એક ગરીબ આઈસ્ક્રીમવાળો આખો દિવસ અને મોડી રાત સુધી મજૂરી કરી રાતના સવા વાગે આઈસ્ક્રીમનો ડબ્બો પોતાની સાઈકલ પર ગોઠવી પોતાના ઘર તરફ જવા સાઈકલ હંકારે છે.રોજ રાતે તે અઢી વાગ્યાની આસપાસ ઘેર પહોંચે છે.તેની પાસે મિત્ર પાસેથી ઉધાર લીધેલા ૫૦૦૦ રૂપિયા છે જેનું તેણે પોતાના આઠ અને બાર વર્ષના પુત્રો અને પત્નીને પાંચ વર્ષ બાદ આગ્રા નજીક આવેલા પોતાના વતન લઈ જવા દેવુ કર્યું છે.અચાનક ક્યાંકથી એક મોટી સફેદ ગાડી તેની સાયકલને ધક્કો મારી તેને ભોંય પર પટકી દે છે.તે ગરીબ યુવાન તમ્મર આવી જવાને લીધે સાન ગુમાવી બેસે છે અને ભાન ભૂલી જાય છે. દૂર પેલી સફેદ ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ પાછી વળી ઘટના સ્થળેથી ભાગી છટકે છે અને પેલા ગરીબ યુવાનની આઈસ્ક્રીમ તો ઢોળાઈ જ ગઈ છે પણ તેના ૫૦૦૦ રૂપિયા પણ, કોઈ પ્રાણીથીયે બદ્તર માણસ આવી ગંભીર પરિસ્થિતીનો લાભ લઈ ચોરી જાય છે. ગાડી વાળાએ માત્ર ગરીબ યુવાનનો રોજીરોટીનો સામાન અને સાયકલ જ નથી કચડી નાંખ્યા પણ તેના પરિવારનું વતન જવાનું સ્વપ્ન પણ રોળી નાંખ્યું છે.
મુંબઈમાં જ ગયા અઠવાડિયે બનેલી આ સાચી ઘટનાનો સાક્ષી સદનસીબે એક પત્રકાર બને છે અને તે પેલી સફેદ ગાડીનો પીછો પકડી તેમાં બેઠેલા એકતાળીસ વર્ષીય સરદારને પોલીસને પકડાવવામાં સફળ રહે છે.તેણે એટલી હદે દારૂ ઢીંચ્યો છે કે તે પોલિસના તે ક્યાંથી આવી રહ્યો હતો એ સામાન્ય પ્રશ્નનો પણ જવાબ આપી શક્તો નથી. નિર્લજ્જતા પૂર્વક તે પોલીસ સાથે હાથાપાઈ કરે છે અને તેમને ધમકી આપે છે કે પોતે પંજાબના એક ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ નો (કુ)પુત્ર છે.આથી તેઓ તેની ધરપકડ કરી શકે નહિં. સાઈકલ વાળો હાથે પ્લાસ્ટર બંધાવી પોલીસ ચોકી આવે તો છે પણ એટલી હદે ડરી ગયો છે કે કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર થતો નથી.પણ પોલીસ પર હાથ ઉપાડવાના ગુના સહિત પેલા સરદાર પર અન્ય કેટલાક ગુના દાખલ કરાયા છે અને તેની પર કામ ચાલુ છે.
દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત કરવાના આવા અન્ય ત્રણ કિસ્સા મુંબઈની સડકો પર પાછલા માત્ર ત્રણ સપ્તાહના ટૂંકા ગાળામાં નોંધાયા છે. છ મિત્રો દારૂ પીને અડધી રાતે ઘેર પાછા ફરતા હતા. ગાડી ચલાવતા યુવકના કાબૂ ગુમાવી બેસવાને કારણે ઝાડ સાથે ભટકાવાને લીધે ઘટના સ્થળે જ ગાડીમાં બેઠેલી એક યુવતિ મ્રુત્યુ પામી અને અન્ય બે યુવતિઓ ગંભીર રીતે ઘાયલ છે.
ડ્રિન્ક ડ્રાઈવિંગના આ કિસ્સા કોઈ નવી વાત નથી.વર્ષ ૨૦૦૨માં સલમાન ખાને દારૂ પીધેલી હાલતમાં ગાડી એક બેકરી પર ચડાવી દીધેલી અને એક જણનું મ્રુત્યુ નિપજાવ્યું હતું અને અન્ય ચારને ઘાયલ કરેલા.આ કેસ હજી ચાલે છે. બીજા એક ભયાનક કેસમાં વર્ષ ૨૦૦૬ની સાલમાં એલિસ્ટર પરેરા નામના યુવાને દારૂ પી બેફામ ગાડી ચલાવતા સાત જણને મારી નાંખ્યા હતા અને આઠ જણને ઘાયલ કર્યા હતા.તેને માત્ર ત્રણ વર્ષની સજા થઈ. ૨૦૧૦માં નૂરી હવેલીવાલા નામની યુવતિએ પુષ્કળ દારૂ ઢીંચી એક સાઈકલ સવાર અને એક પોલીસને મારી નાંખ્યા અને અન્ય બે પોલીસને ઘાયલ કર્યાં હતા.તેના કેસનો પણ હજી નિકાલ આવ્યો નથી.
હવે આ બધી તો ઘટનાઓ વિષેની વાત થઈ પણ મને વિચાર આવે છે કે માણસ શા માટે દારૂ પીને ડ્રાઈવ કરતો હશે?આ દ્વારા તે પોતાની જાતને જ નહિં પણ અન્યોના મહામૂલા જીવનને પણ જોખમમાં મૂકે છે.પોતાને કે પોતાને માટે નહિં તો કંઈ નહિં પણ તેણે અન્યોને માટે થઈને આ ભયાનક પ્રવૃત્તિ બંધ કરી દેવી જોઇએ. બીજા નિર્દોષ લોકોની હત્યા કરી તેમના પર આશ્રિત તેમના પરિવારજનો પર આફત ઢોળવાનો તેમને કોઈ હક નથી.એક આવા અકસ્માતથી કેટ્કેટલી જિંદગીઓ બરબાદ થઈ જાય છે તે અકલ્પનીય છે.
દારૂપીને કોઈ માણસ અકસ્માત કરે તે માટે પોલીસને જવાબદાર ઠેરવી શકાય નહિં.હા એટલું ચોક્કસ થઈ શકે કે જ્યાં જ્યાં પબ કે બાર આવેલાં હોય ત્યાં ત્યાં નાકાબંધી અને ડ્રાઈવરની ફરજિયાત આલ્કોહોલ લીધું છે કે નહિં તે માટેનું પરિક્ષણ ફરજિયાત બનાવી શકાય.આવી દુર્ઘટના બને અને કોઈની પણ જાન જાય ત્યારે સામાન્ય સંજોગોમાં લગાડાતી ઇન્ડિયન પીનલ કોડની જામીન મળી શકે તેવી કલમ ૩૦૪(અ) - બેદરકાર ડ્રાઈવિંગની જગાએ કલમ ૩૦૪ લગાડાવી જોઇએ જેનો અર્થ થાય છે - કલ્પેબલ હોમિસાઈડ કે સદોષ હત્યા કે વધ અને જે બિનજામીન પાત્ર છે જેના હેઠળ દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા ઝુંબેશ વધુ સઘન બનાવવી જોઇએ.એ માટે ટી.વી રેડિયો અને પ્રિન્ટ મિડીયામાં દારૂ પીને ડ્રાઈવિંગ સામે જોરદાર વિરોધ નોંધાવતી અને લોકોને આમ ન કરતા સમજાવતી અસરકારક જાહેરખબરો વારંવાર પ્રદર્શિત કરાવી જોઇએ. આવા ગુનામાં સપડાયેલ વ્યક્તિ સામેના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારને સખત સજા જલ્દી જ મળે અને તે સમાચારનો બહોળો પ્રચાર કરાવો જોઇએ જેથી અન્યો એમ કરતા ચેતે. દારૂ પીને ગાડી ચલાવનાર વ્યક્તિ સાથે ગાડી કે બાઈક પર બેઠેલ અન્ય વ્યક્તિઓને પણ સજા થવી જોઇએ કારણ તેઓ દારૂ પીધેલી વ્યક્તિને ડ્રાઈવ કરવા દઈ તેના ગુનામાં પોતે પણ અપ્રત્યક્ષ રીતે જવાબદાર હોય છે. તમારા ઘરની કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઈવ કરવા તૈયાર થાય તો તમે તેનો સખત વિરોધ કરો.તેની સાથે મુસાફરી કરવાની ચોખ્ખી ના પાડી દો.આમ કરી તમે કદાચ કોઈ મોટા અકસ્માતને ખાળી શકશો અને એમ કરી કદાચ કોઈ નિર્દોષનો જીવ બચાવી શકશો.
દારૂનું સેવન તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ પણ દારૂ પીને ડ્રાઈવ કરવું એથીયે વધુ ખરાબ અને ખતરનાક છે.મહેરબાની કરી તમારા પોતાના માટે નહિં તો કંઈ નહિં પણ તમારા પરિવારજનો અને અન્ય નિર્દોષ લોકોની અજાણતાં હત્યા કરવાથી બચી જવા માટે દારૂ પીને ડ્રાઈવ કરવાનું મહાપાપ કદીયે ન કરશો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો