Translate

સોમવાર, 30 મે, 2011

મંદિર (ભાગ - ૧)

મંદિરો પ્રત્યે મને પહેલેથી જ એક ગજબનું આકર્ષણ રહ્યું છે,પછી ભલે એ કોઈ પણ ધર્મના હોય કે કોઈ પણ પ્રકારની બાંધણી ધરાવતા હોય. હું મંદિરમાં જાઉં કે દહેરાસરમાં,મસ્જિદમાં જાઉં કે ચર્ચમાં કે પછી ગુરુદ્વારામાં, આ દરેક જગાએ મારા મનને એક ગજબની શાંતિનો ,એક ગજબના સુખ-સંતોષનો અનુભવ થાય છે. મને તો પારસીઓની અગિયારીમાં જવાનું યે ઘણું મન થાય છે પણ ત્યાં પારસીઓ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી એટલે હજી સુધી મારી આ ઇચ્છા પૂરી થઈ નથી. કોઈ પણ મંદિરમાં મન એક અલગ જ પ્રકારની હકારાત્મકતાનો અને અનેરી શાતાનો અનુભવ કરે છે.


મેં મુંબઈના માઉન્ટ મેરી અને માહિમ ચર્ચ તથા બીજા ઘણાં નાનામોટા ખ્રિસ્તી દેવળોની મુલાકાત ઘણી વાર લીધી છે.તો ગુજરાત-દમણના એક પોર્ટુગીઝ ચર્ચ અને થોડાં જ સમય પહેલા મેઘાલય-શિલોંગના એક વિશાળ ચર્ચની મુલાકાત પણ મારા માટે યાદગાર બની રહી હતી.મુંબઈની હાજીઅલીની દરગાહ તેમજ ઔરંગાબાદ અને અમદાવાદમાં આવેલ કેટલીક મસ્જિદના દર્શન પણ મેં કર્યા છે. અમૃતસરના સુવર્ણ મંદિર તેમજ મનાલીમાં આવેલ 'મણિકર્ણ' ગુરુદ્વારાના દર્શનનો અનુભવ પણ મારા માટે અવિસ્મરણીય બની રહ્યો છે.મને બહુ ભીડ વાળી જગાઓએ જવું પસંદ નથી.આમ છતાં મુંબઈમાં આવેલા સિદ્ધીવિનાયક,બાબુલનાથ તેમજ મહાલક્ષ્મી મંદિરોની મુલાકાત પણ મેં લીધી છે.અગાઉ હરિશ્ચંદ્રગઢના મારા બ્લોગમાં જેની વાત માંડી હતી એ શિવમંદિર ઉપરાંત બાર માંથી છ જ્યોતિર્લિંગ મંદિરોના દર્શનનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે તો વડોદરાના કાશીવિશ્વનાથ મંદિર તેમજ અહિં જગન્નાથ ભગવાનના એક ખાનગી મંદિર (જે એક શ્રીમંત પરિવાર હસ્તક રહેલું હતું)માં પણ જે અનેરી પવિત્રતા અને ધન્યતાનો અનુભવ મને થયો હતો તે કદાચ શબ્દમાં નહિં વર્ણવી શકાય.ગુજરાતના અક્ષરધામ અને દિલ્હીના સ્વામિ નારાયણ મંદિરની તો વાત જ શી કરવી? દુનિયાની અજાયબીઓ ફરી નક્કી કરવામાં આવે તો તેમનો નંબર એમાં આવે એટલાં વિશાળ અને સુંદર આ મંદિરો છે.

કેટલાંક વર્ષો પહેલાં મલાડના સાઈબાબા મંદિરમાં દર ગુરુવારે સાંધ્ય આરતીમાં ભાગ લેવા હું નિયમિત રીતે ઘણાં મહિનાઓ સુધી જતો હતો. ગુજરાતમાં આવેલા મારી મમ્મીના વતન એવા મંદ્રોપુર નામના નાનકડા ગામમાં આવેલ ચેહરમાતાના મંદિરમાં પણ બાળપણમાં મેં કેટલીક સાંજે નિયમિત આરતી અટેન્ડ કરેલી. મારા ઘર નજીક આવેલા રિદ્ધીવિનાયક મંદિરમાં પણ ઘણી વાર સાંધ્ય આરતીમાં હું હાજર રહ્યો છું. આ દરેક વેળાએ આરતી ચાલુ હોય,મોટા અવાજે મંદિરના પુજારી ભાવથી આરતી ગાઈ રહ્યા હોય, અન્ય ભક્તો તાળીઓ પાડી રહ્યા હોય કે ઘંટ વગાડી રહ્યા હોય કે ઓટોમેટિક મશીન દ્વારા નગારા અને ઘંટના નાદ ગૂંજી રહ્યા હોય એ પવિત્ર ઘડીઓમાં મારા શરીરમાં એક જાતની ઉર્જા પ્રવેશતી હોવાનો અનુભવ મને થયો છે. એ ક્ષણો દરમ્યાન મને ભગવાન સાથે પ્રત્યક્ષ વાત કર્યા જેવી કે તેમની સાથે સીધા જોડાયાની લાગણીનો અનુભવ થાય છે. એ ક્ષણો દરમ્યાન જાણે મારો બાહ્ય જગત સાથેનો સંપર્ક તૂટી જાય છે.આ અનુભવ આટલો આનંદદાયક હોવા છતાં હું આરતીમાં રોજ કેમ હાજર નથી રહેતો? એવી કેટલી બાબતો છે જે આપણે રોજ કરી શકતા હોવાં છતાં આળસ અથવા કોઈ દેખીતા કારણ ન હોવા છતાં નથી કરતાં.

હું ઘણી વાર મારા ઘર નજીક આવેલા રિદ્ધીવિનાયક મંદિરમાં જાઉં ત્યારે આંખો બંધ કરી બે હાથ જોડી પ્રાર્થના કરું છું,ગણપતિ બાપ્પાનું સ્મરણ કરું છું ત્યારે એવો અનુભવ કરું છું જાણે મારા શરીરમાંથી કોઈક જ્યોતિ જેવું તત્વ શરીરની બહાર નીકળતું હોય.એ તત્વ આકાશ તરફ ઉંચે ઉડે છે અને પ્રુથ્વીથી હજારો લાખો જોજન દૂર બ્રહ્માંડમાં પરમેશ્વર રૂપી મોટી જ્યોતિ સુધી ક્ષણવારમાં પહોંચી જાય છે અને તેમાં પ્રવેશી,તેમાં એકાકાર થઈ જાય છે,એકરૂપ થઈ જાય છે. એ ક્ષણે હું મનોમન એવી કામના,પ્રાર્થના કરું છું કે હે ઇશ્વર,મારાં રહેલી સઘળી દુર્વ્રુત્તિઓ,નબળાઈઓ,નકારાત્મક લાગણીઓને તમે બાળી નાંખો અને મારા આત્માસ્વરૂપ આ જ્યોતિમાં તાજી શક્તિ,નવી ક્ષમતાઓ,સારી હકારાત્મક લાગણીઓ અને સારા ગુણો ભરી દો.ત્યારબાદ થોડી ક્ષણ ભગવાનને એ મુજબ કરવા દેવા રાહ જોયા બાદ, હું ફરી એ આત્માસ્વરૂપ શુદ્ધ જ્યોતિને પરમાત્માની મોટી જ્યોતિમાંથી અળગી થઈ તેજ ઝડપે મારા તરફ આવતી અનુભવું છું અને એ જ્યોતિ માથા પરથી ફરી મારા શરીરમાં પ્રવેશી જતી અનુભવી હું ધીમે ધીમે આંખો ખોલું છું.આ પ્રક્રિયા ઘણી ઝડપી હોય છે અને તેનો અનુભવ ફક્ત મને હું કોઈ મંદિરમાં હોઉં ત્યારે જ થાય છે.

ક્યારેક હું નિરાશ હોઉં કે મારો મૂડ ખરાબ થઈ ગયો હોય ત્યારે પણ મંદિરમાં જઈને બેસું છું.ત્યાંના વાતાવરણની શાંતિ અને પવિત્રતાને મારા શ્વાસમાં ભરી લઉં છું.બીજા લોકોને ભગવાનને પગે લાગતા જોઉં છું,બાળકોને રમત કરતા જોઉં છું અને મારો મૂડ સુધરી જાય છે.

મને ફરવાનો ખૂબ શોખ છે.હું જ્યારે પણ કોઈ નવી જગાએ કે નવા પ્રદેશમાં જાઉં ત્યારે ત્યાં કોઈ મંદિર અચૂક શોધવાનો પ્રયત્ન કરું છું.પિકનિક પર ગયો હોઉં કે કોઈ કામે, ત્યાં પણ જો કોઈ મંદિર હોય અને મારી પાસે સમય હોય તો અવશ્ય હું એ મંદિરની મુલાકાત લઈ લ ઉં છું.પુણે અને ચેન્નાઈ પહેલી વાર ઓફિસના કામે જવાનું થયું હતું ત્યારે ત્યાં મેં સુંદર મંદિર શોધી કાઢ્યા હતાં અને દમણ અને સિલવાસા જેવા સ્થળોએ ઓફિસમાંથી પિકનિક ગયેલાં ત્યારે ત્યાં પણ મેં ચર્ચમાં જઈ પ્રેયર અટેન્ડ કરી હતી અને મંદિરની મુલાકાત પણ લીધી હતી. હનીમૂન પર ગયેલો ત્યારે ધર્મશાલા,ડેલહાઉસી,મનાલી, અમૃતસર અને દિલ્હી જેવા સ્થળોએ પણ મેં મારી પત્ની સાથે વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો