Translate

મંગળવાર, 19 નવેમ્બર, 2019

સાંઢ કી આંખ અને હેલ્લારો

    પખવાડિયાના અંતરે તાજેતરમાં સ્ત્રી શક્તિનો મહિમા ગાતી અને જે તે સમયના અને સ્થળના સ્ત્રીઓની સામાજિક સ્થિતીનું વાસ્તવિક અને સચોટ ચિત્ર રજૂ કરતી બે ફિલ્મો હાલમાં રજૂ થઈ - એક હિન્દી સાંઢ કી આંખ અને બીજી ગુજરાતી હેલ્લારો. આ બંને ફિલ્મો મેં સપરિવાર માણી અને બંને એટલી ગમી કે બંનેમાં રજૂ થયેલો એક સામાન્ય તંતુ બ્લોગના માધ્યમથી તમારા સૌ સાથે વહેંચવાનું મન થયું એટલે આજના બ્લોગ દ્વારા સાંઢ કી આંખની ચર્ચા કરીશ અને બીજી ગુજરાતી ફિલ્મ હેલ્લારોની છણાવટ આવતા સપ્તાહે.
    સ્ત્રીઓ સંદર્ભે, આજે કદાચ પરિસ્થિતિ થોડી સુધરી છે પણ આપણા પુરુષપ્રધાન કે પૈતૃક સમાજની વરવી વાસ્તવિકતા રહી છે કે સ્ત્રીઓને હંમેશા નીચું સ્થાન મળ્યું છે. તેમને ઉપભોગનું સાધન ગણવામાં આવે છે અને તેમનું સ્થાન ઘરની ચાર દિવાલો વચ્ચે જ છે એવું માનનારો મોટો વર્ગ આ બંને ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યો છે. એકમાં પૃષ્ઠ ભૂમિ છે ઉત્તરપ્રદેશના જોહર ગામની ૧૯૯૯ના સમયગાળાની અને બીજામાં વાત છે ૧૯૭૫ ના ગુજરાતના કચ્છના એક ગામડાની.
પહેલી ફિલ્મમાં વાત છે બે સાચી જેઠાણી - દેરાણી ડોશીઓ પ્રકાશી તોમર અને ચંદ્રા તોમરની જેઓ શૂટર દાદીઓ તરીકે ઓળખાય છે. બીજી ફિલ્મમાં કાલ્પનિક વાત છે ગુજરાતની આહિર જાતિની સ્ત્રીઓની એક દંતકથા પરથી પ્રેરિત.
  સામ્ય છે બંને ફિલ્મોની સ્ત્રીઓની પરિસ્થિતિમાં. બંને ફિલ્મની સ્ત્રીઓ ચાર દિવાલ વચ્ચે ઘેરાયેલી છે જેમણે પોતાના ગામની બહારના વિશ્વને ક્યારેય નિહાળ્યું નથી. તેમના પતિદેવો સ્ત્રીઓને જાણે બચ્ચા જણવાના જણસથી વિશેષ કંઈ નથી સમજતા. પહેલી ફિલ્મમાં પૌત્ર અંગ્રેજી શીખવા ઉત્સુક દાદીને પહેલો જ અંગ્રેજી શબ્દ fool શીખવે છે જેનો અર્થ થાય છે મૂર્ખ. કેટલાક પુરુષોની આવી જ માનસિકતા હોય છે સ્ત્રીઓ પ્રત્યે. તેઓ સમજે છે કે સ્ત્રીઓમાં આવડત ઓછી હોય છે, તેઓ કમજોર હોય છે, તેમણે ઘરની બહારની દુનિયામાં ડોકિયું કરવાની જરૂર નથી, તેમણે ઘર સાચવીને જ બેસી રહેવું જોઈએ. સાંઢકી આંખ નો ગામનો મુખી આવી સડેલી માનસિકતા ધરાવે છે એટલું જ નહીં તે માને છે કે સ્ત્રીઓને તો દાબમાં જ રાખવાની હોય,પગ નીચે કચડીને. જો તે વધુ અવાજ કરે કે ઘરના પુરુષ સામે માથું ઊંચકવાની કોશિશ કરે તો એ પુરુષે યેન કેન પ્રકારેણ આમ થતું રોકવું જોઈએ. જો સ્ત્રી કેમે કરી પુરુષના તાબામાં કે કહ્યા માં ન રહે તો તેને ગોળીએ દઈને પણ પોતાનો અહમ્ જળવાવો જોઈએ એવું તે પોતાના ભાઈઓના મનમાં પણ ઠસાવતો રહે છે. આ ઘરની સ્ત્રીઓ મસમોટો ઘૂંઘટો તાણતી હોવાને કારણે પોતાના ઘરની વ્યક્તિઓના ચહેરા પણ માંડ માંડ જોઈ શકતી હોય તો બહારની દુનિયાતો તેમણે ક્યાંથી જોઈ હોય? આ ઘરની બે દાદીઓમાં શૂટિંગ(બંદૂકની ગોળીથી લક્ષ્ય વીંધવા)નું અદ્વિતીય કુદરતી કૌશલ્ય ઠાંસોઠાંસ ભરેલું હોય છે તેની તેમને પોતાને પણ જાણ હોતી નથી. ઘરની દિકરીઓ નોકરી મેળવી બહાર શહેર જાય અને પુરુષોની કેદમાંથી આંશિક મુક્તિ મેળવે એવા આશયથી એક ડૉક્ટરની મદદથી તેઓ ઘરના પુરુષોથી છાનેછપને દીકરીઓને શૂટિંગની પ્રેક્ટિસ કરાવવા લઈ જાય છે જેથી તેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ તેઓ સરકારી નોકરી મેળવી શકે. અનાયાસે આમ કરવા જતાં તેમની આ જાદુઈ તાકાતની તેમને પોતાને અને ડૉક્ટરને જાણ થાય છે અને ડોક્ટર આ શૂટર દાદીઓને પહેલ વહેલી વખત, બહાનું બનાવી તેમના ઘર અને ગામનો ઉંબરો ઓળંગાવે છે. બહારના વિશ્વમાં તો કૌશલ્ય માટે અનેક તકો ઉભેલી જ હોય છે અને ખરું કૌશલ્ય કોઈ દિવસ છૂપું રહેતું નથી. રાજઘરાણાની રાણી સાહેબા અને અન્ય શૂટિંગ ચૅમ્પિયન પુરુષોને પાછળ છોડી બંને દાદીઓ સાંઢની આંખ વીંઝવામાં સફળ રહે છે અને પછી તો સેંકડો મેડલ્સ મેળવે છે. ચાર પાંચ વર્ષ સુધી તેઓ પોતાના ઘરના પુરુષોથી આ ખેલો છૂપાવવામાં સફળ રહે છે પણ પછી જ્યારે આ અહંકારી પુરુષોને પોતાના ઘરની સ્ત્રીઓની સિદ્ધિઓની જાણ થાય છે ત્યારે તેઓ અહમ્ અને ક્રોધની આગમાં સળગી ઉઠે છે અને દાદીઓએ તેમજ તેમની દીકરીઓએ જીતેલા મેડલ્સ ફેંકી દે છે, ડૉક્ટરનું ઘરબાર સળગાવી દે છે અને ઘરની સ્ત્રીઓને પગની પાનીથી કચડી પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો અથાગ પ્રયાસ કરે છે, પણ આગ તો લાગી ચૂકી હોય છે સ્ત્રીઓના મનમાં પણ અને અંતે શૂટર દાદીઓ પોતે નહીં પણ પોતાની દીકરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધાઓમાં મોકલવામાં સફળ થાય છે અને તેમની દીકરીઓ ભારત માટે મેડલ જીતી માત્ર તેમના ઘર અને ગામનું જ નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કરવામાં સફળ રહે છે. બંદૂક ચલાવવા માટે બાવડામાં બળ જોઈએ તે આ શૂટર દાદીઓ કે તેમની દીકરીઓના બાવડાંમાં આવ્યું કઈ રીતે આવો સાહજીક પ્રશ્ન થાય તો તેનો ઉત્તર એ કે પુરુષો અહંકારી હોવાની સાથે જ નિઠલ્લા અને આળસુ પણ હોય છે અને પોતે આખો દિવસ ગામની પંચાત કૂટતા હુક્કો ગગડાવતા ખાટલે બેઠાં હોય ત્યારે ઘરની સ્ત્રીઓ ઘરના કામની સાથે જ ખેતરનું થકવી નાખનારું કામ કરતી હોય છે, સાથે જ તેમનો ઈંટો પકવવાનો ભઠિયારો પણ હોય છે તેમાં કુશળતા પૂર્વક ઈંટો હેન્ડલ કરવાનું કામ પણ કરતી હોય છે પરિણામે તેમના હાથ અને શરીર આપોઆપ બંદૂક ચલાવવા જરૂરી શ્રમ કેળવી ચૂક્યા હોય છે અને ડૉક્ટરની તાલીમ તેમને 'બુલ્સ આઈ' વીંધવામાં અવ્વલ સ્થાને દોરી જાય છે. આ બુલ્સ આઈ એટલે જ સાંઢ કી આંખ એવું વિચિત્ર લાગે તેવું ફિલ્મનું શિર્ષક સાર્થક થાય છે. હળવી શૈલીમાં ચાબખા મારી આ ફિલ્મ સુંદર સામાજિક સંદેશ આપવામાં સફળ રહે છે. હજી તમારી આસપાસ ના થિએટર માં ચાલી રહી હોય તો જોઈ આવો, ચૂકવા જેવી નથી આ મજાની ફિલ્મ!
   ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો ચોટદાર છે. તાપસી પન્નુ અને ભૂમિ પેધણેકર જેવી જુવાનજોધ કાબેલ અભિનેત્રીઓએ ટાઇપકાસ્ટ કરી નાખતા બોલીવુડમાં ડોશીઓની ભૂમિકા ભજવવા કઈ રીતે હિંમત કરી હશે એ પ્રશ્ન થાય તો ફિલ્મ જોઈ તેનો જવાબ મળી જશે. આટલી જબરદસ્ત પ્રેરણાત્મક વાર્તા હોય અને આવી સશક્ત ભૂમિકા ભજવવા મળવાની હોય તો કોઈ ચકોર અભિનેત્રી આ તક જતી કરી શકે નહીં. ગામના મુખી તરીકે પ્રકાશ ઝા નો અભિનય પણ ઉત્તમ બની રહે છે. શૂટર દાદીઓ જ્યારે બધા મજાક ઉડાવતા હોય છે ત્યારે કે પછી જુવાન પેઢીના ખેલાડી બુઢઢી કહી તેમનું અપમાન કરે છે કે પછી તેમના ઘરના પુરુષો બંદૂકને બાળકોનું રમકડું નહિં પણ પુરુષોનું ઘરેણું ગણાવી તેમને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાંઢની આંખ વીંધી સૌની બોલતી બંધ કરી દે છે કે પછી ગાડીમાં પ્રવાસ વેળાએ છેલબટાઉ યુવકો ગંદી કમેંટ કરી દાદીઓની દીકરીઓની છેડતીનો પ્રયાસ કરે છે ત્યારે તેમના મોઢામાં બંદૂક તાકી તેમને ઉભી પૂંછડીએ નસાડી દે છે કે પછી તેમનો પોતાનો દીકરો જ્યારે ઘરના પુરુષોને તેમની ચાડી ખાવા પ્રયાસ કરવા જતો હોય છે ત્યારે એક દ્રશ્યમાં એક દાદી તેની સામે મધર ઈન્ડિયાની મા ની જેમ બંદૂક તાકે છે ત્યારે સીટી મારવાનું મન થાય છે! અન્ય એક દ્રશ્યમાં પત્રકાર દાદીઓને તેમની ઉંમર પૂછે છે અને દાદીઓને તે અંગે જાણ નથી હોતી અને પત્રકાર એવી કમેંટ કરે છે કે સ્ત્રીઓ ક્યારેય પોતાની સાચી ઉંમર કોઈને જણાવતી નથી, ત્યારે એક દાદી સરસ જવાબ આપે છે કે એમ નથી હોતું, ખરી વાત તો એ છે કે સ્ત્રી પોતાને માટે તે કેટલું જીવી એનો હિસાબ એ ક્યારેય માંડતી જ નથી એટલે એને પોતાની સાચી ઉંમર ની જાણ હોતી નથી. વાહ!
બીજા એક દ્રશ્યમાં ડૉક્ટર પૂછે છે કે દાદીઓ તમે બંને ખાઓ છો શું કે આટલી સચોટ ગોળી વીંધી જાણો છો ત્યારે દાદી જવાબ આપે છે "ગાળો"!  એક સ્ત્રીનું સન્માન બીજી સ્ત્રી કરી જ જાણે પછી ભલે એ મોટી રાણી કેમ ન હોય. રાણી સાહેબાને જ્યારે શૂટર દાદીઓ શૂટિંગ સ્પર્ધામાં હરાવે છે ત્યારે રાણી સાહેબા બંને ને પોતાના મહેલમાં પધારવા આમંત્રણ આપે છે અને તેમને ત્યાં પાર્ટીમાં તેમને મુખ્ય અતિથિ બનવાનું સન્માન આપે છે એટલું જ નહીં પાર્ટી ડિનર પૂરું થયા બાદ ભોળી દાદીઓ હાથ ધોવા અપાયેલા ફિંગર બોઉલ નું લીંબુ પાણીમાં નિચોવી પી જાય છે ત્યારે તેમને છોભીલા ના પાડવા કે તેમનું અપમાન ના થાય એ માટે પોતે પણ લીંબુ પાણીમાં નિચોવી પી જાય છે અને પછી તો બધાં રોયલ મહેમાનો તેમને એમ કરી અનુસરે છે!
છેલ્લે, એક દાદી પોતાની પૌત્રીની નિષ્ફળતાના સમાચાર જાણી જીતી બાજી હારી જાય છે ત્યારે બીજી દાદી ટોચ પર હોવા છતાં છેલ્લો દાવ સ્વેચ્છાએ છોડી દે છે અને હાર સ્વીકારે છે અને પુરુષો ઢોલ નગારા વગાડી તેમની હારની ઉજવણી કરતા હોય છે ત્યારે આખી ફિલ્મ દરમિયાન ઘૂંઘટામાં મોઢું ઢાંકેલું રાખનારી તેમની સાવ બીકણ જેઠાણી જે રીતે ઘૂંઘટો ખોલી નાખી પોતાના પતિ અને અન્ય પુરુષોને ધમકાવે છે એ જોઈ તાળીઓ પાડવાનું મન થઈ જાય છે! ફિલ્મ પૂરી થયા બાદ બંને હિરોઇન સાથે સાચી શૂટર દાદીઓ પણ સ્ક્રીન પર દેખા દે છે અને તેઓ બંનેને સલામ કરવાનું મન થઈ જાય છે! આવી પ્રેરણાત્મક ફિલ્મો બનતી રહેવી જોઈએ અને હિટ થવી જોઈએ જેથી ભારતના ગામડાઓમાં જ્યાં હજી સ્ત્રીઓનું શોષણ અને દમન ચાલુ છે ત્યાં પણ સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાય અને મહિલાઓ એમાંથી પ્રેરણા મેળવી આગળ વધે.
     બીજી ફિલ્મ હેલ્લારોની વિગતવાર ચર્ચા આવતા સપ્તાહે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો