Translate

શનિવાર, 12 નવેમ્બર, 2011

આપણે ક્યારે કાયરતા છોડીશું?

[વ્હાલા વાચકમિત્રો,આજે આપની આ લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખે થી...' ૧૦૦ સપ્તાહ પૂરા કરે છે.મને બેહદ ખુશી છે કે આપે આ કટારને અને તેમાં પ્રગટ થતાં મારા વિચારો તેમજ ગેસ્ટબ્લોગમાં પ્રગટ થતાં અન્ય વાચક અને બ્લોગર મિત્રોના વિચારોને આવકાર્યા છે,પસંદ કર્યા છે.હું સતત કંઈક નોખું લખી વિવિધ વિષયોને તમારી સમક્ષ પ્રગટ કરવાના પ્રયત્ન કરતો રહ્યો છું અને તેમ કરતાં પોતે પણ ઘણું શીખ્યો છું.આ બ્લોગયાત્રામાં સહભાગી થવા બદલ તમારા સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.ભવિષ્યમાં પણ તમારો સહકાર કાયમ રહેશે એવા વિશ્વાસ સાથે તમારા વિચારો,પ્રતિભાવો લખી મોકલવા વિનંતી.


- વિકાસ ઘનશ્યામ નાયક ]


સાત મિત્રો પાનના ગલ્લે રાતનું ખાવાનું પતાવી પાન ખાવા આવે છે. તેમાં ત્રણ યુવતિઓ અને ચાર યુવકો છે. પાનના ગલ્લે એક દારૂડિયો પેલા સાત મિત્રોના ગ્રુપમાંની એક યુવતિ ઉપર બિભત્સ કમેન્ટ કરે છે અને તે ગ્રુપના યુવાનો ઉશ્કેરાઈ જાય છે. તેમની પેલા દારૂડિયા સાથે બોલાચાલી વધુ ઉગ્ર બની જાય છે અને ગ્રુપમાંનો એક યુવાન પેલા દારૂડિયાને ગાલે તમાચો લગાવી દે છે. દારૂડિયો યુવાન ધમકી આપી ચાલ્યો જાય છે અને પાંચ જ મિનિટમાં બીજા વીસેક યુવાનો સાથે હાથોમાં હોકી,ચાકુ,સાંકળ અને એવા શસ્ત્રો લઈ પાછો ફરે છે અને પેલા ગ્રુપમાંના બે યુવાનો પર તૂટી પડે છે. બેમાંથી એક યુવાનતો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને બીજો યુવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાના દસેક દિવસ બાદ તે બીજો યુવાન પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.


આ ખૂંખાર, અરેરાટીભરી અને કમનસીબ ઘટના મુંબઈના અંધેરી પરામાં રાતે સાડા નવની આસપાસ એકાદ મહિના પહેલાં જ બનેલી સાચી દુર્ઘટના છે. પાનનો ગલ્લો એક પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટની બહાર જ આવેલો છે જ્યાં ઘણાં લોકોની અવર જવર હોય છે. ઉપરાંત અહિંથી થઈને ઘણી રિક્ષા, ટેક્સી, બસો પસાર થાય છે. વીસ યુવાન ગુંડાઓ પેલા સાત મિત્રોના ગ્રુપ ઉપર તૂટી પડ્યા ત્યારે અનેક લોકો આ દુર્ઘટનાના મૂક સાક્ષી બની રહ્યાં. થોડી ઘણી રીક્ષાઓ, એકાદબે બસો અને થોડાં ખાનગી વાહનો પણ તમાશો જોવા અટક્યા હોય એમ થોડી વાર ઉભા રહ્યાં અને પછી કંઈજ પગલું લીધા વિના પોતપોતાના માર્ગે આગળ વધી ગયાં. પાનના ગલ્લા વાળાએ કે રેસ્ટોરન્ટના માલિક કે સ્ટાફે કે આજુબાજુની દુકાનો વાળાઓએ કે રાહદારીઓએ કે ત્યાંના આજુબાજુના રહીશો જે સૌ આ દુર્ઘટના ના મૂક સાક્ષી જ બની રહ્યાં, તેઓ જો એ સમયે એક થઈ એ વીસેક ગુંડાઓનો સામનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોત તો કદાચ બે આશાસ્પદ હિંમતવાન યુવાનો પોતાનો જીવ ન ગુમાવી બેસત.

આપણાં દેશમાં મોટાં ભાગના લોકોનો એટીટ્યુડ એવો હોય છે કે આપણે કોઈના જમેલામાં શા માટે વચ્ચે પડવું? આપણું પોતાનું અંગત ક્યાં કોઈ મુશ્કેલીમાં છે? શા માટે કોઈ અજાણ્યાને બચાવવા વણનોતરી મુસીબત માથે લેવી? રસ્તે પણ ઘણી વાર કોઈક સાવ સામાન્ય ઘટના પણ બનશે તો તરત લોકોનું મોટું ટોળું જમા થઈ જશે પણ કોઈ ખરી મદદ કરવા આગળ નહિં આવે.

હજી તો પોતાના ગ્રુપમાંની યુવતિ પર અણછાજતી કમેન્ટ કરનારનો સામનો કરનાર આ બે હિંમતવાન કમનસીબ યુવાનોની હત્યાના આ કેસની છાપામાં ચર્ચા ચાલે જ છે ત્યાં બીજી બે દુર્ઘટનાઓ બની છે જે ફરી એક વાર આપણી કાયરતાની ચાડી ખાય છે. ગુજરાતમાં એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટની અમદાવાદના ભરચક વિસ્તારમાં શસ્ત્રધારી બે-ત્રણ ગુંડાઓએ ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી નાંખી અને બીજા એક કેસમાં મુંબઈમાં એક યુવાનને બે દુશ્મનોએ પ્રોપર્ટીના ઝઘડામાં જીવતો સળગાવી મારી નાંખ્યો. આ યુવાનનો સાત વર્ષનો પુત્ર રડી રડી ચીસો પાડી લોકોની મદદ માંગતો રહ્યો પણ કોઈ વચ્ચે ન પડ્યું અને સળગતો યુવાન વીસેક મિનિટ સુધી બળી ભડથું થઈ મરી ગયો.

શું માનવતા મરી પરવારી છે? દુર્ઘટના કાલે આપણી સાથે કે આપણાં પરિવારના કોઈ એક સભ્ય સાથે પણ બની શકે છે. કોઈક દુર્ઘટના બની ગયા પછી કેન્ડલમાર્ચ યોજી સરઘસો કાઢી કંઈ હાંસલ થવાનું નથી. જરૂર છે આપણે સૌએ થોડી હિંમત કેળવવાની. જરૂર છે કાયરતા ત્યજી દેવાની. જરૂર છે થોડાં જવાબદાર નાગરિક બનવાની. એકલા કદાચ હીરો કે હીરોઈન ન બની શકીએ પણ ટોળું ભેગું થઈ ચોક્કસ અસામાજિક તત્વોનો સામનો કરી જ શકે.આજુબાજુના લોકોને મદદ માટે હાકલ પાડી તો જુઓ. કદાચ એ તમારી જ કે કોઈ બીજાના આગળ આવવાની રાહ જોતો હોય! કદાચ પોતે એકલા હોઈએ ત્યારે પણ પોલીસને કે મદદ કરી શકે એમ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને પ્રેસેન્સ ઓફ માઈન્ડ વાપરી તરત આવી કોઈ ઘટના વિષે જાણ કરીને પણ આપણે કદાચ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકીએ.પણ સાવ નિષ્ક્રીય બની રહી માત્ર મૂંગા સાક્ષી બની રહીશું તો ઇશ્વર પણ આપણને માફ નહિં કરે.

2 ટિપ્પણીઓ:

 1. વિકાસ ભાઈ,
  'બ્લોગને ઝરૂખેથી...' ની 'સેન્ચૂરી' પૂરી કરવા બદલ અભિનંદન!કટાર ખૂબ સરસ જઈ રહી છે!
  તમારો લેખ 'આપણે ક્યારે કાયરતા છોડીશું?' વિચારપ્રેરક રહ્યો.આપણી વધતી જતી ગુનાખોરી પ્રત્યે સહનશીલતા (કે ઘોર ઉદાસીનતા?) એટલી હદે વધી ગઈ છે કે આપણું આ 'નરો વા કુંજરો વા' વાળું વલણ ટૂંક સમયમાં આપણાં જ ગળાનો ફાંસો બની રહેશે. ગુનો ખાસ કરીને જ્યારે સ્ત્રી સાથે સંકળાયેલો હોય ત્યારે તો ખાસ આવું જ વલણ જોવા મળે છે...મુંબઈનો અને દેશ નો ક્રાઈમ રેકોર્ડ આ વાતનો સાક્ષી છે...
  હવે ફતવો આવશે "મિત્રો સાથે મોડે સુધી બહાર રહેવું નહિં ..." અફસોસ! પણ સ્ત્રીઓ સામે આચરાતી હિંસાની સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવામાં કોઈને રસ નથી. આ એક દુ:ખદ સત્ય છે...
  આવા વિચારપ્રેરક બ્લોગ્સ લખતાં રહેશો.વાચકો માટે એ ખૂબ જરૂરી છે!
  - ખેવના દેસાઈ (મુંબઈ)

  જવાબ આપોકાઢી નાખો
 2. વિકાસ ભાઈ,
  ‘બ્લોગ ને ઝરૂખેથી...’ નો ૧૦૦ મોં હપ્તો પૂરો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.‘આપણે ક્યારે કાયરતા છોડીશું?’ બ્લોગમાં તમે જે પ્રકારની ઘટનાઓ વર્ણવી અને આવે વખતે કોઈ જ મદદ નથી કરતું એ બહુ જ ખેદ્જનક બાબત છે. આવા પ્રકારના ઝઘડાઓમાં કોઈ વચ્ચે નથી પડ્તું. આ સંદર્ભે આપણા દેશમાં કાયદો, ન્યાયવ્યવસ્થા, પોલીસથી રક્ષણ એવા બધા શબ્દો ખોખલા લાગે છે. અને લોકોનો વિશ્વાસ આ બધા પરથી ઉઠી ગયો છે .'ધકેલ પંચા દોઢસો' જેવુ રાજ ચાલે છે અને 'ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' જેવી નીતિ સાથે આપણે જીવીએ છીએ.
  આજે માણસ અનેક સામાજિક,રાજકીય અને આર્થિક વિટંબણાઓથી ઘેરાયેલો છે અને એ પોતાના પ્રોબ્લેમ્સમાંથી જ ઉંચો નથી આવતો.એના મનમાં આ બનાવો પ્રત્યે આક્રોષ તો છે જ પણ પૈસા અને સત્તા આગળ એનું જોર નથી ચાલતું.'સત્તા આગળ શાણપણ નકામું'.આજનો માનવી સતત તણાવયુક્ત અવસ્થામાં રહે છે.
  કેટલીક વાર એવું પણ બને છે કે જૂની અદાવતને લીધે મારામારી થાય છે કે પછી અમુક કિસ્સામાં મારનારને 'સોપારી' મળેલી હોય છે જેમાં એવા લોકોનો હાથ હોય છે જેમની પાસે સત્તા અને પૈસા બંને હોય છે.જે બિચારો વચ્ચે પડે એ જ કૂટાઈ જાય છે અને ક્યારેક તો તેનો પરિવાર પણ ખેદાનમેદાન થઈ જાય છે.આમ થવાના અજ્ઞાત ડરને લીધે મોટે ભાગે લોકો મદદ કરવા આગળ આવતા નથી.
  મુંબઈ 'ફાઈનાન્સિયલ હબ' બનવાને કારણે અહિં દેશભરમાંથી અનેક પ્રકારના લોકો આવે છે - ભણેલા, અશિક્ષિત, ઓછી વયના, વૃદ્ધ, શ્રીમંત, ગરીબ વગેરે. આમાં સમજુ અને ડિસીપ્લીન્ડ લોકોની સરખામણીએ અણસમજુ,અશિસ્ત અને અણધડ લોકોનું પ્રમાણ વધ્યું છે.છેલ્લા દશકામાં તમે જોઈ શક્ષો કે લાગણી,પ્રેમ,હૂંફ,માયા અને મમતાનું સ્થાન ઇર્ષ્યા,દંભ અને આડંબર,ચડસાચડસી અને ખોટા ‘શો-ઓફે’ લઈ લીધું છે.લોકોનું બેજવાબદાર વર્તન,કોમન સેન્સનો અભાવ,મારામારી-ગાળાગાળી,અશ્લીલતા,સ્ત્રીઓની છેડતી,બળાત્કાર,ચોરી,લૂંટફાટ, વૃદ્ધોની હત્યા કે સતામણી આ બધી ઘટનાઓ રોજબરોજ વધતી જ જાય છે જે ખરેખર ચિંતાનો વિષય છે.
  બીજીબાજુ જોવા જઈએ તો બોમ્બ-ધડાકા કે વરસાદના પાણી ભરાઈ જાય ત્યારે આમ આદમી પોતાનાથી બનતી બધી જ મદદ કરવા તત્પર હોય છે અને આવી વેળાએ ઘણી વાર તો તે પોતાની જાન પણ જોખમમાં મૂકી દેતાં અચકાતો નથી.
  આજે જરૂર છે એકતા કેળવવાની અને અનિષ્ટ તત્વો સામે માથુ ઉંચકવાની. બ્લોગમાં તમે લખ્યા મુજબ કેન્ડલ માર્ચ યોજી કે સરઘસો કાઢીને કે પછી મરીન લાઈન્સની દિવાલો પર પેઇન્ટીંગ કરીને કંઈ વળવાનું નથી કારણ આ વખતનો ઉત્સાહ થોડા જ સમયમાં ઓસરી જતાં ફરી બધા નિષ્ક્રિય થઈ પોતપોતાના કામ ધંધે લાગી જાય છે અને આમાંથી કોઈ નિષ્કર્ષ નિકળતો નથી.
  આવા પ્રકારના બ્લોગ દ્વારા જાગરૂકતા ફેલાવવા બદલ ધન્યવાદ.
  - આરતી વાય. શાહ

  જવાબ આપોકાઢી નાખો