આજે મારા એક મિત્રની વાત કરવી છે.સદનસીબે તે એક સુંદર પર્યટન સ્થળે રહે છે તેની
પત્ની,બે દિકરીઓ અને એક દિકરાના સુખી પરીવાર સાથે.તે ત્યાંની છેલ્લા પંદરેક વર્ષથી
એક સ્થાનિક શાળામાં શિક્ષક છે.તેના અભિગમની વાત આજના બ્લોગનો મુખ્ય વિષય છે.
મારા આ મિત્ર વિષે તેના અભિગમને
લઈ ઘણી લાંબી ચર્ચાઓ થઈ પણ મને લાગે છે તેના વિચારોમાં હું કંઈ પરીવર્તન લાવવામાં સફળ
થઈ શક્યો નહિ!તેના અભિગમને માટે અંગ્રેજીમાં સરસ શબ્દ છે 'કોમ્પ્લાસેન્સી' જેનો ગુજરાતીમાં
અર્થ છે આત્મસંતોષી.પણ અંગ્રેજી શબ્દ થોડો નેગેટીવ છે જે મારા મિત્રના અભિગમને વધુ
સારી અને સાચી રીતે સ્પષ્ટ કરે છે,જ્યારે આ માટેનો ગુજરાતી શબ્દ થોડો પોઝીટીવ જણાય
છે.
મારો મિત્ર તેની આઠ કલાકની નોકરીથી એક પણ વધુ કલાક મહેનત કરવામાં માનતો નથી.તેને
એવો ઇરેશનલ (બુદ્ધિહીન કે તર્ક અસંગત) ડર છે કે જો તે એકાદ કલાક પણ વધુ સમય કામ કરશે
તો તેના પ્રિન્સીપલ તેને હંમેશા વધુ કામ સોંપશે.જો તે બાળકોને પોતાના નિયત અભ્યાસક્રમ
કરતા વધુ કે બહારની કોઈ પણ વાત શિખવશે તો તેને રવિવારે કે પરીક્ષા સમયે વધારાના વર્ગ
લેવા બોલાવાશે.
આવા ડરોને લીધે મારો મિત્ર કોઈ પણ પ્રકારની વધારાની જવાબદારી લેવાનું હંમેશા
ટાળે છે.પછી જો કોઈ કાર્યક્રમ આવી જય અને તેને રૂટીન કામની બહાર અન્ય કંઈક નોખું કરવાનું
આવે તો તેને એ બિલ્કુલ પસંદ આવતું નથી અને કમને તે એ જવાબદારી પાર પાડે છે.
મારા મિત્ર ના મતે : રવિવારે તો આરામ જ કરવાનો હોય. વધારાનું કામ કઈ રીતે થઈ
શકે? એ કરી તો સાહેબ થોડા કંઈ વધારાના પૈસ આપવાના છે?પગાર તો વધવાનો નથી.તો વધુ મહેનત
શા માટે કરવી?
શું આ પ્રકારનો અભિગમ તમને જીવનમાં આગળ લઈ જઈ શકે?મારા મિત્રનો જ દાખલો લઈએ તો
હજી સુધી તે પોતાનું માલિકીનું ઘર ખરીદી શક્યો નથી.તે ભાડાના ઘરમાં રહે છે.જોકે તેને
પોતાનું ઘર હોવાની જરૂર પણ જણાતી નથી!ભાડાના ઘરમાં દિવસો પસાર થાય છે ને?
પણ શું તે આજે ચાલીસી વટાવી પચાસની વય નજીક પહોંચ્યો હોવા છતાં,જોઈએ એવી સફળતા
નથી મેળવી શક્યો તેનું કારણ તેનો અભિગમ હશે?કે નસીબ?
અંગ્રેજીમાં એક ઉક્તિ છે '' અર્થાત તમે તમારા તરફથી વધારાનું શું ઉમેરો છો?કોઈ
પણ કાર્ય કરતી વેળાએ જેટલા પ્રયત્નોની જરૂર છે કે તમારી ક્ષમતા છે તેના કરતા બે ડગલા
આગળ વધી એ કાર્ય કરશો તો સફળતા મળશે અને સંતોષ પણ.તમે વધુ ઉમેરેલા શ્રમની જરૂર નોંધ
લેવાશે અને ત્વરીત નહિ તો લાંબે ગાળે પણ તમને એનું ફળ ચોક્કસ મળશે.
જોકે અહિ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે.તમે બે ડગલા વધુ આગળ જઈ જે મહેનત કરો
છો તે ગીતામાં કહ્યા મુજબ ફળની આશા વગર કરવાની છે. નહિતર બદલાની આશા સાથે કરેલ કામમાં
ધારી સફળતા કે ધાર્યું ફળ નહિ મળતા તે તમને નિરાશ કરશે અને તમે કરવા જેટલી મહેનત પણ
નહિ કરો.
આ એક વિષ ચક્ર સમાન છે જેમાંથી બહાર આવવાનું છે.વધારાનું કે ૨૦૦% આપવાનો તમારો
સ્વભાવ બની જવો જોઇએ, પછી જુઓ ધાર્યા કરતા પણ વધુ સફળતા કે સારાં પરીણામ સામે થી મળશે. એ કામ પછી ઓફિસનું હોય,કોઈ અન્ય માટેનું કે પોતાનું
અંગત.
તમારા આ અંગે શા વિચારો છે?લખી જણાવશો તો આનંદ થશે.