-------------
ગત સપ્તાહે એક દિવસ વહેલી સવારે બેંગ્લોર... સૉરી બેંગલુરુ જવાનું હતું. ઓફીસ તરફથી એક સેમિનારમાં હાજરી આપવા સ્પોન્સરડ ટ્રીપ. સવારે સાત પાંત્રીસનો ફ્લાઇટ ઉપડવાનો સમય હતો. સવા નવની આસપાસ મારે અને મારા ઓફિસના મિત્ર દિનેશે સેમિનારના હોસ્ટે અમારા માટે બુક કરેલી કારમાં બેસી અમારે છત્રીસેક કિલોમીટર દૂર આવેલી સેમિનારની જગાએ પહોંચવાનું હતું. અગિયાર વાગે સેમિનાર શરૂ થવાનો હતો. પછી આખો દિવસ જુદા જુદા કાર્યક્રમો હતાં. છ વાગે સેમિનારનું સમાપન થવાનું હતું અને અમે પાછા ફરવા રાતે સાડા નવની રિટર્ન ફ્લાઇટ બુક કરાવી હતી. બેંગલુરુના ખરાબ ટ્રાફિક વિષે ઘણું સાંભળ્યું હતું તેથી અમે ફ્લાઇટના સમય અંગે ચોકસાઈ રાખીને જ ફ્લાઇટસ બુક કરાવી હતી. કોર્પોરેટ ડેસ્કે ઇન્ડિગો ફ્લાઇટસ બુક કરી હતી જેમાં અમને ફ્રી મીલ્સ મળવાના હતાં એટલે ઘેરથી વહેલી સવારે નાસ્તો કરી કે સાથે કંઈ ખાવાનું લઈ જવાની ઝંઝટ નહોતી. એક જ દિવસનો કાર્યક્રમ હોવાથી સામાન પણ નહોતો અને અમે પહેલા જ વેબ ચેક ઈન કરી લીધું હતું. આથી એવી ગણતરી હતી કે વધુ સમય લાગવો જોઈએ નહીં. મનમાં સમય ગણી મેં નક્કી કર્યું કે છ - સવા છ એ ઘરે થી નીકળીશ. વહેલી સવારે તો ટ્રાફિક ક્યાં નડવાનો? વીસેક મિનિટમાં એરપોર્ટ પહોંચી જવાશે. પણ બધી ગણતરી હંમેશા સાચી ક્યાં પડતી હોય છે?
વહેલી સવારે ઉબર એપ દ્વારા ગાડી બુક કરી જેમાં બરાબર છ વાગ્યાને સત્તર મિનિટે ટ્રીપ શરૂ કરી. પોણા સાતે એરપોર્ટ પહોંચી જવાશે એમ એપ નિર્દેશ કરતી હતી. અંધેરી સુધી તો ગાડી સટાસટ પહોંચી ગઈ પણ ડ્રાઇવરે કહ્યું "આગે ટ્રાફિક પૂરા રેડ મેં દીખા રહા હૈ". ગૂગલ મેપ માં રસ્તા પર ટ્રાફિક હોય તો એ માર્ગ લાલ રંગ દ્વારા દર્શાવાય છે. મને ફાળ પડી છતાં પહોંચી જવાશે એવી આશા હતી. પછી તો ગાડી ગોકળગાયની ગતિએ આગળ વધતી રહી અને એપ પર પહોંચવાનો સમય ધીરે ધીરે પાછો ઠેલાતો રહ્યો. ગાડીમાં સમસમીને બેસી રહેવા સિવાય મારાથી બીજું થઈ પણ શું શકે એમ હતું? ૬.૪૫ પછી એર પોર્ટ પહોંચવાના આંકડા ૬.૫૦, ૬.૫૫, ૭.૦૦, ૭.૦૨, ૭.૦૩, ૭.૦૭, ૭. ૧૦ એમ કંઈ કેટલીયે વાર બદલાયા અને છેવટે ૭.૧૨ ના આંકડે હું એરપોર્ટ પહોંચ્યો. દિનેશ સાથે સતત સંપર્કમાં તો હતો એટલે એણે જણાવ્યું હતું કે ૨૫ નંબરના ગેટ પરથી ફ્લાઇટ લેવાની હતી. તેણે મને એમ જણાવવા ફોન કર્યા હતા કે સુરક્ષા જાંચ માટે ખૂબ લાંબી કતારો હતી, પણ મારે માટે તો આ જાણકારી ક્યાં કંઈ કામની હતી? હું તો ત્યારે પોતે જ અંધેરી અને વિલે પાર્લા વચ્ચે ટ્રાફિક માં બૂરી રીતે ફસાયેલો હતો. બન્યું એમ હતું કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ડોમેસ્ટિક એરપોર્ટ જવાના વળાંક પાસે જ એક નાના ખટારા જેવું વાહન ઊંધું વળી ગયું હતું. મોટો ખટારો પણ નહીં! મેં નજરે જોયું જ્યારે એ જગા પાસે પહોંચ્યો કે મોટો ખટારો પણ નહોતો અને એણે કેવડી મોટી મોકાણ સર્જી! એ જગાથી તો એરપોર્ટ માત્ર બે જ મિનિટમાં પહોંચી જવાયું પણ ત્યારે સાત વાગ્યાને બાર મિનિટ થઈ ચૂકી હતી અને મારી ફ્લાઇટ નો સમય ૭.૩૫ નો હોવાથી તેની ૨૫ મિનિટ પહેલા એટલે કે ૭.૧૦ વાગ્યે બોર્ડિંગ બંધ થઈ ચૂક્યું હતું. અહીં મેં થાપ ખાધી હતી. હું આ ૨૫ મિનિટ પહેલા પ્લેનના દરવાજા બંધ થઈ જાય છે એ હકીકત ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હતો. પછી તો ઇન્ડિગો વાળી બહેન જે બોર્ડિંગ ગેટ બંધ કરી પરત ફરી રહી હતી તે મારગમાં ભટકાઈ અને તેને ખૂબ આજીજી કરવા છતાં તે ટસ ની મસ ન થઈ! હું ફ્લાઇટ ચૂકી ગયો હતો! અહીં એક વાતની મને પોતાને નવાઈ લાગતી હતી કે આમ બન્યું તે છતાં હું ખૂબ વધારે અસ્વસ્થ નહોતો! કદાચ ફ્લાઇટના પૈસા મારા પોતાના ગજવા માંથી નહોતા ગયા એટલે કે પછી હવે હું વધુ 'મેચ્યોર' થઈ ગયો હતો?! એ જે હોય તે પણ પછી તો સ્વસ્થતા પૂર્વક પેલી ઇન્ડિગો વાળી બહેનના કહ્યા મુજબ જ હું તેમના નિયત કાઉન્ટર પર ગયો અને ત્યાં જઈ વધારાના અઢારસો રૂપિયા ચૂકવી ઇન્ડિગો ની જ સાડાનવ ની ફ્લાઇટ માં મેં જગા બુક કરી લીધી.
(ક્રમશ:)
----------------------------------------------------------------------------
ભાગ - ૨)
-------------
મેં ઇન્ડિગો કાઉન્ટર પર જઈ સાડા સાતની મિસ થઈ ગયેલી ફ્લાઇટ બાદ તરત બેંગલુરુ જતી તેના પછીની વહેલામાં વહેલી ફ્લાઇટ કેટલા વાગે છે તેની પૃચ્છા કરી અને જાણવા મળ્યું કે તે બે કલાક બાદ સાડા નવની હતી. પહોંચતા બીજા બે કલાક એટલે સાડા અગિયાર સુધી હું બેંગલુરુ પહોંચી શકું એમ હતું. સેમિનારનું સ્થળ જ્યાં હતું એ જગાએ પહોંચવાનો બીજો કલાક ગણું તો સાડા બાર થાય અને કાર્યક્રમ ૧૧ વાગે શરૂ થવાનો હતો. પણ મેં વિચાર્યું ઘેર પાછા જવું તેના કરતાં દોઢ - બે કલાક મોડા તો મોડા પણ બેંગલુરુ જવું જ જોઈએ. ઓફિસમાં ટ્રાવેલ ડેસ્ક પર ખૂબ વહેલી સવાર હોઈ કોઈ પહોંચ્યું નહોતું કે નહોતો મારા એડમિન વિભાગના કોઈ સહ કર્મચારી સાથે સંપર્ક થઇ રહ્યો અને સમય દોડતો જઈ રહ્યો હતો એટલે મેં ગજવામાંથી ગાંઠના પૈસા ખર્ચી નેક્સ્ટ ફ્લાઇટમાં સીટ બુક કરી લીધી. સદનસીબે આખી નવી ટિકિટ જેટલા પૈસા ના ખર્ચતા અઢારસો રૂપિયા ઉમેરતા જ મને પછીની ફ્લાઇટમાં સીટ મળી ગઈ. જો કે એક ચકાસણી કરવાનું રહી ગયું. મારી મૂળ ટિકિટ કોર્પોરેટ બુકિંગ દ્વારા થયેલી જેમાં મીલ્સ સમાવિષ્ટ હોય. નવી બુક કરેલી સીટમાં મારાથી એ ચકાસવાનું રહી ગયું.
સાડા નવની ફ્લાઇટ સમયસર હતી અને સવા અગિયારે હું બેંગલુરુ પહોંચી ગયો. એરપોર્ટની બહાર ઉબેર - ઓલા ની સરસ વ્યવસ્થા હતી. ઉબેર ગાડી બુક કરી સેમિનારના સ્થળે પહોંચ્યો. કલાક લાગ્યો. બેંગલુરુમાં રસ્તા ભારે સાંકડા અને એરપોર્ટથી થોડે દૂર આવો એટલે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે. પણ મને આ શહેર ગમ્યું. સેમિનાર જે વિસ્તારમાં હતો તે ભારે શાંત વિસ્તાર હતો જ્યાં ઘણી બધી કોર્પોરેટ ઓફિસો હતી. સી. વી. રામન નગરના બાગમાને ટેક પાર્ક બિલ્ડીંગમાં આવેલી સિસ્કોની ઓફિસમાં સેમિનાર અટેન્ડ કર્યા બાદ સમય હતો તેથી હું અને મારો કલીગ દિનેશ આસપાસ લટાર મારવા નીકળ્યા. બાજુમાં ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, એચ. એસ. બી. સી. બેંક, કોગ્નિઝંટ વગેરે ઘણી કોર્પોરેટ ઓફીસના બિલ્ડીંગ્સ હતાં અને રસ્તાનો ડેડ એન્ડ હતો ત્યાં એક સુંદર તળાવ હતું. પાછા ફરતાં રસ્તાની સામેની બાજુએ જીર્ણોદ્ધાર પામી રહેલું એક શિવાલય હતું. તેના પ્રાંગણમાં પાર્કિંગ માટેની ખુલ્લી જગા હતી. જ્યાં કતારબદ્ધ ઉભેલી એક સરખી સ્કાય બ્લ્યુ રંગની સાઇકલ જેવી હલકી ફૂલકી બાઇકસ અને સાઇકલ પર અમારું ધ્યાન ગયું. અમારી સામે એક બે યુવાન - યુવતી આવીને મોબાઇલ પર એપ ચાલુ કરી કોડ બાઇક પર સ્કેન કરી ત્યાંથી બાઇક લઇને રવાના થઈ ગયા. અમને આ સિસ્ટમ ખૂબ રસપ્રદ લાગી. એક યુવાન બાઇક લેવા આવ્યો તેની સાથે વાતચીત કરી આ સિસ્ટમ વિશે માહિતી મેળવી. યુલુ નામની એપ મોબાઇલ પર ડાઉનલોડ કરી માત્ર અઢીસો રૂપિયા ડિપોઝીટ કરી તમે આ સિસ્ટમમાં રજીસ્ટર થઈ આ બાઇક કે સાઇકલ ભાડે લઈ જઈ શકો છો.
શહેરમાં ખાસ સ્થળોએ સંખ્યાબંધ બાઇકસ પાર્ક કર્યા હોય ત્યાંથી તે ઉપાડી લઈ તમારે જવું હોય ત્યાં સુધી બાઇક લઇ જઇ પછી તે રસ્તાની બાજુએ છોડી દેવાનું. એપ પર તમારા અકાઉંટ માંથી તમે ડ્રાઇવ કર્યું હોય એટલા કિલોમીટર માટેની નિયત રકમ કપાઈ જાય. હું અને દિનેશ આ સિસ્ટમથી ખાસ્સા પ્રભાવિત થયા. આ બાઇક સાઇકલ જેવી જ વજનમાં ભારે હલકી અને ચલાવવામાં અતિ સરળ જણાઈ.
પછી તો ગાડીમાં બેસી એરપોર્ટ જવા રવાના થઈ ગયા અને દોઢ બે કલાકની એ ડ્રાઇવ સંધ્યાના અલગ જ મૂડ સાથે બેંગલુરુની ઝાંખી પામતા પામતા અમે માણી. અહીં થોડીક ક્ષણો માટે હું કોઈક અલગ દુનિયામાં ખોવાઈ જ ગયો. હાઈ વે જેવા રસ્તાની બંને બાજુએ ખુલ્લા ખેતર - મેદાનો અને ગાડીઓ સિવાય અન્ય માનવ વસ્તી કે બીજું કંઈ નજરે જ નહોતું ચડતું. ઉપર છૂટા છવાયા વાદળાં ભર્યું ભૂરૂ આકાશ મનને એક ગજબની શાંતિનો અનુભવ કરાવી રહ્યું. આવો અનુભવ બે ત્રણ વર્ષ અગાઉ સ્વીત્ઝરલેન્ડથી ફ્રાંસ મારા કઝિન્સ સાથે ગાડીમાં પાછા ફરતી વખતે થયો હતો. અલગ દેશ, અલગ પૃષ્ઠ ભૂમિ પણ એક સરખો અનુભવ!
રસ્તામાં બધી દુકાનો પર પે ટી એમ થી પેમેન્ટ સ્વીકારાતા હોવાના સ્ટીકર્સ અહીં ટેક્નોલોજીના પગપેસારાની ચાડી ખાતા હતાં. દિનેશે કમેંટ પણ કરી કે બેંગલુરુ ભારતની સિલિકોન વેલી હોય એમ લાગે છે! સાથે સાથે મંદિરના અનેક દેરા પણ નજરે ચડતા હતાં. આ ભારતની ખાસિયત છે. આવા વિચારો વચ્ચે જ એરપોર્ટ આવી ગયું અને પાછા ફરતી વખતે ફ્લાઇટ મિસ કર્યા વગર હું સમય સર મુંબઈ આવી ગયો!
ભલે બેંગલુરુને વધારે નજીકથી માણવાનો મોકો ના મળ્યો અને એક જ દિવસની આ યાત્રા અહીં પૂર્ણ થઈ પણ આખા દિવસનો આ સંપૂર્ણ અનુભવ યાદગાર અને માણવા લાયક રહ્યો.
(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો