Translate

સોમવાર, 30 મે, 2011

મંદિર (ભાગ - ૧)

મંદિરો પ્રત્યે મને પહેલેથી જ એક ગજબનું આકર્ષણ રહ્યું છે,પછી ભલે એ કોઈ પણ ધર્મના હોય કે કોઈ પણ પ્રકારની બાંધણી ધરાવતા હોય. હું મંદિરમાં જાઉં કે દહેરાસરમાં,મસ્જિદમાં જાઉં કે ચર્ચમાં કે પછી ગુરુદ્વારામાં, આ દરેક જગાએ મારા મનને એક ગજબની શાંતિનો ,એક ગજબના સુખ-સંતોષનો અનુભવ થાય છે. મને તો પારસીઓની અગિયારીમાં જવાનું યે ઘણું મન થાય છે પણ ત્યાં પારસીઓ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી એટલે હજી સુધી મારી આ ઇચ્છા પૂરી થઈ નથી. કોઈ પણ મંદિરમાં મન એક અલગ જ પ્રકારની હકારાત્મકતાનો અને અનેરી શાતાનો અનુભવ કરે છે.


મેં મુંબઈના માઉન્ટ મેરી અને માહિમ ચર્ચ તથા બીજા ઘણાં નાનામોટા ખ્રિસ્તી દેવળોની મુલાકાત ઘણી વાર લીધી છે.તો ગુજરાત-દમણના એક પોર્ટુગીઝ ચર્ચ અને થોડાં જ સમય પહેલા મેઘાલય-શિલોંગના એક વિશાળ ચર્ચની મુલાકાત પણ મારા માટે યાદગાર બની રહી હતી.મુંબઈની હાજીઅલીની દરગાહ તેમજ ઔરંગાબાદ અને અમદાવાદમાં આવેલ કેટલીક મસ્જિદના દર્શન પણ મેં કર્યા છે. અમૃતસરના સુવર્ણ મંદિર તેમજ મનાલીમાં આવેલ 'મણિકર્ણ' ગુરુદ્વારાના દર્શનનો અનુભવ પણ મારા માટે અવિસ્મરણીય બની રહ્યો છે.મને બહુ ભીડ વાળી જગાઓએ જવું પસંદ નથી.આમ છતાં મુંબઈમાં આવેલા સિદ્ધીવિનાયક,બાબુલનાથ તેમજ મહાલક્ષ્મી મંદિરોની મુલાકાત પણ મેં લીધી છે.અગાઉ હરિશ્ચંદ્રગઢના મારા બ્લોગમાં જેની વાત માંડી હતી એ શિવમંદિર ઉપરાંત બાર માંથી છ જ્યોતિર્લિંગ મંદિરોના દર્શનનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે તો વડોદરાના કાશીવિશ્વનાથ મંદિર તેમજ અહિં જગન્નાથ ભગવાનના એક ખાનગી મંદિર (જે એક શ્રીમંત પરિવાર હસ્તક રહેલું હતું)માં પણ જે અનેરી પવિત્રતા અને ધન્યતાનો અનુભવ મને થયો હતો તે કદાચ શબ્દમાં નહિં વર્ણવી શકાય.ગુજરાતના અક્ષરધામ અને દિલ્હીના સ્વામિ નારાયણ મંદિરની તો વાત જ શી કરવી? દુનિયાની અજાયબીઓ ફરી નક્કી કરવામાં આવે તો તેમનો નંબર એમાં આવે એટલાં વિશાળ અને સુંદર આ મંદિરો છે.

કેટલાંક વર્ષો પહેલાં મલાડના સાઈબાબા મંદિરમાં દર ગુરુવારે સાંધ્ય આરતીમાં ભાગ લેવા હું નિયમિત રીતે ઘણાં મહિનાઓ સુધી જતો હતો. ગુજરાતમાં આવેલા મારી મમ્મીના વતન એવા મંદ્રોપુર નામના નાનકડા ગામમાં આવેલ ચેહરમાતાના મંદિરમાં પણ બાળપણમાં મેં કેટલીક સાંજે નિયમિત આરતી અટેન્ડ કરેલી. મારા ઘર નજીક આવેલા રિદ્ધીવિનાયક મંદિરમાં પણ ઘણી વાર સાંધ્ય આરતીમાં હું હાજર રહ્યો છું. આ દરેક વેળાએ આરતી ચાલુ હોય,મોટા અવાજે મંદિરના પુજારી ભાવથી આરતી ગાઈ રહ્યા હોય, અન્ય ભક્તો તાળીઓ પાડી રહ્યા હોય કે ઘંટ વગાડી રહ્યા હોય કે ઓટોમેટિક મશીન દ્વારા નગારા અને ઘંટના નાદ ગૂંજી રહ્યા હોય એ પવિત્ર ઘડીઓમાં મારા શરીરમાં એક જાતની ઉર્જા પ્રવેશતી હોવાનો અનુભવ મને થયો છે. એ ક્ષણો દરમ્યાન મને ભગવાન સાથે પ્રત્યક્ષ વાત કર્યા જેવી કે તેમની સાથે સીધા જોડાયાની લાગણીનો અનુભવ થાય છે. એ ક્ષણો દરમ્યાન જાણે મારો બાહ્ય જગત સાથેનો સંપર્ક તૂટી જાય છે.આ અનુભવ આટલો આનંદદાયક હોવા છતાં હું આરતીમાં રોજ કેમ હાજર નથી રહેતો? એવી કેટલી બાબતો છે જે આપણે રોજ કરી શકતા હોવાં છતાં આળસ અથવા કોઈ દેખીતા કારણ ન હોવા છતાં નથી કરતાં.

હું ઘણી વાર મારા ઘર નજીક આવેલા રિદ્ધીવિનાયક મંદિરમાં જાઉં ત્યારે આંખો બંધ કરી બે હાથ જોડી પ્રાર્થના કરું છું,ગણપતિ બાપ્પાનું સ્મરણ કરું છું ત્યારે એવો અનુભવ કરું છું જાણે મારા શરીરમાંથી કોઈક જ્યોતિ જેવું તત્વ શરીરની બહાર નીકળતું હોય.એ તત્વ આકાશ તરફ ઉંચે ઉડે છે અને પ્રુથ્વીથી હજારો લાખો જોજન દૂર બ્રહ્માંડમાં પરમેશ્વર રૂપી મોટી જ્યોતિ સુધી ક્ષણવારમાં પહોંચી જાય છે અને તેમાં પ્રવેશી,તેમાં એકાકાર થઈ જાય છે,એકરૂપ થઈ જાય છે. એ ક્ષણે હું મનોમન એવી કામના,પ્રાર્થના કરું છું કે હે ઇશ્વર,મારાં રહેલી સઘળી દુર્વ્રુત્તિઓ,નબળાઈઓ,નકારાત્મક લાગણીઓને તમે બાળી નાંખો અને મારા આત્માસ્વરૂપ આ જ્યોતિમાં તાજી શક્તિ,નવી ક્ષમતાઓ,સારી હકારાત્મક લાગણીઓ અને સારા ગુણો ભરી દો.ત્યારબાદ થોડી ક્ષણ ભગવાનને એ મુજબ કરવા દેવા રાહ જોયા બાદ, હું ફરી એ આત્માસ્વરૂપ શુદ્ધ જ્યોતિને પરમાત્માની મોટી જ્યોતિમાંથી અળગી થઈ તેજ ઝડપે મારા તરફ આવતી અનુભવું છું અને એ જ્યોતિ માથા પરથી ફરી મારા શરીરમાં પ્રવેશી જતી અનુભવી હું ધીમે ધીમે આંખો ખોલું છું.આ પ્રક્રિયા ઘણી ઝડપી હોય છે અને તેનો અનુભવ ફક્ત મને હું કોઈ મંદિરમાં હોઉં ત્યારે જ થાય છે.

ક્યારેક હું નિરાશ હોઉં કે મારો મૂડ ખરાબ થઈ ગયો હોય ત્યારે પણ મંદિરમાં જઈને બેસું છું.ત્યાંના વાતાવરણની શાંતિ અને પવિત્રતાને મારા શ્વાસમાં ભરી લઉં છું.બીજા લોકોને ભગવાનને પગે લાગતા જોઉં છું,બાળકોને રમત કરતા જોઉં છું અને મારો મૂડ સુધરી જાય છે.

મને ફરવાનો ખૂબ શોખ છે.હું જ્યારે પણ કોઈ નવી જગાએ કે નવા પ્રદેશમાં જાઉં ત્યારે ત્યાં કોઈ મંદિર અચૂક શોધવાનો પ્રયત્ન કરું છું.પિકનિક પર ગયો હોઉં કે કોઈ કામે, ત્યાં પણ જો કોઈ મંદિર હોય અને મારી પાસે સમય હોય તો અવશ્ય હું એ મંદિરની મુલાકાત લઈ લ ઉં છું.પુણે અને ચેન્નાઈ પહેલી વાર ઓફિસના કામે જવાનું થયું હતું ત્યારે ત્યાં મેં સુંદર મંદિર શોધી કાઢ્યા હતાં અને દમણ અને સિલવાસા જેવા સ્થળોએ ઓફિસમાંથી પિકનિક ગયેલાં ત્યારે ત્યાં પણ મેં ચર્ચમાં જઈ પ્રેયર અટેન્ડ કરી હતી અને મંદિરની મુલાકાત પણ લીધી હતી. હનીમૂન પર ગયેલો ત્યારે ધર્મશાલા,ડેલહાઉસી,મનાલી, અમૃતસર અને દિલ્હી જેવા સ્થળોએ પણ મેં મારી પત્ની સાથે વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી.

(ક્રમશ:)

શનિવાર, 21 મે, 2011

ગેસ્ટ બ્લોગ : અનાજનો બગાડ કેમ પોષાય?

- ચંપકલાલ હરકિસનદાસ ચાલીસહજારવાલા

કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ


છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી વધતી જ જાય છે. કિંમતી ધાતુઓ સોના-ચાંદીનો ભાવો આસમાનને આંબી રહ્યા છે. રીયલ એસ્ટેટ ના ભાવો લાખો મટીને કરોડો બોલાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના લગભગ ૧૨૬ ડોલર અને નાયમેક્સ ક્રૂડના ૧૧૩ ડોલરના ભાવો વાંચવા મળે છે. અને સરકાર તરફથી ડીઝલના અને પેટ્રોલના ભાવોમાં તાજેતરમાં જ વધારો ઝીંકાયો છે અને આ ભાવો હજુ વધશે એવી સંભાવના છે.


અનાજ, દાળ, કઠોળ, ઘઉં , સાકર, જુવાર, બાજરી અને ખાદ્યતેલ તેમની મોસમ હોવા છતાં મોંઘા થયાં છે. તુવેરદાળ રૂપિયા ૭૦ થી ૭૫ પ્રતિકીલો, ઘઉં રૂપિયા ૨૮ થી ૩૦ પ્રતિકીલો, જુવાર રૂપિયા ૩૫ પ્રતિકીલોના ભાવે વેચાય છે. તેલના ભાવમાં વધઘટ થયા કરે છે પણ ફરસાણના ભાવમાં કદી ઘટાડો નોંધાતો નથી. છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવ ચારથી પાંચ વાર વધ્યા છે. એક અહેવાલ પ્રમાણે વધતી જતી મોંઘવારીને કારણે ત્રણ કરોડ ભારતીય અને સાડા છ કરોડ એશિયનો ગરીબીની રેખા હેઠળ જતાં રહેશે.

હવે મને આ બ્લોગના મુખ્ય મુદ્દા પર આવવા દો..જ્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લગ્ન સમારંભો, સામાજિક મેળાવડા, બાળકની જનોઈ અને મુંડનવિધિ, બાળકની જન્મદિવસની ખુશાલી કે મૃતક સ્વજનોના તેરમાની વિધિ, અન્ય કોઈ ઉદ્ઘાટન સમારંભો કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓના સમારંભોમાં અનાજનો બગાડ પુષ્કળ થાય છે. આ સમારંભોમાં દરેક પ્રકારની એટલે કે પંજાબી, મદ્રાસી, ચાઈનીઝ, ચાટ, પાણીપુરી, ભેલપુરી, રગડા પેટીસ, બંગાળી મીઠાઈઓ, શ્રીખંડ, બાસુંદી, મઠ્ઠો અને અન્ય અનેક પ્રકારની મીઠાઈઓ અને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવે છે. ઉપરાંત અનેક પ્રકારના આઈસક્રીમ, કુલ્ફી, ઠંડા પીણા, લહેજતદાર જલજીરા તમારા માટે હાજર હોય છે.

જમણવારમાં આટલી વૈવિધ્યતા ખરેખર જરૂરી છે? આટલી વાનગીઓ શું તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?

પાંચેક મહિના પહેલા મેં એક જૈન સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. જમણવારમાં એક મીઠાઈ, એક ફરસાણ, એક કઠોળ, એક શાક, પુરી અથવા રોટલી, દાળ, ભાત, સલાડ તથા પાપડ હતાં. મારા નિરીક્ષણ મુજબ હાજર દરેક મહેમાન આનંદ અને સંતોષથી જમતાં હતાં. સંચાલકોએ પણ ચીવટપૂર્વક કોઈ અન્નનો બગાડ ન કરે એ વાતની તકેદારી રાખી હતી. જમ્યા પછી દરેકની થાળી કોઈ પણ પ્રકારના બગાડ વગર જોવા મળી.

ભારત દેશમાં જ્યાં ત્રીજા ભાગની પ્રજા ગરીબીની રેખા હેઠળ જીવે છે ત્યાં અનાજનો અવિચારી બગાડ કેમ પોષાય? ગરીબોને જ્યાં બે ટંકનું ખાવા પણ પ્રાપ્ત થતું ન હોય ત્યારે સમારંભો અને સારા પ્રસંગોમાં, સમાજમાં દેખાડો કરવા કે બીજાઓની દેખાદેખીથી અંજાઈ કે પ્રેરાઈ મોટાઈનું પ્રદર્શન કરવા, જરૂર કરતાં વધારે વાનગીઓનો ઢગલો ખડકી દેવો તદ્દન અયોગ્ય ગણાય. અને વાનગીઓનો અતિરેક થાય ત્યારે લોકો પણ બધું થોડું થોડું ચાખવાના પ્રલોભને જરૂર કરતા વધુ વાનગીઓથી ભાણું ભરી દઈ, અડધું એઠું મૂકી અન્નનો ભયંકર બગાડ કરવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પણ નુકસાન કરી બેસતા હોય છે.

ભારતે પાકિસ્તાનનો દાખલો લઈ ધન અને અનાજનો બગાડ અટકાવવા 'એક વાનગી' નો કાયદો લાવવો
જોઈએ.


- ચંપકલાલ હરકિસનદાસ ચાલીસહજારવાલા

કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ

સોમવાર, 16 મે, 2011

નાના બાળકો પાસેથી શીખીએ!

નાના બાળકો પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ!


નાનું બાળક બહુ સરળ હોય છે.તેને મા કે પિતા મારે ત્યારે તે રડી લેશે અને પછી એ ઘટના ભૂલી જશે.તે મા કે બાપ વિરુદ્ધ મનમાં ગાંઠો વાળશે નહિં,વેરઝેર રાખશે નહિં.તો આપણે મોટાઓ પણ આ અભિગમ ન કેળવી શકીએ? ભૂલી જતા કે માફ કરતા શીખીને પણ જીવનમાં ઘણું મેળવી શકાતું હોય છે.

મારી નાનકડી દિકરી નમ્યા દસ મહિનાની થઈ. તેની પાસેથી હું રોજ કંઈક નવું શીખું છું!

રોજ રાતે હું થાક્યોપાક્યો ઘેર આવું ત્યારે મારી હાલત ગમે તેવી હોય, હું પરસેવે રેબઝેબ હોઉં કે પછી મારા કપડાં ટ્રેનની ગિર્દીમાં ચોળાઈ ગયા હોય, પણ મને જોતાવેત તે રાજીના રેડ થઈ જાય! એના એ જાદૂઈ સ્મિતથી મારો બધો થાક ઉતરી જાય અને મને તરત તેને મારા હાથમાં લઈ રમાડવાની અદમ્ય ઇચ્છા થઈ આવે! અહિં તેની પાસેથી શિખવાનું એ કે તમે જે કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવ પણ તમારી નિકટની વ્યક્તિ સામે આવે એટલે બે ઘડી તમારી એ પ્રવૃત્તિ છોડીને તમારા એ નિકટજનને સસ્મિત પ્રેમપૂર્વક આવકારો.

નમ્યાના ધ્યાનમાં કોઈક વસ્તુ આવી ગઈ અને તે એને ગમી ગઈ તો એ પૂરેપૂરા ધ્યાન અને તાકાતથી એ વસ્તુ પોતાના નાનકડા હાથોમાં લેવા અથાગ પ્રયત્નો કરી તેને મેળવીને જ ઝંપશે અને સીધી તેને નાંખશે મોઢામાં. તેને સાચા ખોટાની સમજ નથી. પણ જો એ ખંત અને ધીરજ આપણે, આપણાં જેમાં સફળતા મળી ન હોય પણ એ માટેનાં પ્રયત્નો ચાલુ હોય તેવાં કાર્યો પૂરાં કરવામાં દાખવીએ તો ચોક્કસ આપણને મોડી-વહેલી સફળતા મળી રહે!

અને નમ્યાનું ધ્યાન બીજે વાળવું પણ એટલું જ સરળ જેટલી એ પોતે સરળ! કોઈક હાનિકારક વસ્તુ તેના ધ્યાનમાં આવી જાય કે હાથમાં આવી જાય તો તરત તેની સામે કોઈક રંગીન બિનહાનિકારક વસ્તુ કે તેને ગમતું રમકડું ધરો એટલે એ પેલી હાનિકારક વસ્તુ છોડી દઈ આ નવી વસ્તુ સાથે રમવા લાગશે! અહિં આપણે બે વસ્તુ શીખી શકીએ. એક તો એ કે કોઈ વસ્તુ પ્રત્યે ઝાઝો મોહ ન રાખવો અને બીજું એ કે અલિપ્ત થઈ જતાં,અળગા થઈ જતા શીખવું. જીવનમાં મુશ્કેલી, દુ:ખ જેવું કંઈક નકારાત્મક આવે ત્યારે વધુ સમય તેને પકડી ન રાખતા બીજે ધ્યાન કેન્દ્રીત કરવું અને થોડા સમય બાદ ફ્રેશ થઈ, નવા દ્રષ્ટીકોણ સાથે ફરી મુશ્કેલી કે દુ:ખ હાથમાં લેવું અને તેને દૂર કરવા પ્રયત્નો કરવાં. તરત એ સમસ્યા નો ઉકેલ મળી જશે!

એક અતિ સરળ પણ ઘણો મહત્વનો એક પાઠ બાળકો પાસેથી શીખવા મળે છે તમારી લાગણીઓને તરત વ્યક્ત કરી દેવાનો. હસવું આવે ત્યારે હસી લેવું. રડવું આવે ત્યારે રડી લેવું અને હળવા થઈ જવું હ્રદય પર ભાર ન રાખવો. ક્યારેક તો મારી નમ્યા રડતા રડતા પણ હસી પડે છે! આંખમાં આંસુ હોય પણ જેવો હું બોલાવું કે તે એની મિલિયન ડોલર્સ સ્માઈલ આપે અને તરત એને હું મારા હાથોમાં લઈ સ્નેહથી તેના ગાલો પર બકો કર્યા વગર ન રહી શકું!

નમ્યા ગેલમાં આવી જઈ બન્ને હાથ જોર જોરથી હલાવે પતંગિયા કે પંખીની જેમ! અને ક્યારેક વળી ગેલમાં આવી જઈ 'કા કા કા કા' કે 'આ આ આ આ'ના ઉચ્ચારોથી ઘર ગજવી મૂકે બીજા કોઈની પણ જરા સરખીયે પરવા કર્યા વગર! આપણે આટલા મુક્ત બની શકીએ છીએ ખરાં?

બાળકો નિર્ભય હોય છે પણ જેમ જેમ તેઓ મોટા થતાં જાય તેમ તેમ આપણે તેમનામાં ડર જન્માવતા હોઈએ છીએ. નમ્યા વાંદા કે ગરોળી ને જોઈ તેને અડવા જશે કે ગરમ દીવો કે અગરબત્તી પણ હાથમાં લેવા જશે! એ વાત ખરી કે ક્યારેક ડર બાળકો માટે ફાયદાકારક સાબિત થતો હોય છે (તેમને એ ભયજનક હાનિકારક વસ્તુથી રક્ષણ પૂરું પાડવામાં) પણ આપણે પોતે નિર્ભયતાનો ગુણ થોડે ઘણે અંશે બાળકો પાસેથી અપનાવવા જેવો ખરો અને સાથે જ બાળકોને ખોટી ખોટી બીકો બતાવી ડરપોક ન બનાવવાનો નિર્ણય પણ આપણે લેવો જોઈએ.

આમ આપણે બાળકો પાસેથી કેટકેટલું શીખી શકીએ જો આપણી શીખવાની વૃત્તિ હોય તો...!

સોમવાર, 9 મે, 2011

લાદેનનું મૃત્યુ : આંતકવાદના એક યુગનો અંત

“If OsamaBinLaden hs really been killd,let this b the end of an era of terrorism & let thr b more peace,prosperity & happiness in world... “


આ ટ્વીટ મેસેજ કર્યો મેં જગતના સૌથી ખૂંખાર શેતાની આતંકવાદી ઓસામા બિન લાદેનના મોતના સમાચાર મળતાં જ. કોઈના મરણના સમાચાર સાંભળી, પહેલી વાર હું ખુશી અનુભવી રહ્યો હતો! અને કદાચ હું એકલો જ નહિં પણ જગતના લાખો લોકોએ મારી આ લાગણીનો પડઘો પાડ્યો હશે! બીજી પણ આ વિશેની એક રસપ્રદ ટ્વીટનો અર્થ કંઈક એવો નિકળતો હતો કે – “છેલ્લા બેચાર દિવસો પરીકથા સમાન બની રહ્યાં,પહેલા રાજકુમાર અને રાજકુમારી પરણી ગયા (ઇંગ્લેન્ડના પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના લગ્ન) અને ત્યાર બાદ શેતાન(ઓસામા બિન લાદેન) મરી ગયો!”

ખરું જોતા મને નફરત કોઈ એક વ્યક્તિની નથી પણ આતંકવાદના દૂષણની છે. ઓસામા જે વિચારો ફેલાવી વિનાશલીલા આચરી રહ્યો હતો તેનો આવો જ અંજામ હોવો જોઈએ. ઇન ફેક્ટ, આ ઘટના આટલી મોડી શા માટે બની? આ હત્યા ઘણી વહેલી થઈ જવી જોઈતી હતી. ભારતે અમેરિકા પાસેથી આ શિખવાનું છે. શેતાનને તમે મુક્ત રહેવા દઈ શકો નહિં. ભારત અજમલ કસબ,અફઝલ ગુરુ જેવાઓને બચાવી, અત્યાર સુધી જીવતા રાખી શો દાખલો બેસાડવા માગે છે એ મારી સમજની બહાર છે. હું તો માનું છું આતંકવાદી છાવણીઓને શોધી શોધી હવે અમેરિકાએ એમનો નાશ કરવો જોઈએ અને સમગ્ર વિશ્વના બધા દેશોએ આ ભગીરથ કાર્યમાં સાથ આપવો જોઈએ. એક થઈને જગત ચોક્કસ આતંકવાદના સડાને ખતમ કરી શકે.

ઓસામાએ વિશ્વના સૌથી મોટા આતંકવાદી હૂમલા દ્વારા અમેરિકાના ટ્વીન ટાવરનો ખાત્મો બોલાવી દીધો ત્યારે એમાં કેટલા મનુષ્યો, કેટલા સપનાઓ, કેટલા કુટુંબો, કંઈ કેટલીય આશાઓ, કંઈ કેટલાય જીવન નાશ પામ્યા, બરબાદ થઈ ગયાં. એ માર્યા ગયેલા કે તેમના પર સંપૂર્ણ નિર્ધારીત નિરાશ્રિત બની ગયેલા હજારો નિર્દોષ લોકોનો શો વાંક હતો? શા માટે આ સંહાર લીલા? આવા વિનાશકારી વિચારો ફેલાવનારા અને કૃત્યો કરનારાને વહેલામાં વહેલી તકે શોધી કાઢી ખરાબ માં ખરાબ મોતની સજા થવી જોઈએ જેથી એનો દાખલો જગતમાં બેસે અને યુવાનો આ ખોટા માર્ગે વળતા ડરે, અટકે.

‘૧૯૪૭ અર્થ’ ફિલ્મનું એક અતિ સુંદર હ્રદયસ્પર્શી પ્રાર્થના-ગીત મને અહિં ટાંકવાનું મન થાય છે:

'ઇશ્વર અલ્લાહ તેરે જહાંમે નફરત ક્યું હૈ, જંગ હૈ ક્યું?
તેરા દિલ તો કિતના બડા હૈ, ઇન્સા કા દિલ તંગ હૈ ક્યું?

ગૂંજ રહી હૈ કિતની ચિખે પ્યારકી બાતે કૌન સુને,
તૂટ રહે હૈ કિતને સપને ઇનકે ટુકડે કૌન ચૂને?
દિલકે દરવાઝો પર તાલે , તાલો પર યે ઝંગ હૈ ક્યું?

કદમ કદમ પર સરહદ ક્યું હૈ? સારી ઝંમી જો તેરી હૈ,
સૂરજ કે ફેરે કરતી હૈ ફિર ક્યું ઇતની અંધેરી હૈ?
ઇસ દુનિયાકે દામન પર ઇન્સાન કે લહૂ કા રંગ હૈ ક્યું?

ઇશ્વર અલ્લાહ તેરે જહાંમે નફરત ક્યું હૈ, જંગ હૈ ક્યું?
તેરા દિલ તો કિતના બડા હૈ, ઇન્સા કા દિલ તંગ હૈ ક્યું?’

કેટલી સુંદર ભાવનાઓ વ્યક્ત થઈ છે આ ગીતમાં ! જો આ પ્રાર્થનાનો ભાવાર્થ આતંકવાદીઓ સમજી જાય તો કેવું સારું ! આખું વિશ્વ પ્રેમના રંગે રંગાઈ જાય અને ક્યાંય શત્રુતાનું, નફરતનું, આતંકવાદનું નામોનિશાન ન રહે!

ઇશ્વર કરે ને ઓસામાના મ્રુત્યુ બાદ જલ્દી જ હવે આવા આદર્શ વિશ્વનું નિર્માણ થાય..!

રવિવાર, 1 મે, 2011

આત્મહત્યા કરવાનું કદી વિચારતા નહિં…

‘જનની ની જોડ સખી નહિં જડે રે લોલ...' જેના માટે કહેવાયું છે એવી માતા જીવનનું સર્જન કરનારી ગણાય છે.સ્ત્રીને શક્તિ કહેવામાં આવી છે. પણ મુંબઈની સ્ત્રીઓ લાગે છે આ બંને બાબતો ખોટી ઠેરવવા મથી રહી છે.તેણે ફક્ત અબળા જ નથી બની બતાવ્યું પણ પોતાના શરીરના ટુકડા જેવા પોતાનામાંથી જ પેદા થયેલા ફૂલ જેવા નાનકડા સંતાનોને પણ મોતને ઘાટ ઉતારી દીધાં છે.


હું વાત કરી રહ્યો છું મુંબઈની બે સ્ત્રીઓની જેમણે છેલ્લા બે મહિનાના સમયગાળામાં પોતે આત્મહત્યા તો કરી જ પણ એ પહેલાં પોતાના વહાલસોયા સંતાનોને પણ મોતના મુખમાં ધકેલી દીધાં. નિધી ગુપ્તા નામની મહિલા એ પોતાના આઠ વર્ષથી પણ ઓછી વયના બે બાળકોને પોતાના નિવાસના બિલ્ડીંગના ઓગણીસમાં માળેથી નીચે ફેંકી દઈ ત્યારબાદ પોતે પણ ત્યાંથી ભૂસકો મારી ત્રણ કમકમાટી ભર્યાં મોત નિપજાવ્યા.આ દુ:ખદ અને ભયંકર એવી ઘટનાના એકાદ મહિના બાદ જ દિપ્તી ચૌહાણ નામની બીજી મહિલાએ આ જ ઘટનાનું પુનરાવર્તન કરતા પોતાના રહેવાસના બિલ્ડીંગના સાતમા માળની ટેરેસ પરથી પોતાના એક ના એક પાંચ વર્ષીય પુત્રને નીચે નાંખી દઈ ત્યાર બાદ પોતે પણ ત્યાંથી કૂદી જઈ મોત વહાલુ કર્યું.

આત્મહત્યા એ કાયરતાની નિશાની છે.જીવનમાં કોઈ દુ:ખ એવડું મોટું હોઈ શકે નહિં જે તમને જીવ આપવા મજબૂર કરી શકે. અને જો તમે એક સ્ત્રી હોવ અને માતા પણ,ત્યારે તમે નવ મહિના તમારા ગર્ભમાં ઉછેર્યું એટલે કંઈ એ બાળકની હત્યાનો તમને હક્ક મળી જતો નથી. હજી તો એ કુમળી કળી જેવા બાળકોને જીવનનો અર્થ સુદ્ધા નથી ખબર ત્યારે તેને મારી નાંખનાર તમે કોણ? જીવન જીવવા જેવું છે અને તેનો એ મૂળભૂત અધિકાર છિનવી લેવાનો હક્ક તમને કોણે આપ્યો?

આ બે સ્ત્રીઓ જેમણે આત્મહત્યાની કેડી કંડારી તેમણે પોતાના જીવનના પ્રશ્નો ઉકેલવાના પ્રય્ત્નો કર્યા હશે પણ ચોક્કસ તે પૂરતા નહિં હોય કારણ જેમ અગાઉ પણ કહ્યું તેમ જીવનની કોઈ સમસ્યા એટલી મોટી નથી હોતી કે તેનો કોઈ ઉકેલ જ ન હોય.તેઓ પોતાના માતાપિતાને વિશ્વાસમાં લઈ શકી હોત.આજે જમાનો બદલાયો છે અને હું નથી માનતો કે આજના કોઈ માતાપિતા દિકરીને આવા કપરા સંજોગોમાં મદદ ન કરે.ચલો કદાચ માતાપિતા પણ જૂનવાણી હોય તો તેથી શું મ્રુત્યુ ના વિકલ્પને જ પસંદ કરવાનો? હરગિઝ નહિં. તમારો પતિ નમાલો હોય કે તમારા ચારિત્ર્ય પર શંકા કરે તો એવા પતિને લાત મારી સ્વતંત્ર જીવન જીવવાનો વિચાર કરો. નિધિ ગુપ્તા તો સી.એ. હતી અને પ્રોફેસર પણ.એણે આવું વાહિયાત પગલું ભરતા પહેલા થોડી ધીરજથી કેમ કામ નહિં લીધું હોય? તેણે પોતાના વિદ્યાર્થીઓ માટે શું દ્રષ્ટાંત પૂરું પાડ્યું? ઉલટું દિપ્તી ના મન પર નિધીના આ પગલાના અહેવાલની ખૂબ ઉંડી અસર થઈ હતી અને કદાચ તેણે પોતે આવું પગલું ભરવા માટે નિધિના આ પગલા પાસેથી જ પ્રેરેણા મેળવી હશે.

મુંબઈ જેવા શહેરમાં નિર્માલ્ય એવા પતિથી જુદા પડી પોતાના પગ પર ઉભા રહી સ્વતંત્ર જીવન જીવવું, વિચારતા લાગે એટલું અઘરું નથી.જીવવા માટેની ચાહ અને હામ હોય તો તમે પોતાના અને બાળકોના સુયોગ્ય ઉછેર જેટલું તો કમાઈ જ શકો.સેવાભાવી સંસ્થાઓનો પણ મુંબઈમાં તોટો નથી.આત્મહત્યા તો ચોક્કસ કોઈ જ કહેતા કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહિં.અને તમારી જીવન યોગ્ય રીતે ન જીવી શકવાની કે મુશ્કેલીઓનો સામનો કરી ન શકવાની કે તમારા પતિ કે સાસરિયાઓ સાથેની સમસ્યા ન ઉકેલી શકવાની અણ આવડતની સજા તમારા ફૂલ જેવા બાળકોને શા માટે? તમારે પરિપક્વ બનવું જોઈએ.

આ બે દુર્ઘટના પરથી માબાપે શીખવા જેવી એક બાબત એ છે કે જ્યારે તમારી પરિણીત પુત્રી તેના સાસરિયા કે પતિ વિરુદ્ધ તમને કંઈક ફરિયાદ કરવાની કોશિશ કરે ત્યારે પહેલેથી જ ચેતી જાઓ. વાત વણસી જાય ત્યાં સુધી બાજી બગડવા ન દો. આજે જમાનો ઘણો આગળ વધી ચૂક્યો છે આથી દિકરી પાછી આવશે તો લોકો કે સમાજ શું કહેશે તેની ફિકર ન કરો અને તમારી દુ:ખી દિકરીને પૈસે ટકે મદદ ન કરી શકો એમ હોવ તો પણ એટ લીસ્ટ નૈતિક હિંમત કે સહારો આપવાનું ન ચૂકશો. તેની સાથે ઉભા રહો.ડૂબતે કો તિનકે કા સહારા વાળી કહેવત મુજબ તમે કદાચ આ રીતે ફક્ત તમારી દિકરીને જ નહિં તેના સંતાનોના અમૂલ્ય જીવનને પણ બચાવી શકશો.

આ બ્લોગ થકી બીજો એક મહત્વનો મુદ્દો હું ચર્ચવા ઇચ્છું છું મિડીયા અંગે.આવા પ્રસંગો એ તેઓ ભૂલી જાય છે કે લાશોની બેહૂદી તસવીરો કે ઘટનાના આબેહૂબ વર્ણનાત્મક અહેવાલો દ્વારા તેઓ નબળા મનના લોકો સાથે કેટલો અન્યાય કરી રહ્યાં છે. આપણે એક વાત સમજી લેવી જોઇએ કે તેમનું તો કામ જ છે ખબરો મસાલેદાર બનાવી વેચવાનું.પણ આપણે આ બધી ખબરો વધુ પડતી ગંભીરતાથી લેવી જોઇએ નહિં.આપણે સારી અને હકારાત્મક અભિગમ ધરાવતી વાતો અને કટારો જ વાંચવી અને વંચાવવી જોઈએ. જન્મભૂમિમાં થોડા દિવસો અગાઉ જ એક ખૂબ સરસ લેખ હતો જેમાં મનોચિકિત્સકોએ લોકોને ખૂબ સારી ટીપ્સ આપી હતી.તેમના જણાવ્યા અનુસાર જે લોકો હતાશ હોય,ડીપ્રેશનમાં હોય તેઓ જ્યારે આવા આત્મહત્યા વિષેના નકારાત્મક સમાચાર વાંચે છે ત્યારે તેમને પણ આવું અંતિમવાદી પગલું ભરવાની અદમ્ય ઇચ્છા જાગે છે.મારો હજી આ બ્લોગ અડધો લખાયો હતો ત્યાં સુધીમાં બીજા બે આત્મહત્યાના સમાચાર વાંચવામાં આવ્યાં જેમાના એક કિસ્સામાં તો હતાશ યુવાને પહેલા પત્ની અને પોતાના સંતાન ને પણ મારી નાંખ્યા. આ ઘટનાઓમાં પણ પરોક્ષ રીતે થોડે ઘણે અંશે મિડિયા જવાબદાર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિં ગણાય.મિડિયાએ સંયમ જાળવવો જ જોઇએ.અને લોકોએ જરૂર છે પરિપક્વ બનવાની અને શું ગ્રહણ કરવું અને શું નહિં તેની સાચી સમજણ કેળવવાની.
આજના સમયની તાતી જરૂરિયાત છે ઈ.ક્યુ. અર્થાત ઈમોશનલ ક્વોશન્ટ વિકસીત કરવાની.જીવનમાં ગમે તેવી ઘટના અને સંજોગો સામે તટસ્થતા કેળવતા આપણે શીખવું જોઇએ. નાનામાં નાની કે મોટી કોઈ પણ સમસ્યા મિત્રો કે સગાસંબંધી સાથે ચર્ચવી જોઇએ. કોઈજ વસ્તુ અશક્ય નથી.તે જ રીતે જીવનનો કોઈ પ્રશ્ન પણ એવો નથી હોતો કે જેનો કોઈ ઉકેલ ન હોય.અંધારી લાંબી ટનલને છેડે જેમ અજવાળું હોય છે તેમ તમારા અંધારિયા સંજોગ કે પરિસ્થિતીને અંતે પણ ઉકેલનું અજવાળું અસ્તિત્વ ધરાવતું જ હોય છે. બસ જરૂર છે ધીરજની અને થોડી હિંમતની. અને જ્યારે તમારી ધીરજ ખૂટી જતી જણાય ત્યારે મદદ માંગવામાં બિલકુલ સંકોચ ન રાખશો.તમને જ્યારે કંઈ ન સૂઝે ત્યારે બીજા લાયક વ્યક્તિનો મત લો, અન્યની યોગ્ય વ્યક્તિની સલાહ લો.જો તમે અંતર્મુખી સ્વભાવના હોવ અને તમારી નિકટ ખાસ કોઈ વ્યક્તિ ન હોય તો આજે અનેક હેલ્પલાઈન ઉપલબ્ધ છે જ્યાં તમે તમારી ઓળખાણ છતી કર્યા વિના ગમે તેવી વિકટ સમસ્યા ચર્ચી શકો છો અને મન હળવું કરવાની સાથે સાથે સમસ્યાનો ઉકેલ પણ મેળવી શકો છો.

...પણ સ્વપ્નમાંયે કદી આત્મહત્યા જેવી નિમ્ન કક્ષાનું પગલું ભરવાનું વિચારતા નહિં.