૨૦મી
માર્ચે મારા મનપસંદ, ગમતીલા
નાનકડા સુંદર પક્ષીનો દિવસ
હતો! હું વાત કરું
છું નિર્દોષ સુંદર પંખી ચકલીની.
વીસમી માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે'
ઉજવાયો અને આ પક્ષીને
કારણે એ દિવસે સવારના
પહોરમાં મારો અવાજ મારી
મનપસંદ રેડિયો ચેનલ ૯૩.૫ રેડ એફ.એમ. પર પણ
ગૂંજ્યો!
સવારના
પહોરમાં મિત્રની ગાડીમાં ઓફિસ જતા જતા રેડિયો સાંભળી રહ્યો હતો.એ દિવસે મારી ફેવરીટ
મલિષ્કાને બદલે પ્રિતમ પ્યારે નામનો આર.જે. સવારનો કાર્યક્રમ સંભાળી રહ્યો હતો અને
તેણે ચર્ચા માંડી ચકલી અને 'વર્લ્ડ સ્પેરો ડે'ની.પછી તો હું રહી શકું? સીધો મેં ફોન
જોડ્યો રેડિયો ચેનલની ઓફિસે અને મારી વાત થઈ પ્રિતમ પ્યારે સાથે ચકલીઓ વિશે અને તેમના
માટે આપણે શું કરી શકીએ એ વિશે. મેં જન્મભૂમિ પ્રવાસીની મારી આ કટાર 'બ્લોગને ઝરૂખેથી...'
નો પણ તે વાતચીતમાં ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે બે વર્ષ અગાઉ જ્યારે મેં આ વિષય પર
બ્લોગ લખેલો ત્યારે તેનો કેવો ઉમળકાભર્યો પ્રતિભાવ મને તમારા સૌ વાચકો પાસેથી મળ્યો
હતો!
આજકાલ
ચકલીબેન ઘણી ચર્ચામાં છે તેમની ઘટતી
જતી સંખ્યાને લીધે. પણ મેં
જણાવ્યું કે હું મલાડના
જે વિસ્તારમાં રહું છું ત્યાંતો
મને આવો કોઈ ચકલીઓની
સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
નથી.અલબત્ત આજકાલ રોજ
એક ચકલીનું જોડું મારા ઘરની
બાલક્નીમાં છોડનાં કૂંડામાંથી ઘાસ
વગેરેની ઉચાપત કરતું જોવા
મળે છે! મારા ઘર
નજીક જ એક પાડોશીના
આંગણામાં એક ઝાડ છે
જેની ડાળીઓમાં અનેક ચકલીઓનું ઝૂંડ
વસે છે અને સતત
ચીં..ચીં..ચીં..ચીં..
કર્યા કરતું જોવા-સાંભળવા
મળે છે!અમે રોજ
આ ઝાડ પાસે ચોખાનાં
દાણા નાંખીએ છીએ જે
આ ચકલીઓ ચણે છે
અને મોજથી અમારી ચાલીની
આસપાસ રહે છે! હું
રોજ સવારે મારા ઘરની
બાલ્કનીમાંથી સામેનાં ઘરનાં છાપરે ચોખાનાં
દાણા નાખું છું જે ચકલી સહિત કાબરો
અને કાગડા પણ ખાવા
આવે છે. એ જોઈ
મનને અનેરો આનંદ મળે
છે.
પ્રકૃતિ
અને પ્રાણીઓ-પંખીઓનાં સંવર્ધન અને જાળવણી માટે
કાર્ય કરતી સંસ્થા બી.એન.એચ.એસ
દ્વારા ગયા વર્ષે ચકલીઓની
વસ્તી ગણતરીની ઝૂંબેશ હાથ ધરાઈ
હતી જેમાં મેં ભાગ
લીધેલો અને મારા મુંબઈ-મલાડના ઘરની આસપાસનાં
વિસ્તારની તેમજ ગુજરાતમાં મારા
સાસરાના ઘરની આસપાસનાં વિસ્તારની
ચકલીઓ તથા તેમની સંખ્યા
અને વર્તણૂંક વિષયક માહિતી પૂરી
પાડી હતી. એ ઝૂંબેશ
અને સર્વેક્ષણનાં પરિણામમાં પણ એ જાણીને
આનંદ થયો હતો કે
જેટલી ઉહાપોહ મચી હતી
એટલો નોંધપાત્ર ઘટાડો ચકલીઓની સંખ્યામાં
જોવા મળ્યો નહોતો.
પણ
આ વર્ષે ફરી આ
વિષય 'વર્લ્ડ સ્પેરો ડે'ની આસપાસ ચર્ચાતો
જોવા મળ્યો અને થોડી
ચિંતા થઈ કે શું
ખરેખર ચકલીઓની સંખ્યા ઘટી રહી
છે?
કદાચ
એ હકીકત હોય તો
તેની પાછળ બે મુખ્ય
કારણો જવાબદાર છે.એક વધી
રહેલું શહેરીકરણ કે શહેરનું કોંક્રીટીકરણ
અને બીજું મોબાઈલ ટાવર્સની
સંખ્યામાં અને પરીણામે મોબાઈલ
રેડિયેશનનાં પ્રમાણમાં વધારો. આજકાલ જે
ઇમારતો બને છે તે
મોટાભાગે કાચની અથવા અદ્યતન
પ્રણાલીની હોય છે જેમાં
ખાંચા કે તિરાડો કે
કાણાં હોતાં નથી જે
ચકલીઓને રહેવા અને ઉછરવા
માટે ખૂબ અનુકૂળ આવે
છે.મોબાઈલ ટાવર્સમાંથી બહાર
ફેંકાતા કિરણો કે રેડિયેશન
ચકલીઓ માટે જાનલેવા સાબિત
થાય છે.આ બે
મુખ્ય પરિબળોના કારણે કદાચ ચકલીઓની
વસ્તીમાં ઘટાડો નોંધાયો હોઈ
શકે અથવા ભવિષ્યમાં નોંધાઈ
શકે.
હવે
આપણે આ સંદર્ભે શું
કરી શકીએ? આ રહી
તેની વિગતો:
૧
તમારા ઘરનાં છાપરે કે
અગાશીમાં કે આંગણે સુરક્ષિત
જગાએ પાણીનું કુંડું કે પાણી
ભરેલો વાડકો રોજ મૂકો
અને તેમાં સ્વચ્છ પાણી
પક્ષીઓને મળી રહે તેવો
નિયમ કરો.ઉનાળાની બળબળતી
ગરમીમાં મૂક પક્ષીઓનાં આશિર્વાદથી
મોટું પુણ્ય અન્ય કયું
હોઈ શકે?
૨
તમારા ઘરનાં છાપરે કે
અગાશીમાં કે આંગણે સુરક્ષિત
જગાએ ચોખાનાં કે જુવાર,બાજરી
કે અન્ય ધાન્યનાં થોડાં
દાણાં રોજ સવારે ઉઠતાંવેત
નાંખવાનો નિયમ કરો.થોડાં
દિવસમાં જ તમે જોશો
કે એ ખાવા પક્ષીઓ
ચોક્કસ લાઈન લગાડશે!
૩
બી.એન.એચ.એસ.
ની વેબસાઈટ પર કે અન્ય
આવી પ્રકૃતિનાં સંવર્ધન માટે કાર્યરત સંસ્થાઓની
વેબસાઈટ પર કે બજારમાં
બર્ડ ફીડર્સ અને આર્ટીફિશિયલ
નેસ્ટ્સ એટલેકે પંખીઓ માટેનાં
કૃત્રિમ ઘર અને તેમને
ખાવાનું આપી શકાય તેવા
સાધનો વેચાતા મળે છે.પોતાને માટે શોપિંગ
કરતી વેળાએ એકાદ વાર
આવી કોઈ વસ્તુ પણ
ખરીદી હોય તો લેખે
લાગે અને પંખીઓનું ભલું
થાય!
૪
ખરીદીનો કંટાળો આવતો હોય
તો ઘેર બેઠાં પણ
પક્ષીઓ માટેનું ઘર આપણે હાથે
બનાવી શકીએ.તૈયાર ખોખું
(બધી બાજુએથી બંધ હોય તેવું)
લો. તૈયાર ખોખું ન
હોય તો જાડા પૂઠ્ઠા
વડે અથવા લાકડાની પતલી
પટ્ટીઓ વડે આવું ચોરસાકાર
ખોખું સહેલાઈથી તૈયાર કરી શકાય.
એ બનાવો ત્યારે તમારાં
બાળકો કેટલાં ખુશ થઈ
જાય છે એ જોજો!
આ નફામાં! આ ખોખાની એક
બાજુએ મધ્યમાં ચકલી પ્રવેશી શકે
એવડું જ કાણું પાડો
અને તેને છાપરે કે
અગાશીમાં ઉંચાઈ વાળી જગાએ
ગોઠવી દો અને તેમાં
ચોખાનાં દાણાં નાખો અને
બાજુમાં પાણી ભરેલી વાડકી
પણ મૂકી રાખો.
કદાચ
દિવસો અને મહિનાઓ સુધી
કોઈ પક્ષી તેની પાસે
ન ફરકે તો પણ
નિરાશ થયાં વગર ચોખાનાં
દાણાં અને પાણી મૂકવાની
આ ક્રિયા રોજ ચાલુ
રાખો.એક દિવસ ચોક્કસ
તેમાં પંખી પોતાના પરિવાર
સહિત કિલ્લોલ કરશે એ વાત
નક્કી!
૫
વપરાયેલી ખાલી મોટી બોટલમાંથી કે પ્લાસ્ટીકની બરણીમાંથી પણ બર્ડ ફીડર બનાવી શકાય.
૬ તમે પશુપક્ષીઓનું જતન કરવાની ચેષ્ટા કરશો તો તમારા સંતાનોમાં પણ એમ કરવાનાં સંસ્કાર આપમેળે તમને એમ કરતાં જોઈને આવશે અને આમ તમે એક સારી જવાબદાર નાગરીકોની પેઢીનું નિર્માણ કરવામાં સહભાગી બનશો!
“ચકી બેન ...ચકી બેન... “ ફક્ત વાર્તાઓમાં કે બાળગીતોમાં જ સાંભળવા મળે કે ચિત્રોમાં જ જોવા મળે એમ ન ઇચ્છતા હોવ તો પ્યારા એવા ચકી બેન માટે આટલું તો કરી જ શકાય!