Translate

રવિવાર, 29 ઑક્ટોબર, 2017

ઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)

ફરવાનો મને પહેલેથી શોખ અને ઓફીસમાં નવા શૈક્ષણિક વર્ષ સાથે નવા કર્મચારીઓની વરણી માટે દેશભર નાં જુદા જુદા ભાગમાં આવેલ અગ્રગણ્ય કોલેજીસ અને યુનિવર્સીટીઝ માં અલગ અલગ ટુકડીઓમાં ઇન્ટરવ્યુ લેવા જવાનું હતું એમાં મારે પણ જોડાવાનું થતાં મેં પહેલાં ક્યારેય જ્યાં હું નહોતો ગયો એવા ઓડિશા રાજ્ય પર પસંદગી ઉતારી. ત્યાં ની પ્રખ્યાત કે. આઈ. આઈ. ટી.(KIIT) સંસ્થામાં ઇન્ટરવ્યુ લેવા અમારી પાંચ જણની ટુકડી રવાના થઈ.
ઓડિશામાં અમારે બે દિવસ રહેવાનું હતું પણ ત્રીજે દિવસે રવિવાર આવતો હોવાથી મેં ત્યાં રહી ઓડિશાના ખ્યાતનામ સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને મારા એક દિવસ વધુ રહેવાની વ્યવસ્થા KIIT ના મેનેજમેન્ટે કરી દીધી. વહેલી સવારે ફ્લાઈટમાં ઓડિશા પહોંચ્યા અને એરપોર્ટ પર એક હકારાત્મક લાગણીનો અનુભવ થવા માંડ્યો. કેટલું સારું થાત જો એરપોર્ટ પર હોય છે એવી સ્વચ્છતા આખા દેશના બધાં ભાગોમાં દરેક સ્થળે હોત! એરપોર્ટ પર ઓડિશાના ક્લાકારો દ્વારા બનાવાયેલા વિશાળ ચિત્રો શોભતા હતાં. એક ચિત્ર તો એટલું સુંદર રીતે દોરાયેલું હતું કે જોઈ એમાનાં આદિવાસી ડોશી અને
પુરુષો ઝૂંપડી સહિત જાણે કેમેરા દ્વારા લેવાયેલ તસવીરના જીવંત પાત્રો સમા ભાસતા હતાં.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈકની ઓડિશામાં ઉદ્યોગ અને રમતગમત માટે આમંત્રતી તસ્વીર ધરાવતા મોટા હોર્ડિગ્ઝ પણ એરપોર્ટ પર લગાડેલા હતાં. એરપોર્ટની બહાર આવ્યાં એટલે KIIT ની ગાડી અમને લેવા આવી હતી તેમાં બેસી અમે KIIT ના ગેસ્ટહાઉસ પહોંચ્યા.
દરેક જગાનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે.ઓડિશાની સડકો પર જ્યારે અમારી ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ગાડીની બારીમાંથી અહિની રાજધાનીના શહેર ભુબનેશ્વરની ઝાંખી પામવાનો હું પ્રયાસ કરી રહ્યો.ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ પતવા આવ્યું હોવા છતાં દેશના અન્ય ભાગોની જેમ અહિં પણ વરસાદે હજી વિદાય લીધી નહોતી અને ઝરમર ઝરમર વર્ષાના અમીછાંટણા વાતાવરણ સાથે મારા મનને પણ પલાળી રહ્યાં.
અહિના રસ્તા મને ખાસ્સા પહોળા અને ચોખ્ખા લાગ્યાં. ડ્રાઈવર બંગાળીને ખાસ્સી મળતી આવતી  ઓડિયા ભાષા બોલતો હતો પણ હિન્દી સમજતો હતો આથી તેની સાથે વાતચીત કરતા કરતા ઓડિશા વિષે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ઓડિશાનું મૂળ નામ ઓરિસ્સા હતું અને અહિની સ્થાનિક ભાષા ઓરિયા તરીકે ઓળખાતી હતી પણ અહિના સ્થાનિક લોકોની માગણીને પગલે સાતેક વર્ષ પહેલા દેશના ઘણાં અન્ય શહેરોની જેમ બંને નામોમાં '' નું સ્થાન '' લીધું અને ઓરિસ્સા બને ગયું ઓડિશા.અહિના મુખ્યમંત્રી સુશાસન કરતા હોવા જોઇએ તેથી તેઓ છેલ્લા પંદર વર્ષ કરતાં પણ વધુ સમયથી પોતાના પદે સેવા આપી રહ્યા છે.તેમના પહેલા તેમના પિતા બીજુ પટનાઈક પણ ઘણાં વર્ષો સુધી ઓડિશાના મુખ્યમંત્રી પદે કાર્યરત હતાં.
રસ્તામાં મુખ્ય શહેરની શરૂઆત થઈ એટલે ઠેરઠેર સુશોભિત મંડપ જોવા મળ્યાં.ધ્યાનથી જોયું તો મંડપોમાં હાથીઓ સહિત માતાજીની સુંદર મૂર્તિઓ દ્રષ્યમાન થઈ અને જાણવા મળ્યું કે લક્ષ્મી માતાની મૂર્તિઓ હતીશરદપૂનમને અહિ લોકો કુમાર પૂર્ણિમા તરીકે ધામધૂમથી ઉજવે છે અને આપણે ગણેશોત્સવમાં જેમ ગણપતિની અને નવરાત્રિ દરમ્યાન દુર્ગામાની મોટી મોટી મૂર્તિઓની સાર્વજનિક મંડપોમાં પધરામણી કરી છીએ તેમ શરદ પૂનમે ગજલક્ષ્મી સ્વરૂપની મૂર્તિઓ લાવી તેની પૂજા-અર્ચના કરે છે, સમૂહભોજન તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજી સાતેક દિવસ ઉત્સવની ઉત્સાહ અને ભાવપૂર્વક,શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે અને બાદમાં મૂર્તિનું દરીયા કે નદીમાં વિસર્જન કરે છે.

અડધા એક કલાકમાં અમે KIIT ના ગેસ્ટહાઉસમાં જઇ પહોંચ્યા જ્યાં અત્યાધુનિક હોટેલ જેવીજ સુવિધા ધરાવતી રૂમ્સ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ હતી.  દરેકે અલાયદા રૂમમાં ચેક-ઇન કર્યા બાદ, ફ્રેશ થઈ કેન્ટીનમાં જઈ સ્વાદિષ્ટ ભોજન લીધું  જ્યાં રસગુલ્લાની મારી મનપસંદ મિઠાઈ વિશે જાણવા મળ્યું કે આજે પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે બાબત સિદ્ધ કરવા ઝઘડો ચાલે છે કે રોશોગુલ્લા મૂળ મિઠાઈ બે માંથી કયા રાજ્યની શોધ છે!
 પછી અમે ત્યાંથી પોણા-એક કિલોમીટર જેટલા અંતરે આવેલ KIIT ના વિશાળ કેમ્પસ તરફ પ્રયાણ કર્યું જ્યાં ભવ્ય ઓડિટોરીયમમાં અમારા એચ.આર. મેનેજર અને સી.ટી.. પ્રિ-પ્લેસમેન્ટ પ્રેઝેન્ટેશન અને અમારા ઓર્ગેનાઈઝેશનનો પરિચય અમારી સાથે જોડાવા ઇચ્છુક એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપવાના હતાં. જેવા અમે ગાડીમાંથી ઉતર્યાં કે ત્યાંના પ્લેસમેન્ટ ઓફિસર દેબરાજ મિત્ર અને અન્ય વરીષ્ઠ અધ્યાપક વગેરે પુષ્પગુચ્છ અર્પણ કરી અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું અને એક મોટા કોન્ફરન્સ હોલમાં બેસાડી તેમની સંસ્થાનો પરિચય આપ્યો.
જે સાંભળ્યુ જાણી અમે સંસ્થા અને તેના સ્થાપકથી ખાસ્સા પ્રભાવિત થયાં.જો કે હજી ઘણાં આશ્ચર્યો અમારી રાહ જોઈ રહ્યાં હતાં.પ્રેઝેન્ટેશન અને સી.ટી.. ના ટૂંકા માહિતીપૂર્ણ વક્તવ્ય બાદ જ્યારે એચ.આર.મેનેજર એન્જિનિયર ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ લેવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે દેબરાજ સરે તેમના એક કર્મચારીને અમારી સાથે રાખીને અમને KIITના વિશાળ કેમ્પસની સફરે મોકલ્યાં.
KIIT એક ઓટોનોમસ યુનિવર્સીટી છે જ્યાં એન્જિનીયરીંગ, મેડિકલ, ફાર્માસ્યુટિકલ,મેનેજમેન્ટ, બાયોટેક્નોલોજી,રુરલ મેનેજમેન્ટ અને કાયદા સહિત અનેક ક્ષેત્રોનું શિક્ષણ ઓડિશાના નહિ પરંતુ દેશભરના વિદ્યાર્થીઓને મળે છે. દારૂણ ગરીબીમાં ઉછરેલા અને ચાર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી બેસેલા પ્રોફેસર અચ્યુત સામંતે સંઘર્ષપૂર્ણ જીવન વિતાવી વર્ષ ૧૯૯૨-૯૩માં ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પામી શકે હેતુથી કલિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ (KISS) અને કલિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ની સ્થાપના કરી. ખિસ્સામાં માત્ર પાંચેક હજાર જેટલી રકમ સાથે શૈક્ષણિક સંસ્થાઓની સાવ સામાન્ય શરૂઆત બાદ તેની ઉચ્ચ ગુણવત્તાને લીધે આજે માત્ર અઢી દાયકાના ગાળામાં સંસ્થાઓ શિક્ષણના વટવ્રુક્ષ સમી વિસ્તરી છે.KIIT આજે ભારતની સૌથી પ્રખ્યાત યુનિવર્સીટીઓ માંની એક છે જે દેશ તેમજ વિદેશના કુલ મળી ૨૭૦૦૦ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ એડ્યુકેશન પુરું પાડે છે જ્યારે અમને અભિભૂત કરી દેનારી KISS સંસ્થા દેશ ભરના ૨૫૦૦૦ કરતા વધુ આદિવાસી ગરીબ બાળકોને સાવ મફતમાં બાળમંદીરથી લઈ ઉચ્ચસ્નાતક સુધીનું શિક્ષણ પુરું પાડે છે. એટલું નહિ બધાં વિદ્યાર્થીઓ KISS ના વિશાળ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહે છે અને તેમના ખાવા-પીવાથી માંડી ગણવેશ,શૈક્ષણિક સાધનો વગેરેનો સઘળો ખર્ચ સંસ્થા ઉપાડે છે.


  (ક્રમશ:)

શનિવાર, 28 ઑક્ટોબર, 2017

ગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન

બાળપણ વિશે કહેવાયુ છે કે બાળપણ નાં સંસ્મરણો એટલે દરિયાકાંઠે વેરાયેલા છીપલાંએકઠા કર્યા કરો પણ ખૂટયા ખુટે નહિજેટલા મળ્યા હોય ને પણ કાયમ ઓછા લાગે.  બાળપણ એટલે આંખોમાં નર્યુ વિસ્મય, ભોળપણ અને મુગ્ધતા. બે ફિકરપણુ, ને અલ્લડતા. એય...ને બિંદાસ જીદગી.

થોડા વખત પહેલાંના બાળપણ નુ વેકેશન  એટલે  મિત્રો જોડે વાનરવેડા, તોફાન-મસ્તી, નદી કે દરિયા માં ધૂબાકા મારવા, નળીઆ પર ચડી પતંગ ઉડાડવા, ગીલી ડંડા રમવા, ઝાડ પર ચડી ફળો તોડવા, ભુત બની કોઇને ડરાવવા, ખોખો કે લંગડી રમવી, રેતી નાં કિલ્લા બનાવવા, ઢીંગલા-ઢીંગલી ના લગ્ન કરાવવા વળી નિર્દોષ ઝગડા-ટંટા, રિસામણા-મનામણા તો ખરા . ધમાચકડી ને ધીંગામસ્તી એ જ  આખા દિવસનુ કામ. કાચની ગોટીઓ, પાંચિંકા, કાગળની બનાવેલી હોડીઓ અને એરો વિમાન, ગોલ્ડ સ્પોટની બોટલો નાં બિલ્લા, સિગરેટ નાં ખાલી ખોખા..... .હો હો...કેટલો તો અમૂલ્ય  ખજાનો.

પહેલા T.V., Internet, Computer કે Mobile ન હોવાથી  મિત્રો  ટોળકી બનાવી ભેગા જ બધે જાય. પછી કુટુંબ માં સારે-માઠે પ્રસંગે પણ આ મિત્રો જ મદદરુપ થતા. મજાની વાત તો એ હતી કે એકબીજાનાં મિત્રો ને પણ કુટુબમાં સૌ કોઇ ઓળખતા ને  પોતાનાં જ દીકરા-દીકરી જેટલી કાળજી લેતા.,

બાળપણ એક એવુ મેઘધનુષ, કે જેમાં અવિસ્તરીત પણે નવા નવા રંગો પૂરાતા જાય,એનાં સંભારણા કયારેય વિસરાતા નથી. એ સંસ્મરણો  એટલાં મજબૂત રીતે આપણા મગજમાં વણાઇ ગયા હોય છે, કે આજે કોઇએ કહેલી વાત કાલે ભૂલી જઈશુ. પણ, બાળપણ……. જડબેસલાક રીતે સ્મૃતિ મા અકબંધ.  

માણસનુ મન પણ કેટલુ વિચિત્ર છે. નાંનાં હોઇ એ ત્યારે ઝટ મોટા થઇ જવુ છે, અને મોટા થઇએ ત્યારે આપણું બાળપણ કોઇ પણ હિસાબે ને કિંમતે પાછુ જોઇએ છે. દરેક નુ બાળપણ ને સ્મૃતિઓ એની નિજી સંપત્તિ હોય છે. એક વાર જો એ સ્મૃતિઓ અને લાગણીઓ નાં ઘોડાપૂર માં તણાઇ ગયા તો એ ચક્રવ્યુહ માં થી બહાર નીકળવુ મુશ્કેલ. બાળપણની સ્મૃતિઓ ને ચગળ્યા કરવાથી એનો સ્વાદ અનેરો અને વધારે મીઠો થતો જાય છે.

શ્રી જગજીત સીઘંજી એ ગાયેલી મશહુર ગઝલ " .વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની," અને શ્રી  હરિવંશરાય બચ્ચનજી એ લખેલી કવિતા "મૈં યાદો કા કિસ્સા ખોલુ તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈ" બધાને યાદ હશે જ.

મિત્રનાં હ્દય નાં એકાદ ખૂણામાં આપણે કેવો અડ્ડો જમાવીને બેઠા છીએ અને એ આપણ ને મળવા કેટલો આતુર છે એની  આપણને ખબર જ નથી હોતી. કેટલી બધી જીદગી ની મુગ્ધતા ની પળો મિત્રો સાથે ગાળી હોય છે એ મિત્ર નાં હદય માં એવી ને એવી તાજી અને તરબતર હોય છે.

પણ, કયારેક એવુ થાય છે કે આ જ મિત્રો ને કયારેય મળી શકાતુ નથી, ને આજે મળીશુ, કાલે મળીશુ, કરતા સમય વહ્યો જાય છે ને એક દિવસ એ પ્રાણપ્યારો મિત્ર દુનિયા માંથી જ વિદાય લઇ લે છે. ત્યારે એ જાણીને જીવતા રહેલા મિત્રનાં હ્દ્દય  માં વલોપાત સર્જાતો હોય છે.

બાળપણ વિશે લખવા પ્રેરાઇ, કારણકે હમણાં અમાંરા સ્નેહી શ્રી અજીતભાઇ મૂન્શી એ આપણાં ગુજરાત નાં લબ્ધપ્રતિષ્ઠત કવિ, લેખક અને સાહિત્યકાર, શ્રી ભગવતીકુમાર શર્મા ની આત્મકથા 'સુરત મુજ ઘાયલ ભૂમિ' વાંચીને ફોન કર્યો કે રામબાબુ ભાઇ (મારા પપ્પા) અને એમની મિત્રતા નો એમાં ખાસ વિસ્તૃત પણે ઉલ્લેખ કર્યો છે. ને 'What's app' પર પાનાં ન.312 ને 313 નાં ફોટા પણ મોકલ્યા. ખબર પડી એટલે બહુ જ સાનંદાશ્રય થયુ. એટલા સન્માન, વ્હાલપ, ને ઋજુતા થી એમની લાગણીઓ નાં પડળો ખોલ્યા છે એ વાંચી ને ગદગદ થઇ જવાયુ. એવી અનૂભૂતિ થઇ  જાણે કોઇએ રેશમી કપડામાં વિંટેલી અત્તરની શીશી ખોલી અને બધેજ સુગંધ પ્રસરી ગઇ.

ભગવતી ભાઇ એ એમની અને મારા પિતા શ્રી રામબાબુ જોશીજોડે ની મૈત્રી .એમની રસાળ શૈલી માં વર્ણવી  છે જે હું ટુંકમાં પ્રસ્તુત કરુ છુ. “રામબાબુ જગમોહન, હેમંતકુમાર, પંકજ મલ્લિક અને તલત મહેમુદ નાં ગીતો ગાઇને સૂર ને શબ્દો નો નશો ચઢાવે. અમારી મૈત્રી વચ્ચે સંગીત સેતુરુપ બન્યુ. અને રામબાબુ નાં ગીતો જ મારો મુખ્ય વિસામો હતો. આ વિરલ મૈત્રી જે એક વેકેશન માં પાંગરી અને પછી ત્યાં જ થીજી ગઇ. પાંચ દાયકા માં એક પણ વાર મિલન શક્ય બન્યુ નથી. સમય આટલા પૂરતો મારે માટે જાણે ફ્રીઝ શોટ માં ફેરવાઇ ગયો.” પપ્પા નેતારી આંખનો અફીણીપણ ખૂબ જ પ્રિય. અને કોલજ માં હતા ત્યારે રાસ-ગરબા રમવાના પણ ખૂબ શોખીન. કષ્ટદાયક વાત એ છે મારા પિતા હવે આ દુનિયા માં નથીનહીં તો આ વંચાવી ને ચોક્કસ એમને ભગવતી ભાઇ ને જરુરથી સુરત મળવા લઇ જંઇ  ફરી એક વાર એમનાં  સુર અને  સંગીત ની મહેફિલ જમાવી એમનુ મિલન કરાવતે.

આ વાઁચીને તરત જ મને એમને મળવાનુ મન થયુ. પણ ગુજરાત માં હમણા બધે વરસાદ એટલે એમનો ફોન નંબર મેળવી મારી ઓળખાણ આપી એમને ખબર-અંતર પૂછયા. તરત જરામબાબુ કેમ છે?‘ પૂછયૂએમને મેં જાણ કરી એ પરલોક સિધાવી ગયાને ત્રણ વર્ષ થયા, ત્યારે એમને ખૂબ દૂ:ખ થયુ. પણ મે કહ્યુ કે હું ખાસ તમને જ મળવા ચોકકસ સુરત આવીશ. ત્યારે ખુશ થંઇ ગયા.

 થોડુક મારા પિતા વિષે કહુ તો અમે ભાર્ગવ બ્રાહ્મણ. શ્રી કનૈયાલાલ મુન્શીની જ જ્ઞાતિનાં. મુંબઇ માં રહેવાનુ.. પપ્પા એકદમ હસમુખા, સરળ સ્વભાવના.,સ્વમાની, મહેનતુ, મોહક વ્યકિતત્વ, સિધ્ધાંતવાદી.  કુશાગ્ર બુધ્ધિપ્રતિભા. અને તીવ્ર યાદશકિત. બિલ્ડીંગ ની જ  બે S.S.C ની છોકરીઓ ને 75 મેં વર્ષે ભૂમિતિ ના પ્રમેય, ગણિત અને વિજ્ઞાન શિખવી એ વિષય મા રસ લેતા કર્યા. પછી બેઉ સારા માર્કે પાસ થયા અને પગે લાગવા આવ્યા ને એમની મહેનત સફળ થઇ..  બધાને શક્ય તેટલી મદદ કરે. કુટંબ વત્સલ હોવાને કારણે . બધા ભાઇ-બ્હેન અને સગા માં પ્રિય. એમનુ નામ ખૂબ જ પ્રેમ અને આદર સન્માનથી લેવાતુ.  એક વાર કોઇ મળે એટલે એમને પપ્પા ને વાંરવાર મળવાનું મન થાય જ. એમનો બીજો શોખ તે રાંધણકળા. સુરત નાં હોવાથી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો અને બનાવવાનો શોખ. કોઇ પણ વાનગી એટલી માવજત થી કરે કે સ્વાદિષ્ટ જ થાય. ઉંધિયુ, ભજીય મેદુવડા, બટેટાવડા, ભરેલા રવૈયા-બટાટા, ને ખિચડી-કઢી જોડે નુ કાંદા-બટેટાનુ શાક એમની પ્રિય વાનગીઓ. ઉંધિયુ બનાવી એની પર કોપરૂ કોથમીર ની સજાવટ કરે . બધા, પ્રેમથી ખાય એમાં એમને અનહદ આનંદ થતો. એ કહેતા કોઇ પણ વાનગી  ને જોઇને જ ખાવાનું મન થવુ જોઇએ એ રીતે સજાવવી જોઇએ. . અન્ન ને ભગવાન ગણી ક્યારેય અનાદર ન કરતા.

એમનાં માંમાંનુ કુટુંબ અને સગી બ્હેન સુરત રહેતા હોવાથી,  વિશિષ્ટ પ્રસંગે જ સુરત જવાનુ થતુ. મિલમાં પ્રિંટિગ Department સંભાળતા હોવાને કારણે બહુ રજા પણ ન મળતી એટલે યાદ કરવા છંતા પણ મુ. શ્રી ભગવતી ભાઇ ને મળવાનું ન થતુ.   ત્યાર નાં જમાનાં માં ફોન ની સગવડ પણ નહીવત જેવી જ હતી. પછી તો બે વાર ર્હાટ અટેક આવવાથી રોજ  સાંજે અડધો કલાક ચાલવા જવાનુ અને પછી  એમની પ્રિય કોમેડી T.V. serial  'તારક મહેતા નાં ઉલ્ટા ચશ્માં' જોવાની, સવારે એ જ પાછો રીપીટ એપિસોડ જોવાનો, ને દર શનિવારે આખો દિવસ આ સિરિયલ જોવાની મનો નિત્યક્રમ થઇ ગયો. શ્રી દિલિપ જોષી અને શ્રી ઘનશ્યામ નાયક એમનાં પ્રિય કલાકારો. આ સિરિયલે અમુક અંશે દવા જેવો ભાગ ભજવ્યો. ઘડપણ માં આ જ એમનુ મોટુ મનોરંજન નુ સાધન બની રહ્યુ.

હવે તો 'What's App' 'કે 'Facebook' જેવા માધ્યમોં આવવા થી ઘણો ફરક પડયો છે. અને  બાળપણ નાં મિત્રો નાં Get together શક્ય બન્યા છે. મને પણ મારા બાળપણ ના મિત્રો Facebook નાં માધ્યમ થી જ મળ્યા અને બધાને  હૂં 35-40 વર્ષે મળી., ત્યારે લાગ્યુ કે ભલે ચહેરા ની રેખાઓ  કે શરીર નાં આકારો બદલાતા હોય છે. પણ અંતરની લાગણી ઓ અને પ્રેમ ક્યારેય સુકાતા નથી.

સામાન્ય માણસ જો એનો મિત્ર નામવંત અને પ્રતિષ્ઠિત બની ગયો હોય તો, હમેંશા એમ વિચારે છે કે એ એના કામમાં જ એટલો વ્યસ્ત રહેતો હશે કે એના ફેમિલી માટે એને માંડ સમય મળતો હશે. કામના વિચારો જ ઘુમરાતા  હોય, કેટલાય લોકો ને  મળવાનુ હોય. એમાં આપણે  અમસ્તા જ કારણ વગર મળીને  એમનો સમય વેડફીએ. આવુ વિચારવા ને બદલે, આપણે આપણાં બાળપણ ના મિત્રો, ભલે ને ગમે તેટલાં વ્યસ્ત હોય, પણ ચોક્કસ, ટાઇમ કાઢી ને જરુર મન ભરી મળવા જવુ જોઇએ.. કદાચ એનાં મનમંદિર નાં ખૂણામાં આપણી એક સુરીલી યાદ અને નાનપણ ની છબી એણે જીવ ની જેમ જતન કરી સાચવી રાખી હોય.
                                                                                              
                                                                                                            આરતી જોશી શાહ.