હમણાં ધનતેરસે નાનાકાકા આવતા મેં એ બહાને ચા માંગી અને સાથે તરત સમોસા? એમ સળંગ માંગણી કરી..પૂજા પહેલાં પ્રસાદ ક્યાંથી મળે એ ન્યાયે દીપાએ ડીંગો બતાવ્યો. પૂજા કરવા બેઠા કે પ્રસાદ ધરાવવા મેં ફરી પહેલાં સમોસા યાદ કર્યા.” આનાથી સમોસા આઘા રાખો!” એમ કોઈ વદ્યુ કે તરત રન્નાકાકી બોલ્યા, “ એ તો બોલે એટલું જ..હં.. એમ કાંઈ ખાય નહીં.”
એકથી વધુ વાર એ મને બાખૂબી ઓળખતા હોય, સુપેરે જાણતા હોય એવો ગમતો અને દ્રઢ ભાવ એમણે મને આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે એ કિંમતી ભાવ ગણાય, એવા એકથી એક ચઢિયાતા કારણો અને વગર કારણે પણ કાકી મને સર્વદા પ્રિય રહ્યા છે.
વાલકેશ્વરમાં જે આનંદના ટાપુઓ હતાં એમાં એક મોટો ટાપુ રન્નાકાકી સાથેનો વર્ષોવર્ષનો સહજ અનુભવ હતો. લગ્ન અગાઉ સ્ટેટ લેવલ પર ટેબલ ટેનિસ રમતા કાકી દીવાનખાનામાં લાકડાના લાંબા ટેબલ પર મારી સાથે ટીટી રોજ બપોરે રમતા. ખેલ બરાબરીનો થતો એવું કાંઈક યાદ છે. મમ્મી અચાનક અમદાવાદ જાય ત્યારે મને રન્નાકાકીને સોંપતી જાય. સ્કૂલથી આવું અને તરત સામે બેસી રોજ ભાવથી જમાડે. મને જમવામાં શું શું જોઈશે એની બધી જ ખબર રાખે અને વગર ચૂકે થાળી ભરી જમાડે. મારું ગમતું દહીંનું કચૂમ્બર કદી ચૂકે નહીં. એ કપિલદેવનો ક્રિકેટ કેરિયર નો શરુઆત નો ગાળો. રેડિયો પર બપોરે આવી જમતાં જમતાં ટેસ્ટ મેચ ચાલતી હોય, કપિલદેવની ફટકાબાજીનીકોમેન્ટ્રી બંને જણાં સાંભળતા(૨). એ જમાડતા જાય ને હું નિરાંતે જમું. કેવો આનંદ હતો! એમના હાથના બ્રેડરોલ, રવા ઈડલી, નાનાકાકાની જલસો પાર્ટીના પિત્ઝા અને અપ્રતિમ ઊંધિયું એનો ઝાયકો કેમ ભૂલાય? હસતાં જાય ને પીરસતા જાય. ભૂલેશ્વર જાય ત્યારે ભૂલ્યા વગર હિરાકાશીના સમોસા ને સ્પેશ્યલ આંબલી-પપૈયાની ચટણી લાવે જ! મારા ખાવાના શોખને એ ચૂપચાપ લાડ લડાવતા. મારા લાવેલા લાયબ્રેરીના પુસ્તકો પણ એમનો રસનો વિષય. સુંદર નગર નાનાકાકા સગાઈ પહેલા એકવાર કાકી પાસે લઈ ગયેલા એ દિવસ હજુ આંખો સામે છે.એકબીજા સાથે એકરૂપ થઈ જીવતા કાકા કાકીને જોવાનો લ્હાવો મને મળ્યો છે. પ્રેમ અને વિશ્વાસ બે પાયા પર ઊભેલું એમનું સહજીવન જોઈ ગુણવંત શાહનું વાક્ય જ યાદ આવે. “એકમેકમાં ઓતપ્રોત કોઈ યુગલ જુઓ તો મનોમન વંદન કરી લેજો, હું તમને ખાતરી આપું છું એવી તસ્દી તમારે આ સંસારમાં વારંવાર લેવી નહીં પડે!” કદી ઘરેણાં પહેરેલા કાકી જોયા નથી, જાણે એમનું હાસ્ય અને ઉત્સાહ એ જ એમના તમામ ઘરેણાં. એકવાર બોલતાં સાંભળેલા, “મને ઘરેણાનુ સ્ત્રી સહજ આકર્ષણ જ નથી!” કાકા કાકી સાથે બેસો ત્યારે કોઈ રઈસની સોબત કર્યાનો અનુભવ થાય. ખાસ તો સાદાઈ અને દિલની સચ્ચાઈની એવી ગંગા એમના ઓરડામાં વહે કે બેસનારો સહજ સ્નાન કરી લાગણીથી ભીંજાયેલો જ બહાર આવે! ગત જન્મના પૂણ્ય વગર આવા સજ્જનની સોબત અસંભવ સમજું છું અને વિરમું છું.
- પરાગ જ્ઞાની
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો