Translate

શુક્રવાર, 20 ડિસેમ્બર, 2019

ગેસ્ટ બ્લોગ : રન્નાકાકી

   હમણાં ધનતેરસે નાનાકાકા આવતા મેં એ બહાને ચા માંગી અને સાથે તરત સમોસા? એમ સળંગ માંગણી કરી..પૂજા પહેલાં પ્રસાદ ક્યાંથી મળે એ ન્યાયે દીપાએ ડીંગો બતાવ્યો. પૂજા કરવા બેઠા કે પ્રસાદ ધરાવવા મેં ફરી પહેલાં સમોસા યાદ કર્યા.” આનાથી સમોસા આઘા રાખો!” એમ કોઈ વદ્યુ કે તરત રન્નાકાકી બોલ્યા,  “ એ તો બોલે એટલું જ..હં.. એમ કાંઈ ખાય નહીં.”
એકથી વધુ વાર એ મને બાખૂબી  ઓળખતા હોય, સુપેરે જાણતા હોય એવો ગમતો અને દ્રઢ ભાવ એમણે મને આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે એ કિંમતી ભાવ ગણાય, એવા એકથી એક ચઢિયાતા કારણો અને વગર કારણે પણ કાકી મને સર્વદા પ્રિય રહ્યા છે.
વાલકેશ્વરમાં જે આનંદના ટાપુઓ હતાં એમાં એક મોટો ટાપુ રન્નાકાકી સાથેનો વર્ષોવર્ષનો સહજ અનુભવ હતો. લગ્ન અગાઉ સ્ટેટ લેવલ પર ટેબલ ટેનિસ રમતા કાકી  દીવાનખાનામાં લાકડાના લાંબા ટેબલ પર મારી સાથે ટીટી રોજ બપોરે રમતા. ખેલ બરાબરીનો થતો એવું કાંઈક યાદ છે. મમ્મી અચાનક અમદાવાદ જાય ત્યારે મને રન્નાકાકીને સોંપતી જાય. સ્કૂલથી આવું અને તરત સામે બેસી રોજ ભાવથી જમાડે. મને જમવામાં શું શું જોઈશે એની બધી જ ખબર રાખે અને વગર ચૂકે થાળી ભરી જમાડે. મારું ગમતું દહીંનું કચૂમ્બર કદી ચૂકે નહીં. એ કપિલદેવનો ક્રિકેટ કેરિયર નો શરુઆત નો ગાળો. રેડિયો પર બપોરે આવી જમતાં જમતાં ટેસ્ટ મેચ ચાલતી હોય, કપિલદેવની ફટકાબાજીનીકોમેન્ટ્રી બંને જણાં સાંભળતા(૨). એ જમાડતા જાય ને હું નિરાંતે જમું. કેવો આનંદ હતો! એમના હાથના બ્રેડરોલ, રવા ઈડલી, નાનાકાકાની જલસો પાર્ટીના પિત્ઝા અને અપ્રતિમ ઊંધિયું એનો ઝાયકો કેમ ભૂલાય? હસતાં જાય ને પીરસતા જાય. ભૂલેશ્વર જાય ત્યારે ભૂલ્યા વગર હિરાકાશીના સમોસા ને સ્પેશ્યલ આંબલી-પપૈયાની ચટણી લાવે જ!  મારા ખાવાના શોખને એ ચૂપચાપ લાડ લડાવતા. મારા લાવેલા  લાયબ્રેરીના પુસ્તકો પણ એમનો રસનો વિષય. સુંદર નગર નાનાકાકા સગાઈ પહેલા એકવાર કાકી પાસે લઈ ગયેલા એ  દિવસ હજુ આંખો સામે છે.એકબીજા સાથે એકરૂપ થઈ જીવતા કાકા કાકીને જોવાનો લ્હાવો મને મળ્યો છે‌. પ્રેમ અને વિશ્વાસ બે પાયા પર ઊભેલું એમનું સહજીવન જોઈ ગુણવંત શાહનું વાક્ય જ યાદ આવે. “એકમેકમાં ઓતપ્રોત કોઈ યુગલ જુઓ તો મનોમન વંદન કરી લેજો, હું તમને ખાતરી આપું છું એવી તસ્દી તમારે આ સંસારમાં વારંવાર લેવી નહીં પડે!” કદી  ઘરેણાં પહેરેલા કાકી જોયા નથી, જાણે એમનું હાસ્ય અને ઉત્સાહ  એ જ એમના તમામ ઘરેણાં. એકવાર બોલતાં સાંભળેલા, “મને ઘરેણાનુ સ્ત્રી સહજ  આકર્ષણ જ નથી!”  કાકા કાકી સાથે બેસો ત્યારે કોઈ રઈસની સોબત કર્યાનો અનુભવ થાય. ખાસ તો સાદાઈ અને દિલની સચ્ચાઈની એવી ગંગા એમના ઓરડામાં વહે કે બેસનારો સહજ સ્નાન કરી લાગણીથી  ભીંજાયેલો જ બહાર આવે! ગત જન્મના પૂણ્ય વગર આવા સજ્જનની સોબત અસંભવ સમજું છું અને વિરમું છું.

- પરાગ જ્ઞાની

રવિવાર, 8 ડિસેમ્બર, 2019

વધુ એન્કાઉન્ટર્સની જરૂર છે

         લખવું હતું મારા કચ્છના રણોત્સવના અવિસ્મરણીય પ્રવાસ વિશે. પણ લખવા બેઠો ત્યાં ઉત્તરપ્રદેશના ઉનાઓમાં બળાત્કારનો ભોગ બનેલી વીરાંગના ન્યાય માટે લડતા લડતા વીરગતિ પામી એ ખબર વાંચ્યા અને હું સમસમી ગયો છું, મારું કાળજું કંપી અને રડી રહ્યું છે, લોહી ઉકળી રહ્યું છે. એ બહાદુર પણ બદનસીબ છોકરીના છેલ્લા શબ્દો હતાં "હું મરવા નથી ઈચ્છતી, હું બચી તો જઈશ ને ? મારા ગુનેગારોને સજા આપજો." તેની અને તેના પરિવારજનોની મનસ્થિતી કલ્પતા હું સમવેદનાથી વ્યથિત થઈ ઉઠું છું.
     સાત વર્ષ અગાઉ આવા જ દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયાએ પણ કદાચ આવા જ વેણ ઉચ્ચારેલા અને તેણે પણ એવી જ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેની સાથે ખોટું કરનારાઓને કડકમાં કડક સજા મળે. પણ આજે સાત સાત વર્ષ વીતી જવા છતાં, તે સઘળાં દોષીઓને ફાંસીની સજા ફરમાવાઈ ગઈ હોવા છતાં આ દેશને એ ગુનેગારોને માંચડે લટકાવવા જલ્લાદ નથી મળી રહ્યો! તેલંગણા પોલીસ તમારી કદાચ અત્યારે દરેક રાજ્યમાં જરૂર છે. પ્લીઝ, જલ્દીમાં જલ્દી જ્યાં જ્યાં બળાત્કારના કિસ્સાઓ બન્યા છે અને તે આચરનાર નરાધમો પકડાઈ ગયા છે કે જામીન પર મુક્ત થઈ બિનધાસ્ત ઘૂમી રહ્યા છે, ત્યાં ત્યાં પહોંચી જઈ એન્કાઉન્ટર કરી નાંખો. આમ જનતા તો તમને બીરદાવશે જ, પણ તમે એ અનેક કમનસીબ કન્યાઓની લાખો દુઆઓ પામશો!અને તમારા સમયસરના પગલા કદાચ અનેક કન્યાઓને જીવતી સળગતા, ન્યાય માટે લડતાં લડતાં મોત પામતા પણ બચાવશે!
    હૈદરાબાદ બળાત્કાર કેસના આરોપીનું એન્કાઉન્ટર થયું અને ચાર ગુનેગારો (આરોપીઓ નહીં કહું કારણ ભલે ન્યાયાલયમાં કેસ પૂરો થયો નહીં હોય પણ તેઓ ગુનો કબૂલી ચૂક્યા હતા) મોતને ઘાટ ઉતર્યા કે ઉતારાયા, એ એન્કાઉન્ટર અસલી હોય કે નકલી, ચોક્કસ આવકારદાયક છે. આમાં પણ બળાત્કારી મુસ્લિમ કે હિન્દુ હોવાનું કહી ધર્મનો મુદ્દો ઘૂસાડનારા કે માનવ દયા ધર્મ ની સુફિયાણી વાતો કરનારાઓના ચૂપ જ થઈ જાય તો સારું. તેમના ઘરની પોતાની કોઈ વ્યક્તિ સાથે કદાચ આવી કોઈ દુર્ઘટના ઘટે તો તેમની સાન ઠેકાણે આવે. વર્ષો પછી કંઈક સારું અને યોગ્ય થઈ રહ્યું હોય ત્યાં વચ્ચે ડહાપણ ડોળવા જનારની બુદ્ધિ ભગવાન ઠેકાણે લાવો.
   સરકાર આમાં કંઈ કરી શકશે નહીં, આપણે નાગરિકોએ જ જાગૃત થવાનું છે. આપણી બહેન - દીકરીઓને બહાદુર બનતાં શીખવવાનું છે અને આપણાં ભાઈ - દીકરાઓને મહિલાઓની ઈજ્જત કરતા શીખવવાનું છે, ઈજ્જત લેતા નહીં.
   મારા યુવા લેખક મિત્ર અંકિત દેસાઈએ એક વાંચવા અને વંચાવવા લાયક 'ઓપન લેટર' પોતાના નાનકડા પુત્રને સંબોધીને લખ્યો હતો, એ અહીં શેર કરું છું :
દીકરા સ્વર,
આમ તો આ પત્રમાં લખેલી વાતો મારે તને અંગતમાં કહેવાની થાય છે. અને સમયે સમયે હું તને એ કહેતો પણ રહીશ જ, પરંતુ એ વાતોની ગંભીરતા એવી છે કે મેં તારા નામે આ ઓપન લેટર લખવાનું નકકી કર્યું.
દીકરા તું જન્મ્યો ત્યારથી એક બાબતે મેં હંમેશાં સજાગતા રાખી છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ બનું. તું મને પાપા કે ડેડા નહીં કહે અને માત્ર અંકિત જ કહેશે એ મને વધુ ગમશે, કારણ કે પિતા શબ્દ થોડી મર્યાદાઓ લઈને લાવે છે અને મારે એ પોકળ મર્યાદાઓને બહાને તને અમુક તથ્યો- સત્યો કે કેળવણીથી દૂર નથી રાખવો.
દીકરા, મારે જે વાત ખાસ શીખવવાની થાય છે તે એ કે તારી આસપાસની, તારી સાથેની સ્ત્રીઓની હંમેશાં રિસ્પેક્ટ કરજે. હંમેશાં એ બાબતનું ધ્યાન રાખજે કે તારી સામે જે છોકરી કે સ્ત્રી ઊભી હશે એ તારાથી નબળી કે તારાથી ઉતરતી નથી. સર્જનહારે શરીરના જે બાંધાને કોમળતા આપી છે એ કોમળતાને માનવ ઇતિહાસની શરૂઆતથી નિર્બળતા માની લેવાઈ છે. આ તો ઠીક એ કોમળતાને જાગીર અથવા સંપત્તિ પણ માની લેવાઈ છે. પરંતુ તું એ ભૂલ નહીં કરતો.
તું ભલે એક જવાબદાર દીકરો નહીં બને. પિતા તરીકે હું તારી પાસે આદર્શ દીકરા બનવાની અપેક્ષા રાખીશ પણ નહીં. આમેય મારે તારા પિતા થઈને તારા જેવો દોસ્ત ખોવો નથી. એટલે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે હું તારા વ્યક્તિત્વની કે તારી આગવી લાઈફસ્ટાઈલ અથવા માન્યતાઓની રિસ્પેક્ટ કરીશ. પણ દીકરા, તારા દોસ્ત તરીકે તારી પાસે એક નાનકડી અપેક્ષા હંમેશાં જરૂર રાખીશ કે તું એક આદર્શ પુરૂષ બને. દીકરા, ખરું પૌરૂષત્વ પોતાની તાકાતો દુરુપયોગ કરવામાં નથી, પણ પોતાની તાકાત કોઈનું રક્ષાકવચ બને એમાં સાચું પૌરુષત્વ છે.
મારા દીકરા, તું ટીનએજ થશે ત્યારે મારે તને એ બાબતથી સજાગ કરવો છે કે સેક્સ અને હવસ વચ્ચે ફરક છે. દરેક બાબતની એક ઉંમર હોય છે એટલે તારી યોગ્ય ઉંમરે તું ય એ બધું પામશે જ, એટલે અફેક્શન કે લવની ઉંમરમાં તું તારી શારીરિક જરૂરિયાતને તારા પર સવાર ન થવા દેતો. અને જ્યારે તું એડલ્ટ બનશે ત્યારે તને એક જ વાત કહેવી છે કે, રિલેશનશિપની બહાર કે રિલેશનશિપની અંદર બંને પાત્રોની સહમતિથી સર્વોપરી કશું જ નથી. જો સામેનું પાત્ર જરા પણ ખચકાટ અનુભવે કે જો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તારે એ ખચકાટ અને ઇન્કારનો કોઈપણ ભોગે આદર કરવો પડશે..યાદ રાખજે કે જો તું જે ક્ષણે સામેનાની ઈચ્છાનો આદર નહીં કરી શકીશ એ ક્ષણે તું તારી અંદર રહેલા દુર્જનને તારા પર સવાર થઈ જવાની તક આપી દઈશ. અને તારે ક્યારેય થવા દેવાનું નથી.
મારા મખ્ખનચોર, ઈશ્વરે મને દીકરાનો બાપ બનાવ્યો છે એટલે મારે માથેની જવાબદારી વધી જાય છે. કારણ કે તું પણ કાલ ઊઠીને પુરુષ થઈશ અને આવતીકાલના પુરૂષના વર્તનના મૂળ તારી આજમાં રહેલા છે. એટલે એ મારી નૈતિક જવાબદારી બને છે કે હું તારી સાથે અમુક વાતો ખૂલ્લા દિલે શેર કરું અને તને એ દિશામાં સાચી કેળવણી આપું.
બાકી, તારે મોટા થઈને કરીઅર શું બનાવવી છે કે તારે પ્રેમ કોને કરવો છે કે તારે લગ્ન કરવા છે કે નથી કરવા કે તારે માત્ર અલગારી રખડપટ્ટી જ કરવી છે કે એડલ્ટ તરીકે તારે આલ્કોહોલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, જેવી કોઈ બાબતમાં મને ઈન્ટ્રેસ્ટ નથી. રાધર એક ઈન્ડિવિજ્યુઅલ એડલ્ટની પર્સનલ લાઈક્સ - ડિસ્લાઈક્સમાં માથું મારવાનો મને અધિકાર પણ નથી. પરંતુ એક આ જ એક બાબત તારી પાસે હંમેશાં ઈચ્છીશ કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં તું રહે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ તું જીવે, બસ મર્દ થઈને રહેજે અને મર્દાનગીનો સાચો અર્થ રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જ થાય છે.
બી રિસ્પોન્સિબલ ફોર યોર મેનહૂડ માય ડિઅર સન.
લવ યુ ...  
    જરૂર છે આપણાં સંતાનોને સાચા શિક્ષણ અને સંસ્કાર આપી સારા નાગરિક બનાવવાની અને અન્યાય ના કરવાની કે ના સહેવાની વાત તેમના મનમાં ઠસાવવાની.
  દિલ્હી નિર્ભયા કેસના હજી જીવતા અપરાધીઓને ફાંસી આપનાર જલ્લાદ જલ્દી મળી રહે, જેટલા પણ બળાત્કારીઓ ખુલ્લા ફરી રહ્યાં છે તેમને કડકમાં કડક સજા તાત્કાલિક મળી રહે અને બળાત્કારના ગુનાઓ સદંતર બંધ થઈ જાય એવી અભ્યર્થના.

શનિવાર, 23 નવેમ્બર, 2019

હેલ્લારો


       હેલ્લારો એટલે અંતરનો ઉમળકો, લાગણીઓનો જોરદાર ધક્કો. બધી ભાષાઓની ફિલ્મોને પાછળ મૂકી હેલ્લારો નામની ગુજરાતી ફિલ્મે વર્ષે શ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે સમાચાર તો આપ સૌ વાંચી ચૂક્યા હશો. સૂક્કા ભઠ રણમાં મીઠા પાણીની વીરડી જેટલી શાતા અને સંતોષ આપે એટલી તૃપ્તિ અને હર્ષની લાગણીના ઉમળકાનો અનુભવ ફિલ્મ દરેક કલા અને સિનેમાપ્રેમી પ્રેક્ષકને કરાવે છે તો ખરું પણ ખાસ કરીને સ્ત્રી વર્ગ ફિલ્મ જોઈને એક વિશેષ સ્વતંત્રતા, અકથ્ય ગમા અને જોડાણની લાગણી અનુભવશે નક્કી.

           સુંદર ફિલ્મ મેં બે વાર જોઈ નાંખી છે અને કદાચ હજી જો જોવા મળે તો મને માણવી ગમશે. એના કયા પાસાના વખાણ કરું? ફિલ્મની પડદા પરની દરેક ફ્રેમ એક મનોહર રંગીન ચિત્ર સમાન છે. સૂકાભઠ્ઠ રણની પૃષ્ઠ ભૂમિ પર ગરબા કરતા પાત્રોના રંગબેરંગી વસ્ત્રો એક અદ્ભુત રંગોળી સર્જે છે જે આંખ અને મનને અનેરી ઠંડક અને આનંદ આપે છે. સૌમ્ય જોશીના ચોટદાર છતાં સરળ સંવાદ મન પર ઘેરી અસર છોડી જાય છે. ઢોલ અને ગરબા તો ફિલ્મના પ્રાણ છે. મેહૂલ સુરતીનું સૂરીલું વારંવાર સાંભળવું ગમે તેવું સંગીત અને સમીર - અર્ષ તન્નાની બેલડીનું નૃત્ય નિર્દેશન ફિલ્મને વધુ પ્રેક્ષણીય અને માણવાલાયક બનાવે છે. પ્રતિક ગુપ્તાનું સંકલન માત્ર બે કલાકમાં એટલું બધું કહી જાય છે કે પછીના કલાકો સુધી આપણે ફિલ્મની અસર હેઠળ રહીએ છીએ. ફિલ્મ ક્યાં પૂરી થઈ જાય છે તેની ખબર નથી પડતી અને એમ થાય છે કે હજી વધુ લાંબી હોવી જોઈતી હતી. અણધાર્યો અંત પણ કેટલાક પ્રેક્ષકો ના સમજાયાનું કહે છે પણ સમજુ ભાવકો હકારાત્મક અંતને ચોક્કસ વખાણે છે, બાકી મૂળ આહિરાણીઓની દંતકથા જેના પરથી ફિલ્મ પ્રેરિત છે તેમાં તો ઢોલીના શિરચ્છેદ અને તેની પાછળ બધી ગરબે ઘૂમેલી સ્ત્રીઓએ પ્રાણ ત્યાગ્યાની કરુણાંતિકા હતી.
        ફિલ્મ શરૂ થાય છે માતાજી સમક્ષ ત્રણ વર્ષથી વરસાદનું ટીપું પણ ભાળ્યું નથી એવી સમરપૂર ની સૂક્કીભઠ્ઠ ધરા પર પાણી વરસાવવાની અરજ - પુરુષો દ્વારા કરાતા તલવાર રાસ સાથે અને અંત પામે છે નારીઓના વિદ્રોહી મક્કમ બળવા સમાન ગરબા દ્વારા, જેઓ અભિવ્યક્તિ ઝંખે છે, આઝાદી ઝંખે છે અને જાણે પ્રકૃતિ પણ તેમના પગલા પર અમી છાંટણાની વર્ષા દ્વારા સ્વીકૃતિની મહોર લગાવે છે! કાળા રંગનાં પ્રભાવ સાથેનો ફિલ્મનો અંત અંધારી કાળી રાત પછીના પ્રકાશમય સૂર્યોદયની આશા પ્રત્યક્ષ વ્યક્ત ના કરતો હોવા છતાં એની અપેક્ષા પ્રેક્ષકના મનમાં જગાવતો જાય છે.
         ફિલ્મમાં પુરુષો માતાજીના પરમ ભક્ત દર્શાવાયા છે, પણ ઘરની સ્ત્રીઓના અસ્તિત્વની નોંધ સુદ્ધા લેતા નથી. તેમને મન સ્ત્રી માત્ર ઘરના કામો કરવા અને પાણી ભરી લાવવા સિવાય બહાર પગ પણ ના મૂકવા માટે સર્જાયેલી છે. તેમને પ્રશ્નો પૂછવાનો પણ હક્ક નથી. વિધવા સ્ત્રીનું એક પાત્ર તો દોઢ વર્ષ પછી પોતાના ભૂંગા (ઝૂંપડી જેવું કચ્છપ્રદેશનું સુંદર ઘર) બહાર પગ મૂકવા પામે છે, અન્ય કોઈ તેમના ઘરનું પાણી ભરી લાવવા તૈયાર નથી હોતું એટલે. વરસાદ ના પડે તો પુરુષોએ ગરબા રમવાના અને સ્ત્રીઓએ ઉપવાસ કરવાના - એવી અહિં પ્રથા છે. માતાઓ અહિં દિકરીઓને એવા હાલરડાં એવા ગાઈ સૂવડાવે છે કે માતાજી પાસે સપના વિનાની આખી રાત માગજે કારણ એ પૂરાં થવાના નથી. સ્ત્રી ઘર બહાર જાય તો તેનું ચરિત્ર ખરાબ થઈ જાય અને એમ થાય તો દેવીનો પ્રકોપ દુકાળ અને અન્ય આપત્તિ આણે એવી ફિલ્મના પુરુષોની માનસિકતા છે. એક માત્ર અપવાદ છે ભગલો જે વાંઢ (ગામ) અને શહેરની વચ્ચે કડી સમાન છે અને ફિલ્મમાં થોડી હળવી ક્ષણો પૂરી પાડી પોતાના સરાહનીય અભિનય દ્વારા મૌલિક નાયક ફિલ્મનું એક અતિ અગત્યનું પાત્ર બની રહે છે. તેનું હ્રદય ભાયડો હોવા છતાં, ફિલ્મના એક સંવાદ પ્રમાણે, બાઈડી જેવું (સંવેદનશીલ અને સમજું) છે અને તેથી પૃથ્વી પર મનુષ્યોનું અસ્તિત્વ ટકી રહ્યું છે! નહીંતર ફિલ્મના અન્ય પુરુષ પાત્રો એટલા ક્રૂર અને જડ અને હિન માનસિકતા ધરાવતા દર્શાવાયા છે કે એક નિર્દોષ ઢોલીને તેની નાનકડી દીકરી અને પત્ની સહિત જીવતા ભૂંજી નાખવા તેમના ભૂંગા પર સળગતી મશાલ ફેંકી ચાલ્યા જાય છે. ઢોલીનો ગુનો શું? તેણે હોળી માં પધરાવેલું નાળિયેર લેવા રાહ જોતી વખતે ગામ આખા થી દૂર ડરી, છુપાઈ પોતાની નાનકડી દીકરીની ઈચ્છા પૂરી કરવા ઢોલ વગાડ્યો અને તેની પત્ની અને નાનકડી દીકરી ઢોલના તાલે બે ઘડી હોળીની અગ્નિની આસપાસ ગરબે ઘૂમ્યાં ઢોલીનો ગૂનો. જાતિભેદની સડેલી માનસિકતા ધરાવતા પુરુષોને મન હલકી કુળના ઢોલીની ચેષ્ટાને કારણે પોતાની હોળી અભડાયાનું, ભ્રષ્ટ થયાનું તેમને લાગે છે અને સજા રૂપે, ઢોલી પરિવાર સાથે સૂતો હોય છે ત્યારે તેના ભૂંગા પર સળગતી મશાલ ફેંકી પુરુષોનું ટોળું તેને સજા આપ્યાનો સંતોષ માને છે. ઢોલી તો બચી જાય છે પણ તેની પત્ની અને તેની નાનકડી દિકરી આગમાં જીવતા ભૂંજાઈ જાય છે. અન્ય એક ઘટનામાં ગામની એક વિધવા જ્યારે પોતાનું ભરત કામ શહેરમાં વેચવા મોકલે છે અને તેની જાણ ગામમાં થાય પહેલાં શહેર ભાગી જાય છે ત્યારે રૂઢીચૂસ્ત અને ઘાતકી પુરુષો તેને ત્યાંથી પણ ગોતી કાઢી તેનું બલિદાન આપે છે જેથી કોપાયમાન દેવી તેમના ગામ પર રીઝે અને વરસાદ આપે.
      આવા પુરુષોની સ્ત્રીઓ દિવસમાં માત્ર એક વાર ભેળી થઈ ગામથી દૂર, રણ વચ્ચે આવેલા એક જળાશય પર પાણી ભરવા સાથે જાય છે તેટલી ક્ષણો પૂરતી જીવે છે. તેમનું સમગ્ર જીવન બસ ભૂંગામાં ભરાઈ રહેવા, પુરુષો અને ઘરડા વડીલોની સેવા કરવા અને પાણી ભરવા સાથે જવા મળે ત્યારે બે ઘડી એક મેક સાથે વાતચીત કરવા મળતી જીવવા લાયક થોડી ક્ષણો પૂરતું મર્યાદિત છે અને રૂઢિઓના મૂળિયાં એટલા ઉંડા ઉતરેલા હોય છે કે ખુદ સ્ત્રીઓ પણ માનવા માંડી હોય છે કે જો તેઓ વિધવા સાથે વાતચીત કરે, વ્યવહાર રાખે કે અજાણ્યા પુરુષ સાથે વાત કરે કે ગરબા રમે તો દેવીનો પ્રકોપ તેમના પર ઉતરે એટલું નહીં, તેમના પાપની સજા આખા ગામને મળે, માતાજી રૂઠે અને વરસાદ પડે! થોડું ઘણું ભણેલી એક મંજરી નામની હોંશીલી કન્યા સમરપૂર પરણીને આવે છે અને એક દિવસ પાણી ભરવા જતી વખતે તરસે મરી રહેલા પેલા ઢોલીને જુએ છે જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. પાણી પીવડાવી મંજરી ઢોલીનો જીવ બચાવે છે અને ઉપકૃત થયાની લાગણી વશ મંજરીની વિનંતીને માન આપી ઉંધો ઉભો રહી ઢોલ વગાડે છે. ઢોલનો નાદ મંજરીના માહ્યલાંને સઘળી બંધન અને અંધશ્રદ્ધાની બેડીઓ તોડી અભિવ્યક્ત થવા મજબૂર કરે છે, ગરબે ઘૂમવા તેના પગ અને તેનું અંગે અંગ બેચેન થઈ જાય છે અને તે ગરબે ઘૂમવા માંડે છે. પછી તો હેલ્લારો બીજી બધી મહિલાઓનેય મંજરી ભેળી ગરબે ઘૂમવા ફરજ પાડે છે અને દ્રશ્ય ફિલ્મની સર્વોત્કૃષ્ટ ક્ષણોમાંનું એક બની રહે છે. પહેલી વાર જ્યારે નારી વૃંદ એક પછી એક, ડરતા ડરતા ગરબે ઘૂમવા જોડાય છે ત્યારે બેકગ્રાઉંડ મ્યૂઝિકમાં મૂકાયેલ સ્ત્રી સ્વર - પ્રેક્ષકના ચિત્તતંત્રને ઝંકૃત કરી મૂકે એવો આબાદ અને અસરકારક છે. ગરબાના હિલોળા લેતા સ્ત્રી વૃંદ સાથે પ્રેક્ષક પણ સીટ પર બેઠા બેઠા ઝૂમી ઉઠે છે! પછી તો રોજ સ્ત્રી વૃંદ ઢોલીના ઢોલના તાલે ગરબા રમવા આવે છે પાણી ભરવા આવતી વેળાએ અને એટલી ક્ષણો પૂરતી જીવન ખરા અર્થમાં માણ્યાનું અનુભવે છે અભિવ્યક્તી દ્વારા, આઝાદીના અનુભવ દ્વારા. ઢોલી હિજરત કરી જવાની વેતરણમાં હોય છે અને નજરે પડતો નથી ત્યારે સ્ત્રીઓના મનમાં તેને ન જોતા જે ફાળ પડે છે, હવે ગરબા રમવા નહિ મળે,આઝાદી-અભિવ્યક્તિ બસ હવે પૂરી ડર મનમાં પેસતા તેઓ જે રીતે ઢોલીનું નામ જાણતા હોવાથી તેની દિકરી રેવાના નામની બૂમો પાડી તેને શોધવા જુદી જુદી દિશાઓમાં બહાવરી બની દોડવા માંડે છે દ્રષ્ય પણ ખૂબ સરસ રીતે ફિલ્માવાયું છે.
        પછી તો એક દિવસ તેમની વાત પુરુષો જાણી જાય છે અને તેઓ પોતપોતાના બૈરાંઓને ઢોર માર મારે છે અને ઢોલીનું માથું વાઢી લેવાનું નક્કી કરે છે. તેની છેલ્લી ઇચ્છા મુજબ ઢોલ ફાટી જાય ત્યાં સુધી વગાડવાની તેને છૂટ અપાય છે અને ઢોલ વગાડે છે કે બે ઘટનાઓ એક સાથે ઘટે છે - અત્યાર સુધી પુરુષોનો અત્યાચાર સહન કરતી રહેલી મહિલાઓ આક્રોશ પૂર્વક બહાર આવી ઢોલીના ઢોલના તાલે પુરુષો ની સામે તેમને અવગણી ગરબા લે છે અને જાણે તેમના પગલાને વધાવતા આકાશ તેમના પર વર્ષો બાદ અમી છાંટણા વર્ષાવે છે અને અહીં સૂચક રીતે બલિદાનનો ભોગ બનેલી નારી સસ્મિત પોતાનો અંતે વિજય થયાની અદાથી પાછું વળી જોતા બતાવાઈ છે અને અહીં હવે સમરપૂરમાં માત્ર પુરુષો ગરબા નહીં રમે, સ્ત્રીઓ માત્ર ભૂંગામાં ભરાઈને અને પાણી ભરવા જવામાં પોતાનું જીવન પૂરું નહીં કરી નાખે એવી આશા સાથે ફિલ્મ પૂરી થાય છે.
     ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજમુદારે તેમના કર્ણપ્રિય સ્વરે બદ્ધ કરેલા બે ગરબા એટલા તો સુંદર છે કે તેને સાંભળ્યા કરવાનું મન થાય, તે સમીર - અર્ષ તન્નાની બેલડી દ્વારા એટલી સુંદર રીતે નૃત્ય નિર્દેશિત કરાયા છે કે આપણને પણ બધાં સ્ટેપ્સ પોતે કરી ગરબા રમવાનું મન થાય! માત્ર સ્ત્રીઓના નહીં, પુરુષોના ગરબા અને તલવાર રાસ પણ તલવાર, દાંડિયા, કચ્છી છત્રી વગેરે પ્રોપ્સ સાથે એટલી સુંદર કોરીઓગ્રાફી પામ્યાં છે કે જૂઓ એટલી ક્ષણો દરમ્યાન તમે ફિલ્મમાં દર્શાવાયેલ પુરુષોના અન્ય ઘાતકી પાસાને ભૂલી જાઓ!! વેશ-પરિભૂષામાં પણ એટલી ચોકસાઈ રખાઈ છે કે ડિપાર્ટમેંટ માં પણ પૂરે પૂરા માર્કસ અપાઈ જાય! અભિનેત્રી શ્રદ્ધા ડાંગર તો બાજી મારી જાય છે પણ બાકીની બાર અભિનેત્રીઓનું પર્ફોમન્સ પણ એટલું જોરદાર છે કે તેઓ બધીને એક સાથે ખાસ રાષ્ટ્રીય પુરસ્કાર અપાયાની અભૂતપૂર્વ ઘટના બની છે! લીલા બનતી નીલમ પંચાલના ડાયલૉગ્ગરબા હાટું તો આખું રાજપાટ આપી દઉં, પણ મારી પાસ છે નઈ!, … નાચ્યા તો નાચ્યા, કોઈએ જોયું ક્યાં!, ... કાલ ભેગા થઈએ... પાણી ભરવા...ગરબા કરવા!” વગેરે એટલા લોકપ્રિય બન્યા છે કે સોશિયલ મીડિયા પર તે ટેગ થાય છે! ગૌરી બનતી તર્જની ભદલાની આંખ મીંચકારવાની અદા હોય, રાધા-રૂડીની શરૂઆતની નકારાત્મકતા હોય, ગંગાની ડર અને પોતાની જાતને કોસવાની માનસિકતા, સીતા અને રેવા ના બાળ પાત્રોની નિર્દોષતા,ગોમતીની મા સહજ મમતા, વિધવા કેસરની વેદના અને વિચારશીલતા કે પછી નવમા મહિને પતિની લાતને કારણે મૃત બાળકી જન્મવાની હંસાના પાત્રની વેદના - બધું હેલ્લારોના નારી પાત્રોએ અતિ સુંદર, સહજ અને સરાહનીય રીતે ભજવ્યું છે.
        ફીલ્મ ના અર્થસભર ગીતો અને ચોટદાર સંવાદ મારા પ્રિય સર્જક સૌમ્ય જોશી લખ્યાં છે. કેટલાક સંવાદ તો સરળ હોવા છતાં એટલા ગહન છે કે મન પર ઘેરી છાપ છોડી જાય છે. જેમકે હંસાના નવ મહિનાનો ગર્ભ ધરાવતા પેટ પર મંજરી હાથ મૂકે છે અને ગર્ભસ્થ શિશુની લાત નો અનુભવ કરતી વેળા કહે છે કે મનની વાત જાણી જાય છે? તો શિશુ ચોક્કસ છોડી (બાળકી) હશે. જ્યારે શિશુ પિતાની લાત ને કારણે જન્મ પહેલાં મૃત્યુ પામે છે અને તેનો ઓશેરો કરાવવા અન્ય મહિલાઓ હંસા પાસે આવે છે ત્યારે હંસા કહે છે કે બધા પાપોની સજા મળતી હોત તો પૃથ્વી પર જેટલા છે એટલા પુરુષો બચ્યા ના હોત! તે વેદના ભૂલવા  શરીરને કળ વળતા પોતે પણ ગર્ભપાત થઈ જતાં પોલા બનેલા પેટને પોલા ઢોલના તાલે કદાચ સારું લાગે માટે ગરબે જોડાશે એવું સૂચન કરે છે. મંજરીના મુખે બોલાયેલા કેટલાક સંવાદ પણ ખૂબ અસર કારક છે જેમ કે તે કહે છે કે પુરુષોના અત્યાચારના, નિયમોના, રમતોના ભોગ બન્યા એટલું બહુ છે, એનો ભાગ નહીં બનવાનું.  ઢોલી સમક્ષ તે કબૂલ કરે છે કે તેના ઢોલના તાલ પર તાળી આપે એટલી ક્ષણો પૂરતું તેમને લાગે છે કે તેઓ જીવે છે, મરવાની બીકે જીવવાનું નહિં છોડીએ... સ્ત્રીઓ એટલી હદે ડરેલી હોય છે કે એક દ્રષ્યમાં ગામમાં ભૂવાજી આવે છે ત્યારે ડરતા ડરતા ગંગા પૂછે છે દર વર્ષની જેમ આ વખતે પણ ભૂવાજી  કોઈ પુરુષના શરીરમાં માતાજી ‘લાવશે’ અને આપણે ગરબા રમીએ છીએ તે બધાંને કહી દેશે તો? મંજરી જવાબ આપે છે માતાજી આવે નહિં,માતાજી હોય! અને આપણે બધી એમની છોડીઓ, જ્યારે આપણે ગરબે ઘૂમીએ ત્યારે ચોક્કસ પોતાની છોડીઓને જોઈને હરખ પામે!
જયેશ મોરેએ ઢોલી તરીકે ખૂબ સારો અભિનય કર્યો છે તો આર્જવ ત્રિવેદી, આકાશ ઝાલા, શૈલેષ પ્રજાપતિ, કિશન ગઢવી વગેરે પુરુષ પાત્રોએ પણ પોતપોતાના પાત્રો નોંધનીય અભિનય કરી સારી રીતે નિભાવ્યા છે.
                અભિષેક શાહ દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ હોવા છતાં જરા જેટલી પણ કચાશ છોડી નથી અને પોતે જે કહેવું છે કહેવામાં તેઓ શત પ્રતિશત સફળ રહ્યા છે.
આવી સુંદર, પ્રેક્ષણીય, અદ્ભુત, કલાત્મક, ગૌરવ લઈ શકાય એવી ગુજરાતી ફિલ્મ આપવા બદલ સંપૂર્ણ હેલ્લારો ટીમ ને હાર્દિક અભિનંદન અને લાખો સલામ!!! ગોવામાં હાલમાં ચાલી રહેલા ૫૦માં IFFI ૨૦૧૯ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થવાનું બહુમાન તો ફિલ્મે મેળવ્યું છે પણ પ્રથમ વાર દિગ્દર્શન કરી રહ્યાં હોય એવા સર્જકોની દુનિયાભરની સાત ફિલ્મોમાંની બે ભારતીય ફિલ્મો પૈકીની એક આપણી ગુજરાતી ફિલ્મ હેલ્લારો છે. તે એવોર્ડ જીતવામાં સફળ રહે અને માત્ર ગુજરાતી નહિ, બલ્કે અન્ય ભાષા બોલતાં ભારતીય અને વિદેશી ફિલ્મપ્રેમીઓનો પણ ભરપૂર પ્રેમ અને પ્રશંસા પામે એવી શુભેચ્છા!!