વ્હાલા પપ્પા, હેપ્પી ફાધર્સ ડે!
તમે ભવાઈનો વેશ ભજવતા ગાઓ છો :
" તન છોટું પણ મન મોટું
મારી ખમીરવંતી જાતિ...."
રંગલા તરીકે પાત્ર ભજવતા રંગલીને સંબોધી
તમે એમ પણ ગાયું છે કે "તું ઉંચી ને હું બટકો પણ ભારે વટનો કટકો..."
આ પંક્તિઓ તમે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. છેલ્લાં એકાદ વર્ષમાં તમે શારીરિક રીતે કદાચ વધુ થોડાં કૃશ બન્યા છો. પણ તમારી આંતરિક તાકાત અને મજબૂત મનોબળના સાક્ષી બન્યા બાદ હું ચોક્કસ કહીશ કે તમે ભલે કદમાં છોટા રહ્યા, પણ મન, હ્રદય, કર્મ અને તમારા સદ્ગુણોથી સામાન્ય માનવીથી મુઠ્ઠી ઉંચેરા છો. મહામારીના આ કપરા કાળમાં કેન્સર જેવી મહામારીનો તમે જે રીતે સામનો કર્યો છે એ જોઈ
મારું તમારા પ્રત્યે માન અનેક ગણું વધી ગયું છે. મુશ્કેલીઓ દરેક જણના જીવનમાં આવે જ છે, પણ એનો સામનો કરવાની તમારી રીત ગજબ છે જેમાંથી હું તો ઘણું શીખ્યો જ છું પણ અન્ય અનેક લોકો પણ એમાંથી પ્રેરણા મેળવે એ માટે આજે આ અંગેની થોડી વાતો બ્લોગના માધ્યમથી શેર કરું છું.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું જ થઈ ગયું છે. પણ છ - એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે - એક સ્પોટ દેખાય છે. એટલું જ નહીં, ફેફસાંમાં પણ એક - બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી ન કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ એ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત એ તો ખરું જ પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં સમયમાં આપણાં સૌના જીવનમાં અને વ્યવહારમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. સેકંડ ઓપિનિયનથી માંડી છ મહિના પહેલાં સર્જરીથી કાઢેલી ગાંઠોના નમૂનાના પુનઃ પરીક્ષણની સઘળી પ્રક્રિયા આપણે પોતે ક્યાંય પ્રત્યક્ષ ગયા વગર પતાવી. સઘળાં રિપોર્ટ અને નમૂના કૂરિયર દ્વારા મોકલવા, ઓનલાઇન પેમેન્ટ કરી દેવું આ બધું હવે નવા જીવનની અપનાવી લેવા જેવી રીત સમું લાગ્યું અને એ બધું સરળતાથી પાર પણ પાડયું. એક કેમો સેશન લીધા બાદ ડોક્ટરે, આગળના કેમો વારંવાર હાથમાં સોયો ખોસવાની ઝંઝટમાંથી બચી જવા અને દવા આખા શરીરમાં બરાબર પ્રસરે એ માટે કેમોપોર્ટ બેસાડવાની નાની સર્જરી કરવા સૂચવ્યું અને તમે એ હસતે મોઢે સ્વીકાર્યું અને એ ઓપરેશન કરાવ્યું. કેમોપોર્ટ શરીરમાં બેસાડાતી એવી નાની ડબ્બી હોય જેમાં ઈન્જેક્શનની સોય બેસાડી દવા આખા શરીરમાં અસરકારક રીતે પહોંચાડી શકાય. બોરીવલીની અપેક્સ હોસ્પિટલમાં આ સર્જરી કરી ત્યારે આ મોટી ઘટના પણ સાવ ક્ષુલ્લક લાગી. ઊલટું એ પણ એક યાદગાર પ્રસંગ જેવી ઘટના બની રહી. કદાચ તમે જ મને આ એક અતિ ઉપયોગી મહત્ત્વનો પાઠ શીખવ્યો છે. દરેક ઘટનાને ઉત્સવની જેમ ઉજવવી. એ આખો દિવસ તમારી સાથે ગાળ્યો અને આપણે કેટલી વાતો કરી! થોડું ઝગડ્યા પણ ખરા! જનરેશન ગેપ ભાઈ! એ તો રહેવાનો જ... અને તમે ક્યાં તમારી તંગડી પડવા દો એવા છો!! હોસ્પિટલની જગા ખૂબ સુંદર અને હકારાત્મક હતી , જ્યાં બહાર સુંદર બગીચો બનાવી વચ્ચે ગણેશનું નાનું મંદિર બનાવ્યું હતું અને ખાસ આકર્ષણ સમું હતું કૈલાશપતિ ફૂલનું ઊંચું, સાંકડું વૃક્ષ! આ વૃક્ષ મૂળ તો વિદેશી વૃક્ષ છે પણ તેનું ફૂલ અતિ વિશિષ્ટ હોય છે - લાક્ષણિક સુંદર સુગંધ, પાંચ ઝાંખા લાલ રંગની પાંખડીઓ સાથે વચ્ચે અનેક તાંતણા ફૂલની મધ્યમાં રહેલા શિવલિંગનું જાણે રક્ષણ કરતાં હોય! આ આબેહૂબ શિવલિંગ જેવો આકાર ધરાવતા ભાગને લીધે જ આ ફૂલનું અને ઝાડનું નામ કૈલાશપતિ પડયું છે. અને આ ઝાડનું ફળ કેવું? ભારે મોટો તોપનો ગોળો જોઈ લો! એ જ્યારે જમીન પર પડે ત્યારે ભારે મોટો અવાજ થાય છે એટલે જ આ ઝાડના ફળનું અંગ્રેજી નામ છે - કેનનબોલ. એ જો કોઈ પ્રાણી કે મનુષ્યના માથા પર પડે તો તેના રામ રમી જાય. આ વૃક્ષ - ફૂલ - ફળ - બાગ વગેરેનું સૌંદર્ય માણી શકવા જેટલી સ્વસ્થતા કેળવતા, પપ્પા, તમે જ મને શીખવ્યું છે! હોસ્પિટલની રૂમમાં બાજુમાં એક બોલકા ગુજરાતી સન્નારી હતાં, તેમની સાથે પણ આખો દિવસ આપણે કેટલી બધી વાતો કરી! તેમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. તેમણે કાજલ ઓઝા વૈધની કૃષ્ણાયન નવલકથા મને વાંચવા આપી, તેની પ્રસ્તાવના ખૂબ ગમી અને મને એક નાનકડો ટાર્ગેટ મળ્યો - આ પુસ્તક પૂરું વાંચવાનો! એ ઓપરેશનના એક અઠવાડિયા બાદ બારમી મે એ તમારો જન્મ દિવસ આવતો હતો એ માટે તમારા કલાકાર મિત્ર બાબુલ ભાઈ ભાવસાર નો ફોન પણ મેં હોસ્પિટલ બહારના બાગમાં બેઠા બેઠા અટેન્ડ કર્યો અને તમને સરપ્રાઇઝ આપવા વિડિયો સંદેશ તૈયાર કરવાની યોજના નક્કી કરી!
હોસ્પિટલમાંથી સર્જરી પતાવી બીજે દિવસે ઘેર આવતાં, એક સારી જગાએથી ઘેર પરત ફરતી વખતે અનુભવાય એવી અકથ્ય લાગણી અનુભવાઈ! પછી તો એ કેમોપોર્ટ દ્વારા પણ એ પછીના ત્રણ કેમો સેશન થયાં અને એ દરેક દિવસ પણ આપણે બાપ - દીકરો જાણે સાથે ઉજવતા હોઈએ છીએ! સાંભળેલું કે કેમો તો ખૂબ પીડાદાયી હોય છે, પણ કાં તો તમારા નસીબ ખૂબ સારા છે કે એ પણ તમને પીડી નથી શકતો અને કાં તો તમે એટલાં મજબૂત છો કે એ પીડા તમારા વર્તન દ્વારા દેખાડતાં નથી.
બીજી એક સરસ વાત કરું. કેમોના આ સેશન્સ વચ્ચે પણ સમય કાઢી તમે એક દિવસનું તારક મહેતાનું શૂટિંગ ગુજરાત - દમણમાં એક રિસોર્ટ ખાતે કરી આવ્યાં! મને પણ સાથે લઈ ગયા અને આપણને બંનેને એક સરસ ટૂંકો બ્રેક મળી ગયો! નાનકડું વેકેશન થઈ ગયું જાણે બે દિવસ! ત્યાં તમને મળીને તારક મહેતાની આખી ટીમને જે ખુશી થઈ છે એ જોઈ હું તો ગળગળો થઈ ગયો! ત્યાં પોપટલાલ બનતાં શ્યામભાઈ પાઠકનો જન્મ દિવસ ઉજવતી વેળાએ તમારા માટે પણ એક ખાસ કેક મંગાવવામાં આવી અને એ તમે કાપી ત્યારે સૌ એ કેટલી બધી ખુશી વ્યકત કરી અને તમે જલ્દી ફરી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા વ્યકત કરી.
હવે બે કેમો બાકી છે એ પહેલાં ફરી એક વાર પેટ સ્કેન કરવાનો છે એમાં કેન્સર સંપૂર્ણ નાબૂદ થઈ ગયાનું જ જાણવા મળે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર તમને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!