વિશ્વનાં સૌથી ઉંચા પૂતળાઓની વાત કરીએ તો આંખ સામે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની છબી ખડી થાય પણ એ ત્યાં સુધી જ્યાં સુધી તમે આપણાં પોતાના ભારત દેશમાં આવેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આપણાં ગુજરાતમાં વડોદરા નજીક કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ન પામ્યાં હોવ ત્યાં સુધી જ. કારણ એક વાર આ ભવ્યાતિભવ્ય પૂતળાને પ્રત્યક્ષ જોઈ લેશો પછી તો એની અસર એટલી મોહક સાબિત થશે કે તે દિવસો સુધી તમારા દીલોદિમાગ પર છવાયેલ રહેશે.
તથ્યોની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ ૨૦૦૮ સુધી અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત ફ્રાન્સે અમેરિકાને ભેટમાં આપેલ રોમન સ્વતંત્રતાની દેવી લિબર્ટીનું જમણા હાથમાં મશાલ ધારણ કરેલું આ પૂતળું વિશ્વનું સૌથી ઉંચુ પૂતળું હતું. પેરિસનો એફિલ ટાવર જેણે બાંધ્યો હતો તે ફ્રેંચ આર્કિટેક્ટ ગુસ્ટેવ એફિલ દ્વારા આ તાંબાના પૂતળાનું ફ્રેમવર્ક તૈયાર કરાયું હતું અને તેને ફ્રેંચ શિલ્પકાર ફ્રેડરિક ઑગસ્તે બાર્થોલ્ડીએ ડિઝાઇન કર્યું હતું. ફ્રાંસની પ્રજા દ્વારા ૧૮૮૬ની ૨૮મી ઓક્ટોબરે આ પૂતળું અમેરિકાની પ્રજાને ભેટમાં અર્પણ કરાયું હતું. આ પૂતળાની ઉંચાઈ છે ૯૩ મીટર (૩૦૫ ફીટ) જેમાં ૪૭ મીટર (૧૫૪ ફીટ) ઉંચો તેનો પાયો છે.
પહેલી સપ્ટેમ્બર ૨૦૦૮માં ચીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડી નાંખ્યો તેનાથી ઉંચુ ગૌતમ બુદ્ધનું પૂતળું બનાવીને. ૧૫૩ મીટર (૫૦૨ ફીટ) ઉંચા આ પૂતળામાં ૨૫ મીટર (૮૨ ફીટ)નો આધાર અને ૨૦ મીટર ઉંચુ પુષ્પકારનું આસન છે. ચીનના હેનન પ્રાંતમાં આવેલ આ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ પ્રતિમા જેવી તો બીજી પણ અનેક ઉંચી પ્રતિમાઓ વિશ્વના અન્ય દેશોમાં બની.
પણ એક ભારતીય તરીકે આપણને સૌને ગૌરવ થાય એવી ઘટના વર્ષ ૨૦૧૮માં બની. એ હતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા - સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની. વર્ષ ૨૦૧૦માં ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્વપ્ન સેવ્યું, વર્ષ ૨૦૧૩માં તેને આકાર આપવાની શરૂઆત કરી અને તેની પૂર્ણાહુતિ થઈ સરદાર(૧૮૭૫ –૧૯૫૦)ની ૧૪૩મી જન્મજયંતિ એટલે કે ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે.
આજે કોઈ પ્રશ્ન પૂછે કે વિશ્વનું સૌથી ઉંચુ પૂતળું કયું અને તે કયા દેશમાં છે? તો આપણે ગર્વથી કહી શકીએ કે એ ભારતમાં છે, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી.
આ પૂતળું કુલ ૧૮૨ મીટર (૫૯૭ ફીટ) ઉંચુ છે જે તેની પહેલાના વિશ્વના સૌથી ઉંચા ચીનના સ્પ્રિંગ ટેમ્પલના ગૌતમ બુદ્ધના પૂતળા કરતાં ૫૪ મીટર (૧૭૭ ફીટ) વધુ ઉંચુ છે.
ભારતની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કુલ ૨૯૮૯ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યું જેનાં ડિઝાઇનર છે ભારતના શિલ્પકાર રામ વી. સુતાર.
આ પ્રવાસન સ્થળ પાછલા દોઢ જ વર્ષમાં અતિ પ્રખ્યાત થઈ ચૂક્યું છે અને કરોડો લોકો ત્યાંની મુલાકાત લઈ ચૂક્યા છે. મેં સપરિવાર ત્યાંની મુલાકાતનો લ્હાવો લીધો હતો ડિસેમ્બર ૨૦૧૯માં. ત્યાં જવા સાથે અનાયાસે સૌભાગ્ય પ્રાપ્ત થયું અત્યાર સુધીમાં મેં જોયેલા સૌથી સુંદર મંદિર એટલે કે વડોદરા નજીક પોઈચા ખાતે આવેલા નીલકંઠધામના સ્વામીનારાયણ મંદિરની મુલાકાતનું. આ પ્રવાસવર્ણનની મધુર સ્મૃતિઓ વાગોળીશ અને વહેંચીશ તમારા સૌ સાથે હવે પછીના કેટલાક બ્લોગ લેખો દ્વારા.
નવેમ્બર ૨૦૧૯માં કચ્છના રણોત્સવની મજા માણ્યા બાદ એકાદ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી એવા સંજોગો ઉભા થયા કે બે - ત્રણ દિવસનો સમય હતો ક્યાંક નજીક ફરી આવવા. ઘણાં વખતથી ઇચ્છા હતી જ અર્વાચીન વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામેલા ભારતના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની. મારી શિક્ષિકા બહેન તેજલ અને તેની શાળાના સ્ટાફે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આયોજન કર્યું અને ત્યાંની ઓનલાઇન ટિકિટ બુક કરવાનું કામ મને સોંપ્યું. મેં એ કર્યું અને એ પ્રોસેસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વેબસાઇટ પર ત્યાંની માહિતી વાંચી અને ફોટા જોયા અને મારાથી રહી ના શકાયું મારો પોતાનો પણ ત્યાં જવાનો પ્લાન બનાવવાનું નક્કી કર્યું. મારી બહેન અને તેના સાગરીતો તો સવારે જઈ સાંજે પાછા ફરવાના હતાં, પણ મને આટલા ટૂંકા પ્રવાસની ઈચ્છા નહોતી. જઈએ તો ત્યાં રોકાવું અને આસપાસના અન્ય જોવાલાયક સ્થળો પણ જોવા જવું એવું મનમાં ઠરાવ્યું અને ખાંખાંખોળા શરૂ કર્યા બધી માહિતી એકત્ર કરવા.
ઓલ ઈન્ડિયા રેડિયો પર મારી સાથે વિદેશ પ્રસારણ માટે ગુજરાતી સમાચાર વાંચતા મારા મિત્ર જ્યોતિબેન લાઈજવાલા અગાઉ બે વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આવ્યા હતા એટલે એમની સલાહ લીધી અને જાણવા મળ્યું કે ત્યાંથી ચાલીસેક કિલોમીટર દૂર પોઈચા નામનાં ગામમાં નીલકંઠધામ નામનું સ્થળ છે જેના પ્રાંગણમાં સ્વામી નારાયણનું મંદિર છે અને રહેવા માટે ખૂબ સારી સગવડ છે. તેમની પાસેથી ત્યાંનો નંબર મેળવી લીધો.ત્યાં વાત કરી રહેવાનું બુકિંગ થઈ શકશે એ સુનિશ્ચિત કરી લીધું. તેમની પાસે થી જ વડોદરાથી પોઈચા લઈ આવે એ માટે વાહન વ્યવસ્થા અંગે પૃચ્છા કરતા અતિ પ્રેમાળ અને પછી તો મિત્ર બની ગયેલા એવા દરબાર ભાઈનો નંબર મેળવી તેમની સાથે વડોદરાથી પોઈચા જવા તેમની ગાડી બુક કરી લીધી. અમારી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઇન બુક કરી લીધી અને ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ ગુરુવારની રાત્રે વડોદરા એક્સ્પ્રેસમાં બેસી પહોંચી ગયા ગુજરાત - વડોદરા!
(ક્રમશ:)
***
ભાગ - ૨
-----------
૧૩મી ડીસેમ્બર ૨૦૧૯ ના શુક્રવારની વહેલી સવારે વડોદરા પ્લેટફોર્મની બહાર નીકળ્યા એટલે સામે જ નક્કી કરેલી જગાએ સફેદ રંગની ગાડી અમારી રાહ જોઈને ઉભેલી જોવા મળી. દરબાર પોતે અમને લેવા આટલી બધી વહેલી સવારે પાંત્રીસેક કિલોમીટરનો પ્રવાસ ખેડી પોઈચાથી વડોદરા આવ્યા હતા. સસ્મિત તેમણે મને અને મારા પરિવારને ગાડીમાં સામાન સહિત આરામદાયક રીતે ગોઠવ્યો. અને અમે પોઈચા જવા રવાના થયા. માર્ગમાં અમે અલકમલકની વાતોએ વળગ્યાં. બે - અઢી કલાકનો રસ્તો હતો. દરબાર ખૂબ મજાના માણસ હતા. નીતિવાન, પ્રમાણિક, મળતાવડા, હસમુખા અને મારાથી કદાચ ચાર - પાંચ વર્ષ મોટા હશે. તે સામેથી કહે તેમને પણ અમારી સાથે ખૂબ સારું ફાવશે. ત્રણેક દિવસ મારે હવે તેમની જ ગાડીમાં ફરવાનું હતું. બ્રહ્મ મુહૂર્ત પછીના પ્રહરમાં રસ્તા પર અમારી ગાડી સડસડાટ આગળ વધી રહી હતી. તેમણે ટેપ પર ધીમા અવાજે સુંદર ભજન ચાલુ કર્યા હતાં. રસ્તો ખાલી હતો, પણ તેમની વાહન હંકારવાની ઝડપ એક નિયત મર્યાદા કરતા વધુ આગળ જતી ન હતી. અમી અને બાળકો સૂઈ ગયાં હતાં. અમે બે જણાં આગળના મારા ફરવા અંગેના પ્લાનની, ધર્મની, તેમની યાદોના પટારામાંથી કહેવા લાયક પ્રસંગોની, દેશની, સરકારની વગેરે અનેક વિધ વિષયો પરની વાતો કર્યે જતાં હતાં. આખરે પોઈચા નજીક આવવા થયું. નીલકંઠ ધામનું ભવ્ય પ્રવેશ દ્વાર અંદર અમે કેટલી વિશાળ સુંદર પવિત્ર ભૂમિ પર પગ મૂકવા અને ત્યાં રહેવા જઈ રહ્યા હતા તેની ચાડી ખાતું હતું.
આજે આખો દિવસ અમારે કેવડિયામાં પસાર કરવાનો હતો, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી નવી અને મોટી પ્રતિમા ના સાન્નિધ્યમાં. અને આ માટે અમે નીલકંઠ ધામ પહોંચી ગયા, ત્યાર બાદ બે ત્રણ કલાકમાં ફ્રેશ થઈ, ચા પાણી પી, દરબારનો અન્ય એક ડ્રાઇવર અમને તેની ગાડીમાં લઈ જવાનો હતો અને સાંજે દિવસ પૂરો થયે ફરી અમને ચોક્કસ જગાએથી પિક અપ કરવાનો હતો. સમય મર્યાદિત હોવાથી પ્રથમ દિવસે નીલકંઠ ધામની ભવ્યતા, શાંતતા, પવિત્રતા, સુંદરતા હજી ઠીક ઠીક શ્વાસમાં ભરી અને અમે પહોંચી ગયા કેવડિયા.
સુવ્યવસ્થિત આયોજન સાથે આખા એક નવા નગરની અહીં રચના કરવામાં આવી છે. સૌથી ઊંચી પ્રતિમા સાથે જ પ્રવાસનના અન્ય પણ એક થી ચડિયાતા એક આકર્ષણ અહીં ઉભા કરવામાં આવ્યાં છે અને કેટલાક નવા સ્થળો હજી વિકસિત કરાઈ રહ્યાં છે. મેં ડ્રાઇવર ને કહ્યું મને માર્ગમાં અન્ય પણ કોઈ જોવાલાયક સ્થળ કે મંદિર આવે તો અમને ત્યાં લઈ જાય. સૌ પ્રથમ એ અમને લઈ ગયો રાજપીપળા જિલ્લાના હરસિદ્ધિ મા ના મંદિરે. બાજુમાં જ ગાયત્રી માનું પણ એક મોટું મંદિર હતું, ત્યાં પણ દર્શન કર્યા અને ત્યાંથી પછી અમે જઈ પહોંચ્યા કેવડિયાની હદમાં. અહીં પણ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં માથું ટેકવ્યું અને પછી પુલ પરથી પસાર થતી ગાડી માં થી ભવ્ય પ્રતિમા સામે જોયા કર્યું. થોડી જ વારમાં અમે એ પ્રતિમાના ચરણોમાં જઈ પહોંચવાના હતાં. અમે બધાં ખૂબ ઉત્સાહિત હતાં.
(ક્રમશ:)
***
ભાગ - 3
------------
ગાડીમાં બેઠા બેઠા દૂરથી જ જેવી સરદારની પ્રતિમાનો ટોચનો ભાગ દેખાવાનો શરૂ થાય કે તમને એક ભવ્ય અનુભવનો ભાગ બનવા જઈ રહ્યાંની લાગણી મનમાં ગલગલિયા કરવા લાગે. નદીના પુલ પરથી પસાર થાવ, તમારી ગાડી મૂકી દઈ તેની ખાસ બસમાં બેઠાં બેઠાં, પ્રતિમાની નજીક જતા હોવ કે છેલ્લે કેવડીયાના એ સુંદર સ્થળે ખરેખર પહોંચી જાવ ત્યાં સુધી તમારી આંખો તો સરદારની એ ભવ્ય ડાર્ક લીલાશ ઝાંય ધરાવતા કાળા પત્થરની બનેલી વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ પર જ ખોડાયેલી રહેવાની! સ્મારક સ્થળે પહોંચો એટલે પ્રવેશ દ્વાર પાસે એક સુંદર દિવાલ ચણેલી છે, જેને નામ અપાયું છે - વોલ ઓફ યૂનિટી અર્થાત્ એકતાની દિવાલ. ભારત ભરના દરેક રાજ્યની ભૂમિની માટી લાવી તેને મિશ્ર કરી તેમાંથી આ દિવાલ બનાવવામાં આવી છે. અહીંથી અતિ વિશાળ પ્રાંગણમાં આખું આ પ્રવાસન સ્થળ ફેલાયેલું છે,જેને અનેક ખૂબીઓ ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. વોલ ઓફ યુનિટીથી ખરેખર સ્ટેટયુ ઓફ યૂનિટી પહોંચવા તો હજી તમારે કેટકેટલાં અંતરો કાપવાના રહે છે! શમિયાના જેવા કાયમી સભામંડપની છાયામાં ચાલ્યાં જવાનું, ચાલ્યાં કરવાનું. થાક ન લાગે એ માટે સ્વયં સંચાલિત જમીનને સમાંતર દિશામાં એસ્કેલેટરની પટ્ટીઓ દોડયા કરતી હોય ખાસ્સા એકાદ - બે કિલોમીટરના સ્ટ્રેટચ સુધી, તેના પર ઉભા રહી જવાનું. એક પૂરી થાય એટલે તરત બીજી શરૂ અને બીજી પૂરી થયે ત્રીજી... એ છેક તમને સરદારની પ્રતિમાના સ્થળ સુધી લઈ જાય. હવે હોરીઝોન્ટલ એસ્કેલેટરનું સ્થાન લઈ લે, વર્ટિકલ એસ્કેલેટર! પચ્ચીસ - પચાસ માળ સુધી એક પછી એક એસ્કેલેટર આવ્યાં જ કરે. જો કે અહીં આ પાયાના સ્થળમાં જ અતિ ભવ્ય અને સુંદર સંગ્રહાલય બનાવાવામાં આવ્યું છે. વિશ્વની કોઈ શ્રેષ્ઠતમ જગાએ ફરી રહ્યાં હોવ એવી અનુભૂતિ અહીં આ મ્યુઝીયમમાં ફરતી વેળાએ થયા વગર રહે નહીં. અહીં થી જ સીધી સરદારની પ્રતિમાના છાતીના ભાગ સુધી પહોંચવા અત્યાધુનિક લિફ્ટની વ્યવસ્થા. છાતીના ભાગમાં વ્યુંઈંગ ગેલેરી બનાવાઈ છે. જો કે અહીં સુધી પહોંચતા પહેલા તમારે પહેલા હજી ઘણું નીચે જોવાનું બાકી રહે છે.
જેવા હોરીઝોન્ટલ એસ્કેલેટર પૂરા થાય એટલે તેમનું સ્થાન લઈ લે વર્ટિકલ એસ્કેલેટર. અને પચ્ચીસ - પચાસ માળ જેટલી ઊંચાઈએ ઉપર ગયા બાદ તમે પહોંચી રહો સરદારની પ્રતિમાના ચરણોમાં! જ્યાં ગોળાકાર પાયો તમને મૂર્તિની જાણે પ્રદક્ષિણા કરવા પ્લેટફોર્મ પૂરું પાડે. અહીં સરદારના અંગૂઠા અને આંગળાંની ઊંચાઈ તમારા આખા શરીરની ઊંચાઈ કરતા વધુ. એટલે તમે સરદારના ચરણોમાં ઉભા રહી જે અનુભૂતિ કરી શકો એના માટે તમારે ત્યાં પ્રત્યક્ષ જવું પડે! વિરાટ કદની પ્રતિમાના મુખ સુધી જોવા તમારે આકાશ ભણી મુખ કરી મીટ માંડવી પડે! અને ત્યારે સરદારની ભવ્યતા, વિશાળતા પ્રત્યે ગદ ગદ ભાવ અનુભવાય એ અનુભવતા ફરી એક વાર નરેન્દ્ર મોદીને હ્રદયથી વંદન કરવાનું મન થાય કે તેમણે આખરે સરદારના વ્યક્તિત્વને છાજે તેવું સન્માન તેમને બક્ષ્યું ખરું!
સરદારના પગની ચરણરજ લઈ, એ વિશાળ ગોળાકાર પ્લેટફોર્મ પર થોડો સમય પસાર કર્યા બાદ તમે અંદર જઈ અત્યાધુનિક સંગ્રહસ્થાનની મુલાકાતે જઈ શકો અને એ અગાઉ ત્યાં અંદરથી સરદારની છાતીમાં ગોઠવેલ જાળી માંથી આસપાસના સમગ્ર વિસ્તારનું વિહગાંવલોકન કરી શકો. આસપાસ હજી ઘણું ઘણું વિકાસ કાર્ય ચાલુ છે. એથી હજી શ્રેષ્ઠ વ્યૂ માટે કદાચ હજી થોડી રાહ જોવી પડશે. પણ આ સરદારની વિરાટકાય પ્રતિમાને નિહાળવાનો અને આસપાસના વાતાવરણને માણવાનો અનુભવ ચોક્કસ તમારા મનને એક અનેરી તાજગી બક્ષશે. મ્યુઝીયમ માં તમે સરદારના સમગ્ર જીવનનો ચિતાર તો મેળવી જ શકશો સાથે અહીંની આસપાસના વિસ્તારના લોકોની જીવન શૈલી, રહેણીકરણી, વનરાજી, ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાણીઓ, જંતુઓ વગેરે અનેક વિષયો પરની સચિત્ર માહિતી મેળવી શકશો.
અહીંથી બહાર આવ્યા બાદ વિશાળ પ્રાંગણમાં કતારબદ્ધ લાકડાની આરામદાયક બેઠકો ગોઠવેલી છે. સ્થળની સંકડાશ કે સંકુચિતતાનો તો તમને અહીં અનુભવ જ નહીં થાય. બેઠકોની એક તરફ સંકુલ ઉભું કરાયું છે જ્યાં ઉપર ચડી જઇ તમે સરદારની પ્રતિમાનો ઓર એક નઝારો લઈ શકો અને અહીં આ સંકુલમાં ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ તમામ બેઠકો અને સંકુલનો અન્ય આશય તમને સાંજે સ્પષ્ટ થાય. સાંજે સાત થી સાડા સાત તમને અહીં સરદાર પટેલના પૂતળા પર, દુનિયાનો સર્વ શ્રેષ્ઠ લાઇટ અને લેઝર શો જોવા મળે. એનું આકર્ષણ એટલું અદમ્ય છે કે લોકો શ્રેષ્ઠ વ્યૂ જોવા મળે એ માટે સાંજે ચાર સાડા ચારથી જ સારામાં સારી બેઠક મેળવવા બેઠક પર સ્થાન જમાવવાની શરૂઆત કરી દે છે. પણ આ જગાની ભવ્યતા અને વિશાળતા એટલા છે કે આખા પરિસરમાં તમે ક્યાંય પણ બેઠા કે ઉભા હોવ, તમે અંધારામાં લાઇટ અને લેઝર શો જોવાનું ચૂકી શકો જ નહીં.
અમે સરદારની પ્રતિમાના ધરાઈને દર્શન કર્યા બાદ, મ્યૂઝિયમમાં પણ ઓડિઓ - વિડિયો માહિતીની સારી એવી આપલે બાદ બહાર આવી ખાધું અને પછી અહીં ની હોપ - ઓન - હોપ - ઓફ બસ માં બેસી પાસે આવેલ સરદાર સરોવર ડેમ ની ઝાંખી જોવા ગયાં. ડેમ માં પાણી છોડવામાં આવ્યું હોય એ સમયે તેને જોવાની મજા પડે. અત્યારે એવું કંઈ નહોતું એટલે આસપાસનાં દ્રશ્ય જોઈ પાસેના અન્ય એક બે આકર્ષણ સમા ફૂલોનાં ઉદ્યાન અને પતંગિયા બાગ જોયાં. રસ્તામાં ડીનોસૌરનો એક પાર્ક તૈયાર થઈ રહેલો નજરે ચડયો. જાણ થઈ કે કચ્છ રણોત્સવમાં છે એવી ટેન્ટસીટી અહીં પણ ઉભી કરાઈ છે એટલે રાત્રે તમે આ નર્મદા ટેન્ટસીટીમાં રાતવાસો કરી શકો તેવી પણ વ્યવસ્થા છે.
સાંજે આસપાસ ત્યાં થોડું ફર્યાં, મકાઈ ખાધી, ખીચું ખાધું. ચા પી, સૂર્યાસ્ત જોતા ફરી સરદાર પ્રતિમા પાસે આવ્યાં. અને પછી જેની ભારે જોરો શોરો થી રાહ જોવાઈ રહી હતી તે સૌથી મોટા આકર્ષણ ની શરૂઆત થઈ! સરદાર પટેલની વિરાટકાય ઊંચી પ્રતિમા પર અંધારામાં, સુંદર મજાના અવાજ સાથે લેઝર ના રંગબેરંગી કિરણો ફરી રહ્યાં. આ જે શો હતો, એવો શો કોઈ પ્રતિમા ઉપર મેં ન ક્યારેય જોયો હતો. વિશ્વ ભરમાં આકર્ષણ બની રહે એવો આ શો આપણે દરેક ભારતીયે ઓછામાં ઓછો એક વાર જોવો જ જોઈએ, એવો મારો ખાસ આગ્રહ છે. તેની સુંદરતા અને ભવ્યતા નું હું કદાચ શબ્દોમાં વર્ણન નહીં કરી શકું, પણ હું ચોક્કસ દાવા સાથે કહી રહ્યો છું કે એ જોતી વખતે મારા જ નહીં પણ સમગ્ર પ્રેક્ષક ગણ માંથી ઉત્સાહ, આનંદ, ગર્વ અને કંઈ કેટલીયે લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હશે. સૌના રૂવાડાં ચોક્કસ ઉભા થઈ ગયા હશે!
(ક્રમશ :)