ઓછામાં ઓછું એક વાર વિદેશ જવાનું, વિદેશની મુલાકાત લેવાનું દરેક ભારતીયનું સ્વપ્ન હોય છે એમ કહેવું કદાચ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. આવું શા માટે એના કારણોની ચર્ચા વિશે આખો એક સ્વતંત્ર લેખ થઈ શકે, પણ આ વાત સાથે મારે મારા તાજેતરમાં સપરિવાર ખેડેલા દુબઈ પ્રવાસની મધુર યાદો તાજા કરી એ તમારા સૌ સાથે વહેંચવી છે. મારી મમ્મીની એક મહેચ્છા હતી કે એક વાર વિદેશ જવું અને એ પણ દુબઈ! મેં મારી પ્રથમ વિદેશ યાત્રા ફ્રાંસ- સ્વીટઝરલેન્ડ ખાતે ૨૦૧૬માં કરી હતી અને હજી બીજા દેશોની યાત્રા કરવાની પણ ઇચ્છા છે, છતાં મમ્મીની ઇચ્છાને માન આપી નક્કી કર્યું કે ૨૦૧૮નો દિવાળી વેકેશન પ્રવાસ દુબઈ ખાતે યોજવો. આ માટેની તૈયારીઓ ખાસ્સી નવેક મહિના અગાઉ થી આરંભવી પડી. કારણ વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જોઈએ, વીઝા જોઈએ, જ્યાં જવાના હોઈએ તે દેશ અંગેની સારી એવી માહિતી જોઇએ. વિશેષ કરીને જ્યારે તમે આખા પરિવાર સાથે જવાનું આયોજન કરી રહ્યા હોવ. મારી સાથે પત્ની, મારા બે સંતાનો સહિત મારી મમ્મી અને બે બહેનો પણ જોડાવાના હતાં. પપ્પાનું વ્યવસાયિક વ્યસ્તતાને કારણે પહેલેથી નક્કી નહોતું અને જો એ તો કદાચ છેલ્લી ઘડીએ જોડાવાનું નક્કી કરે તો તેમનો તો પાસપોર્ટ પણ તૈયાર હતો. મારી માતા અને બહેનો ના પાસપોર્ટ બનાવ્યાં જ નહોતા. એથી સૌથી પહેલું કામ એ કર્યું. તેમના પાસપોર્ટ બનાવડાવ્યા. હવે તો આ કામ ખાસ્સું સરળ થઈ ગયું છે. કોઈ જ વચેટીયા વગર ઓનલાઇન અરજી કરી દીધી અને એકાદ - બે મહિનામાં પાસપોર્ટ બની ગયાં. દિવાળી બાદ થોડી ઠંડી શરૂ થાય ત્યારે પ્રવાસ યોજવો એમ નક્કી કર્યું એટલે ચાર - પાંચ મહિના અગાઉ ઓગષ્ટથી ઓનલાઇન ખાંખાંખોળા શરૂ કરી દીધા. કોઈ પેકેજિંગ ટૂર ટ્રાવેલ્સ ને કામ સોંપી દો તો તમારે એ કરવાની જરૂર ના પણ પડે પણ મને પ્રવાસ મારી મરજી મુજબ, સ્વતંત્રતા પૂર્વક કરવો વધુ ગમે. એનાથી ખર્ચમાં પણ સારી એવી બચત થઈ શકે. આથી મેં રિસર્ચ મારી રીતે આરંભી દીધી અને બે-ત્રણ જગાએથી દુબઈના ફરવા લાયક સ્થળોની, ત્યાં રહેવા લાયક હોટલ વગેરેની જાણકારી એકઠી કરી લીધી. ત્રણેક મહિના અગાઉ ક્લિયર ટ્રીપ પોર્ટલ પરથી અમારા સાત જણની વિમાનની ટિકિટો બુક કરી લીધી નવેમ્બરની ૧૫ મી એ જવા અને ૨૧મી એ વહેલી સવારે પાછા ફરવા માટે ની. ટિકિટ પોતે બુક કરવાથી પહેલા જ પગથિયે સારી એવી રકમ બચી શકી. ટિકિટ સસ્તી જોઈતી હોય એટલે ફ્લાઇટના સમય સંદર્ભે પણ થોડી જહેમત લેવાની તૈયારી રાખવી પડે. જેમકે અમારી જવાની ફ્લાઇટ વહેલી સવારે સાડા ૪ વાગે હતી, મસ્કત થઈને. વચ્ચે જો કે બ્રેક દોઢેક કલાક નો જ હતો. પાછા ફરવાની ફ્લાઇટ હતી શારજાહ એરપોર્ટથી, સીધી મુંબઈની રાત્રે અઢી વાગ્યાની. હવાઇ ટિકિટ બુક થયા પછી શરૂ થઈ સારી હોટલ ખોળવાની માથાકૂટ. આ પ્રક્રિયામાં સારો એવો સમય ગયો. કારણ દુબઇમાં ઘણી હોટલ છે એમાંથી સારી હોટલ પસંદ કરવી એ ઘણું અઘરું કામ છે. ટ્રીપ એડવાઇસર, મેક માય ટ્રીપ વગેરે વેબસાઇટ પરથી ઘણી મથામણને અંતે છેવટે એક નહીં પણ બે હોટલ પર પસંદગી ઉતારી અરેબિયન કોર્ટયાર્ડ અને સવૉય પાર્ક એપાર્ટમેંટ હોટલ. ત્રણ દિવસ માટે પહેલી અને બે દિવસ માટે બીજી એમ બે હોટલમાં બે - બે રૂમ્સ બુક કર્યાં. અહીં પણ પેમેન્ટ માટે મેક માય ટ્રીપ વેબસાઈટ પર એવો દિવસ પસંદ કર્યો જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરતાં ચોક્કસ ક્રેડિટ કાર્ડ પર સારું એવું કેશ બેક મળી રહે.
આ પછી તજવીજ કરવાની હતી વાહન વ્યવહારની. સપરિવાર ગયા હોઈએ એટલે ખાનગી વાહન ભાડે જ કરી લીધું હોય આખા પ્રવાસ દરમ્યાન, તો સારું રહે. પણ આવી કોઈ વ્યવસ્થા દુબઈમાં ન હતી. અહીં જેમ ગોવા, કેરળ કે દાર્જીલિંગ પ્રવાસ દરમ્યાન બધાં દિવસ માટે એક જ ગાડી અને એક જ ડ્રાઇવર રોકી લીધા હતાં એવી વ્યવસ્થા દુબઈમાં શક્ય નહોતી. વળી વિઝાની વ્યવસ્થા પણ બાકી હતી. આથી એવી એક કંપની શોધી કાઢી જે આ બંને બાબતો માટે મદદ કરી શકે. અને વાણી હોલીડે્સનો આ બંને બાબતોને કવર કરતો પેકેજ લઈ લીધો. દુબઈમાં મારા બેત્રણ મિત્રો વસવાટ કરે છે. તેમની સલાહ મુજબ થોડો કસ્ટમાઇઝડ એવો અમારો આખી સફર નો પ્લાન તૈયાર કરી લીધો. છ દિવસ અને પાંચ રાત અમારે દુબઈમાં વિતાવવાના કે કહોને એન્જોય કરવાના હતાં! મમ્મીને હેલ્થ સંબંધી તકલીફો હોઈ વ્હીલચેર માટે આગોતરી વ્યવસ્થા એરલાઇન સાથે વાતચીત કરીને કરી રાખી હતી. અઠવાડીયા અગાઉ થી પ્રથમ ફોરેન ટ્રીપ માટે પરિવારજનો એ શોપીંગ ચાલુ કરી દીધું. અમે સૌ ખૂબ ઉત્સાહિત હતાં. છેલ્લા દિવસે એક મિત્રે ખાસ ભલામણ કરેલ ડોલ્ફિન શો ની ટીકીટ ઓનલાઇન બુક કરી લીધી, જેમાં પોતે ઓનલાઇન બુકિંગ કરતા માલુમ પડયું કે શુક્ર, શનિ અને સોમવારે સવારના શો માં સારું એવું ડિસ્કાઉંટ હોય છે આથી મારા ઓલરેડી બનાવેલ પ્લાન માં ફીટ બેસે એમ સોમવારની ટિકિટ બુક કરી. એકાદ હજાર દીરહામ નું ફોરેન કરન્સી એક્સચેંજ કરાવી લીધું અને જવાનો દિવસ આવી પહોંચતા રાતે સાડા બારની ઉબૅર ગાડી બુક કરી એરપોર્ટ જવા!
*****************************************************************
(ભાગ - ર)
તમારે ઇન્ટરનેશનલ ફ્લાઈટ પકડવાની હોય ત્યારે તમે ૩ થી ૪ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જાવ એમાં જ તમારું ભલું છે. કારણ અહિ ડોમેસ્ટીક ફ્લાઈટ પકડવાની હોય તેના કરતા થોડી વધુ જટીલ અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને દરેક મોટા શહેરમાં ટ્રાફીકની સમસ્યા તો હોય જ! આટલું ઓછું હોય એમ જ્યારે મેં મારી ઓમાન એરલાઈન્સની ફ્લાઈટ સમયસર છે કે નહિ એ ચકાસવા ઓનલાઈન તપાસ કરી તો માલૂમ પડ્યું કે ફ્લાઈટ ટર્મિનલ-૧ પરથી રવાના થવાની
છે. હવે મુંબઈમાં ટર્મિનલ-૧ પરથી તો માત્ર ડોમેસ્ટીક ફ્લાઈટ્સ જ રવાના થાય છે આથી મૂંઝવણ ઉભી થઈ. મારા એક મિત્રની બહેન એરપોર્ટ પર કામ કરે છે તેની પાસેથી એરપોર્ટનો નંબર મેળવી કન્ફર્મ કર્યું કે પરદેશ જતી ફ્લાઈટ ટર્મિનલ-૧ પરથી જઈ જ ન શકે. તેમણે ઉમેર્યું કે ઘણી વાર વિદેશી ફ્લાઈટ્સ ઓપરેટરો આવી ખોટી માહિતી તેમની વેબસાઈટ પર પર અનાઉન્સ કરતા હોય છે. બીજા પણ એક-બે સ્રોતો પાસેથી એવી ખાતરી મળી કે અમારી ફ્લાઈટ અંધેરી સહાર ખાતેના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ રવાના થશે એમ છતાં મારા જીવને ટાઢક નહોતી. ઉચાટમાં જ એરપોર્ટ ગયા, ચારેક કલાક વહેલા, જેથી અંત સમય ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે ખરેખર ડોમેસ્ટીક ટર્મિનલ પરથી જવાનું છે તો પહોંચી વળાય. સાત જણ અને સામાન સાથે એ કામ સહેલું તો ન જ સાબિત થાત પણ સદનસીબે એરપોર્ટ પરથી ફોન દ્વારા મળેલી માહિતી સાચી હતી અને અમારી ફ્લાઈટ ટર્મિનલ-૨ પરથી જ રવાના થવાની હતી
એ ચોક્કસ થઈ ગયું એ પછી મને જરાક શાંતિ થઈ!
મારી મમ્મીને અસ્થમા સહિત આરોગ્ય વિષયક ઘણી તકલીફો હોવાથી, એક મિત્રની સલાહ મુજબ ટિકિટ બુક કર્યા બાદ અમને વ્હીલચેર
ખાસ પૂરી પાડવા વિનંતી કરી હતી અને તેનો સારો એવો લાભ અમને આ સફર દરમ્યાન અનુભવવા મળ્યો. માત્ર જવાની મુસાફરી દરમ્યાન જ નહિ, પરંતુ આગળ પણ ઘણી જગાએ વિવિધ રીતે. લગેજ ચેક ઇન કરાવી, સુરક્ષા તપાસ પૂરી કરી અને પછી ઇમિગ્રેશન માટેની લાંબી કતારમાં ઉભા રહ્યાં. બધે મમ્મીને એરપોર્ટના સ્ટાફે જ વ્હીલચેરમાં બેસાડી ફેરવી. અમારે એક જણે તેની સાથે રહેવાનું,બીજા બધાં કતારમાં. વ્હીલચેર વાળાને કતારમાં ઉભા નહિ રહેવાનું આથી તેમનું કામ જલ્દી પતી જાય. ખેર આ બધી ફોર્માલીટી પતાવી આખરે જ્યાંથી ફ્લાઈટમાં બેસવાનું હતું એ પોઇન્ટ પર લગભગ દોઢેક કલાક વહેલા પહોંચી ગયાં. એ માટે ખાસ્સું એકાદ કિલોમીટર ચાલ્યા હોઈશું! વચ્ચે વચ્ચે પેલા જમીનને સમાંતર હોય એવા કન્વેયર બેલ્ટ જેવા એસ્કેલેટર્સ આવે પણ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે આવો એટલે તમારે લાંબુ લાંબુ ચાલવું તો પડે જ! જેને ચાલવાની કે અન્ય આરોગ્ય વિષયક તકલીફ હોય તેણે વ્હીલચેરની સુવિધા લઈ જ લેવી.એ ખુબ ફાયદાકારક રહેશે.
જોકે જેને ચાલવાની કે અન્ય કોઈ તકલીફ ન હોય કે સાથે વધુ સામાન કે અન્ય કોઈ સમસ્યા કે ટેન્શન ન હોય તેને એરપોર્ટ પર ચાલવાની મજા આવે ખરી! સરસ મજાની રોશની, દુકાનો, ખાણીપીણીના સ્ટોલ્સ, કલાકૃતિઓ, અદ્યતન સુવિધાઓ વગેરેથી સજ્જ એરપોર્ટ્સ પર સમય પસાર કરવાનો કંટાળો ન આવે! આખરે ફ્લાઈટમાં બેઠાં અને એ સમયસર શરૂ થઈ. મળસ્કે પોણા પાંચનો સમય થયો હતો અને એરપોર્ટ પર અમારામાંના દરેકે પોતપોતાની રીતે થોડી ઘણી ઉંઘ ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ ફ્લાઈટમાં લગભગ અઢી ત્રણ કલાક બેઠા બેઠા પણ સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઉચાટ મિશ્રીત ઉત્સાહ અને વિદેશ જવાના હોવાથી કંઈ કેટલીય અકથ્ય લાગણીઓ સાથે વહેલી સવારે મસ્કત એરપોર્ટ પહોંચી ગયાં. અહિં સમય દોઢેક કલાક પાછળ હતો. આથી ભારતમાં સમયસર ચાલી રહેલી મારી ઘડિયાળ પોણા આઠ નો સમય બતાવતી હોવા છતાં ત્યાં હજી સવારના સવા છ થયા હતાં. ત્યાંના સમય મુજબ અમારે દોઢેક કલાક સમય એરપોર્ટ પર પસાર કર્યા બાદ દુબઈ પહોંચવા માટેની કનેક્ટીંગ ફ્લાઈટ પકડવાની હતી. થોડી વધુ ઉંઘ મારા પરિવારજનોએ ત્યાં ખેંચ્યા બાદ અને ફ્રેશ થયા બાદ સરસ મજાના એવા મસ્કત એરપોર્ટ પરથી અમે બીજી ફ્લાઈટ પકડી દુબઈ જવા રવાના થયાં. અહિથી જ અલગ સંસ્કૃતિ અને પ્રણાલિઓનો પરિચય થવા માંડ્યો હતો. જેમકે આ ફ્લાઈટની એરહોસ્ટેસ્નો ડ્રેસ જુદા પ્રકારનો હતો, મારી બાજુમાં બેઠેલ યુવાને ત્યાંના પુરુષોની ઓળખ સમા લાંબા સફેદ 'થોબ' તરીકે ઓળખાતો બુરખા જેવો પોષાક પહેર્યો હતો, અહિ ફ્લાઈટમાં સીટ પર સામે નાનકડા મોનિટર સ્ક્રીન પર અથવા ફ્લાઈટના લાઉડસ્પીકર પરથી પણ અપાતા સૂચનો પહેલા અરબી ભાષામાં આપવામાં આવતા હતાં અને પછી અંગ્રેજીમાં. જો કે આ નવો આનુભવ માણવાની મજા આવી રહી હતી. મારી બાજુમાં બેઠેલ અરબી યુવાન પેપ્સીનું ટીન પીતા પીતા મોબાઈલ પર જે વાતચીત કરી રહ્યો હતો તેના પરથી હું અનુમાન કરી શક્યો કે તે પણ એક સોફ્ટવેર એન્જિનીયર હશે. પણ તેની ભાષા, બોલી, દેખાવ, પોષાક સઘળું મારાથી તદ્દન ભિન્ન હતાં. છતાં અમારી વચ્ચે એક સામ્ય હતું - અમારું કામ! અમે બંને ટેક્નોલોજી સાથે સંકળાયેલા આઈ.ટી. પ્રોફેશનલ્સ હતાં! આવા કંઈક વિચારો હજી તો ચાલી રહ્યાં હતાં ત્યાં દુબઈ નજીક આવી રહ્યું હોવાની જાહેરાત થઈ અને મેં મારા પરિવારજનોને ઉંઘ ઉડાડી જાગૃત થઈ જવા નિર્દેશ કર્યો.
ત્યાંના સમય પ્રમાણે લગભગ પોણા દસ વાગે અમે દુબઈ પહોંચી ગયા. ફ્લાઈટમાંથી બહાર નીકળતા જ મુંબઈ અને મસ્કત એરપોર્ટની જેમ અહિ પણ વ્હીલચેર મારી મમ્મી માટે આશિર્વાદરૂપ સાબિત થઈ. ચેક્ડ ઇન સામાન લેવા અમારે ખાસ મેટ્રો ટ્રેનમાં બેસી એરપોર્ટના એક સ્થાનેથી બીજા સ્થાને જવાનું હતું. આ મેટ્રો એટલે હવે ભારતનાં મુંબઈ સહિતના અન્ય શહેરોમાં પ્રચલિત થઈ રહેલી મેટ્રો ટ્રેન જેવી
જ ત્રણ ચાર કોચ ધરાવતી ગાડી હતી. તેમાંથી ઉતરી સામાન લઈ ઇમિગ્રેશન તપાસ અને અન્ય ફોર્માલીટીઝ પતાવી બહાર એકઝીટ તરફ આવ્યાં જ્યાં વાણી ટ્રાવેલ્સ દ્વારા નિયુક્ત ડ્રાઈવર અમારી રાહ જોઈ ઉભો હતો. મિનિવેન જેવી એ ગાડીમાં બેસી અમારે અમારી પ્રથમ
હોટલના મુકામે પહોંચવાનું હતું.
એરપોર્ટની
બહાર નીકળતા જ એક જુદા પ્રકારની લાગણીનો અનુભવ અમે કરી રહ્યાં. અહિ સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી. ગાડીમાં બેઠા બેઠા આસપાસના દ્રષ્યો અમે કુતૂહલ પૂર્વક જોઈ રહ્યાં. સઘળાં બોર્ડ્સ ,જાહેરાતો વગેરે અરબી ભાષામાં હતાં. રસ્તામાં ટ્રાફીક ઠીક ઠીક માત્રામાં હતો. મને મારી ફ્રાન્સ યાત્રા યાદ આવી ગઈ. ત્યાં અને અહિ વચ્ચે મને ઘણી સમાનતા માલૂમ પડી રહી હતી. સમાન પ્રકારના રસ્તા, ચોખ્ખાઈ, સિગ્નલ્સ, સાઈન બોર્ડ્સ વગેરે. એકાદ કલાકમાં અમે પહોંચી ગયા અમારી પહેલી હોટલ અરેબિયન કોર્ટયાર્ડ્સ. આ હોટલ ભર બજાર વચ્ચે આવેલી હતી અને આસપાસની દુકાનો, હોટલો વગેરેના નામો મુંબઈની હોટલ - દુકાનોના નામો જેવાજ ભારતીય હતાં. અહિં નજીકમાં જ કૈલાશ પર્બત નામની શુદ્ધ શાકાહારી ખાવાનું પીરસતી હોટલ જોવા મળી, કલ્યાણ જ્વેલર્સ તેમજ મલબાર ,બાફલે વગેરે જ્વેલર્સની દુકાનો જોવા મળી.
પાર્કીંગ અંગે કોઈક શંકા હોવાને લીધે ડ્રાઈવરે અમારી હોટલની પ્રદક્ષિણા કરતો હોય એમ બે-ત્રણ ચક્કર હોટલની ફરતે લગાવ્યાં અને અમે ભારતીય જ જણાતી હોટલો, દુકાનોના એક કરતા વધુ વાર દર્શન કર્યાં. અમારી હોટલની બરાબર સામે દુબઈ મ્યુઝિયમ હતું જેની કિલ્લા એવી બનાવટ અને તેમાં ગોઠવેલી એક મોટા વહાણની પ્રતિકૃતિ ખાસ્સું આકર્ષણ ઉભું કરતાં હતાં.આ સમગ્ર વિસ્તાર એક ગજબની હકારાત્મકતા અને ઉર્જાથી ઉભરાઈ રહ્યો હતો.આ કારણે જ અમે આખી રાતની મુસાફરી કરીને આવ્યાં હોવા છતાં અને ઉંઘ પણ વ્યવસ્થિત પૂરી ન થઈ હોવા છતાં એક ગજબની સ્ફૂર્તિનો અનુભવ કરી રહ્યાં હતાં.
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો