કાંદિવલી
સ્ટેશન પાસે આવેલી એ પોસ્ટઓફિસ દોઢ-બે કિલોમીટર દૂર ચારકોપ વિસ્તારમાં શિફ્ટ થવાની
હતી.એટલે ત્યાં ઓફિસમાં કાગળો-ફાઈલોના ઢગલા ખડકાયેલાં હતાં.પણ મેં પોસ્ટ માસ્ટર સાથે
ઝઘડો જ માંડ્યો હતો કે મારે આજે એક ધક્કામાં કામ ન પતે તો કંઈ નહિ પણ બધી જ ફોર્માલીટીસ
તો પૂરી કરવી જ છે આથી મેં તેને જરૂરી બધાં જ પગલાની માહિતી માંગી અને બધા ફોર્મ્સ
વગેરે એ જ દિવસે આપવા હઠાગ્રહ કર્યો.આથી તેણે પણ જાણે મનમાં ‘મને ભવિષ્યમાં જોઈ લેશે’
એવી ગાંઠ વાળી પ્યૂન પાસે ક્યાંક થી એક ફોર્મ કઢાવ્યું જે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી
છપાયેલું હતું.એની પણ તેના કહ્યા મુજબ પોસ્ટઓફિસમાં ગણીગાંઠી નકલો જ બચી હોવાથી તેણે
મને એક ફોર્મ તેની બે ઝેરોક્સ કઢાવી એક તેને પાછું આપી દેવાની શરતે હાથમાં સોંપ્યું.
મારે તો મારૂં કામ પતાવવા આજે કોઈનું પણ કામ કરવું જ પડે એવી લાચાર સ્થિતી હતી! પછી
તો આગળની બધી વિધી સમજાવવાનું પોસ્ટમાસ્ટરે કરવું જોઇએ એ કામ પ્યૂને જ પતાવ્યું. એ
સાંભળી મને ચક્કર જ આવી ગયાં! અત્યાર સુધી કરેલી દોડધામ તો માત્ર નાનકડી શરૂઆત હતી!
એ ફોર્મ મારે નોટરી પાસે જઈ તેના દ્વારા પ્રમાણિત કરાવવાનું હતું. ખર્ચ સાડા છસ્સો
રૂપિયા માત્ર કારણ ફોર્મ એક પત્તાનું નહોતું! વળી એ ફોર્મમાં મારે કોઈ સરકારી ઓફિસર
કે અન્ય સૂચિત ખાસ હોદ્દેદાર વ્યક્તિને સ્યોર્ટી બનાવવાની હતી. તેની કામકાજ,સરનામા,પગાર
વગેરેની વિગતો પ્રમાણ પત્રો સહિત સુપરત કરવાની હતી. એ સ્યોર્ટી એ પેલા ફોર્મમાં આઠ-દસ
જગાએ સહી કરવાની હતી.વિચાર કરો કોઈ સામાન્ય ગરીબ માણસ ભૂલથી પોતાનું ઓરિજીનલ એન.એસ.સી.
સર્ટીફિકેટ ખોઈ બેસે તો તેણે પોતાના મહેનતના બચત કરવા રોકેલા પૈસા પાછા મેળવવા કેટલી
મોટી સજા ભોગવવાની રહે છે! પોસ્ટ ઓફિસના પ્યૂને બિચારાએ આ બધી વિગતો શક્ય એટલી સારી
રીતે સમજાવી પણ બધું એક સાથે એક વારમાં કંઈ યાદ રહે? એ પણ આટલી સંકુલ વિગતો! મેં સ્યોર્ટીના
ઓળખપત્ર અને અન્ય દસ્તાવેજો વગર માત્ર તેની સહીઓ યોગ્ય જગાએ લઈ નોટરી દ્વારા પ્રમાણિત
કરાવી મારી બહેન ને એ ફોર્મ સબમિટ કરવા મોકલી અને શરૂ થઈ ધક્કાઓની પરંપરા! નોટરી ગોતવાનું
અને તેના સહી સિક્કા કરાવવાનું તો બહુ અઘરૂં નહોતું પણ એક તો કોઈને મારા સ્યોર્ટી બનાવવાનું
અને તેની પગારની રસીદ સહિત સરનામા, ઓળખ વગેરેના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સુપરત કરવાનાં
એ જ્યાં કામ કરતો હોય તે ઓફિસના ઉપરી સાહેબના સહીસિક્કા સાથે! આ બધી જટીલ પ્રક્રિયામાં
દસબાર ધક્કા અને દોઢ-બે મહિના નિકળી ગયાં. આખરે મેં સબમિટ કરેલા બધાં દસ્તાવેજોની ઝેરોક્સનો
એક સેટ મારી પાસે રાખી ઓરીજિનલ સેટ પોસ્ટઓફિસમાં સબમિટ કર્યો માર્ચ ૨૦૧૪ના અંતે! અહિં
એક કામ ખુબ સારૂ કર્યું મેં, બધાં દસ્તાવેજો સુપરત કર્યાં છે તેની વિગતો લખી એક પત્ર
પર પોસ્ટઓફિસના અધિકારીની સહી લઈ લીધી.
પંદરેક
દિવસ પછી ફોન કર્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી અરજી મુંબઈના મુખ્ય ડાકઘર
જી.પી.ઓ ખાતે મોકલી દેવામાં આવી છે અને મારૂં કામ થઈ ગયે મને સામેથી ફોન કરી જાણ કરવામાં
આવશે.
બીજા
ત્રણ-ચાર મહિના સુધી કોઈ પ્રતિભાવ ન મળતા મેં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે પોસ્ટઓફિસ
તો હવે શિફ્ટ થઈ ચૂકી હતી. નવી પોસ્ટ ઓફિસ દેખાવે તો ખુબ સારી હતી પણ મને તેનો કોઈ
દેખીતો ફાયદો થયો નહિ! પહેલા તો આટલા સમય બાદ જ્યારે હું મારી અરજીની પ્રગતિ વિશે પૂછવા
ફોન કર્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારે રૂબરૂ પોસ્ટઓફિસની મુલાકાત લેવી. મલાડના
મારા ઘરેથી આ નવી પોસ્ટઓફિસ સારી એવી દૂર અને ત્યાં એક ચક્કર પચાસ-સાઠ રૂપિયામાં પડે
એમ હતું છતાં આ તો મારૂં કામ એટલે મારે ધક્કા ખાવા જ પડે ને? ત્યાં ગયો તો પહેલા તો
એ લોકો કહે આવી કોઇ અરજી એમના ત્યાં છે જ નહિ. બીજો પ્રતિભાવ એવો મળ્યો કે પોસ્ટઓફિસ
થોડા સમય અગાઉ જ શિફ્ટ થઈ હોવાથી મારી ફાઈલ કદાચ આડી અવળી મૂકાઈ ગઈ હશે. મેં તરત પેલો
તેમના અધિકારીની સહી કરેલો પત્ર બતાવ્યો ત્યારે તેમણે મારી પાસે બધાં ઝેરોક્સ દસ્તાવેજો
ધરાવતો આખો એક સેટ ફરી સબમિટ કરવા જણાવ્યું. મેં એમ કર્યું. ફરી પંદરેક દિવસે ફોન કર્યો
ત્યારે જાણવા મળ્યું કે મારી ઓરિજિનલ ફાઈલ મળી ગઈ છે. અરજી સુપરત કર્યાનાં ત્રણ ચાર
મહિના પછી મને પોસ્ટમાસ્ટર જણાવે છે કે મારે હજી થોડી સહીઓ અમુક જગાએ કરાવવાની બાકી
છે તથા મારા અને સ્યોર્ટીના કેટલાક પ્રમાણપત્રો આપવાના બાકી છે.ફરી અઠવાડિયા જેટલા
સમયમાં એ બધું પતાવી મેં ચારકોપની પોસ્ટઓફિસમાં ખૂટતા જરૂરી દસ્તાવેજ સુપરત કર્યાં.
નોંધવાની વાત એ છે કે ત્રણેક મહિના અગાઉ જી.પી.ઓમાં મારી ફાઈલ મોકલી છે એ ગપ્પુ જ હતું
ને? મેં વિચાર્યું
ચાલો હવે પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.
થોડા
દિવસો બાદ હું ગુજરાતમાં હતો અને મને ફોન આવ્યો મલાડની એક પોસ્ટ ઓફિસમાંથી કે મારે
ત્યાં રૂબરૂ જઈ મારા ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે લઈ જઈ ચકાસણી માટે મળવું. મુંબઈ પરત
આવ્યાં બાદ પહેલું કામ એ કર્યું. પણ મલાડની કઈ પોસ્ટ ઓફિસ એનું પાક્કુ સરનામું લેવાનું
રહી ગયું. એટલું જ કન્ફર્મ કરી શકાયું કે એ મલાડ પૂર્વની પોસ્ટ ઓફિસ હતી. જે પહેલી
પોસ્ટ ઓફિસ ગયો ત્યાં એવો જવાબ મળ્યો કે મારી કોઈ અરજી ત્યાં તપાસ માટે આવી નથી.ત્યાંથી
મલાડ પૂર્વમાં આવેલી બીજી પોસ્ટ ઓફિસનું સરનામું મેળવી હું ત્યાં જઈ પહોંચ્યો. સદનસીબે
ત્યાંથી જ મને ફોન કરવામાં આવ્યો હતો.અહિં મારા બધા ઓરિજિનલ પ્રમાણપત્રો ચકાસી જણાવવામાં
આવ્યું કે મારી અરજી હવે ફરી પાછી કાંદિવલી ચારકોપ પોસ્ટઓફિસ મોકલી અપાશે અને ત્યાંથી
મને ફોન કરી આગળની માહિતી અપાશે. મને હાશ થઈ કે ચલો હવે કામ પતી ગયું અને થોડા સમયમાં
મારા પૈસા વ્યાજ સહિત મને મળી જશે. પણ મારી એ આશા ઠગારી નિવડી. એકાદ મહિના બાદ મને
એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે મારા સ્યોર્ટી બનેલ મિત્રનું સરનામું ખોટું છે.
જાણ કરતા માલૂમ પડ્યું કે તે જ્યારે અરજી બનાવી ત્યારે ડોમ્બિવલી રહેતો હતો પણ હવે
તેણે થાણેમાં નવું ઘર ખરીદ્યું હતું અને ડોમ્બિવલી પોસ્ટ ઓફિસમાંથી કોઈ માણસ તેના જૂના
ઘરે તપાસ માટે ગયો હતો. મને આ ઘટનાની જાણ નહોતી. જેવી ખબર પડી કે મેં તેના નવા સરનામાની
વિગતો અને સાબિતીના દાખલાના નમૂનાની નકલો મેળવી લીધી. એમાં પણ થોડું મોડુ થયું કારણ
જ્યારે આ બધું બન્યું ત્યારે જ તે પણ વેકેશન મનાવવા બહારગામ ગયો હતો.ખેર મૂળ અરજી સુપરત
કર્યાના દસેક મહિના બાદ મેં સ્યોર્ટીના આ નવા દસ્તાવેજોની નકલ કાંદિવલી પોસ્ટ ઓફિસમાં
જમા કરાવી. એ પછી પણ દર પંદર દિવસે ફોલો અપ કરવા છતા પરીણામ શૂન્ય. જેમ મને મલાડ પોસ્ટઓફિસમાંથી
તપાસ માટે ફોન આવ્યો હતો તેમ સ્યોર્ટીને પણ તપાસ માટે થાણેની પોસ્ટઓફિસમાંથી ફોન આવવો
જોઇએ પણ હજી સુધી આ બ્લોગ લખાયો ત્યાં સુધી એમ થયું નથી. મારા ફોનથી ફોલો અપ્સ ચાલુ
જ છે પણ દરેક વખતે મને એમ જ જણાવવામાં આવે છે કે તેઓ સામેથી મને જાણ કરશે જ્યારે મારા
એન.એસ.સીના ખોવાયેલા સર્ટીફિકેટની ડુપ્લીકેટ કોપી બની જશે જેનો ઉપયોગ કરી મારી વ્યાજ
સહિત ની રકમ હું પાછી મેળવી શકું.
આ
સત્ય ઘટના મારી સાથે પ્રત્યક્ષ બની છે અને આજે મારા એન.એઅ.સી. સર્ટીફીકેટની પાક્યાની
મુદ્દતને પણ એક વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં મને મારા પૈસા પાછા મળ્યા નથી. તમે એન.એસ.સી.
માં રોકાણ કરો તો ભલે પણ મૂળ સર્ટીફિકેટ ખોઈ ન નાંખતા અને તેને લેમિનેટ પણ ન કરાવતા
નહિતર તમને પણ એ જ યાતનામાંથી પસાર થવું પડશે જે મેં ભોગવી અને હજી ભોગવી રહ્યો છું.
(સંપૂર્ણ)