થોડા સમય અગાઉ જ મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટીક પર બંધ લાગુ કર્યો છે અને જવાબદાર નાગરીકોએ ઉત્સાહપૂર્વક તેમાં સહભાગી થઈ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ વાપરવાનું બંધ પણ કરી દીધું છે. પ્લાસ્ટીકથી પર્યાવરણને ખાસ્સુ નુકસાન થાય છે. પ્લાસ્ટીકનું કુદરતી રીતે અન્ય પદાર્થોની જેમ વિઘટન થતું નથી અને તેથી તેનો નાશ ન થઈ શકતા તે વર્ષોના વર્ષો સુધી જમીન પર કે દરિયામાં પડ્યું રહે છે.પ્રાણીઓ તેને ખાઈ જાય તો તેમના પેટમાં પણ તે પચી ન શકતા તેમનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે કે મોતને નોતરે છે. શહેરના પાણીનો નિકાલ કરતાં સ્થળોએ પણ જો પ્લાસ્ટીક વધુ માત્રામાં જમા થાય તો તે ગટર-નદી-નાળાનો માર્ગ બંધ કરી દે છે અને પૂર જેવી સ્થિતી સર્જે છે. આમ પ્લાસ્ટીક સસ્તુ અને ટકાઉ હોવા છતાં તેનાથી થતું નુકસાન ભરપાઈ ન થઈ શકે તેટલું હોવાથી વૈશ્વિક સ્તરે હવે સભાનતા કેળવાતા તેના પર બંધ જેવા પગલાં લેવામાં આવ્યાં છે અને તેનો આપણે સૌએ સ્વેચ્છાએ અમલ કરવો જોઇએ.
ઘણી વાર આપણે સારા અભિયાનમાં સહભાગી થવું હોય છે પણ આપણે મુંઝાઈ જતા હોઇએ છીએ કે કઈ રીતે આપણે સારી વાત અમલમાં મૂકવી. દાખલા તરીકે રસ્તામાં ચાલતી વખતે કચરા પેટી દેખાય નહિ તો આપણે વિચારતા હોઇએ છીએ કે કચરો ક્યાં નાખવો? કંઈ ન સૂઝતા પછી આપણે એ રસ્તા પર જ ફેંકી દેતા હોઇએ છીએ. પણ જો તમે ખરેખર સારા એવા કોઈ અભિયાનમાં સહભાગી થવા ઇચ્છતા હોવ તો થોડો વધુ વિચાર કરી મક્કમ નિર્ધાર કરવાની જરૂર છે. જેમ કે રસ્તામાં કચરો ફેંકવાની સ્થિતી ઉભી થાય ત્યારે તેને કચરાપેટી ન દેખાય ત્યાં સુધી ખિસ્સામાં મૂકી રાખો કે તમારી પાસે કોઈ હાથવગી થેલી કે ડબ્બો રાખો અને તેમાં કચરો ભરી રાખો જ્યાં સુધી કચરો નાખવાની યોગ્ય જગા ન જડે. પ્રવાસ કરતી વખતે કે કોઈ નવા સ્થળે જતી વખતે પણ એક કચરાની અલગ થેલી સદાયે આપણી પાસે રાખીએ.
ખેર, આજે આ બ્લોગ થકી એક નવા સ્વચ્છતા અભિયાનની વાત કરવી છે જે અનેક રીતે નવીન, આકર્ષક અને અનોખું છે. ProjectMumbai.org નોન-પ્રોફિટ સંસ્થાના આ અભિયાનનું નામ છે મુંબઈ પ્લાસ્ટીક રીસાયક્લોથોન.
ગાંધીજી સ્વચ્છતાના ખુબ આગ્રહી હતા અને આ અભિયાનની શરુઆત સૂચક રીતે ગાંધીજયંતિને દિવસે એટલે કે ૨જી ઓક્ટોબરથી થઈ રહી છે! ગાંધીજીને અને તેમના આદર્શોને આટલી સરસ અંજલિ બીજી કોઈ રીતે આપી શકાય નહિ! ભારતમાં દર વર્ષે ઓક્ટોબર માસમાં સપ્તાહ સુધી દાન ઉત્સવ ઉજવાય છે.આ વર્ષે દાન ઉત્સવની શરુઆત પણ જે દિવસથી થવાની છે તે જ દિવસથી મુંબઈ પ્લાસ્ટીક રીસાયક્લોથોન પણ શરુ થશે. બીજું જો તમે આ અભિયાનમાં જોડાવા માટે નામ નોંધાવશો તો તમારે ઘેરથી પ્લાસ્ટીકનો કચરો અભિયાન સાથે સંકળાયેલા કાર્યકરો લઈ જશે. ત્રીજું આ બધો પ્લાસ્ટીકનો કચરો જમા થશે એનો નિકાલ સર્વોત્તમ રીતે થશે. આમ તો પ્લાસ્ટીકનો નાશ સુરક્ષિત રીતે કરવાની કોઈ સરળ વૈ જ્ઞાનિક પદ્ધતિ હજી સુધી શોધાઈ નથી. પરંતુ જેનો નાશ શક્ય નથી તેનો બીજી રીતે ઉપયોગ કરી લેવામાં આવે તો કેટલું સારું! અભિયાનમાં એકઠો થયેલ કચરો બે રીતે ઉપયોગમાં લેવાશે. તેને રીસાયકલ કરી તેમાંથી ૧૦૦ જેટલી બેસવાની બેન્ચ બનાવવામાં આવશે જે જાહેર સ્થળોએ - બાગ-બગીચામાં (ખાસ કરીને વરીષ્ઠ નાગરીકો માટે) બેસાડાશે અને બીજું આ રીસાયકલ્ડ પ્લાસ્ટીકમાંથી અર્જણ ખંભાતા નામનાં પ્રખ્યાત શિલ્પ-કલાકાર દ્વારા કલાકૃતિ સર્જવામાં આવશે જે મુંબઈના કોઈ જાહેર સ્થળે સ્થાપિત કરાશે. આ કલાકૃતિનો આશય સ્વચ્છતા અને પ્લાસ્ટીકના રીસાયકલિંગ અને રીયુઝ અંગે જાગૃતિ ફેલાવવાનો છે . રીસાયકલ્ડ પ્લાસ્ટીકમાંથી કચરાપેટીઓ બનાવવાની પણ નેમ છે.
આ અભિયાનમાં નાગરિકો, કોર્પોરેટ સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, હાઉસિંગ સોસાયટીઓ જોડાઈ શકશે. જુદી જુદી એન.જી.ઓ. સંસ્થાઓ સાથે જોડાયેલ અનેક યુવાનો અને કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાયા છે. બીજી ઓક્ટોબરે દાદર, માહિમ, વરલી અને જુહૂ બીચ ક્લીન અપ કાર્યક્રમો હેઠળ મુંબઈના દરિયા કિનારાઓ પરથી પ્લાસ્ટીકનો કચરો એકઠો કરાશે અને આ અભિયાન હેઠળ દાનમાં આપવામાં આવશે.કચરો દાનમાં આપી તમે પણ લોકકલ્યાણના આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ શકો છો. ઓક્ટોબર બીજી થી આઠમી તારીખ વચ્ચે આ અભિયાન દ્વારા ૨૫૦ ટન પ્લાસ્ટીક એકઠું કરવાનો સંસ્થાનો ઉદ્દેશ છે. જો તમે તમારા ઘેરથી કે સોસાયટીમાંથી પ્લાસ્ટીકનો કચરો અભિયાનના કાર્યકર્તાઓ દ્વારા લઈ જવાય એમ ઇચ્છતા હોવ તો ૩૦મી સપ્ટેમ્બર પહેલા www.projectmumbai.org વેબસાઈટ પર નામ-નોંધણી કરાવી દો. આ જ વેબસાઈટ પર અથવા 9820085853 આ નંબર પર કોલ કરી શિશિર જોશી પાસેથી આ અભિયાન અંગે વધુ માહિતી મેળવી શકો છો.
વેબસાઈટ પર રજિસ્ટર કરવાનું ચૂકી ગયા તો પણ આઠમી ઓક્ટોબર બાદ તમે ચોક્કસ નિયત કરાયેલા ડ્રોપ ઓફ પોઇન્ટ્સ પર તમારો પ્લાસ્ટીકનો કચરો પોતે જઈને જમા કરાવી શકશો. MCGM પણ આ અભિયાનમાં જોડાવાનું છે.
તમે પોતે વ્યક્તિગત રીતે કે તમારી આસપાસ આડોશ-પાડોશમાં આ અભિયાન અંગે લોકોને જાણ કરી તેમાં જોડાઈ શકો છો. તમે તમારે ઘેર કે સોસાયટીમાં પ્લાસ્ટીક દાન કેન્દ્ર ઉભુ કરી, બીજી થી આઠમી ઓક્ટોબર દરમ્યાન લોકોને પ્લાસ્ટીકનો કચરો કે ચીજ વસ્તુઓ ત્યાં દાન કરવા અપીલ કરી શકો છો અને કાર્યક્રમને અંતે એકઠું થયેલું પ્લાસ્ટીક દાનમાં આપી શકો છો.