Translate

રવિવાર, 31 મે, 2020

ગેસ્ટ બ્લોગ : ઈરફાન ખાનનો પત્ર

‘આપણે જે ઈચ્છીએ છીએ, આપણને એ આપવા માટે જિંદગી બંધાયેલી નથી –માર્ગારેટ મિશેલ.

અનપેક્ષિત ઘટનાઓ અને પરીસ્થિતિઓ આપણને વિકાસ કરવાની તક આપે છે. મારી જિંદગીના છેલ્લા થોડાક દિવસો કંઈક આવી જ અણધારી પરીસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મને ન્યુરો-એન્ડોક્રાઈન ટ્યુમર ડાયોગ્નોસ થયું છે, એ હકીકતનો સ્વીકાર કરવો મુશ્કેલ છે પણ જે પ્રેમ અને હિંમત મને મારી આસપાસ રહેલા લોકોમાંથી અને મારી પોતાની જાત પાસેથી મળી છે, એના આધારે મને થોડી-ઘણી આશાઓ બંધાઈ છે.

કેન્સરને હરાવવા માટેની એક લાંબી મુસાફરી મને દેશની બહાર લઈ જઈ રહી છે પણ તમે શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ રાખજો. હું આશા રાખું છું કે મારી મુસાફરી અને કેન્સર સામેની લડત વિશેની રસપ્રદ વાતો કહેવા માટે, હું જલદી પાછો ફરીશ.’

૧૬ માર્ચ, ૨૦૧૮ બપોરે ત્રણ વાગ્યે પોતાના ટ્વીટર હેન્ડલ પર ઈરફાને કરેલી આ પહેલી ટ્વીટ હતી. પોતાને કેન્સરનું નિદાન થયું છે, એ વાતની જાણ થયા પછી, તેમણે આ સમાચાર પોતાના ચાહકો અને મિત્રો સાથે ટ્વીટર પર શેર કરેલા.

ત્યાર પછી જુન ૨૦૧૮માં લંડનની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક્ટર ઈરફાન ખાને પોતાના મનોભાવો રજુ કરતો એક પત્ર લખેલો. આ પત્ર તેમણે પોતાના પત્રકાર મિત્ર અને ફિલ્મ ક્રિટિક અજય બ્રમ્હાત્માજને લખેલો.

ફિલોસોફી, ઈનસાઈટ, આધ્યાત્મ અને ઈન્ટેલીજન્સની દ્રષ્ટિએ કોઈપણ મનુષ્ય દ્વારા લખાયેલો આ એક માસ્ટર-પીસ હતો. કોઈપણ મનુષ્ય જેનામાં થોડીઘણી પણ સંવેદના છે, એ આ પત્ર વાચીને જરૂર રડશે. (રૂમાલ સાથે રાખજો.)

***

‘થોડા મહિનાઓ પહેલા મને અચાનક જાણ થઈ કે મને હાઈ ગ્રેડ ન્યુરો-એન્ડોક્રાઈન ટ્યુમર છે. બીમારી તો દૂરની વાત, મારા માટે તો આ શબ્દ જ નવો હતો. થોડા રિસર્ચ પછી મને ખબર પડી કે આ એક અસામાન્ય અને રેર કંડીશન છે અને માટે જ એના પર વધુ અભ્યાસ નથી થયો. સ્વાભાવિક રીતે, એની સારવાર પણ અનિશ્ચિત હોવાની. મને એ સમજતા વાર ન લાગી કે હવે હું એક ટ્રાયલ એન્ડ એરર ગેમનો હિસ્સો હતો.

અત્યાર સુધીની મારી જિંદગી, કોઈ સુપરફાસ્ટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી હતી. હું પુરપાટ ઝડપે મારા સપનાઓ તરફ આગળ વધી રહ્યો હતો. મારા પ્લાન્સ તો સાવ અલગ જ હતા. કેટલીક ઝંખનાઓ હતી, કેટલીક અપેક્ષાઓ હતી. અધૂરા સપનાઓ હતા અને ડેસ્ટીનેશન સુધી પહોંચવાનો મક્કમ ઈરાદો હતો. હું મારા સપનાઓમાં ખોવાયેલો હતો, એ જ સમયે કોઈએ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘તમારું સ્ટેશન આવી ગયું. પ્લીઝ ઉતરી જાઓ.’ મેં પાછળ ફરીને જોયું તો ટી.સી. ઉભા હતા.

મેં કહ્યું, ‘ના, આ મારું સ્ટેશન નથી. મારે તો હજી બહુ આગળ જવાનું છે.’

સામેથી જવાબ આવ્યો, ‘યુ હેવ રીચ્ડ યોર ડેસ્ટીનેશન. આગળના કોઈ સ્ટેશને ઉતરી જજો.’

અને અચાનક મને પ્રતીતિ થઈ કે હું કોઈ અજાણ્યા દરિયામાં અણધાર્યા મોજાની વચ્ચે  બોટલના બુચની જેમ તરી રહ્યો છું. અને હું એવી ગેરસમજણમાં હતો  કે હું આ મોજાને કાબુમાં કરી લઈશ. મેં મારા દીકરાને કહ્યું કે અત્યારે હું વધારે કંઈ જ નથી ઈચ્છતો. બસ, મારે આ ભય અને ચિંતાની અવસ્થામાં બાકીના દિવસો નથી કાઢવા. હું જીવન પાસેથી બસ એટલી જ અપેક્ષા રાખું છું કે હું મારા પગ પર ઉભો રહી શકું અને એક સામાન્ય જીવન પસાર કરી શકું.

થોડા દિવસો પછી હું એક હોસ્પિટલમાં દાખલ થયો. મેં મારા જીવનમાં ક્યારેય આટલી બધી પીડાની કલ્પના નહોતી કરી. થોડી ઘણી પીડા થશે, એની મને જાણ હતી પણ આટલી બધી પીડા ? એવું લાગતું હતું કે આ પીડાનો કોઈ અંત જ નહીં આવે. એ પીડાની તાકાત એટલી બધી હતી કે  એને કશું પણ અસર કરતું નહોતું. કોઈ કોન્સોલેશન નહીં, કોઈ મોટીવેશન નહીં. અલ્લાહની તાકાત કરતા પણ આ પીડા વધારે શક્તિશાળી લાગતી હતી.

હોસ્પિટલના રૂમની બાલ્કનીમાંથી મને બહારનું દ્રશ્ય દેખાતું હતું. મારી બરાબર ઉપર કોમા વોર્ડ હતો. રસ્તાની એક બાજુ પર મારી હોસ્પિટલ હતી અને સામેની બાજુએ લોર્ડઝનું મેદાન. વિવિયન રિચાર્ડ્સનું એક સ્માઈલિંગ પોસ્ટર મને દેખાતું હતું. લોર્ડ્ઝનું મેદાન. મારા બાળપણના સપનાઓ અને ક્રિકેટનું મક્કા. ત્યારે મને લાગ્યું કે જીવન અને મૃત્યુની રમત વચ્ચે બસ એક રસ્તાનું જ અંતર છે. રસ્તાની આ બાજુ હોસ્પિટલ અને સામેની બાજુએ સ્ટેડીયમ. મને એવું લાગી રહ્યું’તું કે ન તો હું હોસ્પિટલનો ભાગ છું, ન તો સ્ટેડીયમનો. ત્યારે મને એ મેદાન જોઈને કોઈ એક્સાઈટમેન્ટ ન થયું. એવું લાગ્યું કે  નથીંગ મેટર્સ ઈન લાઈફ. આ વિશ્વ ક્યારેય મારું હતું જ નહીં.

મારામાં જે કાંઈ પણ બાકી હતું, એ ફક્ત બ્રમ્હાંડની કોઈ અદ્રશ્ય શક્તિ કે યુનિવર્સલ વિસ્ડમને કારણે જ બાકી હતું. મારું મન કહેતું હતું કે અનિશ્ચિતતા જ નિશ્ચિત છે. બસ, આ જ પ્રતીતિ મને તૈયાર કરી રહી હતી સમર્પણ અને વિશ્વાસ માટે. આજથી ચાર મહિના, આઠ મહિના કે બે વર્ષ પછી, પરિણામ જે પણ હોય, મને એની હવે કોઈ ચિંતા નથી. જીવન-મૃત્યુની ગણતરીઓ અને વિચાર હવે મારા મનમાંથી નીકળી ચુક્યા છે.

મને જિંદગીમાં પહેલીવાર ‘આઝાદી’નો સાચો અર્થ સમજાઈ રહ્યો છે. કોઈ સિદ્ધિ મેળવ્યાની અનુભૂતિ. જાણે જાદુઈ જિંદગીનો સ્વાદ હું પહેલીવાર માણી રહ્યો છું. આ બ્રમ્હાંડની શક્તિ, સમજણ અને ઈન્ટેલીજન્સમાં મારો વિશ્વાસ વધુ દ્રઢ બની રહ્યો છે. આ વિશ્વાસ મારા દરેક કોષમાં પ્રવેશી ચુક્યો છે. મારો આ વિશ્વાસ ક્યાં સુધી ટકે છે ? એ તો સમય જ કહેશે. પણ અત્યારે હું એ અનુભવી રહ્યો છું કે આખા વિશ્વના લોકો મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. એવા લોકો જેમને હું ઓળખતો પણ નથી. અલગ અલગ ટાઈમ-ઝોન અને પ્રદેશોમાંથી લોકો મને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેમની પ્રાર્થનાઓ સાથે મળીને એક પ્રચંડ શક્તિ અને ઉર્જા જન્માવી રહી છે અને એ ઉર્જા મારી અંદર પ્રવેશી રહી છે.

મારા શરીરમાં રોપાયેલી એ ઉર્જા અંકુરિત થઈને ક્યારેક કળી બને છે, ક્યારેક પાંદડું તો ક્યારેક ડાળી. હું આશ્ચર્ય, કુતુહુલતા અને ખુશીથી એમને જોયા કરું છું. મારામાં ઉગી રહેલી દરેક કુંપળ, દરેક પાન, દરેક ફૂલ લોકો દ્વારા કરાયેલી સામુહિક પ્રાર્થનાનું પરિણામ છે. તેઓ મને એક નવું વિશ્વ દેખાડી રહ્યા છે. એ રીયલાઈઝેશન હજુ પણ મનમાંથી નથી જતું કે વિશાળ દરિયાની સપાટી પર ફ્લોટ થઈ રહેલા એક નાનકડા એવા બુચની વિસાત કેટલી છે ? અને એ મોજા પર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ ન કરવો, કેટલો જરૂરી છે. એવું લાગે છે જાણે કુદરતનું પારણું મને ઝુલાવી રહ્યું છે.’

-ઈરફાન

ભાવાનુવાદ : ડૉ. નિમિત્ત ઓઝા (ઈરફાન જેવા લોકો રીસાયકલ નથી થતા. તેઓ વૈશ્વિક ચેતનામાં ભળી જતા હોય છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો