Translate

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

શરણાગતિ

[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'શરણાગતિ'. આ સ્પર્ધામાં મારા લખેલા નિબંધને ઇનામ મળ્યું હતું, જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]


"ભગવાનને તો નમ્રતા વ્હાલી, સંપૂર્ણ શરણાગતિ વ્હાલી... જે નમે એ પ્રભુને ગમે!"

બે વર્ષ અગાઉ મેં જેમા નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી એવા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' નો આ સંવાદ હજી મને અક્ષરશ: યાદ છે! ‘શરણાગતિ’ શબ્દ પર મારા વિચારો લખતી વેળા એ મને સૌ પ્રથમ આ સંવાદ યાદ આવ્યો એટલે એનાથી જ આ નિબંધની શરૂઆત કરી!

શરણાગતિ - આ શબ્દ વાંચતા જ તેનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. એક હકારાત્મક અને બીજું નકારાત્મક.

હકારાત્મક અર્થ વિષે પહેલા ચર્ચા કરીએ.શરણાગતિ હકારાત્મક અને આવકાર્ય ગણાય જ્યારે તે ઇશ્વર પ્રત્યે હોય, ગોપીઓની જેમ તેમના પ્રિય સખા કૃષ્ણ પ્રત્યે હતી તેવી. આ પ્રકારની શરણાગતિમાં સમર્પણનો ભાવ છે, ત્યાગનો ભાવ છે, પ્રેમનો ભાવ છે અને તે અંતે મોક્ષ સુધી દોરી જાય છે. ઇશ્વરને પામવાના એ સાચા માર્ગ સમી બની રહે છે. અહમ કે ઈગોને ઓગાળી પ્રિય પાત્ર સામે સ્વીકારેલી શરણાગતિ પણ એ સંબંધની મજબૂતાઈ અને ગરિમાને એક નવા આયામ પર લઈ જાય છે.

બીજા એક પ્રકારની શરણાગતિ ભલે તત્કાલીન હારનું સૂચન કરતી હોય પણ પરિસ્થિતીના તકાજા મુજબ એ તે સમયે લીધેલ યોગ્ય, સાચું અને શ્રેષ્ઠ પગલું ગણી શકાય. ‘જાન બચી લાખો પાયે’ ના ન્યાયે કે પછી ‘જાન હૈ તો જહાન હૈ’ શરણાગતિ દ્વારા જ ભવિષ્યમાં ફરી જીતની આશા જીવંત રહેવા પામે છે. કહ્યું છે ને ‘સર સલામત તો પઘડિયા બહોત’!

નકારાત્મક શરણાગતિ સંજોગો સામે હારી જઈને શસ્ત્રો હેઠા મૂકી દેવાની વૃત્તિ દ્વારા પ્રદર્શિત થાય છે. આ પ્રકારની શરણાગતિ પતન તરફ દોરી જાય છે. તે હાર સૂચવે છે, કાયરતા સૂચવે છે.

પલાયનવાદી વૃત્તિથી જીવનમાં કંઈ જ હાંસલ કરી શકાતું નથી. કુટેવને વશ થઈ તેના ગુલામ બની જવું એ પણ નકારાત્મક શરણાગતિનો પ્રકાર ગણી શકાય.આવી શરણાગતિ પણ અધ:પતન તરફ દોરી જાય છે.

કેટલીક વાર સંજોગો સામે ઝૂકીને,પરિસ્થિતી સામે નમીને,શરણાગતિ સ્વીકારીને જ ભવિષ્યની જીત માટે ટકી શકાય છે.શ્રી ક્રુષ્ણ આનું સર્વોત્તમ ઉદાહરણ છે.તે રણછોડ શા માટે કહેવાયા એ વાર્તા બધાને ખબર જ હશે.શ્રી રામે પિતાની આજ્ઞા શિરોમાન્ય રાખી સંજોગો સામે શરણાગતિ સ્વીકારીને જ ચૌદ વર્ષનો વનવાસ નહોતો વેઠ્યો?પાંડવો પણ મહાભારતનું યુદ્ધ જીત્યા એ પહેલાં રાજપાટ ખોઈ શરણાગતિ સ્વીકાર્યા બાદ જ હિંમત હાર્યા વગર પરિસ્થીતી સામી ઝઝૂમ્યા હતાં અને ફરી વખત આવ્યે સંગ્રામ ખેડી મહાયુદ્ધ જીત્યા હતાં.ઇતિહાસમાં પણ આવા અનેક દાખલા મળશે.

હા,પણ એક વાત ચોક્કસ કે નકારાત્મક શરણાગતિ છેલ્લો પર્યાય હોવો જોઇએ.આપણાંમાં તાકત નથી કે આપણે કોઈ પડકાર સ્વીકરવાની ક્ષમતા ધરાવતા નથી એમ સ્વીકારી લઈ શરણાગતિનો આશરો લઈશું તો જીવન એળે જશે.

ઇશ્વરને સદાય પ્રાર્થના કરતા રહેવું કે તે આપણને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે અને હકારાત્મક અને નકારાત્મક શરણાગતિ વચ્ચેનો ફરક સમજી શકીએ એટલી સદબુદ્ધિ આપે...

અસ્તુ.

ટ્રેનના ડબ્બા ખડી પડ્યા અને મને એ નડી પડ્યાં...

૭મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે મારી પત્ની,નાનકડી દોઢ વર્ષની દિકરી,મમ્મી અને બહેન ગુજરાતથી મુંબઈ આવી રહ્યાં હતાં અને મારે તેમને લેવા સવારે પાંચ વાગે બોરિવલી સ્ટેશન જવાનું હતું. સવારે સવા ચારે ઉઠીને મેં તેમને ફોન કર્યો અને જાણવા મળ્યું કે ટ્રેન મોડી હતી અને આગળ કોઈ માલગાડીના ડબ્બા ખડી પડવાના કારણે તેઓ હજી નવસારી પાસે પહોંચ્યા હતાં, ટ્રેન ત્યાં જ ઉભી હતી અને કેટલા વાગે ત્યાંથી ઉપડશે એ કંઈ નક્કી નહોતું. આખરે એ લોકો સવારે સાડા અગિયારે બોરિવલી ઉતર્યા અને આમ તેમને ટ્રેન સાડા છ કલાક જેટલી મોડી પડી.


હવે યોગાનુયોગ જુઓ. આ વાતના બરાબર એક વર્ષ પહેલાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે હું ગુજરાતથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો અને આગળ એક મેલટ્રેનના ડબ્બા ખડી પડવાના કારણે મારી ટ્રેન પણ ગુજરાતમાં જ એક જગાએ કલાકો ઉભી રહી અને નવ-દસ કલાક મોડી પડી હતી.એ દિવસે મેં તે ઘટના વિષે બ્લોગ લખ્યો હતો જે આજે તમારી સાથે શેર કરું છું.

[નીચેનો બ્લોગ છ્ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે લખાયો હતો. ]

ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા સૂરત સ્ટેશન પાસે ખડી પડ્યા અને મહેસાણાથી મુંબઈ પરત ફરી રહેલ મને એ નડી પડ્યા. નાની વહાલસોયી દિકરી સહિત મારા પત્નીશ્રી એક મહિના માટે મહેસાણા પધાર્યા હતા,પોતાને પિયર. આથી તેમના ગયા બાદ પંદર દિવસે તેમની યાદ આવતા અચાનક મેં પણ મહેસાણા જવાનો પ્રોગ્રામ નક્કી કરી નાંખ્યો. તત્કાલ ક્વોટામાં જવાની શુક્રવાર રાતની ટિકીટ બૂક કરેલી એટલે શનિવારે સવારે સમયસર મહેસાણા તો પહોંચી જવાયું પણ શનિવાર રાતની જ સવા ત્રણ વાગ્યાની જોધપુર-બાન્દ્રા એક્સ્પ્રેસની રીટર્ન ટિકીટ હતી એટલે સસરાજીને અડધી રાતે તકલીફ આપવી પડી મને સ્ટેશન સુધી મૂકવા આવવાની. જે પતિઓની પત્નીઓનું પિયર દૂર હોય તેમણે આ દુ:ખ તો સહેવું જ રહ્યું,પત્નીને પિયર મૂકવા-લેવા જવાનું અને એ દરમ્યાન ઉભી થતી તકલીફો સહન કરવાનું!

સસરાજી અઢી વાગે રાતે બાઈક પર મને મહેસાણા સ્ટેશન પર મૂકવા આવ્યા અને હજી ગાડીને પોણો-એક કલાકની વાર હોવાથી મેં તેમને ઘેર પાછા ફરવાનો ખૂબ આગ્રહ કર્યો છતાં તેઓ માન્યા નહિં.

ગુજરાતી બૈરાઓને દૂરના પ્રવાસ વખતે વધુ સામાન કરવાની કુટેવ તો જગતભરમાં પ્રખ્યાત છે! પછી એ મારી મમ્મી હોય કે ફઈ હોય કે મારી પત્ની! જતી વખતે મારી તો એક નાનકડી ખભે ભેરવી શકાય એવી બેગ જ હતી પણ ફઈબાના સંપેતરાની એક મોટી બેગ મને પકડાવી દેવામાં આવેલી! પાછા ફરતી વખતે પત્નીજીએ વધારાના થોડાઘણા કપડા વગેરે ભરેલો થેલો મને સોંપી દીધો! ભલુ થજો સાસુમાનું કે તેમણે સ્વાદિષ્ટ થેપલા,ગાંઠિયા અને ફૂલવડી ભરેલી બીજી એક નાની થેલી પણ તૈયાર કરી દીધી! (સામાનમાં ઓર વધારો થવા છતા અહિં સાસુમાનું ભલુ થજો એટલા માટે કહ્યું છે કારણકે આગળ જતા એ જ થેપલા-ગાંઠિયા ગાડી અટવાઈ પડતા મને સાકર જેવા લાગ્યા હતાં!)

ગાડી પ્લેટફોર્મ નંબર બે પર આવશે એવી માહિતી સ્ટેશન પર બધી શક્ય જગાઓએથી મેળવી પાદયાત્રી પૂલ ચઢી હું અને સસરાજી આવ્યા પ્લેટફોર્મ બે ઉપર. ત્રણ વીસના નિયત સમય કરતા દસ મિનિટ મોડી ગાડી આવી તો ખરા, રાતે સાડા ત્રણે, પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર. હવે આ તો મુસીબત થઈ.અડધી રાતે એક તો ટ્રેનના મોટા ભાગના ડબ્બાઓના બારણા બંધ હોય તેમાં જો આમ ટ્રેન, ડબ્બાઓ સુદ્ધાની માહિતી ઇન્ડીકેટર્સ પર એક પ્લેટફોર્મ પર લાગી ગયા હોવા છતાં બીજા પ્લેટ્ફોર્મ પર આવી ચડે તો પ્રવાસીઓ કેટલી મુસીબતમાં મુકાઈ જાય. પ્લેટફોર્મ એક પર કોઈક બીજી જ ટ્રેનનો નંબર તથા તેના ડબ્બાઓની માહિતી ઇન્ડીકેટર્સ પર દર્શાવાઈ રહી હતી તેમ છતાં મારે પકડવાની ટ્રેન પ્લેટફોર્મ બે ના બદલે પ્લેટફોર્મ એક પર જઈ ચડી. અને આટલું ઓછું હોય એમ રેલવે સ્ટેશન પરથી થતા અનાઉન્સમેન્ટના છબરડાઓએ હદ કરી નાંખી! ટ્રેન પ્લેટફોર્મ એક પર આવીને ઉભી રહી ગઈ હોવા છતાં અનાઉન્સર બાઈ ટ્રેન પ્લેટફોર્મ બે પર આવશે એમ માઈકમાં જાહેર કરે છે! કદાચ એ ઉંઘમાં હશે અને કાં પછી રેલવે સ્ટેશન પર ડ્યુટી પરના પોલિસની જેમ એણે પણ એકાદ-બે પેગ લગાવ્યા હશે! અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ પૂરું થયા બાદ હિન્દી અને ગુજરાતીમાં તે ટ્રેન પ્લેટ્ફોર્મ એક પર આવ્યાની સાચી જાહેરાત કરે છે અને ફરી પાછી અંગ્રેજીમાં બોલતી વખતે છબરડો! પ્રવાસીઓ મૂંઝાઈ જ જાય ને? હવે આ ટ્રેન મહેસાણા પ્લેટ્ફોર્મ પર ફક્ત બે મિનીટ માટે જ થોભતી હોય છે પણ પ્લેટ્ફોર્મ બે ની જગાએ એક પર આવ્યાના ગોટાળા વખતે તો ટ્રેને પાંચ-દસ મિનીટ ઉભા જ રહેવું જોઈએ.પણ આ ટ્રેન તો બે જ મિનીટ માં ઉપડી. સારું થયું મેં પદયાત્રી પુલ નો ઉપયોગ કરવાના સૈદ્ધાંતિક વિચારને અમલમાં મૂકવાને બદલે પ્લેટફોર્મ બે પર થી પાટા પર કૂદકો મારી ઉંધી બાજુએથી એસ-૧૧ ડબ્બો પકડી લીધો. મારી મમ્મી સાથે હોત તો નક્કી આ ગાડી અમે ચૂકી ગયા હોત.એને પગે વાની સખત તકલીફ છે આથી ફટાફટ ચાલી શકવું પણ મુશ્કેલ હોય ત્યાં સામાન સાથે આમ પાટા પર કૂદીને ગાડી પકડવી તેના માટે તો શક્ય જ ન બનત. રેલવે વાળાઓએ આ બાબતે કંઈક કરવું જ જોઈએ.ગાડી પ્લેટ્ફોર્મ પર આવે તે પહેલા મોટરમેને સ્ટેશનનો સંપર્ક સાધી જાણી લેવું જોઈએ કે ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે એવું અનાઉન્સ થયું છે-ઇન્ડીકેટર્સ પર નિર્દેશિત થયું છે અને પછી જો ટેક્નિકલ મુશ્કેલી કે બીજા કોઈ પણ કારણ સર ટ્રેન કોઈ જુદા પ્લેટફોર્મ પર આવે તો તેના ત્યાં થોભવાના નિયત બે-ચાર મિનિટના સમય કરતા તેણે દસેક મિનિટ વધારે થોભવું જ જોઈએ. જેથી માલસામાન સાથે અટવાઈ ગયેલા પ્રવાસીઓ ટ્રેન ચૂકી ન જાય અને પ્લેટ્ફોર્મ યોગ્ય રીતે બદલી (પાટા પરથી કૂદી ને નહિં પણ પુલ દ્વારા યોગ્ય પ્લેટફોર્મ પર આવી) શકે.

હું તો ચડી ગયો જોધપુર-બાન્દ્રા એક્સપ્રેસમાં ઉંધી બાજુએ થી અને મારા સસરા પણ એ જ રીતે ટ્રેનમાં પ્રવેશી પ્લેટફોર્મ-૧ પર ઉતરી ગયા. અને બે જ મિનિટમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. સારા નસીબે મેં જે ડબ્બાની ટિકીટ કઢાવેલી તે એસ-૧૧ ડબ્બાનાં જ બન્ને બાજુના બારણા ઉઘાડા હતા અને હું ગાડી પકડી શક્યો.

રમૂજી, પણ સત્ય નિયમ મુજબ જો કંઈ ખોટું થઈ શકે એમ હોય તો એ એમ થાય જ છે! અને બધી ખોટી વસ્તુઓ એક સાથે જ બને છે! અર્થાત મુસીબતો આવે ત્યારે એક સાથે ઘણીબધી આવે છે! હું ચારેક કલાક ઉંઘ્યા બાદ જાગ્યો ત્યારે ટ્રેન વડોદરા પછીના કોઈક નાનકડા સ્ટેશન પાસે ઉભેલી હતી.'વરણામા' હતું એ ગામનું નામ અને સ્ટેશનતો કેમ કહેવું? ન કોઈ પ્લેટફોર્મ ન કોઈ બાંકડો.. ફક્ત પીળા રંગનું મોટું કાળા અક્ષરે સ્ટેશનનું નામ લખેલું બોર્ડ હતું. ડબ્બામાંથી ઘણાં લોકો નીચે ઉતરી ગયેલા હતાં.સામે સરસ ખેતરો હતાં અને સૂર્યનો સુકોમળ તડકો હતો.બ્રશ વગેરે પતાવી મોં ધોઈ હું પણ નીચે ઉતર્યો અને સવારના સરસ વાતાવરણને મેં માણ્યું. થોડાઘણાં ફોટા પાડ્યા.અને એક-દોઢ કલાક બાદ ગાડી ત્યાંથી ઉપડી.થોડું આગળ વધ્યા બાદ ફરી અટકી. અહિં પણ તે લાંબો સમય પડી રહી.ખબર પડી કે આગળની કોઈક ગાડીને અકસ્માત નડ્યો હોવાથી અમારી ગાડી પણ અટકી હતી.મારે સાડાબાર સુધીમાં મુંબઈ પહોંચી જવાનું હતું અને આ તો એટલો સમય થવા આવ્યો હોવા છતાં હું સુરતથી પણ ખાસ્સો દૂર હતો. ઠીચૂક ઠીચૂક ચાલતી ગાડી સુરત નજીકના ઉતરણ સ્ટેશન નજીક પહોંચી અને અહિં તો તે ત્રણ-ચાર કલાક ઉભી રહી.મારા સહિતના બધાં પ્રવાસીઓ જબરદસ્ત કંટાળી ગયા.મારા ઘરેથી તેમજ સાસરેથી ફોન પર ફોન આવ્યે જતા હતા.મારા સસરાએ ટી.વી. પર જોઈ સમાચાર આપ્યા કે સુરત પાસે ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. એટલે બધી ટ્રેનો અટવાઈ ગઈ હતી - મોડી પડી હતી.બપોરે સાડા બારે મુંબઈ પહોંચી જવાની જગાએ સાંજે છ વાગે હજી મારી ટ્રેન ઉતરણ પાસે ઉભી હતી - જડાઈ ગઈ હતી.ભયંકર કંટાળો કોને કહેવાય તેનો અનુભવ આ પાંચ-છ કલાક દરમ્યાન મને અને બીજા અનેક સહપ્રવાસીઓને થઈ ગયો. કેટલાકે તો માથે બિસ્તરાપોટલા લઈ ગાડીમાંથી ઉતરી સુરત તરફ જવા પ્રયાણ પણ કર્યું.મેં મારી સાથે લાવેલા જૂના છાપા વાંચી કાઢ્યા,સાસુમાએ પ્રેમથી સાથે મોકલી આપેલ થેપલા-ગાંઠિયા ખાધાં,ઇડલીચટણી,વડાપાવ અને પોપકોર્ન ખરીદ્યા અને ખાધા,ચાર-પાંચ વાર ચા પીધી, મોબાઈલમાં સંગીત સાંભળ્યું અને આ બ્લોગ લખી નાંખ્યો! અત્યારે પોણા આઠ વાગ્યા છે.ગાડીએ માંડ માંડ ઝડપ પકડી છે અને હું કદાચ સાડા દસ અગિયાર સુધી બોરિવલી પહોંચી જઈશ.

થોડા ઘણાં પાઠ હું આ અનુભવ પરથી શીખ્યો તે તમે પણ ધ્યાનમાં લેશો. એક તો બને ત્યાં સુધી અડધી રાત બાદની (બે-ત્રણ વાગ્યાની) ગાડીની ટિકીટ ન કઢાવવી. મુસાફરીમાં બને એટલો સામાન ઓછો રાખવો પણ થોડુંઘણું ખાવાનું સાથે લેવું. અટવાઈ પડીએ એવી સ્થિતી ઉભી થાય તો સમય કાપવા શોખ હોય એવી વસ્તુઓ સાથે રાખવી (પુસ્તકો,મ્યુઝિક પ્લેયર અને સી.ડી. અથવા મોબાઈલ-આઈપોડ,જૂન છાપા,પત્તાની કેટ વગેરે) ટ્રાવેલ કીટ સાથે રાખવી જેમાં દાઢી કરવાનો સામાન,ટૂથ બ્રશ,કોલ્ડક્રીમ,હેન્ડ સોપ વગેરે હોય.બને ત્યાં સુધી મહત્વની મુલાકાત કે પ્રવૃત્તિ મુસાફરીના પૂરા થયા બાદ તરત ન ગોઠવવી.કનેક્ટિંગ ફ્લાઈટ કે બીજી ટ્રેનની મુસાફરી તો બને ત્યાં સુધી ટાળવી જ. તમારું શેડ્યુલ જ પહેલેથી એવી રીતે પ્લાન કરવું કે મહત્વની કોઈ બાબત તમારી એક મુસાફરી ખોરવાઈ જતા અસર ન પામે. છેલ્લે, મને આજે આ ગાડીની મુસાફરી જેવી નડી તેવી તમને કોઈને ના નડશો એવી અભ્યર્થના સાથે આ બ્લોગ અહિં પૂરો કરું છું!

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?

વિશ્વ યુવા દિને સ્વામી વિવેકાનંદજી ની દોઢસોમી જન્મતિથી ઉજવવા અમદાવાદથી યુવાનોના એક ગૃપે આવીને સુંદર નાટક ભજવ્યું જેમાં સ્વામીજીના જીવનના કેટલાક અતિ સારા, પ્રેરણાત્મક અંશો તખ્તા ઉપર રજૂ થયાં. હિન્દી ભાષામાં રજૂ થયેલી આ ભજવણીમાં કેટલાક એવા પ્રસંગો સમાવિષ્ટ હતાં જે મેં ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા નહોતાં. હજારેક કરતાં પણ વધુ સીટ ધરાવતો આખો સભાગૃહ હાઉસફુલ થઈ ગયો હતો,એ પણ રવિવારની રજાને દિવસે શિયાળાની વહેલી સવારે અને જેમાં મોટા ભાગના પ્રેક્ષકો કોલેજ જતાં યુવાન-યુવતિઓ હતાં,એ જોઈ મને ખૂબ ખુશી થઈ! સભાગૃહની આગળની ત્રણ હરોળ ખાસ સાધુ-સંત-મહંતો માટે ફાળવાઈ હતી. થોડો મોડો પડતા, મને બેસવા માટે સીટ ન મળી પણ વિવેકાનંદજીના જીવનના પ્રસંગો વાળા આ નાટક માણવાની ઉત્કંઠા એટલી હતી કે આખુ નાટક મેં સ્ટેજ પર એક બાજુએ, સાઈડમાં બેસીને જોયું!


હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'

હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?