Translate

ગુરુવાર, 2 જાન્યુઆરી, 2020

કચ્છના રણોત્સવનો પ્રવાસ (ભાગ - ૧ અને ર)

   
ઉત્તર ગુજરાતમાં વડનગર પાસે આવેલું ઉંઢાઈ મારું વતન અને સાસરું પણ  મહેસાણામાં હોવાથી ઉત્તર ગુજરાતતો વર્ષમાં એકાદ વાર જવાનું થાય જ, પણ પ્રવાસન હેતુથી ગુજરાતના અન્ય ભાગ અત્યાર સુધી વણખેડાયેલા રહ્યાં હતાં. કચ્છ પ્રત્યે તેની ભરત કલા, સંસ્કૃતિ અને અન્ય વિશેષતાઓને લઈને પહેલેથી એક ખાસ આકર્ષણ હતું અને તેમાંયે અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસનનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી તેની ટેગ લાઇન 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ને લઈને અને રણોત્સવના ઘણાં સારા પ્રતિભાવો સાંભળીને ત્યાં જવાનું ખૂબ મન હતું. આ વખતે વેકેશન પર હજી સુધી ક્યાંય જવાયું નહોતું. જાણમાં આવ્યું કે આ વર્ષે રણોત્સવ ૪ મહિના માટે દિવાળીના ૨૮મી ઓક્ટોબરથી શરૂ થશે અને મેં નક્કી કરી લીધું આ વખતે વેકેશન માટે કચ્છ જવાનું!
    સફેદ રણ પૂર્ણિમાની રાતે સોળે કળાએ ખીલતા ચંદ્રની રૂપેરી ચાંદનીમાં કંઈક નોખું જ રુપ ધરે છે એવું વાંચેલું એટલે નક્કી કર્યું કે ૧૨મી નવેમ્બરના ગુરૂ પૂર્ણિમાની રાતે આપણે સપરિવાર ધોરડોની ધરા પર હોવું! કચ્છની મુંબઈથી મર્યાદિત ટ્રેન હોવાથી કન્ફર્મ ટિકિટ ૧૦મીની મળતી હતી એ લઈ લીધી. ૧૧મી એ ભૂજ પહોંચ્યા બાદ એક દિવસ હોમ સ્ટે માં રહેવાનું નક્કી કર્યું અને ચાર દિવસ ત્રણ રાતના રણોત્સવના પેકેજ બાદ મારી કચ્છ યાત્રાનું સમાપન પણ એક દિવસના હોમ સ્ટે બાદ કરવાનું નક્કી કર્યું. ઓનલાઇન શોધખોળ આદરી હોમ સ્ટે બુકિંગ માટે. કેટલાક ચોક્કસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હતાં - જેમકે રણોત્સવનું સ્થળ ભૂજ સ્ટેશનથી ખાસ્સું દૂર હોઈ હોમ સ્ટે એવી જગાએ પસંદ કરવો જે ભૂજ સ્ટેશનથી નજીક હોય. કારણ ૧૨મી એ સવારે રણોત્સવની બસ અમને ભૂજ સ્ટેશનથી પીક અપ કરવાની હતી તેના પર જ આધાર રાખવો પડે એમ હતું નહીંતર દૂરની કોઈ સારી ભૂંગા જેવી હોટલ કે હોમ સ્ટે બુક કરીએ તો ત્યાંથી રણોત્સવ પોતાની મેળે જવાનું બહુ મોંઘુ પડે એમ હતું. ઓનલાઇન શોધખોળ કરી આવી એક જગા શોધી કાઢી જે ભૂજ સ્ટેશનથી બારેક કિલોમીટર દૂર હતી - સ્વામીરા હોમ સ્ટે. આ એક સ્થાનિક પરિવારે પોતાના બંગલાની અગાસી પર ઉભો કરેલ સુંદર વાતાનુકૂલિત ભૂંગો ફોટામાં જ જોઈને એટલો ગમી ગયેલો કે બીજા વધુ હોમ સ્ટે માટેના વિકલ્પો જોવાની જરૂર ન પડી. ભૂંગો સામાન્ય રૂપે ગોળાકાર ઝુંપડા જેવું લાગતું ઘર જેની છત પર ઘાસ પાથરેલું હોય છે અને ભીંતો માટીથી કે છાણથી લીંપેલી હોય છે અને તેના પર સુંદર ભાત કે ચિત્રો દોરેલા હોય છે. જો કે સ્વામીરા હોમસ્ટેનો માત્ર બાહ્ય આકાર જ ભૂંગા જેવો હતો, અંદરથી આ હોમ સ્ટે અત્યાધુનિક ઢબના ઘર જેવો હતો. અહીં મધ્યમાં મોટો ગોળાકાર સૂવા માટેનો બેડ હતો, જેની નીચે સરસ મજાની ડિસ્કો એલ. ઈ. ડી. લાઇટસ ફિટ કરેલી હતી. અંદર બાથરૂમ સહિતનું ફ્લોરીંગ વૂડન હતું. માથા પર સરસ મજાનું ઝૂમ્મર આસપાસ ગોળાકારે સજાવેલી લાઇટસ વચ્ચે સુંદર શોભતું હતું. લાકડાની ભીંત પર કૃત્રિમ લાઇટ દ્વારા પ્રકાશિત ફાનસ પણ ભૂંગાની એકંદર શોભામાં વધારો કરતા હતાં. આ એ. સી. ભૂંગામાં રહેવું એક અતિ સુખદ, આરામદાયી અનુભવ હતો. 

બેસવા માટે મુંઢા અને બીન બેગ્‌સ હતાં. દરવાજા, ગામડાંના ઘરોમાં જોવા મળે એવા સુંદર, ડેલી જેવા હતાં. બહારથી ઉપર અગાશીમાંથી આજુબાજુના બંગલા દ્રશ્યમાન થતાં હતાં, ઘણી ગાયો ફરતી દેખાઈ રહી હતી. દિવાળી થોડો સમય પહેલાં જ ગઈ હોવાથી ભૂંગાને બહારથી લાઇટસ વડે શણગારેલો હતો. પહોંચ્યા બાદ તરત ફ્રેશ થઈ ગયા અને ભૂખ લાગી હતી એટલે યજમાનને ફોન જોડ્યો. તેમણે માહિતી આપી કે સ્વિગી કે ઝોમેટો જેવી ઓનલાઇન એપ દ્વારા ખાવાનું મળી જશે. બહાર ભર બપોરની ગરમી હતી, બારેક કલાકના પ્રવાસનો થાક હતો એટલે બહાર જવાની ઇચ્છા નહોતી આથી હું યજમાનની સલાહને અનુસર્યો, ખાવાનું ઓનલાઇન ઓર્ડર કરી દીધું અને અડધો કલાકમાં વઘારેલો રોટલો, છાશ અને બે ગુજરાતી ભાણા જમી અમે ધરાઈ ગયાં! બે ત્રણ કલાક સૂઈ ગયાં. સાંજે ફ્રેશ થઈ આસપાસ ફરવા નીકળ્યા. આજુબાજુમાં આવેલા મહાદેવ અને આશાપુરા મા ના મંદિરો ની મુલાકાત લીધી. આસાપાસ નજીકમાં હોટલ નહોતી, એટલે એક ઠેલા વાળાને ત્યાં લારી પરથી ચા પીધી. ઘણાં સમય બાદ ચીનાઈ માટીના નાનકડા કપ રકાબીમાં ચા પીવાની મજા માણી! ફરી ભૂંગે આવી બહાર અગાશીમાં બેસી પરિવાર સાથે થોડી સુખદ ક્ષણો ગાળી. સાડા આઠ નવે ફરી નીચે ગયા પણ અહીં તો બધું બંધ! માત્ર નજીક માં આવેલી એક હિમાલય સોડા અને સોફ્ટી નામની એક દુકાન ખુલ્લી હતી. ખાવાનું કંઈ મળે એમ નહોતું અને આમ પણ બપોરે ભારે જમણ મોડું જમ્યા હોવાથી રાતે કંઈ ખાવાની ઇચ્છા પણ નહોતી આથી સોડા - સોફ્ટી થી જ કામ ચલાવવાનું નક્કી કર્યું. ભરત સિંહ જાડેજા નામના અતિ મળતાવડા ભાઈ આ પાર્લર ચલાવતા હતા અને અહીં ભારે રસ પડે એવા મજેદાર પીણાં અને સોફ્ટી મળતા હતા. જગોમગો ટેકિલા નામનું સોડા મેં પસંદ કર્યું જે ભારે ઉત્કંઠા પેદા થાય એ રીતે પેશ કરાયું! ટેકિલા શોટ જેવા નાનકડા ગ્લાસ માં પીવાય તેવા જ ગ્લાસમાં ભરતસિંહ જગોમગોનું ખાસ મિશ્રણ મારી પાસે લઈ આવ્યા અને તે એમણે મને મોટા ગ્લાસ ભરેલા જાડા ગ્લાસમાં નાના ગ્લાસ સાથે નાખી દેવા સૂચન કર્યું. મેં એ મુજબ કર્યું અને સોડાની પેલા નાનકડા ગ્લાસના મિશ્રણ સાથે ભેળ સેળ થતાં ફીણની છોળો ઉડી મોટા ગ્લાસની બહાર પ્રવાહી છલકાવા માંડ્યું! નમ્યા અને નાનકડો હિતાર્થ તો ઠીક પણ હું અને અમી પણ ગેલ માં આવી ગયા! પછી તો મેં જગોમગોની, અમીએ મિલ્કશેકની તો નમ્યા - હિતાર્થે ભૂરા - લીલા રંગનાં અવનવા પીણાં અને સોફ્ટીની મજા માણી.
હું જ્યાં પણ હોમસ્ટે માં રહું ત્યાંના યજમાન સાથે વાર્તાલાપ કરું અને આસપાસની જગાઓની, રહેણીકરણીની વગેરે માહિતી મેળવું પણ અહીં યજમાન સાથે ગોઠડી માંડવાની મારી ઇચ્છા પૂરી ન થઈ. રાતે ભૂંગામાં સરસ ઉંઘ માણી.
 સવારે વહેલા ઊઠી નવેક વાગે ત્યાંથી ભૂજ સ્ટેશન આવવા નીકળી ગયા અને મોટી છકડા રિક્ષામાં બેસી ભૂજ સ્ટેશન બહાર બનાવાયેલા રણોત્સવના વાતાનુકૂલિત પીક અપ ટેન્ટ માં જઈ પહોંચ્યા. રણોત્સવની ટેન્ટ સિટી અમને આવકારવા અને અજોડ આતિથ્ય સત્કારનો અનુભવ કરાવવા અમારી રાહ જોઈ રહી હતી!

(ક્રમશ:)

કચ્છના રણોત્સવનો પ્રવાસ (ભાગ - ૨)
---------------------------------------------------
    સંસ્કૃતમાં કાચબો એવો અર્થ ધરાવતા શબ્દ કચ્છનો એક અર્થ એવો પણ થાય છે કે જે સમયાંતરે વારાફરતી સૂક્કું અને ભીનું થયા કરતું હોય. કદાચ એટલે જ ગુજરાતમાં આવેલ ભારતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા એવા ભૌગોલિક અજાયબી ધરાવતા કચ્છને તેનું 'કચ્છ' આ નામ મળ્યું. પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર, દક્ષિણ અને દક્ષિણ - પૂર્વ દિશામાં કચ્છના અખાત અને ઉત્તર તેમજ ઉત્તર - પૂર્વ દિશામાં કચ્છના રણ વચ્ચે ઘેરાયેલા કચ્છમાં આબોહવા અંતિમો વચ્ચે જોવા મળતી હોવા છતાં સફેદ રણ નામની અજાયબી અને ત્યાં યોજાતા મહોત્સવ - રણોત્સવને લઈને આજે એ માત્ર ભારત ભરમાં જ નહીં, વિશ્વભરમાં પ્રસિદ્ધી પામ્યું છે. અહીં ભૂજથી આશરે ૮૫ કિલોમીટર અંતરે આવેલા ધોરડો નામના ગામમાં દર વર્ષે અમુક મહિનાઓ માટે શિયાળામાં યોજાતા આ ભવ્ય ઉત્સવને માણવા જગતભરના વીસ દેશોથી વધુ રાષ્ટ્રોના લોકો ભારત પધારે છે.
  ચોમાસામાં પાણી નીચે ડૂબી જતી અને બાકીનો સમય સફેદ મીઠા નીચે ધરબાઈ જતી ધોરડોની ધરા નહોતી ખેતી માટે લાયક કે નહોતી પશુ પાલન માટે અનુકૂળ. અહીં વસતી જૂજ પ્રજા માટે આજીવિકા રળવા કોઈ સાધન નહોતું વર્ષ ૨૦૦૬ સુધી. પણ ગુજરાતના ત્યારના મુખ્યપ્રધાન અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ આ જગા પર પડી અને જાણે ત્યારથી આ ભૂમિનું ભાગ્યચક્ર પલટાયું. ત્રણ દિવસની અવધિથી શરૂ થયેલ આ મહોત્સવ હવે દર શિયાળે ત્રણ - ચાર મહિના માટે યોજાય છે અને તેની સફળતા અને લોકપ્રિયતાએ ભારતને અને ગુજરાત - કચ્છને વિશ્વ પ્રવાસનના નકશા પર નોખું સ્થાન અપાવ્યું છે.
   ગુજરાત પ્રવાસન અને લાલુજી એન્ડ સન્સના વ્હાઇટ રણ કેમ્પીંગ એન્ડ હોસ્પીટાલિટીના સંયુકત આયોજન એવા આ ઉત્સવની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી જ્યારે તે માત્ર ત્રણ દિવસ માટે આયોજિત કરાયો હતો. રણોત્સવની મેનેજમેન્ટ ટીમની દક્ષતા અને મહેમાનો - પ્રવાસીઓનો રણોત્સવનો સમગ્ર અનુભવ અવિસ્મરણીય બનાવવાની, આતિથ્ય સત્કારની ભાવના જ કદાચ આ મેળાની સફળતાનું રહસ્ય છે. મારા ત્રણ રાત - ચાર દિવસના રણોત્સવમાં ગાળેલા સંપૂર્ણ સમયગાળા દરમ્યાન સતત મને રણોત્સવની મેનેજમેન્ટ ટીમ પ્રત્યે આદર અને માન વધે એવા અનુભવ થતાં રહ્યાં.
    ભૂજ સ્ટેશનની બરાબર બહાર રણોત્સવ ટીમ દ્વારા મોટો વાતાનુકૂલિત તંબુ ઉભો કરાયો છે, જ્યાં ટ્રેન દ્વારા ભૂજ સ્ટેશન પહોંચનારા પ્રવાસીઓ ફ્રેશ થઈ શકે અને નિરાંતે બસની રાહ જોઈ શકે. આ બસો દિવસમાં ત્રણ વાર અહીંથી અતિથી પ્રવાસીઓને ધોરડોના ટેન્ટ સીટી સુધી લઈ જવા આવજાવ કરે. સવારે આઠ વાગે , દસ વાગે અને બપોરે અઢી વાગે એમ ત્રણ વાર એ પ્રવાસીઓને રણોત્સવના સ્થળ સુધી લઈ જાય અને જે પ્રવાસીઓ રણોત્સવની મજા માણી રહ્યાં હોય, તેમને ફરી ભૂજ સ્ટેશન લઈ આવે. ભૂજ હવાઈ મથકે થી પણ બપોરે એક બસ આ જ રીતે વિમાનથી આવનારા પ્રવાસીઓને ધોરડો લઈ આવે.
   ૧૨મી નવેમ્બરની સવારે અમે દસ વાગ્યાની બસ લીધી અને શરૂ થઈ અમારી રણોત્સવની યાદગાર યાત્રા! બસમાં નાસ્તો તો આપવામાં આવ્યો એ ખાધો પણ એક જગાએ જ્યારે બસે વિરામ લીધો તે ભેરંડીયાળી નામના ગામે તાજો ગરમાગરમ સફેદ દૂધ - મલાઇનો મીઠો માવો ખાધો તેનો સ્વાદ હજી જીભે જળવાઈ રહ્યો છે! બીજું યાદ રહી ગયું છે બસમાં નિયુક્ત કરવામાં આવેલ શાહવાઝ નામના યુવાન ગાઇડ સાથેનું ઇન્ટરેક્શન. રણોત્સવના જુદા જુદા દિવસના પેકેજમાં બસ દ્વારા તમને આસપાસના સ્થળોએ પણ લઈ જવાય અને એ દરેક બસમાં યુવાન ગાઇડસ સાથે હોય જે તમને મુલાકાતની જે - તે સ્થળની માહિતી આપે અને એ જ તે બસમાં સંચાલક અને મેનેજર તરીકે પણ ભૂમિકા ભજવે. આ યુવાનોને રણોત્સવની ટીમ દ્વારા આખા દેશની અગ્રગણ્ય હોસ્પિટાલીટી કે ગેસ્ટ /હોટલ મેનેજમેન્ટનો કોર્સ ચલાવતી કૉલેજમાંથી ચૂંટી અહીં ત્રણ - ચાર મહિના માટે ઇન્ટર્નશીપ કે કોન્ટ્રાક્ટ કરી સર્વિસની તક આપી લાવવામાં આવે છે. માત્ર બસમાં જ નહીં, આખી ટેન્ટ સીટીમાં ટેન્ટના સમૂહના ક્લસ્ટર મેનેજર તરીકે, ભોજન માટેના ડાઇનિંગ હૉલમાં મેનેજર તરીકે, રિસેપ્શન પર ગેસ્ટ પ્રવાસીઓને આવકારવા - તેમના ચેક ઈન - ચેક આઉટ વગેરે મેનેજ કરવા આવા સિત્તેર જેટલા ટેલેન્ટેડ પ્રોફેશનલ યુવાનોની આખી ટીમ તમારી સરભરા અને સેવામાં હાજર! શાહવાઝ દહેરાદૂનની એવિએશન કૉલેજમાંથી અહીં ઇન્ટર્ન તરીકે અનુભવ લેવા રણોત્સવમાં આવ્યો હતો. તેણે અમને રણોત્સવના ઇતિહાસની અને આસપાસના સ્થળોની અને બીજી કેટલીક રસપ્રદ માહિતી આપી. રણોત્સવમાં આ વખતે કુલ ૪૬૭ તંબુ ઉભા કરાયા છે અને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી આ વર્ષે રણોત્સવ ચાલુ રહેશે. અઢી થી ત્રણ કિલોમીટરના પરિઘ વિસ્તારમાં ફેલાયેલ ટેન્ટ સીટીમાં ત્રણ પ્રકારના તંબુઓ વિવિધ ક્લસ્ટર્સ માં વિભાજીત કરી બનાવાયા છે અને આ સમગ્ર વિસ્તારની જમીન પર લીલા રંગની કાર્પેટ બિછાવવામાં આવી છે જેમાં આયોજક લાલુજી એન્ડ સન્સની માસ્ટરી છે. અમારી બસ જેવી અન્ય અઢાર બસ અહીં પ્રવાસીઓની સેવામાં હાજર છે અને લગભગ ૫૦૦ - ૬૦૦ જણની આખી ટીમ આ સમગ્ર કાર્યક્રમમાં ખડે પગે તમારી સુશ્રુષામાં હાજર હોય છે.
   બે કલાકમાં અમે ધોરડો પહોંચી ગયા. ટેન્ટ સીટી રણની મધ્યમાં ઉભું કરાયું હોવાથી, તમે બસમાં ત્યાં પહોંચી રહ્યા હોવ ત્યારે બસની બારીમાંથી ઘણાં લાંબા વિસ્તારમાં ફેલાયેલ રણ જેવો દુર્ગમ વિસ્તાર જ નજરે ચડે, પણ રણોત્સવનું સ્થળ નજીક આવતા માર્ગમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી કેટલીક હોટલ વગેરે નજરે ચડે જેમાં કલાત્મક ચિત્રો થી સજાવેલ ભીંતો વાળા સુંદર ઝૂંપડી જેવા ભૂંગાનો સમૂહ હોય પણ બીજું કંઈ અહીં જોવા ન મળે. પણ જેવો રણોત્સવનો ગેટ નજીક આવ્યો કે દૂરથી રંગબેરંગી ધજાઓ ફરફરી રહેલી નજરે પડી. પાસે આવ્યા એટલે એક ગજબની હકારાત્મકતા અને ઉર્જાનો અનુભવ થયો. બહાર વિશાળ અક્ષરોમાં લાલ - લીલા બાંધણી જેવા કપડાંની ડિઝાઇનથી સુશોભિત Rann Utsav નામનું આર્ટ વર્ક જોવા મળ્યું જેનાં પર અક્ષર 'a' પર ગુજરાતી ભરવાડ પુરૂષની વાંકડીયાળી મૂછ સજાવેલી હતી અને આજુ બાજુ બે ઉંટના શિલ્પ ઉભા કરાયા હતાં. હજી તો ગેટની અંદર પણ પ્રવેશ્યા પહેલા, અહીં થી જ મારા સહિત બસમાં પધારેલા બધા પ્રવાસી મહેમાનોનું ફોટો સેશન શરૂ થઈ ગયું!
  અને જેવા અમે આજુબાજુ બે મોટા હાથીઓના શિલ્પોથી શોભતા ભવ્ય કલાત્મક પ્રવેશદ્વારમાંથી ટેન્ટસીટીમાં અંદર જવા પ્રવેશ લીધો કે ....

(ક્રમશ:)

3 ટિપ્પણીઓ:

 1. જન્મભૂમિ પ્રવાસી ની આપની કોલમ ' બ્લૉગ ને ઝરુખે થી' હું નિયમિત વાચક છું.
  આપ ની લેખન શૈલી ખૂબ જ સુંદર અને રસાળ છે. આમાં પણ પ્રવાસવર્ણન નું આલેખન અદ્ભુત હોય છે.
  આપ અત્યારે જે રણોત્સવ વિશે જે લખી રહ્યા છો તે વર્ષમાં ક્યારે હોય છે?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હાલમાં રણોત્સવ ચાલુ છે અને તે ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

   કાઢી નાખો
 2. આપ ની લેખન શૈલી ખૂબ જ સુંદર અને રસાળ છે. આમાં પણ પ્રવાસવર્ણન નું આલેખન અદ્ભુત છે

  Mansukhlal Gandhi
  Los Angeles, CA
  U.S.A.

  જવાબ આપોકાઢી નાખો