Translate

શનિવાર, 13 જાન્યુઆરી, 2018

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૫)

       દાર્જિલિંગમાં ટાઈગર હિલ નામે ઓળખાતી ટેકરી પરથી સૂર્યોદય ખુબ સુંદર દેખાય છે.અમે એવા સમયે ત્યાં ગયા કે વાતાવરણ વાદળિયું અને વરસાદી હતું એટલે સૂરજદાદા ઉગતા ક્યાંથી જોવા મળવાના? લખુએ બે દિવસ સાડાત્રણે સવારે વાતાવરણ જોઈ સૂર્ય દેખાશે કે નહિ તે ચકાસવાના પ્રયત્ન કર્યાં,પણ બંને દિવસ વાદળા અને વરસાદ હોવાને લીધે અમને બ્રાહ્મ મુહૂર્તમાં બહાર નિકળવાની તક ન જ મળી! છતાં છેલ્લે દિવસે સિક્કિમ જતા પહેલા આ જગાએ તો અચૂક જઈને ત્યાંથી સૂરજદાદાના નહિ તો દ્રષ્યમાન થતી પર્વતમાળાના દર્શન કરીને આગળ વધવું એમ નક્કી કર્યું.


       દાર્જિલિંગમાં અમારી આ પ્રવાસ દરમ્યાનની છેલ્લી સવાર ખુશનુમા હતી અને સામાન વગેરે પેક થાય ત્યાં સુધી હું નમ્યાની આંગળી પકડી અને હિતાર્થને તેડીને, અમે રોકાયેલા એ સ્ટર્લિંગની ખુશાલયા હોટેલની પરિક્રમા કરવા રૂમની બહાર આવ્યો. ત્યાં સરસ પગથી બનાવાયેલી હતી.અડધે પહોંચ્યા ત્યાં મારી નજરે એક પાટીયું ચડ્યું જેના પર નીચેની દિશામાં લઈ જતા પગથિયા તરફ દિશા નિર્દેશ કરતી નિશાની સાથે પંચદુર્ગા દેવી મંદીરનું નામ લખ્યું હતું. મને ત્યાં જવાની અદમ્ય ઇચ્છા થઈ આવી.અને ત્યાં રહેલો નાનકડો દરવાજો ખોલી મેં સાચવીને નમ્યાને આગળ વધવા જણાવ્યું. પગથિયા ભીના પણ લપસી ન જવાય એવી આચ્છી લીલ વાળા હતાં અને ગોળાકારે નીચેની દિશામાં કોઈ ગેબી જગાએ લઈ જતા હોય એ રીતે બનાવાયેલા હતાં.જંગલનો આભાસ ઉભો કરે એવી લીલોતરી હતી.

 માતાજીના મંદીર તરફ જતા હોવાને લીધે ડર તો નહિ પણ પંખીઓ તથા જંતુઓના અવાજને લીધે તેમજ આસપાસના સમગ્ર માહોલને લીધે ભારે રોમાંચની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો. ખાસ્સો સમય ચાલ્યા બાદ પણ દાદરા ખતમ થવાનું નામ જ નહોતા લેતા અને હવે નમ્યાબેન થોડા ગભરાયા હતાં.પણ હું સાથે હતો એટલે મારો હાથ પકડી તે સાવધાનીથી નીચે ઉતરી રહી હતી અને મને પૂછ્યાં કરતી હતી,'પપ્પા હજી કેટલું આગળ જવાનું છે?' જાણે હું તો અહિ પહેલા કેટલી બધી વાર આવી ગયો હોઉં! એક સમય તો એવો પણ આવ્યો કે મને થયું ખરેખર અહિંથી પાછા વળી જવું જોઇએ.કારણ અમે ઘણાં નીચે ઉતરી ચૂક્યા હતાં અને આસપાસ તો કોઈ હતું જ નહિ.પણ અમે ચાલવું ચાલું રાખ્યું. છેવટે મંદીર આવ્યું. અમે દરવાજો ખોલી અંદર ગયાં. ત્યાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ-તસવીરોના દર્શન કર્યાં અને થોડી વાર થોભી ફરી ઉપર જવા પ્રયાણ કર્યું.

       ઉપર જતાં દાદરા ચડવાનું હોઇ થાક વધુ લાગ્યો પણ ભય અને ઉચાટ ઓછા અનુભવાયા! આસપાસનાં કુદરતી લીલાછમ ભીનાશ ભર્યાં વાતાવરણને માણતાં માણતાં અમે ઉપર આવી ગયાં અને પછી સામાન વગેરે ગાડીમાં ગોઠવી ખુશાલયાને વિદાય આપી સિક્કિમ જવા પ્રયાણ આદર્યું. અગાઉ નક્કી કર્યાં મુજબ લખુ પહેલા અમને ટાઈગર હિલ લઈ ગયો. ત્યાં જતાં રસ્તામાં વચ્ચે એક સુંદર મજાનું, આ પ્રદેશની ઓળખ સમા ડ્રેગનની મુખાકૃતિ ધરાવતું પ્રવેશદ્વાર નજરે ચડ્યું.


જેના પર નેપાળી ભાષામાં હિન્દી લિપીમાં કોઈક સંદેશ અને સિંચેલ સિંહ દેવી મંદીર એવું નામ લખ્યું હતું. જતા જતા મંદીર બહારથી જોયું અને લખુએ ખાતરી આપી કે પાછા વળતા દર્શન કરવા તે ગાડી થોભાવશે. ટાઈગર હિલ જઈ પહોંચ્યાં. ત્યાં એક પોઇ ન્ટ પરથી વર્તુળાકારે પર્વતોની હારમાળાના સુંદર દ્રષ્ય નજરે પડતા હતાં. અહિથી જ્યારે સૂર્યોદય જુઓ ત્યારે આકાશના રંગો તમારી આંખ સામે એ રીતે બદલાય કે તમે ઇશ્વર નામના એ અદભૂત ચિત્રકાર પર ઓવારી ગયા વિના રહી ન શકો! અમને એ પ્રત્યક્ષ તો અનુભવવા ન મળ્યું પણ અમે આ જગાએથી પર્વતોની હારમાળા અને કાંચનજંઘાના શિખરના દર્શન કરી સંતોષ માન્યો. પાછા ફરતાં સિંચેલ સિંહ દેવીના મંદીરમાં દર્શન કરવા ગાડીમાંથી ઉતર્યાં.

       રસ્તાની બંને બાજુએ આવેલા આ મંદીરનું ડાબી તરફનું લાલ રંગનું મકાન  ત્યાંની ઓળખ સમા વિશિષ્ટ ઢબના ઉપર તરફ વળેલા ખૂણા ધરાવતા છાપરાનું ઘૂમ્મટ ધરાવતું હતું અને તેના આંગણમાં પાણીનો કૂંડ હતો જેની ઉપર પેલા સાત રંગી પતાકા ફરફરી રહ્યાં હતાં. આ સમગ્ર રંગીન દ્રષ્ય એક મનભાવક ચિત્ર ઉભું કરી રહ્યું હતું. ત્યાં દર્શન કર્યાં બાદ રસ્તો ઓળંગી સામે દેવીના દેરાનાં દર્શન માટે આવ્યાં. 





અહિં એક તરફ આખી બાજુ લાલ રંગની હજારો બંગડીઓ તાર પર લટકાવેલી હતી.


અમે અનુમાન કર્યું કે લોકોની બાધા પૂરી થતા અહિં બંગડી ચડાવવાનો નિયમ હશે.માતાજીની મૂર્તિના દર્શન કર્યાં બાદ અમે ફરી ગાડીમાં ગોઠવાયા અને અમારી યાત્રાના હવે પછીના પડાવ સિક્કીમ તરફ જવા રવાના થયાં.
 


        રસ્તામાં દાર્જિલિંગના નાના-મોટા ગામડાંઓની ઝલક જોવા મળી જેમાં તેમના જનજીવનમાં પણ થોડું ઘણું ડોકિયું કરવા મળ્યું.છય માઈલ,લામાહાતા,લોપાચુ,તીસ્તા જેવા વિચિત્ર લાગે તેવા આ ગામોના નામ હતાં.અહિંના લોકોનું જીવન સરળ અને કુદરતની વધુ નજીક હશે એમ ગાડીની બારીમાંથી પસાર થઈ રહેલા દ્રષ્યો જોઈ લાગ્યું.

       તીસ્તા નામની નદી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ બંને રાજ્યોને જોડતી કડી સમાન લાગી
 



 જેની સમાંતરે રસ્તા પર દોડતી અમારી ગાડીએ ચારેક કલાકમાં અમને સિક્કિમ પહોંચાડી દીધાં.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો