Translate

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...

ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં કારણ તમે કોઈને કેવી રીતે ટ્રીટ કરો છો એ તે વ્યક્તિને સદાય યાદ રહેતું હોય છે.અને કોઈ સાથે ખરાબ રીતે વર્તવું પણ શા માટે જોઈએ?આજે દરેકનું જીવન પૂરતા તણાવ,મુશ્કેલીઓ,ચિંતાઓથી ભરેલું હોય જ છે તો પછી સરસ મજાના સચ્ચાઈપૂર્વકના સ્મિત દ્વારા થોડી ખુશી શા માટે ન ફેલાવવી કે કોઈની સાથે સારું વર્તન કરી તેનો મૂડ સુધારી કેમ ન શકીએ?કોઈને સારુ મહેસૂસ કરાવી આપણે કેટલું સારુ અનુભવીએ છીએ એનો અખતરો ક્યારેક કરી જોજો!


કેટલાક લોકો એવું સોગિયુ મોઢુ લઈને ફરતા હોય કે તેમની સાથે વાત કરવાનું મન જ ન થાય.તો કેટલાક ચહેરા તો વળી એટલા ઉદાસી ભર્યા અને ગમગીન હોય કે તેમની સાથે વાત કરવી તો દૂરની વાત, તેમની સામે જોવાનું પણ મન ન થાય.આવા બોસના હાથ નીચે કામ કરતા બિચારા માણસની દુર્દશાની તો કલ્પના જ કરવી રહી!

બીજે છેડે એવા પણ કેટલાક લોકો હોય છે જેમના ચહેરા પર સુંદર મજાનું સ્મિત સદાય રમતું જોવા મળે જેના કારણે તેઓ 'ક્યૂટ' દેખાય છે!આવા લોકો વ્યસ્ત હોય છતાં આપણને મુશ્કેલી સમયે તેમનો સંપર્ક કરવામાં સંકોચનો અનુભવ ન થાય.તેઓ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી તમને સસ્મિત આવકારશે.જેને આવો બોસ મળે તેવી વ્યક્તિના સદનસીબનું તો પૂછવું જ શું?

આ બ્લોગ થકી મને થોડા સમય પહેલા થયેલાં બે અનુભવો મારે વર્ણવવા છે,એક સારો અને એક ખરાબ.આ બન્ને અનુભવો પરથી આપણે જોઈ શકીશું કે તમે બીજા સાથે કરેલું વર્તન તેમના પર કેવી અસર કરે છે.

પહેલા સારો અનુભવ.સાત-આઠ વર્ષ પહેલા એન્જિનિયરીંગ ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો હતો એ કોલેજમાં એક કામ પડતા જવાનું થયું.જેને સરકારી ઓફિસમાં કંઈક કામ પડ્યું હશે તેમને મોટા ભાગે અતિ ઉદ્ધત અને અમાનવીય વ્યવહાર કરનારા સરકારી કર્મચારીનો અનુભવ થયો હશે.તેઓ સામે વાળા સાથે એવું વર્તન કરે છે કે તેમને ધિક્કારવાનું મન થાય.તેઓના આવા વ્યવહાર અને વર્તનને કારણે જ સરકારી ખાતાની છાપ તદ્દન બગડી ચૂકી છે.તમારું કામ કઢાવવા તમારે કેટલા ભાઈ-બાપા કરવા પડે અને ક્યારેક તો લાંચ વગર તમારું કામ થાય જ નહિં.ભગવાન કરે ને આવ લોકો સાથે આપણો પનારો ક્યારેય ન પડે.

મારી કોલેજમાં ક્લાર્ક તરીકે એક યુવતિ કામ કરતી જે દેખાવે ભલે સુંદર ન હતી પણ તેના ચહેરા પર સદાય રમતું મોટુ સ્મિત અને વાચાળ સ્વભાવને કારણે મને અને તેની સાથે કામ પડ્યુ હોય એવા સૌને તેની સાથે વાતો કરવી ગમતી.તેની સદાય હસતા રહેવા સિવાયની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તે બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નામથી બોલાવતી.જ્યારે જ્યારે અમારે કંઈક ઓફિસનું કામ પડે - રેલવે પાસનું કન્શેસન લેવાનું હોય કે નવા સેમિસ્ટરની ફી ભરવાની હોય,અમારે મંજુમેડમ પાસે જવાનું થાય અને લાંબો સમય કતારમાં ઉભા રહ્યા બાદ જ્યારે અમારો નંબર આવે એટલે સૌને તેમના પોતપોતાના નામથી સંબોધન કરી એ ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં મદદ પણ કરે અને સાથે સાથે બીજી થોડી ઘણી સામાન્ય વાતો કરવાનું પણ ચૂકે નહિં.મંજુમેડમના ચહેરા પરનું સરળ મોટું સ્મિત અને પહેલા નામથી બોલાવી પ્રદર્શિત કરેલી આત્મિયતા સૌને ખૂબ ગમતી અને કતારમાં લાંબા સમય ઉભા રહ્યાનો થાક કે બીજી મુશ્કેલીઓ પણ તેટલા સમય પૂરતી તો ભૂલાઈ જ જતી.તેમનો પોતાનું કામ કરતા કરતા (જેમકે ફોર્મ પર કોલેજનો સ્ટેમ્પ મારતા,ફોર્મમાં અમે કરેલી ભૂલો શોધી તે સુધરાવતા કે પૈસા ગણતાં ગણતાં) સામે વાળા સાથે થોડી વાતચીત કરી તેને સારુ લાગે તેવું વર્તન કરવાનો આ ગુણ આપણે શિખવા જેવો ખરો.

હવે જ્યારે સાત-આઠ વર્ષ પછી મારે કોલેજની ઓફિસમાં જવાનું થયું કે સૌ પહેલા મને મંજુ મેડમ યાદ આવ્યા અને વિચાર આવ્યો શું હજી તે કોલેજની ઓફિસમાં નોકરી કરતા હશે?સાત-આઠ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ન કહેવાય!પણ મંજુમેડમ ત્યાં હતાં!અને જેવો હું તેમની પાસે ગયો કે તરત તેઓ તેમના સરળ ટ્રેડમાર્ક સાથે બોલી ઉઠ્યા ,"કેમ છે વિકાસ?" મને એક સુખદ આંચકો લાગ્યો!આટલાં વર્ષો પછી પણ તેમને મારું નામ યાદ હતું!મારા કોલેજ છોડ્યા બાદ હજારો નવા વિદ્યાર્થીઓ એ કોલેજમાંથી પાસ થઈ ચૂક્યા હશે,પણ હજી મંજુ મેડમને મારું નામ યાદ હતું!મેં તેમને સ્મિત આપ્યું અને મારું કામ પતાવી આપવા બદલ તેમનો આભાર માની કોલેજમાંથી વિદાય લીધી,પણ એ દિવસે મને એટલું સારું લાગ્યું કે હું આ નાનકડી સામાન્ય ઘટના ક્યારેય ભૂલી શકીશ નહિં.ક્યારેક તમારી નાનકડી એવી કોઈક વર્તણૂંક દ્વારા તમે સામેની વ્યક્તિને દર્શાવો છો કે તમને તેના પ્રત્યે લાગણી છે,તમે તેમને માન આપો છો,તમને તેની પરવા છે.અને આ એક ઉમદા બાબત છે.તમે કોઈકને સારુ લાગે એવું કંઈક કરો અને જુઓ તમને પણ કેટલું સારુ લાગે છે.

હવે બીજા પ્રસંગની વાત કરું.મારે એક વાર એક ઈ.એન.ટી. (કાન,નાક,ગળાના) ડોક્ટરની મુલાકાત લેવાનું થયું.ક્લિનિકમાં એકાદ કલાક બેઠાંબેઠાં કોઈક કાનના તો કોઈક નાક તો કોઈક ગળાના દર્દીને જોતા જોતા જેમતેમ સમય પસાર કર્યો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે ડોક્ટરની કેબિનમાં પ્રવેશ્યો ત્યાં જ તેમણે મારી સામે એવી દ્રષ્ટીએ નાંખી કે જે જોઈ મને સારી લાગણી ન થઈ.એક ડોક્ટર જો દર્દીને સ્મિત આપી તેને આવકાર આપે તો તેનું અડધુ દરદ ત્યાં જ ઓછું થઈ જાય.પણ આ ડોક્ટરના તંગ ચહેરા પર એવા કોઈ આવકારના ભાવ નહોતા.મેં મારા દરદ વિષે કહેવું શરૂ કર્યું પણ ડોક્ટરે તેમાં રસ દાખવવોતો દૂર રહ્યું,મારી વાત પણ ધ્યાનથી પૂરે પૂરી ન સાંભળી.તેમણે મને ઉતાવળે એક-બે દવા લખી આપી.મને બે ઘડી માટે તો વિચાર આવ્યો કે મને કંઈક પ્રોબ્લેમ છે કે તે ડોક્ટરને?મેં તે ડોક્ટરની કેબિન છોડી કંઈક અંશે એક અણગમા ભરી લાગણી સાથે.મારો મૂડ બગડી ગયો.આ દિવસ અને ઘટના પણ હું ક્યારેય ભૂલી શકીશ નહિં.હું આ ડોક્ટર પાસે જવાની સલાહ ક્યારેય કોઈને નહિં આપું(બીજા સાથે ખરાબ વર્તન દ્વારા તમે ધંધો પણ ગુમાવો છો!) કે ન તો હું કોઈ સાથે આવું રૂક્ષ વર્તન કરીશ એવો નિર્ણય મેં ત્યારે લઈ લીધો.બીજો પણ એક મહત્વનો પાઠ હું એ દિવસે શીખ્યો.ક્યારેય કોઈની અવગણના કરશો નહિં.ડોક્ટરે મને નિગ્લેક્ટ કર્યો અને મને જે રીતે ખરાબ લાગ્યું તેમ તમે કોઈને નિગ્લેક્ટ કરો છો ત્યારે પણ સામેવાળી વ્યક્તિ ખૂબ દુ:ખની લાગણી અનુભવે છે.

તમારા મિત્ર,સહકર્મચારી,ઘરની વ્યક્તિ,ગ્રાહક કે અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તેમાં રસ લો અને તેને ધ્યાનથી સાંભળો.દરેક વ્યક્તિને માન આપો.લોકોને હંમેશા યાદ રહે છે કે તમે તેમની સાથે કેવું વર્તન કરો છો.અને યાદ રાખો તમે જે કંઈ આપો છો એ જ ફરીને ક્યારેક તમારી પાસે પાછું આવે છે.



કમેન્ટ્સ:
----------
ખૂબ સાચી વાત કરી છે આ બ્લોગ થકી.આપણે ક્યારેક જીવનમાં આવી નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ.

- દેવેન્દ્ર પુરબિયા (બેંગ્લોર)



[મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ બ્લોગ પર દેવેન્દ્ર સિવાય પણ બીજા ત્રણ-ચાર મિત્રોએ રસપ્રદ,સ્વતંત્ર બ્લોગ બની શકે એટલી લાંબી અને સારી તેમજ એકાદ વિરોધાભાસી ગણી શકાય એવી કમેન્ટ્સ પોસ્ટ કરી હતી.તે આવતા સપ્તાહે આ કટારમાં વાંચીશું.]

1 ટિપ્પણી:

  1. વિકાસભાઈ.

    આપનો લેખ કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિ વાંચ્યો. સુંદર ભાવના છે. એમાં મારે થોડા વિચારો ઉમેરવા છે.

    "આપણી સાથે કોઈ જે વ્યવહાર કરે એ જો આપણને ગમે એવો ના હોય તો એવો વ્યવહાર આપણે બીજા સાથે ક્યારેય ના કરવો જોઈએ" આ એક જીવનમંત્ર બનાવી લેવો એવું મારું માનવું છે. અને આ દિવાળી પછી શરુ થતા નુતન વર્ષે આ ભાવના કેમ ના અપનાવીએ ?

    ભગવાનને પણ ક્રોધ આવ્યાના દાખલા છે તો આપણે તો માણસ છીએ. ગુસ્સો આપણને પણ આવવાનો જ છે, ક્યારેક. ગુસ્સામાં કરેલું વર્તન હમેશા બીજા માટે દુઃખદાયક હોય છે.છતાં ઘણી વાર આપણે બીજા સાથે દુર્વ્યવહાર કરી બેસીએ છીએ પણ એવે પ્રસંગે આપને સવેળા માફી માગી લઇ એ અવસર સાચવી શકીએ. કોઈનું વર્તન જો આપણને માઠુંું લાગે એવું હોય તો એમાંથી આપણે એટલી જ શીખ લેવાની છે કે આપણે બીજા સાથે એવું વર્તન ના કરીએ.

    આ જીવન મંત્રના સિક્કાની બીજી બાજુ જોઈએ તો - ક્યારેક કોઈએ આપણી સાથે કરેલ વ્યવહાર ખુબ જ હૃદયસ્પર્શી હોય છે પણ આપણે એમનો આભાર વ્યક્ત કરી એ ભૂલી જઈએ છીએ.અને એ વાતનો ત્યાં જ અંત આવે છે અથવા તો આપણે એ વ્યક્તિ પ્રત્યેનું ઋણ કોઈક રીતે ઉતારી દઈએ છીએ. પરંતુ, મારું પોતાનું એ માનવું છે કે એવો જ વ્યવહાર આપણે બીજાકોઈ સાથે કરી એ બીજી વ્યક્તિનું સુખ બેવડાવી , આપણી પ્રત્યેે કરાયેલ સદ્વ્યવહારનું ઋણ ચૂકવી શકીએ પણ આ વાત આપણાં ધ્યાન બહાર જતી રહે છે અને સમાજ પ્રત્યેેનું ઋણ ચૂકવવાનું ભુલાઇ જાય છે.

    ઘણી વાર માત્ર પ્રશંસાના માત્ર બે જ બોલ કહેવાથી આપણે સામેની વ્યક્તિને થોડી ઉંચાઈ બક્ષી દેતા હોઈએ છીએ, એની નજરમાં એનું જ સ્વમાન વધારી શકતા હોઈએ છીએ પણ અનાયાસે આપણે એ તક ચુકી જતા હોઈએ છીએ. ક્યારેક તો નિર્દોષ ખોટી નાનકડી પ્રસંશા બહુ જ મોટું કામ કરી દે છે એ પણ આપણે જાણીએ જ છીએ !! સાચા ખરાબ બોલ કરતા ખોટા સારા બોલ પ્રસંશનીય છે, જો નિર્દોષ હોય તો !!
    - જાગૃતિ ફાડિયા

    જવાબ આપોકાઢી નાખો