Translate

શુક્રવાર, 4 એપ્રિલ, 2014

કોઈ જોતું નથી ને?


અત્યારે પરીક્ષાઓની મોસમ ચાલી રહી છે. શાળા - કોલેજના દિવસોમાં પરીક્ષા ખંડનું વાતાવરણ મને ખૂબ ગમતું. બે-ત્રણ કલાક અજબની શાંતિ અને વિદ્યાર્થીઓ આખા વર્ષની મહેનત ઉત્તરવહીમાં ઉતારવામાં મશગૂલ હોય! હવે આવે વખતે જેણે આખું વર્ષ કંઈ મહેનત કરી ના હોય , રખડી ખાધું હોય તેવા કેટલાક વિદ્યાર્થીઓ પોતાની  ઉત્તરવહીમાં ધ્યાન આપવાને બદલે આજુબાજુ ડાફોળિયા મારતા પણ જોવા મળે! તેઓ ચોરી ના કરી શકે માટે પરીક્ષાખંડમાં એક નિરીક્ષક રાખવામાં આવે છે. તે ધ્યાન રાખે છે કે કોઈ પરીક્ષા માં ગેર-રીતિ આચરે નહિ.

હમણાં ચૂંટણી ની પણ મોસમ ચાલી રહી છે એમ કહી શકાય કારણ ઠેર ઠેર અટકી પડેલા કામો ઝડપથી આટોપાવા લાગ્યા છે, ઠેર ઠેર પોલીસ જોવા મળે છે. મારી ઓફીસ જવા વાંદરા સ્ટેશનની પૂર્વ બાજુએથી બહાર નીકળી રીક્ષા પકડી વાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષ જવું પડે. જ્યારથી વાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષમાં ડાયમંડ બોર્સ ચાલુ થયું છે ત્યારથી અહી કામે આવનારાઓની ભીડમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે અને રીક્ષા- બસ વગેરે ની ખાસ્સી અગવડ ઉભી થવા માંડી છે. રીક્ષાવાળાઓને ડાયમંડ બોર્સ સુધી શેર રીક્ષાનું ભાડું પ્રતિ એક વ્યક્તિએ ત્રીસ રૂપિયા મળે જ્યારે ડાયમંડ બોર્સ થી થોડા ઓછા અંતરે આવેલી ઓફીસ સુધી ભાડું પ્રતિ એક વ્યક્તિએ વીસ રૂપિયા મળે આથી તેઓ લુચ્ચાઈ વાપરી ડાયમંડ બોર્સ સુધી જવા તૈયાર થાય જેથી ત્રણ વ્યક્તિ લેખે તેમના એક ફેરે નેવું રૂપિયા ઉભા થાય અને અમારા જેવા ડાયમંડ બોર્સ થી થોડા ઓછા અંતરે આવેલી ઓફીસ વાળાં લોકો રીતસર રીક્ષા વાળાઓને કરગરતા જોવા મળે પણ તેઓ તૈયાર થાય નહિ. ખરું જોતા ડાયમંડ બોર્સ થી થોડા ઓછા અંતરે આવેલી ઓફીસ સુધી, મીટર લેખે પણ તેમને ચાલીસથી વધુ ભાડું ના મળે પણ શેરે-રીક્ષા માં ત્રણ મુસાફરો લેખે સાંઠ રૂપિયા મળવા છતાં વધુ, નેવું રૂપિયાની લાલચ તેમને રીતસરની દાદાગીરી પર ઉતારી લાવે  છે અને લોકોને થતી હેરાનગતિની તેમને જાણે કોઈ પરવા નહિ. રીક્ષાની કતાર હોય, પણ બધા ડાયમંડ બોર્સ જવા તૈયાર.

 અઠવાડીયાથી જો કે   પરીસ્થીતીમાં પરિવર્તન આવ્યું છે. થોડા દિવસોથી અહી રોજ પોલીસ દેખાવા માંડી છે. તે દંડો હલાવી એક હાક મારે કે રિક્ષાવાળાએ મુસાફરો જે જગાએ કહે તે જગાએ તેને લઈ જવા પડે. મને જોઈ પેલી પરીક્ષા ખંડનાં નિરીક્ષક વાળી વાત યાદ આવી ગઈ!

આપણામાંના મોટાભાગનાં લોકોને યોગ્ય રીતે કામ કરવા એક નિરીક્ષકની જરૂર પડે છે. આવું શા માટે? ક્યાંક વાંચ્યું હતું કે તમે કોઈ જોઈ ના રહ્યું હોય  ત્યારે પણ શ્રેષ્ઠ રીતે કાર્ય કરો તેને સાચી ગુણવત્તા ભર્યું કાર્ય કહેવાય. પણ મોટા ભાગનાં મુંબઈગરા તો છડે ચોક નિયમોનું ઉલ્લંઘન કરવા માટે તૈયાર હોય છે. રસ્તા પર પોલીસ નથી અને લાલ સિગ્નલ છે - તોડો. પકડાઈએ તો પણ થોડા ઘણા પૈસા ખવડાવી દેવાના એટલે છૂટી જવાય! પિતા -માતા કે કોઈ મોટું ઘરમાં નથી? મસ્તી કરી લો! શિક્ષક વર્ગમાં નથી? ધમાલ કરી લો. બસ, રેલવે કે બીલ ભરવાની લાઈન માં કોઈ જોઈ રહ્યું હોય તો વચ્ચે ઘૂસો. કામ ચાલી રહ્યું છે ત્યારે બોસ કે સુપરવાઈઝર નથી? કામચોરી કરી લો! શા માટે આપણને હંમેશા એક 'વોચ ડોગ' જોઈએ છે માથે નિયંત્રણ માં રહેવા?

પ્રશ્ન કે સમસ્યા માત્ર પેલા રીક્ષા વાળાઓની નથી.આપણાં સૌની છે,આપણાં ઉછેરની છે,આપણી માનસિકતાની છે. આપણે સૌએ દરેક સ્તરે 'નિરીક્ષક હોય તો કામ સરખી અને સારી રીતે કરવું'ની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. આમ કરીશું તો આપણે સાચા અર્થમાં વિકાસ પામી શકીશું અને એક સારા અને જવાબદાર સમાજનું સર્જન કરી શકીશું. વાંચ્યા પછી પણ સુધરવાનું મન ના થાય તો એક ડર જરૂર કામ કરશે - કોઈ નહિ તો કંઈ નહિ પણ ઉપરવાળો તો સઘળું જુએ છે!  કારણ ઘણી વાર જ્યાં શિખામણ કામ કરે ત્યાં ડર કામ કરી જતો હોય છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો