Translate

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

એન.એસ.સી. સર્ટીફીકેટ ખોઈ ન નાંખતા! (ભાગ - ૧)


દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નોકરીયાતો માટે કર બચાવવા મૂડી રોકાણ કરી થોડી ઘણી બચત કરી લેવાની મોસમ આવતી હોય છે. થોડા ઘણાં સમજદાર લોકો આવી મોસમની રાહ જોયા વગર સમયાંતરે નિયમિત રોકાણ કરવાની સારી ટેવ પણ ધરાવતા હોય છે. પણ આપણો મોટા ભાગનો સમાજ છેલ્લી ઘડીએ જાગવા વાળા લોકોથી ભરેલો છે આથી સૌથી વધુ રોકાણ માર્ચની અંતિમ તારીખ પહેલા જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં થતું જોવા મળે છે. મેં પણ સાત વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૮ની ૧૯મી ફેબ્રુઆરીને દિવસે દસ હજારની રકમ નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટમાં રોકી હતી. જેની વર્ષની મુદ્દત ગયા વર્ષ(૨૦૧૪)ના ફેબ્રુઆરીમાં પૂરી થતી હતી. હવે એક સરકારી રોકાણની યોજના હોવાથી હજી જૂનવાણી પદ્ધતિથી ચાલે છે. તમને રોકાણ કરો ત્યારે જે મૂળ સર્ટીફિકેટ આપવામાં આવે તે તમારે વર્ષ સાચવી રાખવું પડે અને પાકી ગયા બાદ જે પોસ્ટ ઓફિસમાંથી તમે તેની ખરીદી કરી હોય ત્યાં જઈ તમારે તમારી મુદ્દલ તથા વ્યાજ સાથેની રકમનો ચેક એ સર્ટીફિકેટ પાછું સુપરત કરી મેળવવો પડે. જો ખોવાઈ ગયું તો તમારે તમારા પૈસા પાછા મેળવવા જે યાતના-ચક્રમાંથી પસાર થવું પડશે તેની બ્લોગમાં ચર્ચા માંડી છે.મારા અનુભવમાંથી શિખજો.તમારું એન.એસ.સી. સર્ટીફીકેટ ક્યારેય ખોઈ નાંખતા!

મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય પણ ઘણાં રોકાણના સાધનોમાં હવે તમારું બેન્ક અકાઉન્ટ સૂચવવાની સુવિધા આપવામાં આવે છે. ખૂબ સરળતા ભર્યું છે. એક તો તમારે તેની મુદ્દત પૂરી થયાની તારીખ યાદ રાખવાની જરૂર પડે નહિ. બીજું નિયત તારીખે આપોઆપ તમારી વ્યાજ સહિતની પાકેલી રકમ સીધી તમારા સૂચવેલા બેન્ક ખાતામાં જમા થઈ જાય. સરકારને એન.એસ.સી., ઇન્દિરા વિકાસ પત્ર વગેરે માટે આવો સરળ વિકલ્પ પણ એક પર્યાય તરીકે આપવાનું કેમ સૂઝતું નહિ હોય?

ખેર મૂળ વાત પર પાછો આવું. સાત વર્ષ પહેલા જેમાં મેં  રકમ રોકી હતી તે મૂળ સર્ટીફીકેટ મુદ્દત પૂરી થવાની તારીખ નજીક આવતી હોઈ, ફાઈલ માંથી કાઢ્યું અને પછી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયું. ખોવાઈ ગયું કે પસ્તીમાં અન્ય કાગળો સહિત ચાલ્યું ગયું તેની કોઈ ભાળ મુદ્દતની તારીખના પંદર દિવસ વિતી જવા છતાં મળી નહિ. ગૂગલ પર સર્ચ કરી જાણ્યું કે આવા કિસ્સામાં રોકાણકારનું આવી બને. પસીનો પાડી કમાઈને બચત કરવા રોકેલી પોતાની મૂડી પાછી મેળવતા નાકે દમ આવી જાય એવી પરિસ્થિતી સર્જાય. મારી પાસે મૂળ એન.એસ.સી. સર્ટીફિકેટની ઝેરોક્સ હોવા છતાં તેનાથી કોઈ સીધો ફાયદો થયો નહિ. પોસ્ટ ઓફિસમાં તો તમે મૂળ સર્ટીફિકેટ પાછું જમા કરાવો તો તમારી  રકમ તમને પાછી મળે. નહિતર તમારે લાંબી જટીલ પ્રક્રિયા કરવી પડે, જે મારે કરવી પડી.

પહેલા તો હું પણ કાંદિવલીની પોસ્ટ ઓફિસ જઈ પહોંચ્યો જ્યાંથી મેં એન.એસ.સી. ખરીદ્યું હતું. ઓફિસમાં દિવસે રજા પાડી હતી. સવારે સાડા દસની આસપાસ પહોંચી ગયો હતો પોસ્ટઓફિસ. ત્યાં સાત આઠ જણની કતાર હતી.મારે એક ધક્કે કામ પતાવી દેવું હતું. પોસ્ટ ઓફિસ બહાર બેઠેલા એક એજન્ટની સલાહ મુજબ મેં ત્યાં બેસીને એક અરજી લખી કાઢી જેમાં સર્ટીફિકેટની વિગતો હતી તેમજ તે ગુમ થઈ ગયું હોવાથી ડુપ્લિકેટ સર્ટીફિકેટ આપવા વિનંતી લખી હતી અને પાકતી રકમની ચૂકવણી કોઈ અન્યને કરવા દેવાની ભલામણ હતી. અરજીની ઝેરોક્સ કઢાવવા દોડવું પડ્યું. સાથે મારી પાસે જે મૂળ સર્ટીફિકેટની ઝેરોક્સ હતી તેની પણ વધુ એક ફોટોકોપી કઢાવી લીધી.પોસ્ટ ઓફિસની નાનકડી બારીમાંથી માત્ર હાથ અને તમારા કાગળો અંદર જાય એટલી જગા હતી. આવા બે કાઉન્ટર હતાં પણ એક પર એન.એસ.સી. વિષયક બાબતો સંભાળાતી હતી. અંદર પાંચ જણ કાગળો અને ફાઈલોના ઢગલા વચ્ચે બેઠેલા દેખાતા હતા. આ એક ટિપિકલ સરકારી કચેરી હતી. આટલું કહ્યા બાદ કહેવાની જરૂર ખરી પાંચ- જણ ના સ્વભાવ અને કતારમાં ઉભેલા મારા સહિતના અન્ય લોકો સાથેના વ્યવહાર કેવા હશે? મેં જેવું કહ્યું મારૂં મૂળ એન.એસ.સી. સર્ટીફિકેટ ખોવાઈ ગયું છે કે તેમાંના એકે કહ્યું "યે તો બહોત લમ્બા ચક્કર હૈ..જલ્દી કુછ નહિ હોગા".મેં તેને પેલી મહેનતપૂર્વક લખેલી અરજી આપી તેને જોયા વગર તેણે કહ્યું "પહેલે પુલિસ ચોકી જાકે કમ્પ્લેન લિખવા કે આઓ ફિર બતાયેગા ક્યા કરના હૈ" મેં તેને કહ્યું મારે ઓફિસમાં રજ પાડવી પડી છે અને હું ત્યાં વારંવાર ધક્કા ખાઈ શકું નહિ આથી તેઓ મને બરાબર રીતે કહી દે કે શી શી ફોર્માલીટીસ કરવાની છે જેથી એક દિવસમાં મારૂં કામ પતી શકે.પણ તેને તો જાણે કોઈનું કામ એક ધક્કામાં પતાવવાની આદત નહોતી!મારી સાથે ભારે ઉદ્ધતાઈથી વાત કરી તેણે મને પહેલા પોલીસ-ચોકી જઈ ત્યાં ફરિયાદ લખાઈ આવી તેની નકલ લઈ આવવા કહ્યું.

કાંદિવલી સ્ટેશન નજીક આવેલી પોસ્ટઓફિસ એન.એસ.સી. ના કામકાજ માટે માત્ર દોઢ વાગ્યા સુધી ખુલ્લી રહેવાની હતી.હું લોકોને પૂછતા પૂછતા ત્યાંથી સૌથી નજીક આવેલા પોલીસ-સ્ટેશને પહોંચી ગયો.ત્યાં આખી વાત સાંભળી લીધા બાદ ફરજ પર રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરે મને કહ્યું મારે ફરિયાદ લખાવવા મલાડ પોલીસ સ્ટેશન જવું પડશે કારણ મારૂં ઘરનું સરનામું મલાડનું છે અને મારી મૂળ એન.એસ.સી. ની રસીદ પણ મારા ઘરેથી ખોવાઈ ગઈ હતી.

ત્યાંથી રીક્ષા પકડી હું સીધો મલાડ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો.ત્યાંના ઇન્સ્પેક્ટરે મારી આખી વાત સાંભળ્યા બાદ તે ફરીયાદ નોંધી લેશે એવી ખાતરી આપી.પણ માટે મારે એક ફોર્મ ભરવાનું છે જેની એક કોપી બચી હોવાની જાણ તેણે મને કરી.તેણે મને નજીકમાં આવેલી દુકાનમાંથી ફોર્મની દસ નકલ લઈ આવવા કહ્યું,એક પણ પૈસો મને આપ્યા વગર.મારા ગાંઠના દસ રૂપિયા ખર્ચી હું નજીકની દુકાનમાંથી ફોર્મની દસ નકલ લઈ આવ્યો.અને તે ઇન્સ્પેક્ટરને આપી અને એક ફોર્મમાં મારી વિગતો ભરી પણ મેં ત્યાં સુપરત કરી મારી ફરીયાદ લખાવી દીધી.

ત્યાંથી કાંદિવલી પરત ફરતી વખતે મારૂં જે બેન્કમાં ખાતું છે તેના મેનેજર સાહેબની એક ફોર્મમાં સહી લીધી અને ફરી પોસ્ત ઓફિસ આવ્યો. દોઢ વાગી ગયો હોવાથી અંદર બેઠાં હોવા છતાં પોસ્ટઓફિસના માણસોએ દાદ આપી.સામે પોસ્ટ માસ્ટર પણ બેઠા હતા.મેં તેમને વિનંતી કરી કે મને અંદર આવવાના રસ્તાની જાણ કરો જેથી હું દોડધામ કરી જે બધાં પેપર્સ લાવ્યો ચુમ તેમાં કંઈ ખુટતું નથી ને તે નક્કી કરી શકાય.પણ તેણે પણ અતિ તોછડાઈ પૂર્વક મારી સાથે વાત કરી અને મેં ઉગ્ર આક્રોશ ઠાલવતાં તેમને લોકોને પીડવાની-હેરાન કરવાની તેમની વ્રુત્તિ વિશે આકરા શબ્દોમાં સંભળાવ્યું.અમારો ઝઘડો મને ભારે પડવાનો છે એની મને ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો