Translate

શનિવાર, 14 જાન્યુઆરી, 2017

ગેસ્ટ બ્લોગ - મોટી ઉંમરે શીખવામાં શરમ શાને?

     -      નીતિન વિ મહેતા

                           માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રૂ ૫૦૦ અને રૂ ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનું હીંમત ભર્યું અને અદભુત પગલું ભર્યું છે, જે કાબિલે દાદ છે. ભલે વિરોધ પક્ષોએ તેને વખોડ્યું હોય, પરંતુ દેશ વિદેશના લગભગ ૮૦% લોકોએ સમર્થન આપ્યું છે. દેશના સાધારણ માનવીને આર્થિક સ્વંત્રતા મળે અને તેની પરિસ્થિતિમાં સુધારો થાય તે જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આજ સુધી અમીરો વધુ ને વધુ અમીર થતા ગયા અને ગરીબો વધારે ગરીબ થયા આ બે ની વચ્ચે મધ્યમ વર્ગનો તો અવાજ ન હતો. વડા પ્રધાને પોતાની સત્તા કે પોતાના જીવની પણ પરવા કર્યા વિના દેશની ગરીબ પ્રજા માટે આ સાહસ કર્યું છે, તેની નોંધ અવશ્ય લેવી ઘટે.
                        આકાશવાણી ઉપરથી ‘મનકી બાત’ કાર્યક્રમમમાં વડા પ્રધાને આ વિષય ઉપર વિસ્તૃત માહિતી આપી. તેમણે કહ્યું હતું કે એક સમયે વિશ્વનાં વિકસિત દેશો સામે ભારત વિકાસનાં માર્ગે ધીરે ધીરે પ્રગતિ કરતું હતું, પરંતુ હવે સંજોગો બદલાઈ ગયા છે. આજે કોઈ સ્પર્ધા નથી. ભારત હવે સમૃદ્ધ રાષ્ટ્રો ની સર્ખામણીમણીમાં જરા ય ઉતરતું નથી એકવીસમી સદીમાં આધુનિક ટેકનોલોજીને કારણે આ શક્ય બન્યું છે. કોમ્પ્યુંટરનાં આગમનથી  વિશ્વ હવે નાનું થતું જાય છે. વ્યવહારો સરળ અને  સગવડતા ભર્યા થતા જાય છે, પરિણામે વડા પ્રધાનનું ‘કેશલેસ ટ્રાન્ઝેક્શન’ નું સપનું સાકાર થતું જણાય છે.
                          મનકી બાતના પ્રવચનમાં શ્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ વોલેટ વિશે જે વાત કરી, તે મને અંગત રીતે સ્પર્ષી ગઈ. આ વિષય પર આ બ્લોગ દ્વારા મારા વિચારો વ્યક્ત કરવાની લાલચ રોકી શકતો નથી. આજકાલ મોબાઈલ તો બધા જ વાપરે છે, પણ કેટલાક વરિષ્ઠ  નાગરીકોને તેના ઉપયોગની જાણકારી નથી, શીખવા માટેની જીજ્ઞાસા નથી બલ્કે તેઓ શરમ અનુભવે  છે. હવે જો બધા વ્યવહારો મોબાઈલ દ્વારા કરવાના હોય તો  વરિષ્ઠ લોકોને થોડી મુશ્કેલી તો પડવાની જ.
                          યુવા પેઢી આ વિષયમાં પારંગત હોવાને કારણે વડા પ્રધાને તેમને વિનંતી કરી છે, કે માતા પિતા, દાદા દાદી , કાકા કાકી વગેરે મોટી ઉંમરનાં લોકોને મોબાઈલનો ઉપયોગ કરતા શીખવાડે. ટૂંકમાં વડીલોએ પુત્ર પુત્રી કે પૌત્ર પૌત્રીને પોતાના ગુરુ બનાવવના છે, કોઈ પણ પ્રકારની નાનમ કે શરમ ન અનુભવતા.
                         એક સમયે એવું મનાતું કે વૃધ્ધાવસ્થા એટલે મૃત્યુ તરફનું  પ્રયાણ જાણે આયુષ્યનો અંત અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની નહી હવે આ પાકટ વયે શું શીખવું જેટલા કાઢ્યા એટલા હવે ક્યાં કાઢવાના છે, આવી વીચારસરણી પ્રચલિત હતી. કાયદા પ્રમાણે નિવૃત્તિ મળતી હોય છે, પરંતુ આ નિવૃત્તિ એટલે નિશ્ક્રીયતા ના હોવી જોઈએ. નિવૃત્તિમાં પણ મનગમતી પ્રવૃત્તિ કરવામાં આવે તો તનમનમાં તાજગી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. નવું નવું જોવા જાણવાની જીજ્ઞાસા તથા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉમંરનો બાધ ન હોવો જોઈએ. ‘હવે પાકે ઘડે કાંઠા ન ચડે’ એ કહેવતને ખોટી સાબિત કરવાનો સમય હવે આવી ગયો છે.પ્રત્યેક પળે નવું નવું શીખવાની તક મળે તે ઝડપી લેવી જોઈએ.
                            કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે તો આયુષ્યના સિત્તેરમેં વર્ષે ચિત્ર કળા શીખવાની શરૂઆત કરી હતી તે તેમની કળા પ્રત્યેનો રસ તથા તેને આત્મસાત કરવાની ઉત્કંઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઉમંર આ કવિને બાધક ન હતી. ગાંધીજીએ પણ એ જમાનામાં કહ્યું હતું,” જીવો તો ભરપુર ઉત્સાહથી જીવો કે કાલે મૃત્યુ પામવાના છો અને કશુંક શીખવા માટેની ધગશ એવી રાખો જાણે અનંત કાળ સુધી જીવવાના હો.”  
                             યુવાનીમાં જે જાણવાની મનીષા હતી તે વૃધ્ધાવસ્થામાં પણ હોય તેમાં કઈ ખોટું નથી. તેમાં પાકટ ઉંમરનો નિષેધ અસ્થાને છે. આખરે તો સકારાત્મક વિચારથી જ આયુષ્ય ખીલી ઊઠે છે, પછી કોઈ પણ અવસ્થા હો. જાણીતા કવિ મકરંદ મુસળેની ગઝલનો એક શેર છે, “ દર્પણને ઘડપણ આવ્યું છે,હું તો છું એવો ને એવો.”
                              માટે જીવવું તો પ્રસન્નાતા પૂર્વક શીખતા શીખતા જીવવું . શીખી લેશું જાણી લેશું અને તેનો અમલ કરશું, તો વડા પ્રધાને આદરેલા આ અભિયાનમાં આપણો પણ સહયોગ અનાયાસે અંકિત થઈ જશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


                                           -      નીતિન વિ મહેતા 

1 ટિપ્પણી: