“ફલાણા ભાઇને જોખમી શસ્ત્રક્રિયા માટે 'A +' પ્રકારના લોહીની તાત્કાલિક અને સખત જરૂર છે.”
આવો સંદેશો ઘણી વાર મોબાઈલ પર કે ઇમેલ દ્વારા આવ્યો હશે અને તરત તમે તેને તમારા મિત્રોને એ ફોરવર્ડ પણ કરી દીધો હશે. આવો કોઈક મેસેજ ફોરવર્ડ કરતાં પહેલા થોડું થોભો અને એમાં જે વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હોય તેને ફોન કરી પૂછો કે તેને ખરેખર હજી એ પ્રકારના લોહીની જરૂર છે? કદાચ ઘણી વાર એવું બને શકે છે કે એ સંદેશ ઘણો જૂનો હોય અને જે વ્યક્તિને એ લોહીની જરૂર હોય તે વ્યક્તિ સાજી પણ થઈ ગઈ હોય અથવા તે કમનસીબે મૃત્યુ પામી ચૂકી હોય એવું પણ બને. આવે સમયે વગર વિચાર્યે તથ્યની ચકાસણી કર્યા વગર,મોબાઈલ પર સંદેશ મોકલવાનું મફત અને સરળ હોવાથી તરત આવા મેસેજ ફોરવર્ડ કરવા બરાબર નથી.
ઘણી વાર વ્યક્તિના ફોટા સાથે તે ખોવાયેલી હોવાના સંદેશ પણ વ્હોટ્સ એપ કે ઇમેલ પર ફરતા થાય છે.આવે વખતે પણ તથ્યોની ચકાસણી કરવી ખૂબ અગત્યનું છે.થોડા સમય અગાઉ એક નાનકડા વહાલા લાગે એવી બાળકની તસવીર વ્હોટ્સ એપ પર વહેતી થઈ હતી એવા સંદેશ સાથે કે તે ભરૂચથી ખોવાયો છે. વાત એમ હતી કે ખરેખર એ બાળક નું અપહરણ જાણભેદુ નજીક ની વ્યક્તિઓ દ્વારા જ મુંબઈ નાં મીરારોડ ખાતેથી કરાયું હતું અને તરત બે-ચાર દિવસની મહેનત બાદ પોલીસ આ કેસ ઉકેલવામાં સફળ રહી હતી અને બાળક હેમખેમ તેની માતા પાસે પાછું ફર્યું હતું પણ આ ઘટના બાદ કેટલાયે દિવસો સુધી એ બાળક ની તસવીર વ્હોટસ એપ પર ફરી રહી હતી ખોટી માહિતી સાથે કે એ બાળક ભરૂચથી ગુમ થયું છે અને તેને ગોતવામાં મદદ કરો. તેના પરિવાર જનો સોશિયલ મીડિયાના આ વણવિચાર્યા ખોટા ફેલાવાથી પરેશાન થઈ ગયા હતાં.
થોડા દિવસ અગાઉ પીઢ ફિલ્મ અભિનેત્રી નંદાના નિધન બાદ કોઈક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિએ આશા પારેખ અને લતા મંગેશકરના મૃત્યુની અફવા વ્હોટ્સ એપ પર ફરતી કરી હતી.આવા મેસેજ આવે એટલે તથ્યની ચકાસણી કર્યા વગર મોટે ભાગે લોકો 'પહેલા મેં આ ખબર આપ્યા' એવી લાગણીથી ફૂલાવા ફટ દઈને તેને ફોરવર્ડ કરી દેતાં હોય છે.જે ખૂબ મોટી સમસ્યા સર્જી શકે છે.આવી ઘટનાના ભાગ મહેરબાની કરી તમે ન બનશો. કોઈ પણ સંદેશો ફોરવર્ડ કરતાં પહેલાં તથ્યોની ચકાસણી જરૂર કરી લેજો.
થોડા વખત પહેલાં એડલેબ્સના થીમ પાર્કમાં પણ એકાદ રાઈડ તૂટી જતાં ઘણાં માણસો મરી ગયા હોવાની અફવા ફેલાઈ હતી.તૂટેલી સ્લાઈડની એકાદ સાચી તસવીર તો ઠીક પણ કેટલાકે તો કોઈક માનવ દેહની પગ અને અન્ય અવયવો કપાયેલી વિકૃત તસવીરો પણ વહેતી કરી હતી.આ તેમના હરીફોનું પણ કામ હોઈ શકે પણ આવા ખોટા સંદેશા આગળ વહેતા કરવામાં આપણે પણ સહભાગી થઈ ખોટું નથી કરતાં?
લઘુમતી કોમને લગતાં ધિક્કારભર્યાં સંદેશાઓ કે બિભત્સ સંદેશાઓ અને તસવીરોનો પણ વ્હોટ્સ એપ પર અને ઇન્ટરનેટ પર જાણે રાફડો ફાટ્યો છે પણ તે આજના બ્લોગમાં નથી ચર્ચવું.
ખૂબ સારી અને તટસ્થ રીતે સામાજીક જાગૃતિ આણવાનો પ્રયાસ કરતાં અતિ અસરકારક કાર્યક્રમ 'સત્યમેવ જયતે'ની બીજી સિઝન માર્ચ મહિનામાં પ્રસારીત થઈ અને પૂર્ણ પણ થઈ ગઈ. તેના પ્રથમ એપિસોડે નું હજી પ્રસારણ પણ શરૂ થયું નહોતું અને એક લાંબો લચક નકારાત્મક મેસેજ મને વ્હોટ્સ એપ પર આવ્યો. જેમાં આ કાર્યક્રમમાંથી ઉભા થતાં પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની વાત હતી અને કેટલીક ખોટી વેબસાઈટ પર તેની ચકાસણી પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.મેં તરત એ વેબસાઈટ પર જઈ આ સંદેશાની સત્યતા ચકાસવાનું કામ કર્યું અને તે તદ્દન ખોટી વાત હોવાનું તરત માલૂમ પડ્યું. હવે આ મેસેજ મેં વગર વિચાર્યે ફોરવર્ડ કર્યો હોત તો કેટલાયે લોકો એક સારો કાર્યક્રમ જોવાનું અને તેમાંથી પ્રેરણા પામી સમાજ માટે કંઈક સારૂં કરવામાંથી બાકાત રહી જાત. ચૂંટણીની મોસમ છે અને નરેન્દ્ર મોદીનું નામ જ્યાં અત્ર તત્ર સર્વત્ર ગાજી રહ્યું છે ત્યારે 'સત્યમેવ જયતે'ના છેલ્લા એપિસોડના પ્રસારણના આગલા દિવસે એક સંદેશો વ્હોટ્સ એપ પર આવ્યો જેમાં આમિર ખાનને ગાળો આપી જણાવ્યું હતું કે આગામી એપિસોડમાં તે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઘણું બધું વિપત્તીજનક દર્શાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે. આથી આ એપિસોડ કોઈ ન જુવે અને આ સંદેશો વધુ માં વધુ ફેલાવી સત્યમેવ જયતે અને આમિર ખાનનો બહિષ્કાર કરે.
આ છેલ્લો એપિસોડ જેણે જોયો હશે તે મારી સાથે સહમત થશે કે એમાં આમિર ખાને કેટલો મહત્વનો અને સારો સંદેશો લોકોને આપ્યો કે તમારા નેતાને મત આપતા પહેલા તેના વિશે પૂરી માહિતી મેળવો અને યોગ્ય ઉમેદવારને જ તમારો મત આપો.અહિં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ માત્ર પણ થયો નહોતો.પણ જેણે કદાચ પેલો ખોટો સંદેશો વાંચી તેને સાચો માનો લીધો હશે કે તેનો વધુ ફેલાવવાનું અવિચારી પગલું ભર્યું હશે તેણે તો અજાણતામાં એક ખોટું કાર્ય કર્યું ગણાય ને?કદાચ આમિરના કે આ કાર્યક્રમનાં હરીફો કે પછી કોણ જાણે આ કાર્યક્રમથી જેને નુકસાન થવાનું હશે તેવા છૂપા શત્રુઓનાં ષડયંત્રનો જ તેઓ તો અજાણતાં ભાગ બન્યાં ને?
કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજ પછી હવે કોઈ પણ સંદેશો મોબાઈલ પર કે ઇમેલ દ્વારા આવે કે કાનોકાન સંભળાય તેના તથ્યની ચકાસણી કર્યા વગર તેને વધુ ફેલાવવાનું દુષ્કૃત્ય ક્યારેય ન કરતાં.
…અને હા, આ બ્લોગ વાંચ્યા પછી જો તમે એ બીજાં દસ જણને નહિ વંચાવો તો તમારૂં લાખો રૂપિયાનું નુકસાન એક અઠવાડિયામાં નક્કી!!! અને જો એ વીસ જણને વંચાવશો તો તમને સાંઈબાબા અને આશાપુરામાતાની કૃપાથી પાંચ લાખ રૂપિયાની લોટરી લાગશે! ;-)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો