Translate

રવિવાર, 16 ડિસેમ્બર, 2018

ઊંચાઈઓનાં શહેર દુબઈના પ્રવાસે... (ભાગ - 3)


           

દુબઈની લગભગ દરેક હોટેલ્સમાં ચેક-ઇનનો સમય બપોરે બે વાગ્યાનો તો ચેક આઉટનો સમય બપોરે બાર વાગ્યાનો.. ત્યાં સમયપાલન, સ્વચ્છતા, શિસ્ત આ બધાંનો આગ્રહ વિશેષ જોવા અને પાળવા મળે. અમારે બે-ત્રણ વાર આ વિષે આપણી ભારતીય કે મુંબઈયા માનસિકતાને લીધે થોડું સાંભળવા-ભોગવવાનો વારો આવ્યો. બે વાગ્યાનો ચેક-ઇન સમય હોય એટલે તમને હોટલનો રૂમ બે વાગે જ આપવામાં આવે. અમે થોડા વહેલા પહોંચી ગયા એટલે રૂમ હજી રેડી નથી એમ જણાવી હોટલના રીસેશ્પન પાસે બેસવા જણાવવામાં આવ્યું. રાતનો ઉજાગરો હતો અને લાંબી મુસાફરી કરીને આવ્યાં હતાં એટલે એક-દોઢ કલાક બેસવાનો કંટાળો આવ્યો પણ સમય જેમ-તેમ કરી પસાર કર્યો. આ કંટાળો જો કે ક્ષણિક નીવડ્યો. અરેબિયન કોર્ટયાર્ડનો અમારો ત્રણ દિવસનો મુકામ અતિ આરામદાયી,સુખદ અને યાદગાર બની રહ્યો.

 


હોટલમાં ચારેક માળ હતાં. અંદરથી કનેક્ટેડ હોય એવા અમારા બે રૂમ્સ ત્રીજે માળે હતાં. દરેક ફ્લોર્સ પર આગવી વિશેષતાઓ ધરાવતી રેસ્ટોરન્ટ્સ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર રીસેપ્શન નજીક સરસ મજાની બેઠક વ્યવસ્થા ગોઠવેલી હતી. 


આખી હોટલ તેના 'અરેબિયન કોર્ટયાર્ડ' નામને સાર્થક કરતી હોય તેવાં ભવ્ય તેનાં એમ્બિયન્સ અને ડેકોર હતાં. પ્રવાસી અતિથીઓનો સામાન લઈ જવા માટેની ટ્રોલી પણ રજવાડી આકાર ધરાવતી હતી. હોટલનો ગેટકીપર એટલે ખાસ અરબી વસ્ત્રોમાં સજ્જ કાળી લાંબી દાઢી અને માથે પાઘડી પહેરેલો ઉંચા કદનો એક પંજાબી ભારતીય, જે તેની લાક્ષણિક પૌરુષેય છટાથી મહેમાનોનું સ્વાગત કરે! આ હોટલની વેબસાઈટ પર તેમની આ ખાસ ચેષ્ટા વિશેષ આકર્ષણનું કેન્દ્ર હતી જે મારા ધ્યાનમાં હતી જ. અમે પહોંચ્યા કે તરત હિતાર્થને તેમણે ઉંચકી લઈ રમાડવા માંડ્યો હતો અને તેનો હિતાર્થે પણ વાંધો ઉઠાવ્યો નહોતો, જાણે એ આ દાદાને ઓળખતો જ ન હોય એ રીતે તે એમની સાથે હળી મળી ગયો હતો. તેની બાબરી (માથાનાં વાળ) હજી ઉતરાવી ન હોવાથી પહેલા તો સરદારજી તેને 'શેરની' કહી બેઠેલા પણ પછી જ્યારે અમે ચોખવટ કરી એટલે હસતા હસતા તેમણે કહ્યું કે તેઓ શેરપુત્તર-હિતાર્થની જાનમાં નાચવા આવશે!
કોઈ અતીથીને ટેક્સી બોલાવવી હોય તો પોતાના બુલંદ અવાજ અને લાંબા હાથેથી ઇશારો કરી તેઓ ટેક્સી રોકી લેતા અને આમ એ અતિથીની મદદ કરતાં. જતા આવતા દરેક અતિથી સાથે આ પંજાબી દરવાન સંવાદ અચૂક સાધતા.
અમે હોટલમાં પહોંચ્યા કે તરત અમારો સામાન પેલી રજવાડી ટ્રોલીમાં ગોઠવી અંદર લઈ જનારથી માંડી,રીસેપ્શન પર ફરજ બજાવી રહેલ સ્ટાફ કે હોટલની અલગ અલગ રેસ્ટોરેન્ટ્સના વેઇટર્સ બધાંના મુખ પર સ્મિત અને તેમનું એકમેક સાથે તેમજ હોટલમાં ઉતરાણ કરતા અતિથીઓ સાથેનું ઉષ્માપૂર્ણ વર્તન મને ખૂબ ગમ્યાં અને એવો ખ્યાલ આવી ગયો કે હવે પછીના અમારા ત્રણ દિવસ અમને ચોક્કસ મજા આવશે!
હોટલના કાચના દરવાજામાંથી અંદર પ્રવેશો એટલે ડાબી તરફ એક જ્વેલરી શોરૂમનો પ્રવેશ તો જમણી તરફ 'અયાલ પર્ફ્યુમ્સ' નામની અત્તર વેચતી દુકાનમાં તમે પ્રવેશી શકો. દરેક પ્રવાસન સ્થળે આવેલી હોટેલ્સમાં જોવા મળતું ટ્રાવેલ ડેસ્ક પણ અહિયે મોજૂદ હતું. મારા પપ્પાને અત્તરનો ભારે શોખ એટલે અયાલ પર્ફ્યુમ્સમાંથી ત્રણ-ચાર ઓથેન્ટીક અત્તરની શીશીઓ ખરીદી. આ સ્ટોર સંભાળતા સિંધી યુવાન અનિલ ફેરવાની સાથે ગુફતગુ કરવાની મજા આવી. તેમનો પર્ફ્યુમ્સ બનાવવાનો પેઢીગત વ્યવસાય છે. જમણી તરફના જ્વેલરી શોપમાંથી પણ થોડી ઘણી ઇમિટેશન જ્વેલરીની ખરીદી, એ દુકાન સંભાળતા ખ્રિસ્તી અંકલ પાસેથી કરી.
'અરેબિયન કોર્ટયાર્ડ'ના ગ્રાઉન્ડ ફ્લોર કે લોબી લેવલ પર કેક-પેસ્ટ્રીસ અને બેવરેજીસ સર્વ કરતી રેસ્ટોરેન્ટ અહલાન લાઉન્જ, મેઝનીન (ભોંયતળિયા અને પહેલા માળ વચ્ચે) ફ્લોર પર મજાનો હેવી બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને રાતે ડિનર સર્વ કરતી ‘ફારાઓહ કેફે એન્ડ રેસ્ટોરેન્ટ’ અને ‘શેરલોક હોમ્સ’ના નામ અને થીમ વાળું ઈંગ્લીશ પબ જ્યાં લાઈવ બેન્ડ પર્ફોર્મ કરે, આજ ફ્લોર પર ‘મુમતાઝ મહલ’ નામની ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરેન્ટ પણ ખરી જ્યાં શાસ્ત્રીય સંગીત કે અન્ય લાઈવ સિન્ગર્સ અને ડાન્સર્સના પર્ફોર્મન્સ બપોર કે રાતના ભોજન સાથે માણવા મળે. સ્વિમિંગ પુલ,જિમ અને સ્પા સાથે પહેલા માળે એક ચાઈનીઝ રેસ્ટોરેન્ટ  અને 'લા ટેરેસ' લાઉન્જ જે છત વગરની, બહાર ખુલ્લામાં બેઠક ધરાવતી રેસ્ટોરેન્ટ.






આ બધી જગાઓએ તો અમે ભોજનનો આનંદ ન લઈ શક્યાં પણ દરેકની ઉપરછલ્લી મુલાકાત તો લીધી જ! ત્રણ દિવસ સુધી રોજ સવારનો ચા-નાસ્તો ‘ફારાઓહ કેફે એન્ડ રેસ્ટોરેન્ટ’ માણ્યો. સવારના નાસ્તામાં કેટકેટલી ખાણીપીણીની ચીજો! કંઈ કેટલી જાતના બ્રેડ્સ, ચા-કોફી-જ્યુસ, બટર, ચીઝ, ફળો, ભારતીય બ્રેકફાસ્ટની એક-બે વાનગીઓ, ડ્રાય ફ્રુટ્સ, નટ્સ વગેરે અઢળક ખાવાપીવાની સામગ્રી સાથે બોલકી એવી એક શ્વેત અને એક શ્યામ વેઈટ્રેસીસનું સસ્મિત ચટરપટર એ ત્રણ દિવસ સુધી અમારો રોજ સવારનો નિત્યક્રમ બની રહ્યો હતો!
આ હોટલમાં મોટા ભાગના ભારતીય અતિથીઓ સહિત અનેક વિદેશીઓ પણ જોવા મળે. કાચની પારદર્શક એલીવેટર્સ સતત ઉપર-નીચે ફરતાં ફરતાં ગેસ્ટ્સને એક ફ્લોરથી બીજા ફ્લોર પર લઈ જતી જોવા મળે. સુંદર આર્ટીસ્ટીક પેઈન્ટીંગ્સ , મખમલી જાજમ, ઝુમ્મરો, લાઈટ્સ આ બધું હોટલને એક અનેરું વ્યક્તિત્વ બક્ષતું હતું.



ત્રણ દિવસના અહિં નિવાસ દરમ્યાન એકાદ વાર ભોજન માટે નજીકમાં આવેલી શુદ્ધ ભારતીય વાનગી પીરસતી પુરણમલ રેસ્ટોરન્ટમાં તો એકાદ વાર કૈલાસ પર્બતમાં ભોજન માણ્યું. પ્રખ્યાત એવી વૈભવ રેસ્ટોરન્ટનો સ્નેક્સ અને વેજ કોર્નરના વડા-પાવ,સમોસા અને ચા પણ માણ્યાં. ખાવાપીવાનું અહિં તમને ભારતીય ભાવ પ્રમાણે મોંઘુ જણાય (જેમકે ઇડલી ભારતીય રૂપિયા પ્રમાણે સો રૂપિયાથીયે મોંઘી તો પાવભાજી કે પુલાવ પણ પાંચસો રૂપિયામાં મળે!) પણ ખાધા-પીધા વગર કંઈ છૂટકો છે?! આપણાં ભારતની હોટલમાં તો બેસતા જ સૌ પહેલાં મફતનું પાણી પીરસવામાં આવે પણ દુબઈમાં દરેક હોટલમાં પીવાના પાણીની બોટલ પણ ખરીદવી પડે!
દુબઈમાં ત્રીજા દિવસની,આ હોટલમાં અમારા રોકાણની અંતિમ સાંજે અમે 'લા ટેરેસ' લાઉન્જ ઓપન-એર રેસ્ટોરેન્ટમાં ડિનર એન્જોય કર્યું. એ સાંજે ખાવાનું તો સાધારણ જ હતું પણ પરીવાર સાથે મોડી રાતે ત્યાં આરામથી બેસી વાતો કરતા કરતા માણેલી થોડી યાદગાર ક્ષણો ચિરકાળ સુધી અવિસ્મરણીય બની રહેશે. કેન્ડલની જગાએ ફ્લોરસન્ટ વાયરલેસ લેમ્પ દરેક ટેબલ પર ગોઠવેલો. 



 અમારી જમણે એક વિદેશી યુગલ અતિ આરામથી વાઈનની ચુસ્કીઓ લેતા લેતા ડિનરની મજા માણી રહેલું  તો બીજી તરફ પાંચ-છ વિદેશી મિત્રો હાર્ડ એન્ડ સોફ્ટ ડ્રિન્ક્સની મજા માણતાં માણતાં વાતચીત કરતાં કરતાં સાથે સાથે સામે ટી.વી. સ્ક્રીન પર પૂલની રમત જોવાની મજા માણી રહ્યાં હતાં. હોટલની બરાબર સામે મ્યૂઝિયમની પીળી લાઈટ્સ, ઓછા થઈ ગયેલા ટ્રાફીક ભરી સડકને એક નોખો ઓપ આપી રહી હતી. 

 આ સમગ્ર અનુભવ અમે આરામથી એકેમેક સાથે વાતો કરતાં હળવું ભોજન લેતા લેતા અને આસપાસના આછા પ્રકાશ મઢ્યાં રીલેક્સ્ડ વાતાવરણને શ્વાસમાં ભરતાં ધરાઈને માણ્યો. પ્રવાસ કરવા ગયા હોઇએ ત્યારે ફરવાની સાથે સાથે આમ હોટલ પર સપરીવાર માણેલી ક્ષણો પણ જીવનભર માટે સંઘરવા લાયક મીઠીમધુરી યાદોનાં ખજાના સમાન બની રહેતી હોય છે.




પહેલા દિવસે હોટલમાં બપોરે આરામ ફરમાવ્યા પછી સાંજે ઢાવ ક્રુઝની મજા માણવા અમને ગાડી લેવા આવી અને અમે જઈ પહોંચ્યા દુબઈ ક્રીક પર નૌકાવિહારની મજા માણવા!

 (ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો