ગત સપ્તાહની એક વહેલી સવારે મુંબઈના
સેન્ટ્રલ રેલવેના દાદરથી વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં
હું પ્રવાસ કરી રહ્યો હતો. ભીડ સાવ ઓછી હતી. હું બેઠો હતો તેની
પાછળની બેઠક પરથી કોઈ બાળસ્વર કંઈક લાંબુ લાંબુ બોલી રહેલો સંભળાયો અને મારા કાન સરવા થઈ ગયાં. મારે એ શું બોલે છે એ સાંભળવા ઝાઝી વાટ જોવી પડી નહિ. કારણ એ બાળકી કંઈક વેચી રહી હતી અને કોઈએ કંઈ ન લેતા હવે એ મારી સામેની ખાલી બર્થ પર આવીને બેસી.
સાત-આઠ વર્ષની તેની ઉંમર હશે. ટીશર્ટ અને ઘૂંટણ સુધી લાંબુ શોર્ટ તેણે પહેર્યા હતા જે ઇસ્ત્રીબદ્ધ નહોતાં. તેણે માથું ઓળેલું નહોતું અને તેના હાથે ઝાંખી થઈ ગયેલી મહેંદી રંગેલી દેખાતી હતી. ખભે તેણે બેકપેક ભરાવેલી હતી જેમાં બાળકો રંગ પૂરી શકે તેવી ચોપડીઓની થોકડી હતી. આવી સાત-આઠ ચોપડીઓ તેણે હાથમાં પકડી હતી. પોતાની માર્કેટીંગ સ્પીચ અને અભિનય કલાની ક્ષમતા વાપરી તે એ ચોપડીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને વેચવાનો પ્રયત્ન કરી રહી હતી.
સ્ટેશન પર ભીખ માગતા અને સહેજે તમારો પીછો જ ન છોડતા બાળકો કરતાં તેનો દેખાવ અને પહેરવેશ ઘણાં સારા હતાં છતાં તે સામાન્ય પરીવારમાંથી આવતી હોય તેવું તેના દેખાવ અને ચેષ્ટા પરથી જણાતું નહોતું.
“સાહબ યે કિતાબ લે લો ના...કલર કે સાથ બહુત અચ્છી તસ્વીરે હૈ...” આટલું બોલતી હતી ત્યાં સુધી તો ઠીક પણ પછી તેણે આગળ ચલાવ્યું, "મૈ આપકે પૈર પડતી હું. કિતાબ લે લો ના" રડવાનો અભિનય કરતા કરતા તે આ મુજબ બોલી ત્યારે મને સહેજ હસવું આવી ગયું. કારણ તેની વાણીમાં ભારોભાર નિર્દોષતા સાથે સ્પષ્ટ જણાતું હતું કે તે પોપટની જેમ આ રટેલી સ્પીચ બોલતી હતી. તેની કાકલૂદી જેન્યુઈન નહોતી. મેં મારી બેગમાંથી એક ચોકલેટ કાઢી તેને એ લેવા આગ્રહ કર્યો. તેણે એ ધરાહર ન લીધી. મને કહે,"મુઝે ચોકલેટ નહિં ચાહિએ, બસ આપ યે કિતાબ ખરીદો. અબ તક એક ભી બિકી નહિ હૈ." મેં તેની એ વાત સામે આંખ આડા કાન કરી તેને પૂછ્યું કે શું તે પોતે શાળાએ જતી હતી. પહેલા તો એણે પણ મારો પ્રશ્ન સાંભળ્યો ન સાંભળ્યો કરી પોતાની માર્કેટીંગ સ્પીચ જ ચાલુ રાખી પણ મેં મારો પ્રશ્ન દોહરાવ્યે રાખતા તેણે વચ્ચે કહી નાખ્યું કે એ મ્યુનિસીપાલ્ટીની શાળામાં ભણવા જાય છે. પણ પછી એને ચોકલેટ લેવામાં કે મારી સાથે વધુ વાતો કરવામાં રસ નહોતો અને તેને ખ્યાલ આવી ગયો હતો કે હું તેની પાસેથી એક પણ ચોપડી ખરીદવાનો નથી. એથી તે બાજુની સીટ પર ચાલી ગઈ અને તેણે અન્ય મુસાફરને રીઝવવાનું શરૂ કર્યું.
તે મારી નજર સામેથી તો હટી ગઈ પણ તેની તસવીર મારા મન સામેથી હટતી નહોતી અનેક પ્રશ્નો ખડા કરીને. મને વિચાર આવ્યો કે કોણે તેને આ રીતે આમ ટ્રેનમાં ચોપડીઓ વેચવા મોકલી હશે? શું તેના માબાપે જ ગરીબીવશ તેને આમ જીવના જોખમે એકલી મુંબઈની ટ્રેનોમાં મજૂરી
કરી પૈસા કમાવા મોકલી હશે કે તે અનાથ હશે? જો તે અનાથ હોય તો કોઈ ગેન્ગ દ્વારા અપહરણનો શિકાર
બની હશે અને તેમણે તેને આમ બાળમજૂરી કરવા મોકલી હશે? ધોળે દિવસે અનેક લોકોની સામે આ બીના બની રહી હતી બાળ મજૂરી જે દેશમાં કાયદાકીય રીતે ગુનો છે એ દેશના સ્વપ્નનગરી ગણાતાં મહાનગરમાં. પણ આવી તો જો કે કંઈ કેટલીય ઘટનાઓ અહિં ક્ષણે ક્ષણે બનતી રહે છે જેના સાક્ષી આપણે સૌ મુંબઈગરા બનતા રહીએ છીએ.
એવો વિચાર આવે કે હું ચાઈલ્ડ હેલ્પલાઈન પર કોલ કરી આ અંગે તેમને વાત કરું? કે પછી રેલવે- પોલીસને આ અંગે જાણ કરું એ પહેલા તો મારું સ્ટેશન વિદ્યાવિહાર આવી જતા
હું ઉતરી ગયો અને ત્યાં ચડવાના અતિ સાંકડા પુલ પર કીડીયારાની જેમ ઉભરાઈ રહેલી ભીડને જોઈ મારો નંબર ક્યારે આવશે ઉપર ચડવામાં તેની ચિંતામાં પેલી બાળકીએ મનમાં જન્માવેલ વિચારો વાયુ બની ઉડી ગયાં.સાંકડા પુલ પરની ભીડ જોઈ એવો વિચાર મનમાં કંપારી પેદા કરી ગયો કે ક્યાંક એલ્ફીસ્ટન રોડ જેવી દુર્ઘટના અહિં પાછી નહિ સર્જાય ને! ખેર, સદનસીબે એમ ન બન્યું અને હું સહીસલામત ઓફિસે પહોંચી ગયો.
બ્લોગ લખવા બેસતી વેળા ફરી આખી આ ઘટના અને એણે ઉઠાવેલા પ્રશ્નો મમળાવવાનું અને તેને તમારા સૌ સાથે શેર કરવાનું મન થયું અને આ બ્લોગ પોસ્ટ લખી નાંખી.આપણે સૌ બાળમજૂરી અટકાવવા શું કરી શકીએ એ અંગે તમારા વિચારો લખી મોકલશો તો આનંદ થશે.