Translate

શનિવાર, 23 નવેમ્બર, 2019

હેલ્લારો


       હેલ્લારો એટલે અંતરનો ઉમળકો, લાગણીઓનો જોરદાર ધક્કો. બધી ભાષાઓની ફિલ્મોને પાછળ મૂકી હેલ્લારો નામની ગુજરાતી ફિલ્મે વર્ષે શ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે સમાચાર તો આપ સૌ વાંચી ચૂક્યા હશો. સૂક્કા ભઠ રણમાં મીઠા પાણીની વીરડી જેટલી શાતા અને સંતોષ આપે એટલી તૃપ્તિ અને હર્ષની લાગણીના ઉમળકાનો અનુભવ ફિલ્મ દરેક કલા અને સિનેમાપ્રેમી પ્રેક્ષકને કરાવે છે તો ખરું પણ ખાસ કરીને સ્ત્રી વર્ગ ફિલ્મ જોઈને એક વિશેષ સ્વતંત્રતા, અકથ્ય ગમા અને જોડાણની લાગણી અનુભવશે નક્કી.

           સુંદર ફિલ્મ મેં બે વાર જોઈ નાંખી છે અને કદાચ હજી જો જોવા મળે તો મને માણવી ગમશે. એના કયા પાસાના વખાણ કરું? ફિલ્મની પડદા પરની દરેક ફ્રેમ એક મનોહર રંગીન ચિત્ર સમાન છે. સૂકાભઠ્ઠ રણની પૃષ્ઠ ભૂમિ પર ગરબા કરતા પાત્રોના રંગબેરંગી વસ્ત્રો એક અદ્ભુત રંગોળી સર્જે છે જે આંખ અને મનને અનેરી ઠંડક અને આનંદ આપે છે. સૌમ્ય જોશીના ચોટદાર છતાં સરળ સંવાદ મન પર ઘેરી અસર છોડી જાય છે. ઢોલ અને ગરબા તો ફિલ્મના પ્રાણ છે. મેહૂલ સુરતીનું સૂરીલું વારંવાર સાંભળવું ગમે તેવું સંગીત અને સમીર - અર્ષ તન્નાની બેલડીનું નૃત્ય નિર્દેશન ફિલ્મને વધુ પ્રેક્ષણીય અને માણવાલાયક બનાવે છે. પ્રતિક ગુપ્તાનું સંકલન માત્ર બે કલાકમાં એટલું બધું કહી જાય છે કે પછીના કલાકો સુધી આપણે ફિલ્મની અસર હેઠળ રહીએ છીએ. ફિલ્મ ક્યાં પૂરી થઈ જાય છે તેની ખબર નથી પડતી અને એમ થાય છે કે હજી વધુ લાંબી હોવી જોઈતી હતી. અણધાર્યો અંત પણ કેટલાક પ્રેક્ષકો ના સમજાયાનું કહે છે પણ સમજુ ભાવકો હકારાત્મક અંતને ચોક્કસ વખાણે છે, બાકી મૂળ આહિરાણીઓની દંતકથા જેના પરથી ફિલ્મ પ્રેરિત છે તેમાં તો ઢોલીના શિરચ્છેદ અને તેની પાછળ બધી ગરબે ઘૂમેલી સ્ત્રીઓએ પ્રાણ ત્યાગ્યાની કરુણાંતિકા હતી.
        ફિલ્મ શરૂ થાય છે માતાજી સમક્ષ ત્રણ વર્ષથી વરસાદનું ટીપું પણ ભાળ્યું નથી એવી સમરપૂર ની સૂક્કીભઠ્ઠ ધરા પર પાણી વરસાવવાની અરજ - પુરુષો દ્વારા કરાતા તલવાર રાસ સાથે અને અંત પામે છે નારીઓના વિદ્રોહી મક્કમ બળવા સમાન ગરબા દ્વારા, જેઓ અભિવ્યક્તિ ઝંખે છે, આઝાદી ઝંખે છે અને જાણે પ્રકૃતિ પણ તેમના પગલા પર અમી છાંટણાની વર્ષા દ્વારા સ્વીકૃતિની મહોર લગાવે છે! કાળા રંગનાં પ્રભાવ સાથેનો ફિલ્મનો અંત અંધારી કાળી રાત પછીના પ્રકાશમય સૂર્યોદયની આશા પ્રત્યક્ષ વ્યક્ત ના કરતો હોવા છતાં એની અપેક્ષા પ્રેક્ષકના મનમાં જગાવતો જાય છે.
         ફિલ્મમાં પુરુષો માતાજીના પરમ ભક્ત દર્શાવાયા છે, પણ ઘરની સ્ત્રીઓના અસ્તિત્વની નોંધ સુદ્ધા લેતા નથી. તેમને મન સ્ત્રી માત્ર ઘરના કામો કરવા અને પાણી ભરી લાવવા સિવાય બહાર પગ પણ ના મૂકવા માટે સર્જાયેલી છે. તેમને પ્રશ્નો પૂછવાનો પણ હક્ક નથી. વિધવા સ્ત્રીનું એક પાત્ર તો દોઢ વર્ષ પછી પોતાના ભૂંગા (ઝૂંપડી જેવું કચ્છપ્રદેશનું સુંદર ઘર) બહાર પગ મૂકવા પામે છે, અન્ય કોઈ તેમના ઘરનું પાણી ભરી લાવવા તૈયાર નથી હોતું એટલે. વરસાદ ના પડે તો પુરુષોએ ગરબા રમવાના અને સ્ત્રીઓએ ઉપવાસ કરવાના - એવી અહિં પ્રથા છે. માતાઓ અહિં દિકરીઓને એવા હાલરડાં એવા ગાઈ સૂવડાવે છે કે માતાજી પાસે સપના વિનાની આખી રાત માગજે કારણ એ પૂરાં થવાના નથી. સ્ત્રી ઘર બહાર જાય તો તેનું ચરિત્ર ખરાબ થઈ જાય અને એમ થાય તો દેવીનો પ્રકોપ દુકાળ અને અન્ય આપત્તિ આણે એવી ફિલ્મના પુરુષોની માનસિકતા છે. એક માત્ર અપવાદ છે ભગલો જે વાંઢ (ગામ) અને શહેરની વચ્ચે કડી સમાન છે અને ફિલ્મમાં થોડી હળવી ક્ષણો પૂરી પાડી પોતાના સરાહનીય અભિનય દ્વારા મૌલિક નાયક ફિલ્મનું એક અતિ અગત્યનું પાત્ર બની રહે છે. તેનું હ્રદય ભાયડો હોવા છતાં, ફિલ્મના એક સંવાદ પ્રમાણે, બાઈડી જેવું (સંવેદનશીલ અને સમજું) છે અને તેથી પૃથ્વી પર મનુષ્યોનું અસ્તિત્વ ટકી રહ્યું છે! નહીંતર ફિલ્મના અન્ય પુરુષ પાત્રો એટલા ક્રૂર અને જડ અને હિન માનસિકતા ધરાવતા દર્શાવાયા છે કે એક નિર્દોષ ઢોલીને તેની નાનકડી દીકરી અને પત્ની સહિત જીવતા ભૂંજી નાખવા તેમના ભૂંગા પર સળગતી મશાલ ફેંકી ચાલ્યા જાય છે. ઢોલીનો ગુનો શું? તેણે હોળી માં પધરાવેલું નાળિયેર લેવા રાહ જોતી વખતે ગામ આખા થી દૂર ડરી, છુપાઈ પોતાની નાનકડી દીકરીની ઈચ્છા પૂરી કરવા ઢોલ વગાડ્યો અને તેની પત્ની અને નાનકડી દીકરી ઢોલના તાલે બે ઘડી હોળીની અગ્નિની આસપાસ ગરબે ઘૂમ્યાં ઢોલીનો ગૂનો. જાતિભેદની સડેલી માનસિકતા ધરાવતા પુરુષોને મન હલકી કુળના ઢોલીની ચેષ્ટાને કારણે પોતાની હોળી અભડાયાનું, ભ્રષ્ટ થયાનું તેમને લાગે છે અને સજા રૂપે, ઢોલી પરિવાર સાથે સૂતો હોય છે ત્યારે તેના ભૂંગા પર સળગતી મશાલ ફેંકી પુરુષોનું ટોળું તેને સજા આપ્યાનો સંતોષ માને છે. ઢોલી તો બચી જાય છે પણ તેની પત્ની અને તેની નાનકડી દિકરી આગમાં જીવતા ભૂંજાઈ જાય છે. અન્ય એક ઘટનામાં ગામની એક વિધવા જ્યારે પોતાનું ભરત કામ શહેરમાં વેચવા મોકલે છે અને તેની જાણ ગામમાં થાય પહેલાં શહેર ભાગી જાય છે ત્યારે રૂઢીચૂસ્ત અને ઘાતકી પુરુષો તેને ત્યાંથી પણ ગોતી કાઢી તેનું બલિદાન આપે છે જેથી કોપાયમાન દેવી તેમના ગામ પર રીઝે અને વરસાદ આપે.
      આવા પુરુષોની સ્ત્રીઓ દિવસમાં માત્ર એક વાર ભેળી થઈ ગામથી દૂર, રણ વચ્ચે આવેલા એક જળાશય પર પાણી ભરવા સાથે જાય છે તેટલી ક્ષણો પૂરતી જીવે છે. તેમનું સમગ્ર જીવન બસ ભૂંગામાં ભરાઈ રહેવા, પુરુષો અને ઘરડા વડીલોની સેવા કરવા અને પાણી ભરવા સાથે જવા મળે ત્યારે બે ઘડી એક મેક સાથે વાતચીત કરવા મળતી જીવવા લાયક થોડી ક્ષણો પૂરતું મર્યાદિત છે અને રૂઢિઓના મૂળિયાં એટલા ઉંડા ઉતરેલા હોય છે કે ખુદ સ્ત્રીઓ પણ માનવા માંડી હોય છે કે જો તેઓ વિધવા સાથે વાતચીત કરે, વ્યવહાર રાખે કે અજાણ્યા પુરુષ સાથે વાત કરે કે ગરબા રમે તો દેવીનો પ્રકોપ તેમના પર ઉતરે એટલું નહીં, તેમના પાપની સજા આખા ગામને મળે, માતાજી રૂઠે અને વરસાદ પડે! થોડું ઘણું ભણેલી એક મંજરી નામની હોંશીલી કન્યા સમરપૂર પરણીને આવે છે અને એક દિવસ પાણી ભરવા જતી વખતે તરસે મરી રહેલા પેલા ઢોલીને જુએ છે જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. પાણી પીવડાવી મંજરી ઢોલીનો જીવ બચાવે છે અને ઉપકૃત થયાની લાગણી વશ મંજરીની વિનંતીને માન આપી ઉંધો ઉભો રહી ઢોલ વગાડે છે. ઢોલનો નાદ મંજરીના માહ્યલાંને સઘળી બંધન અને અંધશ્રદ્ધાની બેડીઓ તોડી અભિવ્યક્ત થવા મજબૂર કરે છે, ગરબે ઘૂમવા તેના પગ અને તેનું અંગે અંગ બેચેન થઈ જાય છે અને તે ગરબે ઘૂમવા માંડે છે. પછી તો હેલ્લારો બીજી બધી મહિલાઓનેય મંજરી ભેળી ગરબે ઘૂમવા ફરજ પાડે છે અને દ્રશ્ય ફિલ્મની સર્વોત્કૃષ્ટ ક્ષણોમાંનું એક બની રહે છે. પહેલી વાર જ્યારે નારી વૃંદ એક પછી એક, ડરતા ડરતા ગરબે ઘૂમવા જોડાય છે ત્યારે બેકગ્રાઉંડ મ્યૂઝિકમાં મૂકાયેલ સ્ત્રી સ્વર - પ્રેક્ષકના ચિત્તતંત્રને ઝંકૃત કરી મૂકે એવો આબાદ અને અસરકારક છે. ગરબાના હિલોળા લેતા સ્ત્રી વૃંદ સાથે પ્રેક્ષક પણ સીટ પર બેઠા બેઠા ઝૂમી ઉઠે છે! પછી તો રોજ સ્ત્રી વૃંદ ઢોલીના ઢોલના તાલે ગરબા રમવા આવે છે પાણી ભરવા આવતી વેળાએ અને એટલી ક્ષણો પૂરતી જીવન ખરા અર્થમાં માણ્યાનું અનુભવે છે અભિવ્યક્તી દ્વારા, આઝાદીના અનુભવ દ્વારા. ઢોલી હિજરત કરી જવાની વેતરણમાં હોય છે અને નજરે પડતો નથી ત્યારે સ્ત્રીઓના મનમાં તેને ન જોતા જે ફાળ પડે છે, હવે ગરબા રમવા નહિ મળે,આઝાદી-અભિવ્યક્તિ બસ હવે પૂરી ડર મનમાં પેસતા તેઓ જે રીતે ઢોલીનું નામ જાણતા હોવાથી તેની દિકરી રેવાના નામની બૂમો પાડી તેને શોધવા જુદી જુદી દિશાઓમાં બહાવરી બની દોડવા માંડે છે દ્રષ્ય પણ ખૂબ સરસ રીતે ફિલ્માવાયું છે.
        પછી તો એક દિવસ તેમની વાત પુરુષો જાણી જાય છે અને તેઓ પોતપોતાના બૈરાંઓને ઢોર માર મારે છે અને ઢોલીનું માથું વાઢી લેવાનું નક્કી કરે છે. તેની છેલ્લી ઇચ્છા મુજબ ઢોલ ફાટી જાય ત્યાં સુધી વગાડવાની તેને છૂટ અપાય છે અને ઢોલ વગાડે છે કે બે ઘટનાઓ એક સાથે ઘટે છે - અત્યાર સુધી પુરુષોનો અત્યાચાર સહન કરતી રહેલી મહિલાઓ આક્રોશ પૂર્વક બહાર આવી ઢોલીના ઢોલના તાલે પુરુષો ની સામે તેમને અવગણી ગરબા લે છે અને જાણે તેમના પગલાને વધાવતા આકાશ તેમના પર વર્ષો બાદ અમી છાંટણા વર્ષાવે છે અને અહીં સૂચક રીતે બલિદાનનો ભોગ બનેલી નારી સસ્મિત પોતાનો અંતે વિજય થયાની અદાથી પાછું વળી જોતા બતાવાઈ છે અને અહીં હવે સમરપૂરમાં માત્ર પુરુષો ગરબા નહીં રમે, સ્ત્રીઓ માત્ર ભૂંગામાં ભરાઈને અને પાણી ભરવા જવામાં પોતાનું જીવન પૂરું નહીં કરી નાખે એવી આશા સાથે ફિલ્મ પૂરી થાય છે.
     ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજમુદારે તેમના કર્ણપ્રિય સ્વરે બદ્ધ કરેલા બે ગરબા એટલા તો સુંદર છે કે તેને સાંભળ્યા કરવાનું મન થાય, તે સમીર - અર્ષ તન્નાની બેલડી દ્વારા એટલી સુંદર રીતે નૃત્ય નિર્દેશિત કરાયા છે કે આપણને પણ બધાં સ્ટેપ્સ પોતે કરી ગરબા રમવાનું મન થાય! માત્ર સ્ત્રીઓના નહીં, પુરુષોના ગરબા અને તલવાર રાસ પણ તલવાર, દાંડિયા, કચ્છી છત્રી વગેરે પ્રોપ્સ સાથે એટલી સુંદર કોરીઓગ્રાફી પામ્યાં છે કે જૂઓ એટલી ક્ષણો દરમ્યાન તમે ફિલ્મમાં દર્શાવાયેલ પુરુષોના અન્ય ઘાતકી પાસાને ભૂલી જાઓ!! વેશ-પરિભૂષામાં પણ એટલી ચોકસાઈ રખાઈ છે કે ડિપાર્ટમેંટ માં પણ પૂરે પૂરા માર્કસ અપાઈ જાય! અભિનેત્રી શ્રદ્ધા ડાંગર તો બાજી મારી જાય છે પણ બાકીની બાર અભિનેત્રીઓનું પર્ફોમન્સ પણ એટલું જોરદાર છે કે તેઓ બધીને એક સાથે ખાસ રાષ્ટ્રીય પુરસ્કાર અપાયાની અભૂતપૂર્વ ઘટના બની છે! લીલા બનતી નીલમ પંચાલના ડાયલૉગ્ગરબા હાટું તો આખું રાજપાટ આપી દઉં, પણ મારી પાસ છે નઈ!, … નાચ્યા તો નાચ્યા, કોઈએ જોયું ક્યાં!, ... કાલ ભેગા થઈએ... પાણી ભરવા...ગરબા કરવા!” વગેરે એટલા લોકપ્રિય બન્યા છે કે સોશિયલ મીડિયા પર તે ટેગ થાય છે! ગૌરી બનતી તર્જની ભદલાની આંખ મીંચકારવાની અદા હોય, રાધા-રૂડીની શરૂઆતની નકારાત્મકતા હોય, ગંગાની ડર અને પોતાની જાતને કોસવાની માનસિકતા, સીતા અને રેવા ના બાળ પાત્રોની નિર્દોષતા,ગોમતીની મા સહજ મમતા, વિધવા કેસરની વેદના અને વિચારશીલતા કે પછી નવમા મહિને પતિની લાતને કારણે મૃત બાળકી જન્મવાની હંસાના પાત્રની વેદના - બધું હેલ્લારોના નારી પાત્રોએ અતિ સુંદર, સહજ અને સરાહનીય રીતે ભજવ્યું છે.
        ફીલ્મ ના અર્થસભર ગીતો અને ચોટદાર સંવાદ મારા પ્રિય સર્જક સૌમ્ય જોશી લખ્યાં છે. કેટલાક સંવાદ તો સરળ હોવા છતાં એટલા ગહન છે કે મન પર ઘેરી છાપ છોડી જાય છે. જેમકે હંસાના નવ મહિનાનો ગર્ભ ધરાવતા પેટ પર મંજરી હાથ મૂકે છે અને ગર્ભસ્થ શિશુની લાત નો અનુભવ કરતી વેળા કહે છે કે મનની વાત જાણી જાય છે? તો શિશુ ચોક્કસ છોડી (બાળકી) હશે. જ્યારે શિશુ પિતાની લાત ને કારણે જન્મ પહેલાં મૃત્યુ પામે છે અને તેનો ઓશેરો કરાવવા અન્ય મહિલાઓ હંસા પાસે આવે છે ત્યારે હંસા કહે છે કે બધા પાપોની સજા મળતી હોત તો પૃથ્વી પર જેટલા છે એટલા પુરુષો બચ્યા ના હોત! તે વેદના ભૂલવા  શરીરને કળ વળતા પોતે પણ ગર્ભપાત થઈ જતાં પોલા બનેલા પેટને પોલા ઢોલના તાલે કદાચ સારું લાગે માટે ગરબે જોડાશે એવું સૂચન કરે છે. મંજરીના મુખે બોલાયેલા કેટલાક સંવાદ પણ ખૂબ અસર કારક છે જેમ કે તે કહે છે કે પુરુષોના અત્યાચારના, નિયમોના, રમતોના ભોગ બન્યા એટલું બહુ છે, એનો ભાગ નહીં બનવાનું.  ઢોલી સમક્ષ તે કબૂલ કરે છે કે તેના ઢોલના તાલ પર તાળી આપે એટલી ક્ષણો પૂરતું તેમને લાગે છે કે તેઓ જીવે છે, મરવાની બીકે જીવવાનું નહિં છોડીએ... સ્ત્રીઓ એટલી હદે ડરેલી હોય છે કે એક દ્રષ્યમાં ગામમાં ભૂવાજી આવે છે ત્યારે ડરતા ડરતા ગંગા પૂછે છે દર વર્ષની જેમ આ વખતે પણ ભૂવાજી  કોઈ પુરુષના શરીરમાં માતાજી ‘લાવશે’ અને આપણે ગરબા રમીએ છીએ તે બધાંને કહી દેશે તો? મંજરી જવાબ આપે છે માતાજી આવે નહિં,માતાજી હોય! અને આપણે બધી એમની છોડીઓ, જ્યારે આપણે ગરબે ઘૂમીએ ત્યારે ચોક્કસ પોતાની છોડીઓને જોઈને હરખ પામે!
જયેશ મોરેએ ઢોલી તરીકે ખૂબ સારો અભિનય કર્યો છે તો આર્જવ ત્રિવેદી, આકાશ ઝાલા, શૈલેષ પ્રજાપતિ, કિશન ગઢવી વગેરે પુરુષ પાત્રોએ પણ પોતપોતાના પાત્રો નોંધનીય અભિનય કરી સારી રીતે નિભાવ્યા છે.
                અભિષેક શાહ દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ હોવા છતાં જરા જેટલી પણ કચાશ છોડી નથી અને પોતે જે કહેવું છે કહેવામાં તેઓ શત પ્રતિશત સફળ રહ્યા છે.
આવી સુંદર, પ્રેક્ષણીય, અદ્ભુત, કલાત્મક, ગૌરવ લઈ શકાય એવી ગુજરાતી ફિલ્મ આપવા બદલ સંપૂર્ણ હેલ્લારો ટીમ ને હાર્દિક અભિનંદન અને લાખો સલામ!!! ગોવામાં હાલમાં ચાલી રહેલા ૫૦માં IFFI ૨૦૧૯ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થવાનું બહુમાન તો ફિલ્મે મેળવ્યું છે પણ પ્રથમ વાર દિગ્દર્શન કરી રહ્યાં હોય એવા સર્જકોની દુનિયાભરની સાત ફિલ્મોમાંની બે ભારતીય ફિલ્મો પૈકીની એક આપણી ગુજરાતી ફિલ્મ હેલ્લારો છે. તે એવોર્ડ જીતવામાં સફળ રહે અને માત્ર ગુજરાતી નહિ, બલ્કે અન્ય ભાષા બોલતાં ભારતીય અને વિદેશી ફિલ્મપ્રેમીઓનો પણ ભરપૂર પ્રેમ અને પ્રશંસા પામે એવી શુભેચ્છા!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો