નોકરી? તેમનો અનુભવ : હોટલ મેનેજમેંટ + ઇન્ડસ્ટ્રિઅલ ટેક્નોલોજી. ખૂબ મહેનતુ અને અતિ સારા વક્તા. દાદર અને થાણે + નવી મુંબઈ વચ્ચે. મદદ કરો! “
  
  આ ટ્વીટ મને એટલું ગમી ગયેલું કે મેં લાઇક કરી રાખેલું હતું અને આજે સાત - આઠ મહિને એ વિશે લખવાનો અવસર આવ્યો! અંગ્રેજીમાં પોસ્ટ થયેલ આ ટ્વીટના રીપ્લાય ઓપ્શન દ્વારા પ્રિયાએ વધુ થોડી માહિતી શેર કરી હતી. એ રીપ્લાય ટ્વીટ આ રહી :
   I personally feel he'll thrive in a cultural sector (like cultural societies/music schools/dance recital studios etc) because he has a lot of insight, resources and communicative skills to offer and it will keep him emotionally fulfilled. Please DM if you have any leads.
"હું અંગત રીતે માનું છું કે સાંસ્કૃતિક ક્ષેત્રે (જેવી કે સાંસ્કૃતિક સંસ્થા /સંગીત શાળા /ડાન્સ રીસાઈટલ સ્ટુડિયો વગેરે) તેઓ ઝળહળી ઉઠશે!કારણ તેઓ આ વિષય માટે જરૂરી સારી સૂઝબૂઝ, સ્રોતો અને વકતૃત્વ કલા ધરાવે છે અને આ ક્ષેત્રે કામ તેમને માનસિક રીતે પરિતૃપ્ત રાખશે. જો તમે આ અંગે ઘટતું કરી શકો એમ હોવ તો મને DM (ડાઇરેક્ટ મેસેજ) કરવા વિનંતી. “

     શ્રુતિના પિતાને તો આ ૪૬૭ વાર રીટ્વીટ થયેલા અને ૩૪૮ લાઇકસ પામેલા ટ્વીટ બાદ નોકરી મળી જ ગઈ હશે, પણ મુદ્દો એ નથી. આ ટ્વીટ મેસેજ સાથે ત્રણ પહેલુઓ જોડાયેલા છે. એની વાત આજના બ્લોગ થકી કરવી છે. 

એક આમાં એક દીકરીની પિતા પ્રત્યેની લાગણી છલકાય છે. સામાન્ય રીતે માતા પિતા પોતાના સંતાનો માટે નોકરી શોધતા હોય છે. પણ અહીં લાગણીથી ભારોભાર છલકાતી એક દીકરીની પિતા પ્રત્યેની કાળજી ડોકાય છે. નિવૃત્ત થયા બાદ પિતાના માનસિક  અને શારીરિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત એક પુત્રી તેમની કાબેલિયત અને અનુભવ ને આધારે તેમના માટે નોકરી શોધી રહી છે આ એક અનોખી બાબત છે! દરેક સંતાનોએ માબાપની આમ કાળજી લેવી જોઈએ.

બીજો પહેલુ છે નિવૃત્તિ બાદની પ્રવૃત્તિની જરૂરિયાતનો. 'આખી જિંદગી કામના ઢસરડા કર્યા બાદ હવે આરામ' એવી મનોવૃત્તિ ધરાવતા વૃદ્ધો સંતાનો અને અન્યોના ઠેબે ચડી દયનીય સ્થિતિમાં પાછલી જિંદગી જીવતા હોય છે ત્યારે નિવૃત્તિ બાદ પણ પોતાને ગમતી કે પોતાના કૌશલ્ય મુજબની પ્રવૃત્તિને અપનાવી તમે પોતાનું કે આસપાસના અનેકનું જીવન આનંદમય અને વધુ જીવવાલાયક બનાવી શકો છો. કદાચ શારીરિક રીતે વધુ મહેનત કરી શકવાની સ્થિતિમાં ન હોવ તો પણ નિવૃત્તિ બાદ ઘણું બધું કરી શકાય છે. તમે આખી જિંદગી શું કરવાની બેહદ ખેવના રાખતા હતા એ હવે કરી શકો એમ છો. બસ થોડું મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવો અને કઇંક શીખવવું, ઘેર બેઠાં કોઈક સર્જન કરવું, ઘેર કે ઓફિસમાં બેસીને કોઈક વ્યવસાયમાં જોડાઈ વ્યસ્ત રહેવું, શોખ પૂરા કરવા, સમવયસ્ક કે વયની મર્યાદા બહાર જઈ મિત્રો બનાવવા અને તેમની સાથે ગુણવત્તા સભર સમય પસાર કરવો - ઘણું બધું થઈ શકે તેમ છે.

  ત્રીજો પહેલુ છે સોશિયલ મીડિયાના સશક્ત માધ્યમના ઉપયોગનો. શ્રુતિએ વિચાર્યું નહીં હોય કે લોકો શું કહેશે - ઘરડા બાપ પાસે નોકરી કરાવવા નીકળી છે, આમ નોકરીની ભીખ મંગાય, હવે આ ઉંમરે બાપાને શાંતિથી જીવવા દે.. આવું બધું લોકો કહેશે એમ વિચાર્યા વગર તેણે મનની વાત ટ્વિટરના માધ્યમથી શેર કરી અને કેટલાય રીટ્વીટસ અને લાઇકસ સાથે અનેક જવાબ પણ તેને આ ટ્વીટ સંદેશ માટે મળ્યાં. કેટલાક મજેદાર, ઉપયોગી તો કેટલાક વિચારશીલ અને કેટલાક ફાલતુ પણ! આવો આ જવાબોની મજા માણીએ!
એક જણે જવાબમાં પોતાના પિતાની પ્રેરણાત્મક વાત શેર કરી. 

જગતજીત (@jackiekhurana) નામના આ યુવાને લખ્યું : “મેં મારા પિતાને બિઝનેસ બંધ કરી હું જ્યાં નોકરી કરતો હતો એવા મારા વતનમાં આવી વસવા આગ્રહ કર્યો. છ મહિના તેમણે આ રીતે પ્રવૃત્તિહીન બેચેનીમાં વિતાવ્યા પણ પછી કંઈક કરવાની તેમની ચાહને લીધે તેમને વ્યસ્ત રાખવા મેં પુણેમાં તેમને એક નાનકડી હોટલ ખોલી આપી અને તે તો આ ધંધા ને એક એવા નવા સ્તરે લઈ ગયા કે મેં મારી નોકરી છોડી દીધી અને હું તેમના ૧૧ આઉટલેટ્સ નું કામ સંભાળુ છું!“ જેબ્બાત! આ ટ્વીટ સંદેશને પણ  સો થી વધુ લાઇકસ મળી અને દસેક જણાએ પ્રત્યક્ષ જવાબ આપી એ વયસ્ક અને તેમના પુત્રને બિરદાવ્યા. 

એકાદ જણે ભૌગોલિક મર્યાદાને કારણે મદદ ના કરી શકવાની લાચારી દર્શાવી પણ શ્રુતિ ને બિરદાવી અને વર્ચુઅલ હગ્‌સ મોકલાવ્યાં! 
તો અન્ય એક જણે કહ્યું કે તે આમાં શ્રુતિની પ્રત્યક્ષ કોઈ મદદ કરી શકે તેમ નથી પણ તે ચોક્કસ પ્રાર્થના કરશે કે તેના પિતાને યોગ્ય નોકરી જલ્દી મળી જાય. 

એક યુવતીએ લખ્યું : હું આમાં પ્રત્યક્ષ કોઈ રીતે મદદરૂપ થઈ શકું એમ નથી પણ એક નિરીક્ષણ શેર કરીશ. તમારા પિતા એકસ - હૉસ્પિટાલીટી ના માણસ છે અને આવા લોકો કો-વર્કિંગ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. મેં પોતે મારી કો-વર્કિંગ સ્પેસ માટે આવી એક વ્યક્તિને નોકરીએ રાખી છે. 

અન્ય એક યુઝરે ટ્વીટ જવાબ લખ્યો કે 
ખાનગી (નોન ટોપ) સ્કૂલ હંમેશા નાની એવી ટીમને મેનેજ કરી શકે અને કામ કરાવી શકે એવી વ્યક્તિની શોધમાં હોય છે. એડમિન ઓફિસર પ્રકારના અને ખાસ કરીને નિવૃત્ત એવા લોકો આ જોબ માટે બેસ્ટ સાબિત થતાં હોય છે. 

અન્ય એક યુવતિએ જવાબી ટ્વીટ દ્વારા પોતાના પિતાની વાત શેર કરતા લખ્યું : મારા પિતા નિવૃત્તિ બાદ હજી પણ કાર્યરત છે. આ પેઢીના લોકો માટે પોતાની જાતને એક્ટિવ અને બીઝી રાખવા માટે નોકરીનું મહત્વ કેટલું છે એ હું જાણું છું. હું આશા રાખું છું કે તમારા પિતાને જલ્દી જ તેમને ગમે એવું કંઈક મળી રહે!

    સંજીવ (@sanjeevJV) નામના એક યુવકે લખ્યું : હાય શ્રુતિ, મારા પિતા લગભગ ૬૫ની ઉંમરના છે અને પતંજલી સાથે કામ કરે છે. સૌથી સારી વાત છે કે તેઓ યોગ શીખવે છે અને મારા પિતા એમાં માસ્ટર બની ચૂક્યા છે. કદાચ પતંજલીની ખાસિયત છે કે તેઓ મોટી વયના લોકો સાથે જોડાયેલા છે અને તેમને સારી તકો પૂરી પાડે છે. તમારે ત્યાં નજીકમાં પતંજલી હોય તો તેમનો સંપર્ક સાધો. 

      અન્ય એક જણે પોતાનું ઈમેલ આઇડી આપી શ્રુતિ ને પોતાનો સંપર્ક સાધવા જણાવ્યું તો બીજા એક જણે પોતાના કોઈ ઓળખીતા નો સંપર્ક આપી શ્રુતિને તેમની સાથે વાત કરવા જણાવ્યું.

      તો વળી સાડા ૬૨ વર્ષ ના એક આધેડે શ્રુતિના ટ્વીટના જવાબમાં પોતાને માટે જાહેર ખબર મૂકી દીધી!  તેમણે લખ્યું : મેં સેલ્સ, એડ્મિનિસ્ટ્રેશન અને ઓપરેશન્સ સાંભળ્યા છે. હું ડોમ્બિવલી, કલ્યાણ કે અંબરનાથ વિસ્તારમાં મારા લાયક જગા ખાલી હોય તો જોડાવા ઉત્સુક છું.

એક જણે શ્રુતિને PMOIndiaની મદદ માગવા સલાહ આપી!

     અન્ય એક ફોલોવરે જણાવ્યું :
જો તેઓ વકતૃત્વ કળામાં સારા હોય તો તેમણે કોલેજના વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલસ ની ટ્રેનિંગ આપવાનું વિચારવું જોઈએ. નવી મુંબઈમાં BMS અને એંજીનિયરીંગની અનેક કોલજ આવેલી છે. BMS ના વિદ્યાર્થીઓ વકતૃત્વમાં નબળા હોય છે, તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેમને ટ્રેનિંગ આપવાનું કામ તમારા પિતા કરી શકે.

    એક આધેડ વયના વયસ્કે જવાબમાં પ્રશ્ન કર્યો કે શું તેમને પૌત્ર - પૌત્રી છે કે? તેમણે પૌત્ર - પૌત્રી સાથે સમય પસાર કરવાનો આનંદ માણવો જોઈએ!

    અન્ય એક જણે પોતાના પિતા માટે મદદ માંગી. તેણે લખ્યું કે મારા પિતા નિવૃત્તિ બાદ તણાવમાં રહે છે અને તેમનું બ્લડ પ્રેશર ઉંચુ રહે છે. તેમને નોકરીની જરૂર છે.

     એકાદ જણે શ્રુતિને પ્રોફેશનલ લોકો માટેના નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર મદદ માગવા સલાહ આપી.

   આમ અનેક લોકોએ તરેહ તરેહના જવાબો આપી એક રસપ્રદ સંવાદ સેતુ રચ્યો અને મને એ વાંચવાની મજા પડી!

    શોભા ડે જેવી કોઈક ટ્વીટ કરે કે તેમને પ્રતિભાવમાં અનેક ટ્વીટસ મળે અને એ વાંચીને મને જબરી મજા આવે છે! આ એક આડવાત!

      શ્રુતિના પિતાને ચોક્કસ કોઈક સારી પ્રવૃત્તિ મળી જ ગઈ હશે એવી આશા અને હજી ના મળી હોય તો જલ્દી જ મળી જાય એવી પ્રાર્થના!

5 ટિપ્પણીઓ:

  1. શોભા ડે -ની આજકાલની ટ્વીટ્સના પ્રતિભાવ જોવા જેવા છે. ખાસ તો પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે તેમનો 'ખાસ' ઉલ્લેખ થયા બાદ. :)

    જવાબ આપોકાઢી નાખો
  2. હસમુખ રાયવડેરા17 ઑગસ્ટ, 2019 એ 01:30 PM વાગ્યે

    'નિવૃત્તિ પછી પ્રવૃત્તિ' બ્લૉગ લેખમાં ખૂબ જ પીડાદાયક વિષય છેડયો છે તમે, બીજા માટે નહીં તો મારા માટે તો અવશ્ય જ !
    પીડાદાયક એટલા માટે કે હું પોતે પણ બધી રીતે સ્વસ્થ છતાં મજબૂરીથી નિવૃત થઈ ગયેલો એક વૃદ્ધ છું. કામ શોધી રહ્યો છું, કામ તો મળતું નથી પણ ઉલટું કામ નહીં પણ આરામ કરવાની સલાહ ખુબજ મળે છે.
    પોતાના મનમાં થયેલી ઇજા કોઈને કેવી રીતે દેખાડવી ?
    વૃદ્ધ માણસોની માનસિક અવસ્થા, એક સ્વસ્થ પણ નિવૃત વ્યક્તિની માનસિક , સામાજિક અને પારિવારિક અવસ્થા એક વૃદ્ધ માણસ જ સમજી શકે.બસ અહીં તહી ફરીને દિવસો (કે જિંદગી મજબૂરીથી પસાર કરવી પડે છે.
    વધારે તકલીફદાયક અવસ્થા તો ત્યારે થાય છે જ્યારે ઘરમાં નિવૃત્ત માણસને જોઈને પૂછે , "આખો દિવસ ઘરમાં બિચારાનો ટાઈમ નહીં જતો હોય ને ? નાનું મોટું કોઈ કામ કરી લેવું જોઈએ !"
    આવા શબ્દો સાંભળીને થતી મનની અવસ્થા કલ્પી શકશો !..
    ખેર, મનની વ્યથા અહીં ઠલવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. 'નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ' લેખ મારા પોતાના જીવનને પ્રતિબિંબિત કરતો લાગ્યો. હું ૮૩ વર્ષની વયે પણ મનોરંજક કાર્યક્રમો આપું છું. મારા જીવનનો અંદાજ સકારાત્મકતાથી છલોછલ ભરેલો છે અને પોઝિટિવીટી જ મને તંદુરસ્ત રાખે છે.
    આ બાબતમાં નિવૃત્ત વ્યક્તિને યોગ્ય સહકાર મળે તો જીવનના બાકીના વર્ષો મનગમતા બની જાય.

    જવાબ આપોકાઢી નાખો
  4. જીવનમાં નિવૃત્તિ બાદ પોતાને ગમતી પ્રવૃત્તિ કરવી જોઇએ કેમ કે નિવૃતિ બાદ એકાંત મળતા અનેક પ્રકારના વિચારો આવતા હોય છે જેને લીઘે જીવન અણગમતું બની જાય છે. નિવૃત્તિ પછી સમય મળતા, પોતાની શકિત મુજબ માનવ સેવા કે સામાજિક સેવા કરીને બીજાને અને પોતાને ગમે તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. 

    જવાબ આપોકાઢી નાખો
  5. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ વિષય પરનો બ્લોગ અતિ હ્રદયસ્પર્શી રહ્યો. મનગમતી પ્રવૃત્તિ એ નિવૃત્તિ પછીનું પ્રાણતત્વ છે. કશુંક ગમતું કરવા મળે ત્યારે આપણાં સમગ્ર અસ્તિત્વમાં એક નવી જ ચેતનાનો સંચાર થાય છે. ૮૦નો ઉંમરાંક પાર કરી લીધો હોવા છતાં નિયમિત તબલાં-વાદન,લેખન, વાંચન અને સ્વીમીંગ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાની આદતે મને પ્રસન્ન અને ચૂસ્ત રાખ્યો છે. આવા મુદ્દાને વાચા આપી તમે અનેકના જીવનમાં રસ પૂર્યો છે. અભિનંદન અને શુભેચ્છાઓ!

    જવાબ આપોકાઢી નાખો