બિશાલ લામા અમને આજે આરામ કરી આસપાસ થોડું આપમેળે ફરવાનું સૂચન કરતો ગયો હતો અને બીજે દિવસે સવારે લોકલ સાઈટ સિઈંગ માટે તે અમને લેવા આવવાનો હતો. તથા એ પછીના દિવસે નથુલા પાસ જવાનું હતું જેના માટે અમારે બધાનાં ફોટા તેમજ આઈ કાર્ડ આપવાના હતાં. એ વિસ્તાર થોડો સંવેદનશીલ હોવાથી ત્યાં અમુક ચોક્કસ સંખ્યામાં જ રોજ પર્યટકોને પ્રવેશની પરવાનગી અપાય છે. તેથી પરવાનગી માટે જરૂરી ફોટા અને કાર્ડ્સની ફોટોકોપીની વ્યવસ્થા અમારે કરવાની હતી. રૂમ સરસ હતાં. તેમાં બુદ્ધની ખુબ સુંદર શાંતિનો અનુભવ કરાવે તેવી તસ્વીરો હતી. રૂમની બહાર કાંચનજંઘાના શિખરો દૂર દૂર નજરે ચડતા હતાં. થોડી વાર આરામ કર્યાં બાદ અમે એકાદ કિલોમીટર દૂર આવેલા અહિના અતિ પ્રખ્યાય એમ.જી.માર્કેટની મુલાકાત લેવા બહાર નીકળ્યાં.
સિક્કિમમાં એક વસ્તુ ખુબ ગમી. અહિં આખા રાજ્યમાં બધે અમને રસ્તાની એક બાજુએ રેલિંગ જોવા મળી. રાહદારીઓએ આ જ રેલિંગની અંદર ફૂટપાથ પર ચાલવાનું. વાહન સડક પર નિર્ભયતાથી દોડ્યા કરે અને આપણે પણ બીક વગર નિયત કરેલ સુરક્ષિત માર્ગ પર ચાલ્યા કરવાનું. થોડે થોડે અંતરે રસ્તો ક્રોસ કરવા પુલ બનાવાયેલા હોય તેનો બધાં ઉપયોગ કરે. અહિં પણ દાર્જિલિંગની જેમ ઢોળાવ વાળા રસ્તા
અને રસ્તાની નીચે બે-બે ત્રણ-ત્રણ માળ સુધી દુકાનો કે રહેઠાણ. ડેલિસો અબોડની બહાર નિકળતા જ રેલિંગ વાળી ફૂટપાથ ચાલુ.
તેના પર ચાલતા ચાલતા અમારી જમણી તરફ અમને સુંદર સેઇન્ટ થોમસનું ચર્ચ જોવા મળ્યું. થોડે વધુ આગળ અન્ય એક સરકારી રંગીન ઇમારત. અહિં બધું નયનરમ્ય દેખાઈ રહ્યું હતું. એકાદ કિલોમીટર ચાલ્યાં એટલે ડાબી તરફ ઉપરની બાજુએ એમ.જી. માર્કેટ એટલે કે મહાત્મા ગાંધી બજાર આવેલું હતું.
આ બજાર એટલે જાણે કે સિક્કિમ - ગેંગટોકનો મોડર્ન-હિપ-સોહામણો વિસ્તાર. અહિ વિશાળ ચોગાનની બંને બાજુએ દુકાનો આવેલી છે પણ ચોગાનની પહોળાઈ ખુબ વધુ હોવાને કારણે તમે વચ્ચે મુકેલા બંને દિશા તરફ ગોઠવાયેલા બાંકડાઓ પર બેસી પણ શકો કે વિશાળ વિસ્તારમાં લટાર પણ મારી શકો. અહિ ચાલતી વખતે તમને એમ જ લાગે કે તમે જાણે વિદેશમાં કોઈ અપ-માર્કેટ વિસ્તારમાં લટાર મારી રહ્યાં છો. દુકાનોના સાઈનબોર્ડ્સ કે તેમની બહાર કરાયેલી લાઈટ્સ આખા વિસ્તારને એક વાઈબ્રન્ટ,પોશ અને યુવાન લુક આપતી હતી.
વચ્ચે ગાંધીજીના આમ તો ટીપીકલ પણ ગળામાં સ્કાર્ફ પહેરેલ પૂતળાથી તેનો એક છેડો શરૂ થાય અને અડધા કિલોમીટર જેટલા પટ્ટામાં ફેલાયેલ આ બજારમાં જુદ્દા-જુદા પ્રદેશના લોકો - મોટે ભાગે સહેલાણીઓ જોવા મળે. અહિ ગેંગટોકમાં ઘણી સ્કૂલ-કોલેજ કે યુનિવર્સીટી પણ હોવાનું માલૂમ પડ્યું ,જેના વિદ્યાર્થીઓ પણ અહિં બજારમાં મોટા પ્રમાણમાં ઘૂમતા જોવા મળ્યાં. દરેક યુવતિ કે સ્ત્રી પછી એ નાની ઉંમરની હોય કે મોટી, મેક-અપ સજ્જ જોવા મળે! પુરુષો પણ સરસ વાઘામાં ફરતાં દેખાય. મોટા ભાગના સ્થાનિક લોકો ગુરખા જાતિના સ્ત્રી-પુરુષો જેવો દેખાવ ધરાવતા જોવા મળે અને તેમના વસ્ત્ર પરિધાન પરથી તેઓ સારી આર્થિક સ્થિતી ધરાવતા હોવાનું અનુમાન કરી શકાય. અહિં વચ્ચે બેઠકો સાથે ઝાડ પણ ખરાં અને પાણીના ફુવારા પણ જોવા મળે. ઝાડ પર ક્રુત્રિમ રેડ પાંડા કે અન્ય જનાવરોના ડમી જોવા મળે. બેઠકો પર સાવ અમસ્તા જ બેસી ને તમે અહિની સુંદર આબોહવાની મજા માણી રહેલા ચાલતા,દોડતા,વાતો કરતાં,મસ્તી-મજાક કરતા લોકોને નિહાળતા નિહાળતા પણ સરસ રીતે સમય પસાર કરી શકો! એમ.જી.માર્કેટમાં અનેક દુકાનો સાથે હોટેલ અને ઓફિસો પણ ખરી અને અહિં ઉપર દેખાઈ રહેલી દુકાનો-હોટલો-ઓફિસો તો ટોપ ફ્લોર પર હતી, નીચે ત્રણ-ચાર માળ સુધી અન્ય દુકાનો-હોટલો-ઓફિસો તો હતી જ જ્યાં નીચે દાદરા ઉતરી જઈ શકાય. મને તો આ જગાની પોઝિટીવીટી,લુક અને ઓવર ઓલ ફીલ સ્પર્શી ગયાં!અમે જેટલા દિવસ ગેંગટોકમાં રહ્યાં એ બધાં દિવસ સાંજે અહિં અચૂક આવ્યાં અને ફર્યાં!
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો