Translate

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2016

અતિ ઉપયોગી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા

ગણેશોત્સવ માં જેમ ગણપતિબાપ્પા અને નવરાત્રિ દરમ્યાન અંબામાનાં ગરબાની લોકો ભાવભક્તિ પૂર્વક પોતપોતાને ઘેર પધરામણી કરે છે તેમ જ હવે ઘણાં ભાવિકો અષાઢ વદ અમાસથી - શ્રાવણ સુદ નોમ સુધી પોતાને ઘેર દશામાની મૂર્તિની પધરામણી કરે છે અને શ્રદ્ધા પૂર્વક તેની પૂજા અર્ચના બાદ દસમે દિવસે એ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. અમારા એક જૂના પાડોશી મિત્ર ઇન્દુબેન પરમારના ત્યાં પણ દર વર્ષે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક દશામાની પધરામણી થાય છે. વખતે મેં સપરીવાર તેમને ત્યાં દર્શન કરવા જવાનું નક્કી કર્યું.
સાંજે ઓફિસેથી છૂટી મેં સીધા ઇન્દુબેનને ત્યાં પહોંચી જવાનું હતું.પરીવારના અન્ય સભ્યો ત્યાં પહોંચી ગયા હતા.ઓફિસેથી છૂટી હું લગભગ સાંજે સાડાસાતની આસપાસ મલાડ સ્ટેશન પહોંચ્યો. મલાડ પૂર્વમાં તેમનું ઘર સ્ટેશનેથી ચાલીને અડધા કલાકેકમાં પહોંચાય એટલું દૂર. 'પોકીમોન ગો' ગેમ મેં નવી નવી રમવી શરૂ કરી હતી જેમાં નવા નવા પોકીમોન્સ પકડવા તમારે વધુ ને વધુ ચાલવું પડે! આથી રમતા રમતા ચાલીને ઇન્દુબેનના ઘેર જવાનું નક્કી કર્યું. અડધું અંતર કાપ્યા બાદ રસ્તામાં એક હનુમાનજીનું મંદીર આવે છે ત્યાં થોડે દૂર એક બાજુએ થોડા ઘણાં પાર્ક કરેલ વાહનો વચ્ચે એક માણસને મેં રસ્તામાં પડેલો જોયો. તેની પાસે તેની એક થેલી પડેલી હતી.તેના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. તે થોડું થોડું હલી રહ્યો હતો.પહેલી નજરે જોતા તે દારૂડીયા જેવો લાગ્યો. પણ તેના માથામાંથી વહી રહેલા રક્તે મને એમ વિચારવા મજબૂર કર્યો કે કદાચ દારૂડીયો પણ હોય અને તેનો અકસ્માત થયો હોય. તેને સમયસર સારવાર મળે ને તેનો જીવ બચી જાય. મેં આજુબાજુ જોયું. તેની સાવ નજીકમાં એક પાણીપુરીવાળો ઉભો હતો અને તેની પાસે ઉભા રહી બીજા બે-ચાર જણા પાણીપુરી ઝાપટી રહ્યાં હતાં. તેમનાથી દસ-વીસ મીટરના અંતરે એક માણસ કપાળેથી લોહી નિગળતી હાલતમાં રસ્તા વચ્ચે પડ્યો છે અને તેઓ જાણે સાવ સામાન્ય હોય રીતે પાણીપુરીની લિજ્જત માણી રહ્યા હતાં. મેં ત્યાં જઈ પાણીપુરીવાળાને પૂછ્યું કે સામે પડેલો માણસ કોણ છે એની તેને જાણ છે? તેની સાથે શું બન્યું છે? કોઈ વાહને તેને અડફેટમાં લીધો છે કે તે દારૂ પીને નશામાં પડ્યો છે? તેણે માત્ર ડોકું ધૂણાવી તેને કોઈ માહિતી નથી એવો ટૂંકો ઉત્તર આપ્યો.
ત્યાં જ તેની બાજુમાં થઈને એક મોટી ગાડી આવી. ડ્રાઈવરે જોયું કે એક માણસ પડેલો છે અને તેનો હાથ ચગદાઈ જાય રીતે બાજુમાંથી ગાડી લઈ તેણે માણસના શરીરની સાવ નજીકમાં પોતાની ગાડી પાર્ક કરી.ઉતર્યા બાદ તેણે એક દ્રષ્ટી પેલા રસ્તા પર પડેલા માણસના શરીર પર નાંખી અને પછી જોયું- જોયું કરી તેણે ત્યાંથી ચાલતી પકડી.અન્ય ત્રણ-ચાર રીક્ષાવાળાઓ પણ ત્યાં નજીકમાં ઉભા રહી ઘડીક પેલા રસ્તા પર પડેલા માણસ તરફ ઉપલક દ્રષ્ટી નાંખી ગપ્પાગોષ્ઠીમાં મસ્ત હતા.
જબરી છે મુંબઈ નગરીના વાસીઓની સંવેદના! જો કે બધાં લોકોને એક કક્ષામાં મૂકી શકાય નહી. શહેરમાં દયાની સરવાણી સમા ઉદાર લોકો પણ વસે છે.
ખેર,મને ચેન પડ્યું નહિ.હું દશામાનાં દર્શને જઈ રહ્યો હતો એટલે કે પછી બીજા કોઈ કારણ સર મને થયું મારે ત્યાંથી જતા રહેવું જોઇએ નહિ. થોડે આગળ મને બેચાર પોલીસ ઉભેલા દેખાયા. હું તેમની નજીક ગયો.તેઓ અન્ય કોઈ વિવાદમાં વ્યસ્ત હતા. છતાં મેં તેમને પેલા રસ્તામાં પડેલા માણસની વાત કરી. તેમણે મને કહ્યું "૧૦૮ એમ્બ્યુલન્સ કો કોલ કરો. વો આકે ઉસે લેકે જાયેંગે." મને તેમની ઉદાસીનતા થોડી કઠી.પણ મેં તેમના સૂચન મુજબ વર્તવા નક્કી કર્યું અને તરત મારા મોબાઈલ પરથી ૧૦૮ નંબર પર ફોન જોડ્યો. તરત ફોન લાગી ગયો!
મેં તેમને ઘટનાની અને મારા ચોક્કસ સ્થાનની જાણ કરી.સામે વાળી વ્યક્તિ મરાઠીમાં વાત કરી રહી હતી. પણ તેનો સ્વર નમ્ર હતો. તેણે મને ફોન પર રહેવા વિનંતી કરી મલાડ સ્ટેશન પશ્ચિમ પાસેની ૧૦૮ વેનના ડોક્ટરને ફોન જોડ્યો. તેમણે જણાવ્યું કે વર્ણવેલ સ્થળ તેમના લોકેશનથી દૂર હોવાથી તેમને ત્યાં પહોંચતા ખુબ વાર લાગશે પણ મલાડ પૂર્વમાં એસ.કે.પાટીલ હોસ્પિટલ નજીક ઉભેલી ૧૦૮ ત્યાં વધુ જલ્દી પહોંચી શકશે.મને ફરી વાર ફોન પર રહેવા વિનંતી કરી સામેની વ્યક્તિએ હવે મલાડ પૂર્વની ૧૦૮ના ડોક્ટરને ફોન પર લીધા. મેં તેમને ઘટના અને રસ્તે પડેલ વ્યક્તિનું વર્ણન તથા પોલીસના સૂચન વિશે માહિતી આપી અને જલ્દી થી માતૃસરાફ મંદીર નજીક તે જગાએ આવી જવા સૂચન કર્યું.
સેવાનો મેં પ્રથમ વાર ઉપયોગ કર્યો અને હું તેનાથી ખાસ્સો પ્રભાવિત થયો. મને એમ કે રસ્તામાં અકસ્માતનો કેસ છે એટલે તેઓ હજાર પ્રશ્નો કરશે અને મારે પરેશાન થવું પડશે પણ એમ કંઈ બન્યું નહિ.સાવ સામાન્ય અને પ્રાથમિક એવા પ્રશ્નો પૂછ્યા બાદ તરત તેમણે જગાએ આવી જવા તત્પરતા બતાવી. મેં ફોન મૂક્યા પછી બીજી દસેક મિનિટ રાહ જોઈ પણ એમ્બ્યુલન્સ ત્યાં સુધી આવી નહિ. પરીવારજનોના ફોન પર ફોન આવી રહ્યા હતા.ખાસ્સી વાર થઈ ગઈ હતી આથી હવે મેં મંદીરના પૂજારી પાસે જઈ તેમને પેલો રસ્તે પડેલો માણસ બતાવ્યો અને કહ્યું કે એમ્બ્યુલન્સ આવે તો તેને માણસ સુધી પહોંચાડવા મદદ કરે. પણ તે મંદીર બંધ કરવાની તૈયારીમાં હતા આથી તેમણે મને બાજુના માતૃસરાફ હોલના ચોકીદારને વિશે જાણ કરવા વિનંતી કરી. મેં ચોકીદારને માણસ બતાવ્યો અને જરૂરી સલાહસૂચન આપી ત્યાંથી વિદાય લીધી.
દસેક મિનિટ થઈ હશે, હું ઇન્દુબેનના ઘરની નજીક પહોંચ્યો હતો ત્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાળા ડોક્ટરનો ફોન આવ્યો. તેઓ સ્થળ સુધી પહોંચી ગયા હતા અને તેમણે પેલા માણસને ચકાસી લીધો હતો. તેણે ચિક્કર દારૂ પીધો હતો. નશામાં પડી જતા,કોઈ સાથે મારામારી કરીને કે પછી કોઈ વાહનની અડફેટમાં આવતા તેને ઇજા પહોંચી હતી.તેને ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી દીધી હતી અને મને તેમણે મારી સારી ભાવના બદલ બિરદાવ્યો.
મને એક સારું કામ કર્યાનો સંતોષ અને આનંદ મિશ્રીત લાગણીનો અનુભવ થયો.
બ્લોગ દ્વારા અનુભવ શેર કરવાનું કારણ ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી સરસ સુવિધા વિશે લોકોને માહિતી આપવાનો પણ છે. તમે જોયું હશે કે ઘણાં રેલવે સ્ટેશનો બહાર સેવા આપતી એમ્બ્યુલન્સ ઉભી જોવા મળે છે. મેં તેમની સાથે વાતચીત કરી એવી માહિતી મેળવી છે કે મફત સેવા નો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આખા મહારાષ્ટ્રમાં સેવા ઉપલબ્ધ છે. રસ્તે તમે કોઈ અકસ્માત થયેલો જુઓ કે ઘરે કે ઓફિસમાં કોઈ ઇમર્જન્સી જેવી પરિસ્થીતી ઉભી થાય તો તમારે ૧૦૮ પર કોલ કરી પ્રાથમિક માહિતી આપવાની રહેશે. તેઓ તમારી સૌથી નજીકની ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે તમારો સંપર્ક કરાવી આપશે અને તેમાં હાજર ટ્રેઈન્ડ ડોક્ટર જરૂરી માહિતી મેળવી તમારા સુધી પહોંચી જઈ જરૂરી સારવાર આપશે અને જરૂર જણાશે તો સૌથી નજીકની સરકારી હોસ્પિટલ સુધી દર્દીને પહોંચાડવામાં પણ એમ્બ્યુલન્સ મદદ કરશે.

આશા છે સેવા નો યોગ્ય લાભ લઈ કોઈનો જીવ આપણે ક્યારેક બચાવી શકીએ.

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016

ગેસ્ટ બ્લોગ : મુંબઈના વાહનો દ્વારા કરેલા શહેરી પ્રવાસનો સ્મરણીય અનુભવ

    નીતિન વિ મહેતા.  

 મુંબઈ – આ શહેર મારી જન્મભૂમિ, કર્મભૂમિ અને હવે ધર્મભૂમિ છે. મારી રગેરગમાં વસ્યું છે આ મારું મનગમતું શહેર. મારા અંતરમા પ્રત્યેક પળે ખુશીનો માહોલ રચી દે છે આ શહેર. ગઈ કાલનું મુંબઈ મારા સ્મ્રુતિપટમાં  અકબંધ છવાએલું છે. વિકાસ લક્ષી પરિવર્તન જોતાં ગઈ કાલ અને આજના મુંબઈની સરખામણી કરું છું, ત્યારે રોમાંચ   અનુભવું છું. શૈશવમાં માણેલ મુંબઈની મોજની પ્રત્યેક પળને વાગોળવાનો પણ અનહદ આનંદ છે, એના દરિયાની શીત લહેર આંતર મનને તરબતર કરી દે છે. જ્યારે જ્યારે મુંબઈની બહાર કોઈ અન્ય સ્થળે જવાનું થયું છે, ત્યારે તે સ્થળ સાથે મુંબઈની સરખામણી કરતાં, આ શહેર મને વિશેષ ચડિયાતું લાગ્યું છે.
                          કવિ રમેશ પારેખે ભલે લખ્યું કે ,“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં”, પણ આ શહેરે તો મારા મનસુબાને ઉપસાવ્યા છે, મારા સપનાઓને સાકાર કર્યા છે. મુંબઈએ મારા જીવનને એક ચોક્કસ આકાર આપી ઘડ્યું છે. જોમ, જુસ્સો અને છલોછલ આત્મ વિશ્વાસની સોગાત દીધી છે આ શહેરે મને.
                        આયુષ્યનાં છ દાયકામાં મેં મુંબઈમાં થતા અનેક પરિવર્તનો નિહાળ્યા છે શૈશવથી યુવાવસ્થા કે આજ સુધી આ શહેરનું આકંઠ પાન કર્યું છે મેં. આજે ઉત્તરાવસ્થામાં આ શહેરના અતીતને વાગોળું છું, ત્યારે અંદર બહારથી રોમાંચિત થઈ જાઉં છું.
                        શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે આવવાં જવા માટે વિવિધ વાહનો નો ઉપયોગ કર્યો છે. પ્રારંભમાં ઘોડાગાડી (વિક્ટોરિયા ) થી માંડી આજના મેટ્રો ટ્રેનમાં મુસાફરી કર્યાનો આનંદ અનેરો, અનોખો અને આહલાદક રહ્યો છે.તે સમયે મોટરો ઓછી હતી શ્રીમંતો જ તેના માલિક હતા મધ્યમ વર્ગ માટે વિક્ટોરિયા જ ઉત્તમ હતી. બાળપણમાં ઘોડાગાડીમાં પ્રવાસ કર્યાનો આનંદ અદભુત હતો, તેની યાદો ક્યારે ય નહીં ભૂંસાય
                       ડામરની સ્વચ્છ સડકો પર વચ્ચે સમાંતરે ગોઠવાએલા પાટા ઉપર ટ્રામ, ધીમી ગતિએ દોડતી હોય તેનો કર્કશ અવાજ પણ કાનને ગમતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ ટ્રામ આશીર્વાદ હતી. “બેસ્ટ”ના સંચાલન હેઠળ ચાલતી ટ્રામ ૧૯૬૦ પછી મુંબઈના રસ્તા ઉપરથી અદ્રશ્ય થઈ ગઈ. આજની પેઢીને તો આ વાહનોની વાતો દંતકથા જ લાગે.આજે હયાત વરિષ્ઠ નાગરિકોના મનમાં આ ટ્રામની હકીકત અવશ્ય અંકિત થઈ હશે.
                       મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં ત્યારે આજના જેટલી ભીડ ન હતી. શાહેરના હાર્દ સમા ફ્લોરા ફાઉન્ટન, નરી માન પોઈંટ જેવા વિસ્તારમાં અનેક સરકારી ને ખાનગી કંપનીઓનાં મુખ્ય કાર્યાલયો હતા, જ્યાં નોકરી ધંધાર્થે લોકો દૂર પરાંમાથી આવતા, જે દ્રશ્ય આજે પણ જોવા મળે છે ને ભવિષ્યમાં ય રહેશે. ફાસ્ટ ટ્રેન પકડવા માટે લોકોની જે દોડાદોડી થાય છે, તે મુંબઈનું ફાસ્ટ લાઈફનું ચિત્રીકરણ છે..
                        પરિવર્તન આવકાર્ય છે સાથે આવશ્યક પણ છે એમ મુંબઈની સડકો પર બસો દોડતી થઈ. શરૂઆતમાં ડબલ ડેકર બસો હતી જેમાં ઉપરના માળે બેસી શહેરનું સૌન્દર્ય માણવાનો અપ્રતિમ લ્હાવો હતો. સ્થળ પ્રમાણે તેની ઓળખ એ રૂટ પી રૂટ તરીકે હતી. આ માળવાળી બસો પણ કાળક્રમે ઓછી થઈ, તેના સ્થાને સિંગલ ડેકર બસો આવી જે તળ મુંબઈથી દૂર દૂરના પરાં સુધી આજે પણ દોડે છે. એરિયા પ્રમાણે નમ્બરથી ઓળખાય છે. પ્રવાસીઓની સુવિધા માટે આ બસોની સંખ્યા વધતી જાય છે. રેલ્વેની માફક બસ પણ આ શહેરનું આગવું આકર્ષણ છે. વરિષ્ટ નાગરિક, દિવ્યાંગ ને સભર્ગા મહિલાઓ માટે “બેસ્ટ” જે સગવડતાઓ પૂરી પાડે છે, તે અત્યંત પ્રશંસનીય છે.
                         એકવીસમી સદીનું અનુપમ આકર્ષણ એટલે આ શહેરને મળી મેટ્રોની સોગાત. વર્સોવા અને ઘાટકોપર વચ્ચે દોડતી આ ટ્રેને પણ પ્રવાસીઓને રાહત આપી છે. ખાનગી વાહનો, ટેકસી રિક્ષાની સંખ્યા વધવાને લીધે ગીચતા દૂર નથી થતી. ટ્રાફિકની સમસ્યા એમની એમ જ છે અને કાયમ રહેશે. ઉત્તરોત્તર આ શહેરની વસ્તીમાં વધારો થતો રહે છે, કારણ કે મુંબઈ કોઈને ભૂખ્યા સુવાડતું નથી. અનેક મુશ્કેલીઓ અને સંકડાશોનો સામનો કરતાં મુંબઈગરો ખુશ રહે છે પછી ભલે ને મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી હોય.
                          ઘોડાગાડીથી મેટ્રો સુધીના વાહનોનો જે મેં અનુભવ કર્યો છે, તેનું મીઠું સંભારણું સ્મૃતિપટ પર હંમેશ રહેશે. આ શહેરમાં થએલા વિકાસનો હું સાક્ષી રહ્યો છું, તેનો સવિશેષ આનંદ છે.
                           આ શહેરમાં મન પાંચમનો મેળો ભરાતો જાય છે. સૌ આવતા રહે છે અહીં પોતપોતાના સપનાઓ લઈ, મુઠ્ઠીભર્યા અરમાનો સાથે, આ શહેર પાસેથી કશુંક મેળવવાની આશાએ, કારણ કે બધા જાણે છે મુંબઈ, કોઈને ક્યારે ય નિરાશ નથી કરતું.

                                                                                                        નીતિન વિ મહેતા.                                  

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2016

ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૮)

આખરે સ્વીત્ઝર્લેન્ડમાં ગાળેલી અવિસ્મરણીય ક્ષણોની સુમધુર સ્મૃતિઓ મનમાં કાયમને માટે કેદ કરી ત્યાંથી વિદાય લીધી અને અમે રોડ માર્ગે થઈ પેરીસ પરત આવવા રવાના થયા. નવેક કલાકની ડ્રાઈવ પછી નેહા-ભૌમિકના ઘેર પેરીસ આવ્યાં ત્યારે સાંજ પડી ગઈ હતી. તેમણે સાથે મળી સરસ મજાની વઘારેલી ખિચડી રાંધી અને એ દરમ્યાન મેં માર્થા મેડમના ત્યાંથી લાવેલ પીળા સુંદર ફૂલોના છોડ કૂંડામાં રોપી દીધા. પછી અમે ગેલેરીમાં બેસીને સ્વાદિષ્ટ ખિચડી-કઢીની લિજ્જત માણી. નીચે સામેના ખુલ્લા મેદાન-બાગની પાળી પર પણ એક પ્રકારનો ઉજાણી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કેટલાક ફ્રેન્ચ પરીવારો પોતાના બાળકો સાથે ત્યાં આનંદપ્રમોદ કરી રહેલ જોવાની મજા પડી.બાળકો સરસ મજાના વાઘા અને ગમબૂટમાં સજ્જ હતાં અને પોતાની રમત રમવામાં મશગૂલ હતાં. મોટેરાઓ પણ ટીપટોપ વેશભૂષામાં સજ્જ હતા અને કેટલાક વાતચીતમાં ગૂંથાયેલા હતા તો કેટલાક ખાણીપીણીની વ્યવસ્થામાં રત. આ આખું દ્રષ્ય એક મનોગમ્ય છબી ઉભું કરી રહ્યું હતું. થોડી વાર બાદ હું અને ભૌમિક નીચે ચાલવા માટે ઉતર્યાં અને મેદાન-બાગની ફરતે દોઢ-બે કિલોમીટર જેટલું ચાલી એકાદ બાંકડે બેસી વિધવિધ વિષયોની વાતોએ વળગ્યાં.અહિં મેદાનમાં એક નાનું તળાવ હતું જેમાં સ્વીત્ઝર્લેન્ડમાં જોયેલા એવાજ રંગબેરંગી બતક જોવા મળ્યાં. કેટલાક કમળ પુષ્પો પણ ખીલેલા જોઈ આંખો ઠરી.
થાકીને આવ્યાં હોવા છતાં નેહાને, ત્યાં પેરીસમાં વસતા ભારતીય સ્ત્રી-મિત્રો એ આયોજીત કરેલી નાઈટ-પાર્ટીમાં જવાની ખુબ ઇચ્છા હતી જેને માન આપી ભૌમિક અને હું તેને એ યજમાન મિત્રના ઘેર મૂકી આવ્યાં જ્યાં પાર્ટી ગોઠવાઈ હતી. અમે પાછા આવી સૂઈ ગયાં. રાતે મીઠી નિંદર આવી.
મારી પાસે હજી બે દિવસ બચ્યા હતા પેરીસમાં ફરવા માટે. રવિવારે ભૌમિક-અને નેહા બંને ખુબ થાકી ગયા હોવાથી મેં મારી રીતે એકલા જ ફરવા જવાનું નક્કી કર્યું અને વહેલી સવારે ચાલી નિકળ્યો પરદેશની એ ભૂમિ મારી રીતે ખેડવા જ્યાં બોલાતી ભાષા પણ મને આવડતી નહોતી. આવી અલગારી રખડપટ્ટીની પણ એક અનોખી મજા હોય છે. રસ્તામાં અનેક સાઈકલ સવારો જોવા મળ્યાં જેઓ એક સાઈકલેથોનમાં ભાગ લઈ રહ્યાં હતાં. આપણે ત્યાં યોજાતી દોડવાની મેરેથોન સ્પર્ધામાં તો છેલ્લાં ઘણાં વર્ષોથી હું ભાગ લઉં છું પણ આવી સાઈકલ-મેરેથોન પહેલી વાર પ્રત્યક્ષ જોઈ. અનેરો ઉત્સાહ હતો સાઈકલ-સવારોમાં પણ અને રસ્તે ઉભેલા તેમને ચીયર-અપ કરી રહેલાં વિદેશી વોલ્યુન્ટરોમાં પણ! થોડી વાર આ બધું જોયા બાદ મેં બસ પકડી વર્સેઈલ્સનો મહેલ જવા માટે. અહિં ગુજરાતની બી.આર.ટી.એસ. જેવી જ બસ હતી. જેમાં બધાં જ વિદેશીઓ વચ્ચે કદાચ હું એકલો જ ભારતીય હતો. આ સમગ્ર અનુભવ હું માણી રહ્યો હતો. બસની મોટી પારદર્શક કાચની બારીમાંથી બહારનું દ્રશ્ય દેખાતું હતું એ દ્વારા પેરીસ શહેરની ઝાંખી મેળવવાની મજા આવી. ફુવારા, નાગરીકો, સડકો, સિગ્નલ્સ, દુકાનો, મોલ્સ - બધું ટીપીકલ મોટા શહેરમાં જોવા મળે એ જ બધું નજરે ચડતું હતું છતાં જેમ દરેક શહેરની પોતાની એક ઓળખ હોય છે તેમ પેરીસની પણ એક આગવી ઓળખ છતી થતી હતી જેના પ્રેક્ષક બનવાનું મને ગમ્યું.
વર્સેઈલ્સનો મહેલ એક ખુબ મોટો મહેલ છે જેને હવે મ્યુઝીયમમાં પરીવર્તીત કરાયો છે જે પેરીસની-ફ્રાન્સની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ સમો છે. અતિ વિશાળ એવો આ મહેલ અનેક એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું અહિ આવતા સહેલાણીઓમાં જબરું આકર્ષણ છે. હું પહોંચ્યો ત્યારે અહિ પ્રવેશ માટે હજારો મુલાકાતીઓની વાંકીચૂંકી અતિ લાંબી કતાર હતી. પણ એમાં ઉભા રહેવાની પણ ખુબ મજા આવી. અલગ અલગ દેશના,જુદીજુદી સભ્યતા ધરાવતા અનેક લોકો અહિ શિસ્તબદ્ધ કતારમાં ઉભા હતાં. ઘણી મોટી સંખ્યામાં ભારતીયો પણ અહિ નજરે ચડતા હતાં. કેસરી કપડું લપેટેલા બૌદ્ધ સાધુઓ પણ એ કતારમાં સામેલ હતાં, તો અત્યાધુનિક ફેશનેબલ વસ્ત્રો પરીધાન કરેલી વિદેશી રમણીઓ પણ; કાળા બુરખામાં સજ્જ મુસ્લીમ મહિલાઓ અને સફેદ બુકાનીધારી આરબો પણ અહિ હતાં તો જીન્સ-જર્સી ધારી બાળકો અને વ્રુદ્ધો પણ!
દોઢેક કલાક બાદ મારો નંબર આવ્યો અને અતિ ભવ્ય એવા મહેલમાં મેં પ્રવેશ કર્યો. સુરક્ષા વ્યવસ્થા અહિ ચુસ્ત હતી. તમે ઓડિયો ગાઈડની સુવિધા પણ લઈ શકો અથવા માનવ-ગાઈડને પણ સાથે લઈ જઈ શકો. મારે ખુબ વધુ સમય અહિ પસાર કરવો ન હોવાથી મેં એકલા ફરવું જ પસંદ કર્યું. 
અહિં શિલ્પો-ચિત્રો-રાજા મહારાજાની જૂની પુરાણી વસ્તુઓ વગેરે અનેકાનેક ચીજો જતન પૂર્વક જાળવવામાં આવી હતી. ઇતિહાસમાં જેને રસ હોય તેને તો આખો મહેલ જોઈ રહેતાં બે દિવસ પણ ઓછા પડે એટલો એ વિશાળ હતો.રાજા મહારાજાઓના મહેલની ફરતે આવેલા બગીચાઓ પણ અહિં નું અનોખું આકર્ષણ હતાં. લગભગ બે-ત્રણ કલાક ત્યાં પસાર કરી મેં પાછા ફરવા બસ પકડી.
ઘેર આવી આરામ કર્યો અને બીજે દિવસે ક્યાં જવું તેની તૈયારી અને પૂછપરછ. બીજે દિવસે પણ હું સવારથી મારી મેળે જ નિકળી પડ્યો અન્ય એક નિયત કરેલ ચર્ચે જવા.આ વખતે મેં મેટ્રોમાં જવાનું પસંદ કર્યું અને Sacré-Cœur નામના એક ટેકરી પર આવેલા સુંદર વિશાળ ચર્ચ પછી શોપિંગ કરવા જવાનો પ્લાન બનાવ્યો. એ દિવસે વરસાદ પણ પડી રહ્યો હતો અને ઠંડી પણ સારી એવી લાગી રહી હતી.
માર્ગમાં હંગામી ઉભી કરવામાં આવેલી એક આર્ટ ગેલેરીમાં ખાસ ચિત્રકાર-શિલ્પકારોની કૃતિઓનું એક પ્રદર્શન ગોઠ્વાયેલું હતું. તેની મુલાકાત લીધી. મને અહિનો કાલાઘોડા ફેસ્ટીવલ યાદ આવી ગયો.આ એટલું મોટા પાયાનું પ્રદર્શન નહોતું પણ મને એ માણવાની મજા આવી.
બે-ત્રણ અલગ અલગ મેટ્રો બદલી એ ચર્ચ સુધી પહોંચ્યો અને રોપવે જેવી સવારીને બદલે મેં થોડા ઘણાં દાદરા ચડી ઉપર જવાનું પસંદ કર્યું અને ચર્ચમાં થોડી પળો શાંતિથી બેસી પ્રાર્થના કરી વિતાવી. ખાસ પ્રકારના લાલ કાચના ગ્લાસ જેવા પાત્રમાં પ્રગટાવેલી અનેક મીણબત્તીઓ અનેરી પવિત્રતા અને શાંતિપૂર્ણ દ્રષ્ય સર્જી રહ્યા હતાં.
ચર્ચની બહાર ટેકરી પરથી પેરીસ નગરીનું સુંદર દર્શન થતું હતું.પાછા ફરતાં રસ્તે એક નીગ્રો ભટકાઈ ગયો જેણે ‘નમસ્તે ઇન્ડીયા’ કહી મારા જમણા હાથે રક્ષાપોટલી બાંધીએ છીએ એવો સફેદ,લાલ અને ભૂરા દોરાની આંટીઘૂંટી ધરાવતો પટ્ટો પહેરાવી દીધો અને આંખ બંધ કરી તેના પર હાથ મૂકી મનોમન અસ્પષ્ટ ભાષામાં કોઈક પ્રાર્થના ગણગણવા લાગ્યો. પછી મને કહે હવે આપો યુરોઝ! મારી પાસે છૂટ્ટા પૈસા વધુ ન હતાં કે નહોતી નાની રકમની યુરોની નોટ.પણ મેં તેને કેટલાક સેન્ટ્સ આપી પીછો છોડાવ્યો.ખબર નહિ કેમ પણ મેં એને શાંતિથી પેલો દોરો બાંધવા દીધો-મંત્ર ભણવા દીધો! હું સામાન્ય રીતે આવા કોઈ ત્રાગાઓમાં ફસાતો નથી. જો કે મને એ ત્રિરંગી દોરાનો પટ્ટો ગમ્યો અને આજે પણ મેં એ સાચવીને રાખી મૂક્યો છે!
પછી તો ત્યાંની શેરીમાં ઘૂમી સારી એવી ખરીદી કરી અને પછી નેહા અને ભૌમિક પણ નક્કી કરેલી જગાએ મળ્યા અને અમે એક મોલમાં જઈ બીજું થોડું શોપિંગ કર્યું.
એ રાતે નેહા-ભૌમિકના ઘર પાસે આવેલી એક પાકિસ્તાની રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભારતીય ખાણાનું ડીનર એન્જોય કર્યું અને પછી ફરી ભારત આવવા માટેનું પેકીંગ!
રાતે સૂતી વેળાએ વિદેશમાં પસાર કરેલ સાતે દિવસની મીઠી મધુરી યાદો ફરી મનમાં વાગોળી અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયો.એ હતો મારો પરદેશની ભૂમિ પરનો છેલ્લો દિવસ!ઉબર કેબ બુક કરી હતી જે સમયસર આવી ગઈ પણ રસ્તામાં એટલો બધો ટ્રાફીક હતો કે એક સમયે તો મને એવો વિચાર આવી ગયો કે ક્યાંક હું ફ્લાઈટ ચૂકી તો નહિ જાઉં ને! પણ સમયસર રીટર્ન ફ્લાઈટ પકડી જઈ પહોંચ્યો રીયાધ અને ત્યાં ચાર-પાંચ કલાક એરપોર્ટ પર જ પસાર કરી કનેક્ટીંગ ફ્લાઈટ પકડી આવી પહોંચ્યો પરત ભારત!
પ્રવાસ કરવો લગભગ દરેકને ગમે છે અને તેમાંયે પ્રથમ વિદેશ યાત્રાનું જીવનમાં પ્રથમ પ્રેમની જેમ જ અનોખું મહત્વ હોય છે. મારે માટે પણ તેથી જ પેરીસ-સ્વીત્ઝર્લેન્ડની આ પ્રથમ વિદેશ યાત્રા ખાસ બની રહી અને તેની મીઠી-મધુરી યાદો મનનાં કચકડામાં કાયમ માટે કેદ થઈ રહેશે!

 (સંપૂર્ણ)

 [આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે  આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]