કાંદિવલી ની એક આંતરરાષ્ટ્રીય શાળામાં બનેલી એક આંચકા જનક અને શરમજનક ઘટના વિશે આજે વાત કરવી છે.બે નાનકડા બાળકોનો પિતા હોઇ હું આ દુર્ઘટના જેની સાથે બની એ નાનકડી ફૂલસમી બાળકીના પિતાની વેદના અનુભવી શકું છું.તેમના જ શબ્દોમાં લખાયેલ આ સંદેશ વોટ્સ એપ પર વાંચવા મળ્યો છે જેનો અનુવાદ અહિ રજૂ કર્યો છે.
"ભારોભાર રોષ અને વેદના સાથે આ દુર્ઘટના અંગેની માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું જેણે મારી સ્કૂલો અને તેમના મેનેજમેન્ટ પરની શ્રદ્ધા અને આસ્થાને ડગમગાવી મૂક્યા છે. હું મારી જાતને પ્રશ્ન કરી રહ્યો છું કે શું આ કહેવાતા વિદ્યાના મંદીરોમાં આપણા બાળકો સુરક્ષિત છે? જ્યારે આપણે આપણા નાનકડા વ્હાલસોયા સંતાનોને શાળાએ મોકલતા હોઇએ છીએ ત્યારે આપણને એવો વિશ્વાસ હોય છે કે તેઓ અનુભવી શિક્ષકો અને શાળાના સંચાલકોના આશ્રય હેઠળ સુરક્ષિત છે. પણ આમ હોય છે ખરું? હું હતાશ અને નિસહાય બની ગયો છું. હું જીવીકાનો પિતા છું જે સિનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. એ ગોઝારી ઘટનાના દિવસે નિત્યક્રમ પ્રમાણે અમે તેને સાડા બારે સ્કૂલ મોકલી. એ સમયે તેના મુખ પર જોયેલું સ્મિત છેલ્લું સ્મિત હતું. ૧.૨૫ વાગે મને તેની સ્કૂલ માંથી ફોન આવ્યો કે જીવિકાને વાગ્યું છે અને અમારે સ્કૂલે જઈ તેને લઈ જવી.
એ પ્રમાણે મેં મારી પત્નીને સ્કૂલે જવા સૂચના આપી.એ સ્કૂલે જવાના માર્ગે હતી ત્યારે પોણા બે વાગે મને બીજો ફોન આવ્યો કે અમારે સ્કૂલે પહોંચી જવું પણ હજી સુધી તેમણે સાચા કારણની મને જાણ કરી નહોતી. જ્યારે મારી પત્ની સ્કૂલે પહોંચી ત્યારે ત્યાં જોયેલા દ્રષ્યે તેને હચમચાવી મૂકી. ત્યાં અમારી નાનકડી દિકરી મેડિકલ રૂમના એક ખૂણે થોડાંક શિક્ષકો ની હાજરી વચ્ચે લોહીલૂહાણ હાલતમાં બેઠી હતી.
તેના ટીચરે મારી પત્નીના હાથમાં એક પ્લાસ્ટીકની થેલી મૂકી જેમાં જીવિકાની નાનકડી આંગળીનો કપાયેલો ભાગ હતો. જીવિકા હજી લોહીલૂહાણ સ્થિતીમાં હતી અને છેલ્લા અડધા કલાકથી તે રડી રડીને એટલું થાકી ગઈ હતી કે તેના આંસુ પણ સૂકાઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણો ધરાવતી એક ઇન્ટરનેશનલ સ્કૂલે એક નાનકડી વિદ્યાર્થિનીને અડધા કલાક સુધી લોહી નિગળતી હાલતમાં માત્ર પ્રાથમિક સારવાર આપી બેસાડી રાખી હતી.
તેમને બાળકને ડોક્ટર પાસે લઈ જવાનું કે તેના માતાપિતાને સાચી ઘટના અંગે જાણ કરવાનું જરૂરી કે મહત્વનું નહિ લાગ્યું. અમને એવી જાણ થઈ કે તેના ટીચરે જીવિકા જે ઓરડામાં હતી તેનું બારણુ બંધ કર્યું તેની પાછળ જીવિકા રહી જતા તેની આંગળી કપાઈ ગઈ. તેમણે એવો પાંગળો બચાવ કર્યો કે મારી લિખીત પરવાનગી ન હોવાને કારણે તેઓ મારી બાળકીને હોસ્પિટલ નહોતા લઈ ગયા.
મને વિચાર આવે છે કે જો આ જ ઘટના કોઈ ટિચર કે મેનેજમેન્ટના સભ્યના બાળક સાથે બની હોત તો શું ત્યારે પણ તેઓ આમ લિખીત પરવાનગીની રાહ જોઈ બેસી રહ્યા હોત્? આપણે આપણાં બાળકોને શિખવતા હોઇએ છીએ કે કોઈ અજાણ્યાને પણ જો તે ઘાયલ હોય તો જલ્દી માં જલ્દી સૌથી નજીક હોય એવી હોસ્પિટલે લઈ જવો જોઇએ જ્યારે અહિ એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે જે પોતાની નાનકડી વિદ્યાર્થીનીને જરૂરી સારવાર મેળવવા દવાખાને લઈ જવા તેના માતાપિતાની લેખિત મંજૂરીની રાહ જોઇ બેસી રહે છે. સારવારમાં આ વિલંબ અને ભારે લોહી વહી જવાને કારણે મારી બાળકીના હાથની નસો ભારે નુકસાન પામી ચૂકી છે. હું આ લખી રહ્યો છું ત્યારે ડોક્ટરો મારી બાળકીને આંગળી કપાઈ જવાને કારણે અને તેના હાથને પહોંચેલા નુકસાનને ઓછામાં ઓછું કરી શકાય એ માટેની સારવાર્-સર્જરી કરતા ઓપરેશન થિયેટરમાં ઝઝૂમી રહ્યા છે. હું તમને સૌને મારી દિકરી માટે પ્રાર્થના કરવા વિનવું છું અને આવા અમાનવીય નિયમો સામે અવાજ ઉઠાવવાની વિનંતી કરું છું જેના કારણે આવી કોઈ કમનસીબ દુર્ઘટનાનો ભોગ બનેલા બાળકને જરૂરી સારવાર સમયસર ન મળી શકે."
આ હ્રદયદ્રાવક સંવેદના સભર સંદેશ વાંચી વિચાર આવે છે કે કદાચ અકસ્માત થયો એ તો બનવા કાળ બન્યું પણ એ પછી શિક્ષકો એ કરેલું વર્તન અને શાળાના જડસુ નિયમો થોડા અલગ હોત ચોક્કસ દુર્ઘટનાથી થયેલું નુકસાન ઓછું કરી શકાયા હોત.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાળાની બેદરકારીને લીધે નિર્દોષ વિદ્યાર્થીની સાથે જે બનાવ બન્યો તે વાંચી આઘાત લાગ્યો.
જવાબ આપોકાઢી નાખોશાળાના સંચાલકોએ આવી બાબતો પ્રત્યે સતત સજાગ રહેવું જરૂરી છે.
ગત સપ્તાહે શાળાની બેદરકારીને લીધે નાનકડી બાળકીએ પોતાની આંગળી ગુમાવવી પડી એ વાંચી ખુબ દુ:ખ અને રોષની લાગણી અનુભવી.આવી શાળા સામે કડક પગલા લેવાવા જોઇએ.
જવાબ આપોકાઢી નાખોઆ બ્લોગ કટારનો હું નિયમિત વાચક છું. ગત સપ્તાહના લેખમાં શાળાનું નામ જાહેર કરવાની જરૂર હતી.
જવાબ આપોકાઢી નાખો