Translate

Sunday, March 6, 2016

નીરજા ભનોત પાસેથી શિખવા જેવું

આપણે ફરજ પર કે કામ પર હોઇએ અને કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આપણું વર્તન કેવું હોય?દાખલા તરીકે તમે ઓફિસમાં હોવ અને આગ લાગે તો ત્યારે તમે બીજાઓને બચાવવામાં મદદ કરો કે પોતે સૌથી પહેલા રફૂચક્કર થઈ જાવ?અઘરો પ્રશ્ન છે. નહિ? જાન બચી લાખો પાયેને મંત્ર બનાવી પોતાનો પ્રાણ બચાવવા બીજા કોઈની પરવા કર્યા વગર સૌથી પહેલાં ભાગી છૂટવું કે બીજાઓને બચાવવા પોતાના પ્રાણની પરવા કર્યા વગર સૌને મદદ કર્યા બાદ સૌથી છેલ્લે પોતે બચવા માટે બહાર નિકળવું? તાજેતરમાં રજૂ થયેલી બેહદ સુંદર,વિચારપ્રેરક ફિલ્મ નીરજાએ પ્રશ્ન અંગે વિચાર કરવા અને બ્લોગ લખવા પ્રેર્યો.
સપરીવાર માણવા લાયક અને ચોક્કસ જેમાંથી એક કરતા વધુ પાઠ શિખી શકાય એવી ફિલ્મ અચૂક જોવા જેવી છે. નીરજા ભનોત નામની બહાદુર પંજાબી યુવતિની સત્ય જીવન કથા પર આધારીત ફિલ્મ માત્ર બે ક્લાકમાં જીવનમાં ઉતારવા જેવા મહામૂલા પાઠ ઉપદેશાત્મક બન્યા વિના શિખવી જાય છે.
નીરજાને તેના પિતાએ ત્રણ વાત શિખવી હતી.એક - જીવનમાં બહાદુર બનો.બે - કોઈ પણ પ્રકારનો અન્યાય કરો, સહો. ત્રણ - ઉપરની બે વાત ડગલે ને પગલે જીવનમાં અનુસરો. નીરજા જાણે શીખમાંથી સતત જીવન જીવવાનું બળ મેળવતી રહે છે, તેના જીવનમાં મુશ્કેલીઓ આવ્યે.
નીરજા ઘણી નાની વયે પરણી ગઈ હતી.તે સમયે તે મોડેલીંગ કરતી.પણ તેના લગ્ન ખોટી વ્યક્તિ સાથે થઈ ગયા.તેનો પતિ સતત તેની માનસિક સતામણી કરતો અને શારીરિક મારઝૂડ પણ.તેણે તેને મોડેલીંગ પણ છોડવા મજબૂર કરી.ઘણું મૂગા-મૂગા સહન કર્યા બાદ તેની સહનશીલતાની હદ પાર થઈ જતાં તેણે પિતાની સલાહ અનુસરવાનું નક્કી કર્યું અને પતિથી છૂટ્ટી થઈ ગઈ. માતાને પુત્રીના અન્યાયી-જુલ્મી પતિની સચ્ચાઈની જાણ નહોતી તેથી તેણે પહેલા તો અન્ય ટીપીકલ ભારતીય સ્ત્રીની જેમ દિકરીને સહન કરી લગ્ન જીવન ટકાવી રાખવાની સલાહ આપી.પણ સચ્ચાઈની જાણ થતા દિકરીની પડખે ઉભા રહી તેને નવજીવન શરૂ કરવામાં પૂરેપૂરો સાથે આપ્યો.ત્રણેક દાયકા પહેલા પણ આટલા ફોર્વર્ડ માતાપિતા આપણને સંતાનોની સાથે રહેવાની કિંમતી શીખ આપી જાય છે.
મોડેલીંગ કરવાની સાથે નીરજા એરહોસ્ટેસ પણ બને છે અને પોતાના નવા જીવનમાં સેટ થઈ જાય છે.તેને અડધી રાત જેવા કસમયે ફરજ પર જવાનું હોય ત્યારે બિલકુલ કંટાળા વગર એરપોર્ટ સુધી મૂકવા જનાર ડ્રાઈવર યુવાન નીરજાના પ્રેમમાં પડે છે અને નીરજા પણ તેના પ્રત્યે કૂણી લાગણીનો અહેસાસ કરે ત્યારે એક ગોઝારી ઘટના બને છે.
જે વિમાનમાં ફરજ બજાવી રહી હોય છે તે ફ્લાઈટને પાકિસ્તાનમાં આતંકવાદીઓ હાઈજેક કરે છે. અન્ય - મહિલા તેમજ એક પુરુષ એર-હોસ્ટ્સના કાફલામાં તે પોતે બધાનું જાણે નેતૃત્વ લઈ લે છે અને ભારે હિંમત તથા સ્વસ્થતાથી અચાનક આવી પડેલી આફતનો સામનો કરે છે. સમયસૂચકતા વાપરી પાઈલોટ્સને સંદેશ પહોંચાડી દે છે કે પ્લેન હાઈજેક થઈ ચૂક્યું છે જેથી તેઓ ભાગી જવામાં સફળ થાય છે અને બહાર જઈ સત્તાવાળાઓને જાણ કરે છે જેથી મદદ કરી શકાય અને અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ બચાવવા યોગ્ય પગલા લઈ શકાય.
એક પ્રવાસીની નિર્મમ હત્યા આતંકવાદીઓ નીરજાની સામે કરી નાંખે છે અને તેના લોહીના છાંટા પણ પોતાના મુખ પર ઉડયા હોવા છતાં નીરજા આવા કપરા કાળમાં પિતાની ત્રણ સોનેરી સલાહ યાદ કરે છે અને હિંમત ધારણ કરી લે છે. કપરા સમયે ભાગી છૂટવાની વૃત્તિ સાચા નેતૃત્વનો ગુણ નથી.પણ ત્યારે પરિસ્થીતી હાથમાં લઈ સાહસ દાખવી પડકારનો સામનો કરવો સાચા લીડરનો ગુણ છે.કપરી ગંભીર પરિસ્થીતીમાં પણ તે પ્રવાસીઓને ખાવા-પીવાનું વહેંચવા જવાની આતંકવાદીઓ પાસેથી પરવાનગી મેળવી લે છે અને કૂનેહ પૂર્વક એમ કરતી વેળાએ જરૂરી સંદેશાઓ પણ પ્રવાસીઓ સુધી તેમજ પોતાના સહકર્મચારીઓ સુધી સિફતપૂર્વક પહોંચાડી દે છે. બારેક કલાક કરતા પણ વધુ સમય સુધી નીરજા પોતે પણ હિંમતપૂર્વક ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતીનો સામનો કરે છે અને પોતાની ફરજ પણ નિષ્ઠા,આગવી સૂઝબૂઝ અને કાબેલેતારીફ પ્રેઝેન્સ ઓફ માઈન્ડ સાથે બજાવે છે.
છેવટે વિમાનમાં લાઈટ ચાલી જતા અંધાધૂંધી સર્જાય છે અને ત્યારે મોકો મળતા તે ઇમર્જન્સી દરવાજો ખોલી નાંખી પ્રવાસીઓને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં લાગી જાય છે. જો તે ઇચ્છત તો સૌથી પહેલો કૂદકો પોતે મારી સહેલાઈથી છટકી જઈ શકત.પણ તે સર્જાઈ છે અન્યોની મદદ કરવા!પોતે છેલ્લે સુધી ફ્લાઈટના બધાં પ્રવાસીઓને મુક્ત કરવવા ઝઝૂમે છે અને છેલ્લે આતંકવાદીની ગોળીનું નિશાન બની હિંમતપૂર્વક શહીદી વહોરે છે.
રાજેશ ખન્નાની નીરજા બહુ મોટી ફેન હતી અને તેના આનંદ ફિલ્મના ડાયલોગ્સ તે વારંવાર ગણગણતી.જીવન લાંબુ નહિ પણ મોટું (અર્થપૂર્ણ) હોવું જોઇએ. ડાયલોગ તે જાણે જીવી જાણે છે.માત્ર ત્રેવીસ વર્ષની વયે નીરજા મૃત્યુને ગૌરવ અપાવે છે.ફ્લાઈટમાં ફસાયેલા બાળક દ્વારા પોતાની માતા માટે સંદેશો પહોંચાડે છે પણ ડાયલોગ સ્વરૂપે - "પુષ્પા ટીયર્સ (અશ્રુઓ) તુમ્હારે ગાલો પે શોભા નહિ દેતે!"

છેલ્લે નીરજાની માતાની ભૂમિકા બજાવતી શબાના આઝમીની પુત્રીના પ્રથમ પુણ્યતિથીએ અપાયેલ નાનકડી સ્પીચ સ્વરૂપના ડાયલોગ્ઝ પણ ખૂબ પ્રેરણા દાયી છે.સોનમ કપૂર,શબાના આઝમી,નીરજાના પિતાનો રોલ ભજવતા કલાકાર - સૌએ ખુબ સુંદર અભિનય દ્વારા ફિલ્મને ખુબ મહાન અને અર્થપૂર્ણ બનાવી દીધી છે.

3 comments:

 1. સત્યા છે સાચે અમથી ઘણું ભધુ શીખ મેળવાય

  ReplyDelete
 2. દિગંબરભાઇ સ્વાદિયાMarch 14, 2016 at 10:34 AM

  મેં પણ વિચારોત્તેજક ફિલ્મ "નીરજા" જોઇ. ખૂબ સમજવા જેવી ફિલ્મ છે. એ ઘટના હકીકતમાં બની હતી ત્યારે હું આકાશવાણી દિલ્હીમાં હતો અને આ બધી ઘટનાઓના વિગતવાર અહેવાલો અખબારોમાં પણ વાંચવા મળતા. નીરજાની દિલેરી અને સમર્પણ ભાવ અનુકરણીય છે. આજની સહેલાઇથી ગેરમાર્ગે દોરાઇ જતી પેઢીએ આ ફિલ્મમાંથી ઘણું જાણવા જેવું છે.

  ReplyDelete
 3. નીતિન વિ મહેતાMarch 14, 2016 at 10:44 AM

  ḍનીરજા ફિલ્મ વિષેનો આપનો લેખ વાંચી અત્યંત આનંદ થયો ફિલ્મનુ માધ્યમ સામાજીક સંદેશ સાથે ઘણુ શીખવી જાય છે યુવા પેઢીએ તો આ ફિલ્મ જોઈ પ્રેરણા લેવી જોઈએ અને બલિદાનનો મહિમા સમજવો જોઈએ. ફિલ્મનો બ્લોગમાં પ્રકાશ પાડવા બદ્દલ આપને અભિનંદન.

  ReplyDelete