વ્હોટ્સ
એપ પર રોજના કેટલાયે
વિડીઓ આવે છે અનેક
મિત્રો તરફથી તેમજ થોડા-ઘણાં ગ્રુપમાં, જેનો
હું સભ્ય છું. ઘણાં
વિડીઓ મોટી સાઇઝના હોય
તો ઘણાં નાનાં. ફોનની
મેમરી બધી વપરાઈ ન
જાય એ માટે નકામા
વિડીઓ તરત ડીલીટ કરી
નાંખવા પડે છે અને
સારા અર્થસભર વિડીઓ લેપટોપમાં ટ્રાન્સફર
કરી નાંખવા પડે છે.
જૂનાનો નિકાલ જ ન
કરીએ તો નવા ને
જગા શી રીતે મળે?
ફિલોસોફી ભરી વાત થઈ
ગઈ આતો! જોકે મારે
કરવી છે બીજી એક
વાત અને હું આડે
પાટે ચડી ગયો!
થોડા
સમય અગાઉ એક વિડીઓ
કોઈએ શેર કર્યો જેમાં
ખુબ સૂરીલા તળપદી અવાજમાં એક
બહેન કોઈ ગુજરાતી ગીત
ગાઈ રહ્યાં હતાં. એકાદ
બે મિનિટ ગીત સાંભળ્યું-જોયું ત્યાં તો
પ્રેક્ષક ગણમાંથી એક પછી એક
લોકો સ્ટેજ નજીક આવવા
માંડ્યા અને એ બહેન
પર રૂપિયાની નોટો ઉછાળવા માંડ્યા.એકબે નહિ વીસ પચ્ચીસ કે કદાચ
તેથી પણ વધુ લોકો
આ રીતે એ બહેન
પર પૈસા નાંખી ગયા.
માત્ર પુરુષો નહિ પણ
આ વરવા પ્રદર્શનમાં સ્ત્રીઓ અને બાળકો સુદ્ધાં
સામેલ હતાં. કેટલાક તો
નોટોની થોકડી લઈને આવ્યાં હતાં અને
એક પછી એક નોટ
બંને હાથનો ઉપયોગ કરી
એ રીતે ઉડાવી ગયા
જાણે પોતે કોઈ જાદુનો
કે એવો કોઈ ખેલ
ન દેખાડી રહ્યા હોય!
ઉચ્ચ વર્ગના સારા ઘરનાં
દેખાતાં ભદ્ર સમાજનાં લોકો!
પૈસા ઉડાડી આમ કદર
કરવાની આ કેવી રીત?
મને એ ખુબ અભદ્ર
લાગ્યું. આમાં લોકોએ અજાણતા
લક્ષ્મી અને સરસ્વતી બંનેનું
ભારે અપમાન કર્યું હોય એવું મને
લાગ્યું.
કોઈ
પણ માણસની કદર કરવાની
એક સૌજન્યતા ભરી રીત હોવી
જોઇએ. તમે દાન પણ
આપો ત્યારે સામે વાળાને
નાનપનો અનુભવ ન થાય
એ રીતે આપવાની શાસ્ત્રોમાં
સલાહ અપાઈ છે. તો
કલાની કદર કરવાની આ
કેવી અસભ્ય રીત?
પૈસા
ઉડાડી આ રીતે કદર કરવામાં મોટે
ભાગે પોતાની તાકાતનું પ્રદર્શન
કરવાની છૂપી વૃત્તિ કામ
કરતી હોય છે. કદરદાન
દાતાને કદર
કરવા કરતાં પોતે કદર
કરે છે એનો દેખાડો
કરવામાં વધુ રસ હોય
છે. લગ્નપ્રસંગે ઢોલીને કે અન્ય
ઘણાં પ્રસંગોમાં બેન્ડબાજાવાળાને રૂપિયાની નોટો નજર
ઉતારતા હોય તેમ માથા
પર ફેરવીને આપવાની જાણે રૂઢિ
બની ગઈ છે. ઘણાં
તો નોટ પોતાના મોઢામાં
પકડી લેનાર તે ખેંચીને લે
એમાં પોતાની શાન અને ગૌરવ
સમજે છે. આ પણ
કદર કરવાની એક શરમજનક અને બેહૂદી
રીત છે. તમારે પ્રસંગની
ખુશીમાં ભેટ આપવી જ
હોય તો પૈસા ઉડાડી
કે મોં માં મૂકી
શીદને આપવા? કોઇને જાણ
ન થાય એ રીતે
શાંતિથી ઢોલી કે બેન્ડબાજાવાળા
જે કંઈ આપવું હોય
તે ન આપી શકાય?
આખરે ઢોલનગારા વગાડવાનું
કામ તો એમનું છે.
એમને જ એ કરવા
દો ને! તમે શીદને
પૈસા ભદ્દી રીતે આપવાનાં
પ્રદર્શનરૂપી ઢોલનગારા વગાડો છો?
વ્હોટ્સ
એપ પર પછી તો
એક બીજો પણ વિડીઓ
જોવા મળ્યો જેમાં ગુજરાતી
કલાકારોની ટીમ ઝવેરચંદ
મેઘાણીનું એક સુંદર ગીત
રજૂ કરી રહી હતી.
મોરારી બાપુ પણ મુખ્ય
મહેમાન તરીકે પ્રેક્ષકો વચ્ચે
વિરાજેલા
અને એ ગીત માણી
રહેલા દેખાયા. ત્યાં અહિ પણ
અચાનક નોટો ઉડાવી કલાની
કદર કરવાનો પેલો સિલસિલો
ચાલુ થઈ ગયો. બાપુ
ના દિલ પર શી
વિતી હશે કલાની આવી
રીતે કદર (કે અપમાન)
થતા જોઇને?
સંગીત કે ડાયરાના કાર્યક્રમોમાં કલાકારોની કદરરૂપે નોટોની છોળ જે રીતે ઉડાડાય છે, મને પણ એ પ્રથાની સુગ છે, પરંતુ હું એ વ્યક્ત કરી નહોતો શકતો. કદાચ તમે આ મતને સારી રીતે વાચા આપી છે.
જવાબ આપોકાઢી નાખો- જયસિંહ સંપટ, સુજાતા શાહ
'કદર કરવાની રીત' બ્લોગ લેખ ખૂબ સારો રહ્યો.
જવાબ આપોકાઢી નાખો- ઇલા વૈદ્ય
તદ્દન સચોટ અને સાચી વાત.. કલાકારો ની કદર કરતા પોતાના અહમ ને ક્ષણિક પોષવાની આ રીત ઉપર અત્યંત માર્મિક લેખ.હું પોતે પણ કલાકાર હોઇ આ લેખ મને ખૂબ સ્પર્શી ગયો.. ખૂબ ખૂબ આભાર!!
જવાબ આપોકાઢી નાખો- નિર્મલ ઠક્કર
'કદર કરવાની રીત' માં સાવ સાચી વાત કરી છે. આ રીતે ઉડાડેલાં પૈસાને ઘોર કહેવાય છે. આ પૈસા પહેલાનાં સમયમાં સારા કાર્યો માં વપરાતાં. પણ આજકાલ તેનો સદુપયોગ થતો નથી.પહેલેથી જ તૈયાર રાખેલાં નોટોનાં બંડલ લઈ ઉડાડ્યા બાદ ફરી પાછી નોટો લઈ લેવી એવું બનતું હોય છે અને કેટલાક લોકો તો પૈસા પણ નથી આપતા અને ખોટા આંકડા બહાર પાડે છે.
જવાબ આપોકાઢી નાખો- પુષ્પા ગાલા
લેખમાં વ્યક્ત કરેલા તમારાં વિચારો સાથે હું પણ તમારી સાથે સહમત છું.
જવાબ આપોકાઢી નાખોમેં પણ એક કાર્યક્રમ માં આ રીતે પૈસાનું વરવું પ્રદર્શન થતું જોયેલું. જોઇને એ ગમ્યું તો નહોતું જ.તમે આજે એ લોકો સમક્ષ રજૂ કરી એક સારૂં કામ કર્યું. આભાર!
- રસીલા બોસમિયા
લેખ ‘કદર કરવાની રીત’ ઘણો સારો હતો. તેમાં તમે હકીકત લખી.કેટલાક લોકોને પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાની કુટેવ હોય છે,તો કેટલાકને તેમની ચાપલૂસી કરવી ગમતી હોય છે.
જવાબ આપોકાઢી નાખોઆ અગાઉ તમે તહેવાર વખતે રસ્તા પરનાં ગરીબ બાળકો સાથે ભાવતાલ ન કરવાની સલાહ આપતો લેખ લખ્યો હતો તે પણ ઘણો સારો અને અર્થસભર હતો.
- જીતેન્દ્ર મહેતા