Translate

Sunday, April 29, 2012

પરીક્ષાઓ, મુંબઇ યુનિવર્સીટી અને વિદ્યાર્થીની સમસ્યાઓ

વહેલી સવારે ટ્રેનમાં જતી વખતે બાજુમાં ઉભેલા એક કોલેજ સ્ટુડન્ટ પર ધ્યાન ગયું.સોળ-સત્તર વર્ષની ઉંમરના આ યુવાનના હાથમાં નોટ્સ હતી જેમાં તેં પૂરેપૂરો ખૂંપેલો હતો! પરીક્ષાનું ટેન્શન તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતું હતું. મને પણ, જેમ મારા શાળા અને કોલેજના દિવસોમાં આદત હતી તેમ ઘણાં વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશવા માટેની ત્રીજો અને છેલ્લો વોર્નિંગ બેલ વાગે ત્યાં સુધી પુસ્તક કે નોટસમાંથી એ છેલ્લી ઘડી સુધી જેટલું વાંચી લેવાય કે રિવીઝન કરી લેવાય તે કરી લેવાની ટેવ હોય છે. આખું વર્ષ નિયમિત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના દિવસોમાં તો મોડી રાત સુધી જાગી કે વહેલી સવારે ઉઠી અભ્યાસ કરતા હોય છે.અથાગ મહેનતને અંતે પરીક્ષાખંડના છેલ્લા બે-ત્રણ કલાક દરેક વિદ્યાર્થી માટે નિર્ણાયક બની રહેતા હોય છે.તેમાંયે જો દસમા-બારમાની બોર્ડ એક્ઝામ હોય તો તો પૂછવું જ શું? કેટલાયે વિદ્યાર્થીઓ આ મસમોટી ગણાતી એક્ઝામનું ટેન્શન જિરવી ન શક્તા આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હોય છે (જે બિલકુલ વ્યાજબી નથી) તો સામે પક્ષે યુનિવર્સીટી,બોર્ડ,સ્કૂલ અને કોલેજવાળા છે જેમના માટે આ બધું એક રૂટીન પ્રક્રિયા સમાન છે. આજના બ્લોગમાં આ સામા પક્ષના નિષ્ફિકરા અને બેદરકારી ભર્યા વલણ વિશે વાત કરવી છે.


આજકાલ મુંબઈ યુનિવર્સીટી અનેક છબરડાઓને કારણે ચર્ચામાં છે.લાખો વિદ્યાર્થીઓ જ્યારે તેમના જીવનની અતિ મહત્વની એસ.એસ.સી કે એચ.એસ.સી ની પરીક્ષા આપવાના હોય ત્યારે છેલ્લી ઘડી સુધી તેમના પરીક્ષા કેન્દ્રો ફાળવાયેલા હોતાં નથી કે ફાળવાયા હોય તો છેલ્લી ઘડીએ ક્યારેક અપૂરતી ચકાસણી અને વ્યવસ્થાને અભાવે છેલ્લી ઘડીએ કોઈક પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં અને બદલી નાંખવામાં આવ્તું હોય છે.પરીક્ષા એક વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજાજ વિષયનું આપવામાં આવે.ક્યારેક નિયત સમયના કલાક - દોઢ કલાક પછી પણ પ્રશ્ન પત્રો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા નથી.ક્યારેક પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ લેવાની હોય પણ પેપર જૂના અભ્યાસક્રમ મુજબ સેટ થયેલું હોય છે.ક્યારેક અડધા કરતાં પણ વધુ પ્રશ્નો (તો ક્યારેક વળી આખું પેપર) આઉટ ઓફ સિલેબસ સેટ થયેલું હોય છે.આ બધા તાજેતરમાં કે થોડાં વર્ષો અગાઉ મુંબઈ યુનિવર્સીટીની મુંબઈ વિભાગની પરીક્ષાઓ દરમ્યાન બનેલા સાચા કિસ્સા છે.

પરીક્ષા પૂરી થઈ ગયા બાદ પરિણામોમાં પણ છબરડાંઓની હારમાળા સર્જાતી હોય છે.પરિણામો વિલંબથી જાહેર થાય છે,ક્યારેક ગાય કોઈક કોલેજના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ખાઈ ગયાના સમાચાર વાંચ્યાનું પણ મને યાદ આવે છે! અહિં પણ ભ્રષ્ટાચાર ઘૂસ્યો હોવાના કિસ્સા ફક્ત સાંભળ્યા જ નહિં પોતે જોયેલાં,અનુભવેલા પણ છે.પૈસા ખાઈ પેપર ફોડી નાંખતા કે નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેનારા શિક્ષકો સમાજ માટે કલંક રૂપ છે.

હવે જો પરીક્ષાસંબંધી એડમિનિસ્ટ્રેટીવ કાર્યો માટે લાયક અને પૂરતો સ્ટાફ હોય તો હું નથી માનતો કે આ કંઈ ખૂબ મોટા કે અઘરા કાર્યો છે.એડવાન્સમાં સારી રીતે પ્લાનિંગ કર્યું હોય તો કમ્પ્યુટર્સ તથા અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા કેન્દ્રોની યાદી તૈયાર કરવાથી માંડી તેની જુદા જુદા વિદ્યાર્થીઓને તેમના રહેવાના સ્થળેથી નજીકના કેન્દ્રમાં ફાળવણી અને ઓબ્જેક્ટીવ પ્રકારના પ્રશ્નોના ઉત્તરોની મશીન કે ઓપ્ટીકલ કેરેક્ટર રેકગ્નિશન જેવી પદ્ધતિથી ઓટોમેટિક ચકાસણી તેમજ રીઝલ્ટ પણ ઓનલાઈન જાહેર કરવા સુધીનું બધું આજે શક્ય છે. જરૂર છે થોડા નાણા યોગ્ય જગાએ ઉપયોગમાં લેવાની. (અહિં નાણા ‘ફાળવવાની’ એવો શબ્દ પ્રયોજ્યો નથી કારણ મને ખાતરી છે ભારતમાં દરેક સુવિધાઓ,સારા કાર્યો માટે નાણાં ફાળવાય તો છે જ, પણ પછી એ ચવાઈ જાય છે અને તેનો યોગ્ય અને નિયત હેતુ માટે ઉપયોગ થતો નથી.)

વિદ્યાર્થીઓ આખું વર્ષ કમરતોડ મહેનત કરી જે પરીક્ષા આપતા હોય છે તેની ઉત્તરવહી તપાસવામાં પરીક્ષક કેટલી ગંભીરતા દાખવતા હોય છે? બધા સરખા નથી હોતા પણ મોટા ભાગના શિક્ષકો એક પેપરને પાંચ મિનિટથી વધુ સમય નથી આપતા અને તેમને મોટી ચિંતા હોય છે તેમનો ક્વોટા પૂરો કરવાની.અહિં પણ યુનિવર્સીટી કે સ્કૂલ કે કોલેજ ક્યારેક એક શિક્ષક પર વધુ પડતો બોજો નાખી દેતા હૂય છે અને પરિણામે તે શિક્ષક પોતે એ બધીજ ઉત્તરવહીઓ જાતે ચકાસે એમ નથી બનતું.અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈ અન્ય વિદ્યાર્થી કે ગેરલાયક વ્યક્તિના હાથમાં ચાલ્યું જાય છે.મેં પોતે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે અન્ય વર્ગના કેટલાક ઉત્તરપત્રો તપાસ્યા હોવાનું અહિં મને યાદ આવે છે.હું ભલે ભણવામાં ગમે તેટલો હોંશિયાર હોઈશ પણ મારે અનિચ્છાએ એ કાર્ય મારા એક શિક્ષકની શેહમાં આવી કરવું પડ્યું હતું. શું શિક્ષક કે પરીક્ષકનું આવું વલણ યોગ્ય છે?

બ્લોગને અંતે, જો કોઈ શિક્ષક વાંચી રહ્યું હોય તો તેને એટલી જ વિનંતી કે પ્લીઝ વિદ્યાર્થીઓની પરીક્ષાને અને તેમના ઉત્તરપત્રો ચકાસવાની પ્રક્રિયાને થોડી જવાબદારી પૂર્વક અને થોડી ગંભીરતાથી લેશો તો તમે તમારા શિક્ષક ધર્મને સાર્થક કર્યો ગણાશે.

No comments:

Post a Comment