- મીના જોશી
હું વેસ્ટર્ન રેલ્વેમાં કામ કરું છું. મને વાંચન અને પ્રવાસનો શોખ છે. ખાસ કરીને હિમાલય મને ખુબ ગમે છે.ચારધામ અને મનાલી વારંવાર જવું ગમે છે. લગભગ દરેક વર્ષે શ્રી માતા વૈષ્ણોદેવી જવાનું સૌભાગ્ય મળે છે.
૨૦૧૪ ડીસેમ્બરમાં હું મારા પતિ અને પુત્રી સાથે શ્રી માતા વૈષ્ણોદેવી ગઈ હતી. શ્રી માતાવૈષ્ણોદેવીના દર્શન કરી આવીને અમે બીજે દિવસે આરામ કરવા માટે કતરામાં હોટેલમાં પહેલે માળે રોકાયા હતા. બાલ્કની પૂરી સાઈઝના કાચથી કવર્ડ હતી તેથી બહારનું દ્રશ્ય જોઈ શકાતુ હતું. એક સવારે બરફથી ઢંકાયેલા પહાડના સૌન્દર્યનું અને કાચની બહારની બાજુ ઝાકળના અલૌકિક દ્રશ્યનું હું અને મારી પુત્રી નિયતિ રસપાન કરી રહ્યા હતા.બાલ્કનીની બહાર ની બાજુ છત પર ખાલી પ્રસાદના પડિયા જેમાં શીરાનો પ્રસાદ આપવામાં આવે છે, પડ્યા હતા, જેમાં થોડાં કણ શીરાના ચોટેલા હતા. એટલામાં એક નાંનું વાંદરું આવ્યું. એના હાથમાં બે સૂખા થેપલા હતા.એમાંથી એક થેપલું હાથથી સાફ કરીને ખાવા લાગ્યું. અમે રસપૂર્વક આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.એટલામાં એક બીજું નાંનું વાંદરું આવ્યું. એણે ખાલી પડેલા પ્રસાદના પડિયા, કૈક ખાવા મળશે એવી આશાથી એક પછી એક હાથમા લઇ ફંફોસવા માંડ્યા. શીરાના કણ પણ ચાટવા માંડયાં. પહેલું વાંદરું આ જોઈને કઠેડા પર ચાલતું ચાલતું બીજા વાંદરા પાસે આવી પહોંચ્યું અને તેણે હાથ લંબાવીને બીજું થેપલું એના હાથમાં આપ્યું.બીજા વાંદરાએ એ ખાવાનું શરુ કર્યું .દાતા વાનર જાણે કોઈ પણ જાતના ભાવ વગર ત્યાં પડેલ ઝાકળના પાણી સાથે રમવા માંડ્યું.અમે લોકો આ જોઈ મંત્રમુગ્ધ થઇ ગયા.આપણે માણસ થઈને પણ આવું કરી શકતા નથી જે એક નાના વાનરે કર્યું . પોતાના ભાગમાંથી આપ્યા નો કોઈ ભાર નહિ તે પણ અર્ધા ભૂખ્યા રહીને! મારો તો યાત્રાનો બધો થાક ઉતરી ગયો.આ દ્રશ્ય મારા દિલમાં જડાઈ ગયું જે હજુ પણ મને મારી નવરાશની પળોમાં યાદ આવે છે.
આપણે મનુષ્ય પેટ ભરેલ હોવા (ધનથી અને અન્નથી )છતાં આપતી વખતે કૃપણ થઇ જઈએ છીએ અને આપશું તો પણ એનો ભાર રાખશું. આપણે જેને જનાવર કહીએ છે એમની પાસેથી ઘણું શીખવાનું છે.
- મીના જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો