Translate

સોમવાર, 16 એપ્રિલ, 2018

જસ્ટીસ ફોર અસિફા

લોહી ઉકળી રહ્યું છે. ફરી એક વાર બે માસૂમ બાળકીઓ પર અત્યાચારની ગોઝારી ઘટના ચર્ચાસ્પદ બની છે. એક ઘટનાતો ત્રણ મહીના જૂની છે પણ તેને પ્રકાશમાં આવતા આટલો લાંબો સમય લાગ્યો છે. આ દુર્ઘટનાની વિગતો એટલી હીચકારી છે કે એ સાંભળી કે વાંચી ક્રોધાવેશમાં ધ્રુજી ઉઠાય છે, સાથે જ એ અંગે પોતે પણ કાંઈ કરી ન શકવાની લાચારી અને ન એ અંગે સરકાર કે આ દેશની ન્યાય વ્યવસ્થા કોઈ પગલાં નથી લઈ શકી, નથી લઈ રહી એ વાત નો અપાર ગુસ્સો છે. નિર્ભયા સાથે જે કમનસીબ અને પાશવી દુર્ઘટના ઘટી હતી તેને પાંચેક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પરિસ્થિતિ માં કોઈ જ સુધારો નથી, ઉલટાનું કદાચ એ વધુ વણસી છે. ફરી ઓનલાઇન પીટીશન્સ સાઈન થશે, મીણબત્તી કૂચ યોજાશે અને થોડા સમય બાદ ફરી બધું ભૂલાઈ જશે અને બળાત્કાર ની હીન દુર્ઘટનાઓ બન્યા કરશે.
 નિર્ભયાના કેસમાં પણ સૌથી વધુ ઘાતકી ગુનેગાર નાબાલિગ હતો અને છૂટી ગયો હતો (આજે પણ એ કદાચ કોઈ નવી ઓળખ સાથે આ જ દેશમાં ક્યાંક જીવી રહ્યો છે, કદાચ એણે બીજો એકાદ બળાત્કાર પણ કરી લીધો હોઈ શકે છે જે પ્રકાશમાં આવી શકે છે અથવા એ એમ કરવા માં માહિર થઈ ગયો હોય અને એ ઘટના પ્રકાશમાં જ ન આવે એવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી) અને આસિફા નાં કિસ્સા માં પણ એક મુખ્ય શકમંદ સગીર છે એટલે એ કદાચ છૂટી જઈ શકે છે. જ્યાં સુધી આ અંગે નો કાનૂન નહીં બદલાય ત્યાં સુધી આમજ ગુનાહિત માનસ ધરાવતા સગીરો બળાત્કાર કરતાં રહેશે અને કર્યા બાદ છૂટતા રહેશે.
નિર્ભયા વખતે પણ ફાસ્ટ ટ્રેક પદ્ધતિથી એ કેસ નો ખટલો ચલાવવાની વાતો ચર્ચાતી હતી અને આ વખતે પણ આવી ઠાલી વાતો સાંભળવા મળશે તો નવાઈ નહીં લાગે. હવે આ પ્રકાર ના કિસ્સાઓ પણ એટલી હદે અને એટલી સંખ્યામાં બનવા માંડ્યા છે કે આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થવા માંડી છે અને કદાચ ટૂંક સમય બાદ આવા કિસ્સા વાંચી કે સાંભળી આપણને કોઈ ફરક જ નહીં પડે.
રાજકારણીઓ ને તો ગાળ આપવાનું મન થાય છે. આવા બદનસીબ કિસ્સાઓમાં પણ તેઓ પોતાની રોટલી શેકવાનું નફ્ફટ કાર્ય નિર્લજ્જતા પૂર્વક કરતાં બિલકુલ ખચકાતા નથી.પોલીસ નું કામ છે જનતાનું રક્ષણ કરવાનું પણ આસિફા ના કિસ્સામાં ગેંગરેપ કરનાર ની યાદીમાં અને આ કિસ્સો પ્રકાશમાં જ ના આવે તેના પ્રયત્નો કરવાની યાદી ના અપરાધી ઓ માં એક કરતાં વધુ પોલીસ ઑફિસરો નાં નામ છે.
મારે પણ લગભગ આસિફા ની ઉંમર ની જ એક દીકરી છે પણ તેને ઘર ની આસપાસ ક્યાંક એકલી મોકલતા અમારો જીવ નથી ચાલતો તે ઘર ની બહાર એકલી કે તેની હમઉમ્ર મિત્રો સાથે રમી રહી હોય ત્યારે અમારો ઘર વાળાઓ નો જીવ સતત એક ભય ના ઓથાર હેઠળ રહેતો હોય છે.
મને લાગે છે હવે ફિલ્મોમાં જેમ બતાવે છે તેમ આમ આદમીએ, પબ્લિકે જ કઇંક કરવું પડશે. તો જ આ દિશામાં કોઈ પરિવર્તન આવશે. ગુનેગારો ના ફોટા સુદ્ધા અખબારો માં છપાયાં છે. તેઓ આપણી વચ્ચે જ હોય છે. મીણબત્તી માર્ચ કરવા કરતાં ગુનેગારો પર ઘેરો ઘાલવા એક થવું પડશે અને તેમને કઈ રીતે સજા આપવી એના વિશે મારે કંઈ લખવાની જરૂર છે?

રવિવાર, 15 એપ્રિલ, 2018

વનલતા દીદીને આદરાંજલિ સાથે અલવિદા...

ગુજરાતી રંગભૂમિ અને સિનેજગતનાં પીઢ કલાકાર,બાળ રંગભૂમિ અને બાળ નાટક લેખન - સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર વનલતા મહેતા જેને તેમનાં સહકર્મીઓ અને વિદ્યાર્થીઓ વનુબેન કે દીદીના હૂલામણાં નામે બોલાવતાં, તેમનું ચોથી એપ્રિલ ૨૦૧૮ના દિવસે અવસાન થયું અને આ દુખદ સમાચાર સાંભળી મને એક અજબ આંચકો લાગ્યો અને એક ઉંડી ખાલીપાની લાગણીનો અનુભવ થયો.આ લાગણીઓ સાથે એક પસ્તાવાની લાગણી પણ ભળી.નોકરીએ એક દિવસ રજા મૂકી હું તેમના ઘેર જઈ ચડ્યો પણ દીદી તો ચાલ્યા ગયા હતાં,હંમેશ માટે. કાશ હું આ મુલાકાત થોડા દિવસ અગાઉ લઈ શક્યો હોત.
હું દસ-બાર વર્ષનો હતો અને પ્રથમ વાર કંઈક લખવાની શરૂઆત કરી ત્યારે વનલતા દીદીએ મને પોતે પોસ્ટકાર્ડ લખી પ્રોત્સાહન આપ્યું હતું, બિરદાવ્યો હતો.જો એ ન થયું હોત તો કદાચ મેં લખવાની શરૂઆત જ ન કરી હોત. આજે હું જે કંઇ થોડું ઘણું લખી જાણું છું અને જીવનમાં જે મુકામ સુધી પહોંચી શક્યો છું  તેનો પૂર્ણ શ્રેય હું વનલતા દીદીને આપીશ તો એ અતિશયોક્તિ નહિ ગણાય. મારા પર વનલતા દીદીને અપાર હેત. મારી કટાર નિયમિત વાંચી મને અવારનવાર પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યાં કરે અને મારા સંતાનો માટે પણ વ્હાલપૂર્વક આશિર્વાદની છડીઓ વરસાવતા રહે. નમ્યાને તો મેં દીદી સાથે ત્રણ-ચાર વાર મેળવી હતી પણ હિતાર્થને હું દીદીને ન મેળવી શક્યો અને તેમનો મમતાભર્યો હાથ તેના માથા પર ને ફેરવી શક્યાનો પસ્તાવો મને હવે જિંદગીભર રહેશે. હિતાર્થના પ્રથમ જન્મદિન વખતે તેનો ફોટો અખબારમાં આપ્યો હતો તે જોઇ દીદીના હરખનો પાર નહોતો રહ્યો અને તરત તેમણે મને ફોન કરી હિતાર્થ માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારે જ મને તીવ્ર ઇચ્છા થઈ આવી હતી કે જલ્દી જ હું સપરીવાર દીદીની મુલાકાત લઉં અને તેમની રુબરુ ભેટ હિતાર્થ સાથે કરાવું પણ આ વિચારને મેં બે-ત્રણ મહિના સુધી મનમાં જ મમળાવ્યે રાખ્યો, તેને અમલમાં મૂક્યો નહિ અને દીદી ચાલ્યા ગયા સદાય માટે. હવે હું હિતાર્થને ક્યારેય તેમના પ્રત્યક્ષ દર્શન કરાવી શકીશ નહિ.આ વાતનો પસ્તાવો મને સદાયે રહેશે.
જન્મભૂમિની યુવાભૂમિ પૂર્તિમાં પ્રશ્નોત્તરીની કટાર વર્ષો સુધી લખનાર સ્વ.કિશોર દવેનું ફેબ્રુઆરીમાં અવસાન થયું તેના થોડા દિવસ અગાઉ જ મારી તેમની સાથે વાતચીત થયેલી અને અમે પ્રત્યક્ષ મળવાનું નક્કી કર્યું હતું પણ દૈનિક જીવનની ઘરેડમાં અને વ્યસ્તતાને કારણે અગ્રતા ફરી પાછલી પાટલીએ બેસી જતાં એ અંતિમ મુલાકાત થઈ જ ન શકી અને કિશોર ભાઈ પણ પરમ ધામે સિધાવી ગયાં. આ વાત પણ આજે મને દુખી કરી મુકે છે .
આ વાતો શેર કરવાનું કારણ એ જ છે કે હું ઇચ્છું છું કે તમે મનમાં ઉદભવતી મહત્વની બાબતોને જીવનમાં  અગ્રતા આપી તરત અમલમાં મૂકો અને અપાર પસ્તાવાની લાગણીનો અનુભવ કરવામાંથી બચી શકો.
વિતેલો સમય પાછો ફરતો નથી એ હકીકત આપણે સૌ જાણીએ છીએ છતાં કેટલીક વાર આપણે અમુક મહત્વની વાત ને જરુરી અગ્રતા આપવાનું ચૂકી જઈએ છીએ અને પછી રહી જાય છે આપણી પાસે નર્યો પસ્તાવો. એમ.બી.એ.ના અભ્યાસમાં અગ્રતા (પ્રાયોરીટી)ને ખુબ મહત્વ આપવામાં આવે છે અને કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ બાબત અતિ અગત્યનો ભાગ ભજવે છે.
ઘણી વાર આપણે આપણાં કામમાં - વર્ક લાઈફમાં એટલા વ્યસ્ત થઈ જતા હોઇએ છીએ કે આપણે આપણાં પરિવારજનોને - મિત્રોને મળવાનું,તેમની સાથે સમય ગાળવાનું ટાળતા હોઈએ છીએ પણ એ યાદ રાખવું જરૂરી છે કે કપરા કાળમાં એ લોકો જ છે જે આપણને સાચો સાથ - સહકાર આપી જરૂરી પીઠબળ પુરું પાડવાના છે. માટે તેમની આપણે ક્યારેય અવગણના કરવી જોઇએ નહિ.એટલું જ નહિ , તેમના પ્રત્યેની લાગણી યોગ્ય રીતે દર્શાવવી - વ્યક્ત કરવી પણ એટલી જ જરૂરી છે.
જીવનમાં યોગ્ય બાબતોને અગ્રતા આપવી અને તેનો સમયસર અમલ કરવો ખૂબ જરૂરી છે.આપણાં સ્નેહીજનો અને મિત્રોને સમય અને અગ્રતા આપવા જ રહ્યાં કારણ કામ કામ અને કામ કરતાં જો તેમને મહત્વ આપવાનું અને અગ્રતા આપવાનું ભૂલી જઈશું તો પછી સમય વહી જતાં થતો પસ્તાવો કોરી ખાશે અને તેનું દુ:ખ કાયમ મનને ગ્લાનિ આપતું રહેશે.માટે જ જીવન ગમે તેટલું વ્યસ્ત હોય પણ વચ્ચે બ્રેક લેતાં શિખવું જોઇએ અને વર્ક- લાઈફ બેલેન્સ જાળવવું જોઇએ.

રવિવાર, 1 એપ્રિલ, 2018

પેપર ફૂટવાની બદનસીબ ઘટના


હજી દસમા ધોરણના એસ. એસ. સી. બોર્ડના પેપર ફૂટયાનાં સમાચાર જૂના નથી થયા અને આ અપરાધમાં સંડોવાયેલા બધાં અપરાધી કદાચ પકડાયા પણ નથી ત્યાં સી. બી. એસ. સી. (જે ગુણવત્તા અને અભ્યાસક્રમની દ્રષ્ટિએ એસ. એસ. સી. બોર્ડ કરતાં ઉંચુ ગણાય છે) ના દસમા ના ગણિત અને બારમાના અર્થશાસ્ત્રના પેપર ફૂટી જતાં તેની પરીક્ષા ફરી પાછી યોજાશે એવી અટકળો વચ્ચે આ બાબતનો જોરદાર વિરોધ ચાલુ છે. આવી સંવેદનશીલ બાબતે પણ વિરોધ પક્ષ પેપર ફૂટવાની બદનસીબ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી આ મુદ્દે રાજકારણ રમી લેવાનું ચૂક્યો નથી, કેમ જાણે તેમની સરકાર ના કાળમાં પેપર ફૂટતાં જ નહોતાં. પણ ખરું જુઓ તો આ માટે કોને જવાબદાર ગણી શકાય?ભ્રષ્ટ અને લાલચુ શિક્ષક કે શિક્ષણ તંત્રની પરીક્ષાઓ સાથે સંકળાયેલી વ્યક્તિની લાલચને કે ખોટું કરી પાસ થઈ જવાની નેમ રાખતા વિદ્યાર્થીઓની અનિતિ અને કુસંસ્કારોને?માબાપોની પોતાના સંતાનો પ્રત્યેની બેકાળજીને કે શિક્ષણ તંત્રની સરીયામ નિષ્ફળતાને? વિચાર કરો શિક્ષણનું કામ છે વિદ્યાર્થીઓને સાચું અને સારું શિખવી નિતીમત્તાને માર્ગે લઈ જવાનું અને એ માટે જ અનિતીનો ખોટો રસ્તો?કેવો વિરોધાભાસ?
       થોડાં દિવસ પહેલા જ રાણી મુખર્જીની બ્લેક ફિલ્મ બાદ ફરી એક વાર અફલાતૂન અભિનયવાળી સુંદર ફિલ્મ હીચકી જોઈ. અહીં જાણે ફિલ્મનું એક મુખ્ય પાત્ર હોય તેવી રાણીના પાત્ર ને હોય છે તેવી ટ્યુરેટ સિન્ડ્રોમ ની બીમારી સાથે જ શિક્ષણ ક્ષેત્ર અંગે નાં અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓની પણ સરસ ગૂંથણી કરી છે જેમાં પેપર ફૂટયાના મુદ્દાની પણ વાત છે. નવમા ધોરણમાં ભણતાં ઝૂંપડપટ્ટી માં રહેતાં બાળકોના હાથ માં પરીક્ષાના આગલા દિવસે બે અઘરા વિષયના ફૂટી ગયેલા પેપર આવી જાય છે જેનો બે વિદ્યાર્થીઓ સિવાય આખો વર્ગ બહિષ્કાર કરે છે, વિરોધ કરે છે, તેમના માટે આ પરીક્ષામાં પાસ થવું અતિ જરૂરી હોય છે તેમ છતાં. અંતે તેઓ મહેનતના જોરે જ પાસ થઈ જાય છે અને પ્રમાણિકતા દાખવવા બદલ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનાં બેચ નો ખિતાબ પણ પ્રાપ્ત કરે છે. જોકે આ આદર્શ ઘટના ફિલ્મ નો ભાગ છે. શું વાસ્તવિકતા માં પણ આપણે આવું આદર્શ વર્તનના દાખવી શકીએ?
આવતી કાલ નાં ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓની ઉગતી પેઢી સાથે આ પ્રકારના ભ્રષ્ટાચારનું વર્તન આચરી આપણે તેમના માટે કયો દાખલો બેસાડીએ છીએ? તેઓ કદાચ જો આ ખોટી રીતે પાસ થઈ પણ ગયા તો આગળ તેઓ ખોટું જ કરવાનું શીખી આવતી કાલ ના નાગરિક બનશે અને ભારત ને કઈ દિશા માં લઈ જશે?
            આતંકવાદી હૂમલા કે બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ પાછળ જેમ કોઈક આપણું જ નાગરીક ફૂટી ગયું હોય છે કે પછી બેંક ગોટાળા કે કોઈ મોટા કૌભાંડ પાછળ પણ જેમ કોઈકની લાલચ જવાબદાર હોય છે તેમ આવી મોટી બદીઓ પાછળ શાળા કે કૉલેજ જીવન દરમ્યાન હાથ ધરેલી પેપર ફોડવા જેવી બાબત કારણભૂત હોઈ શકે છે.
            આપણે વાલી તરીકે આપણા બાળકો આવી કોઈ ખોટી બાબત સાથે સંકળાયેલા નથી ને એ સુનિશ્ચિત કરી શકીએ છીએ. આપણે પોતે પણ ખોટી રીતો ન આચરી તેમનાં માટે દાખલા રુપ બની શકીએ છીએ. નિયમિત રીતે તેમની પ્રવૃત્તિઓ પર, તેમના મિત્ર વૃંદ પર નજર નાખતા રહેવું જોઈએ. તેમની સતત જાસૂસી કરવાની વાત નથી પણ તેમના પર નજર રાખતા રહેવાની સતત જરુર છે. તેમને ટ્યુશન માટે જ્યાં મોકલીએ છીએ તે જગા અને વ્યક્તિઓ યોગ્ય તો છે ને તેની ચકાસણી આપણે ચોક્કસ કરી શકીએ. કદાચ મોબાઈલ પર ફરતું ફરતું ફૂટેલું પેપર વોટ્સેપ દ્વારા કે પછી અન્ય કોઇ માધ્યમથી હાથમાં આવી પણ ચડે તો તેનો ઉપયોગ ના કરવાનું આપણે આપણાં બાળકો ને જરૂર શીખવી શકીએ. ખોટું કે પાપ આખરે તો છાપરે ચડીને પોકારે જ છે અને સત્યનો રાહ કદાચ મોડો પણ જીવનમાં હંમેશા સુખ અને સંતોષ આપનારો બને રહે છે એ યાદ રાખવાની અને આપણાં બાળકોને શિખવવાની જરૂર છે.