ઓફિસ
જવા માટે રોજ મારે લાખો મુંબઈગરાની જેમ મુંબઈ લોકલ,બસ કે રીક્ષા
જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરવો પડે તેમજ સ્ટેશન પર બનાવેલ પુલ,સ્કાયવોક્સ,ફુટપાથ વગેરે પર ચાલવું પણ
પડે. રોડ પર આ બધી
જગાઓએ અનેકાનેક ચીજવસ્તુઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
વાપરવી પડે.
ટ્રેનમાં
ચડતાં જ ગિર્દી ન
હોય તો સીટ પર
બેસવા મળે.આ સીટ ફર્સ્ટ
ક્લાસના ડબ્બામાં દેખીતી રીતે વધુ સારી હોવી જોઇએ.પણ તેની ગાદીની
ગુણવત્તા અંગે ઘણી વાર પ્રશ્ન થાય.સામસામી બેઠકો વચ્ચેનું અંતર પણ ફર્સ્ટ ક્લાસના
ડબ્બામાં એટલું ઓછું હોય છે કે બારી
તરફની બેઠક સુધી પહોંચતા વચ્ચે બેઠેલા પ્રવાસીઓને ખુબ અગવડ થાય. માથા પર ફરતાં પંખાના
ઘણી વાર પાંખિયા તૂટેલા હોય તો ઘણી વાર
તેના કવર પરની જાળીના તાર તૂટેલા હોય તો ઘણી વાર
આવું કોઈ જ કારણ ન હોવા છતાં
પંખો કોણ જાણે કોનાથી નારાજ હોવાને કારણે ચાલુ જ ન થાય!
પેન્ટના પાછલા ખિસ્સામાં મૂકેલા કાંસકા વડે તેના પાંખિયાને ઘડિયાળના કાંટાની દિશામાં કે તેની વિરુદ્ધ
દિશામાં ધક્કો મારવા છતાં તે ચાલુ જ
ન થાય! ક્યારેક એમ કરવા જતાં
મહિનાઓથી સફાઈ ન થઈ હોવાને
કારણે પંખાના પાંખિયા પર જમા થયેલી
ધૂળ અને કચરો તમારી આંખમાં પડે એ વધારામાં!
ટ્રેનની બારીના
કાચ ઘણી વાર એટલા જામ થઈ ગયા હોય
કે તમે આખેઆખા ઉભા થઈ તેને નીચો
લાવવા મથો તોયે સફળ ન થાવ! (નવી
ટ્રેનમાં જોકે આ સમસ્યા થોડી
હળવી થઈ છે). લાંબા
અંતરની ટ્રેનમાં પણ પંખા,લાઈટ
અને બારીની દશા કંઈ વધુ સારી હોતી નથી.એમાં ઘણાં ડબ્બાઓમાં હવે મોબાઈલ ચાર્જ કરવાના પોઇન્ટ્સ આપવામાં આવે છે પણ એ
બધાં પોઇન્ટ્સ ચાલુ જ હોય એવું
જોવા મળતું નથી. ગાડીના ડબ્બામાંથી ઉતરી સ્ટેશન પર નજર કરો
તો તૂટી ગયેલા કચરાના ડબ્બા જોવા મળશે કે ટિકિટ ઘર
નજીક દસ બાર સ્માર્ટકાર્ડ
મશીન ખડકાયેલા જોવા મળશે. પણ જો એ
બધાં મશીન ચાલુ હોય તો સૂરજે પશ્ચિમમાંથી
ઉગવું પડે! દસ-બારમાંથી માંડ
ત્રણ કે ચાર મશીન
ચાલુ હશે તેમાંથી પણ ટિકિટ દર
વખતે વિના વિઘ્ને પ્રથમ પ્રયાસે જ બહાર આવશે
એવું જરૂરી નથી. સ્માર્ટ કાર્ડ મશીન્સ પહેલાં ટિકિટની કુપન્સ અસ્તિત્વમાં હતી જેના પર મશીનથી વિગતો
પંચ કરવાની રહેતી. મોટા ભાગના આ મશીન્સ પણ
ખોડંગાયેલા જ રહેતાં જેથી
ટિકિટ પર રબર સ્ટેમ્પ
મારવા માટે સાહીની ડબ્બી અને રબર સ્ટેમ્પ મૂકવામાં આવતાં. આ સિસ્ટમની વિદાય
બાદ શરૂ કરાયેલા સ્માર્ટ કાર્ડસના મશીનની ગુણવત્તામાં પણ પાછલી ભૂલ
સુધારાઈ નથી અને હલકી ગુણવત્તા વાળા મશીન્સ અને સોફ્ટવેર જ પ્રવાસીઓના માથે
પટકાવવામાં આવ્યાં છે.
સ્ટેશનથી
બહાર આવવા પુલ ચડી તેના પર થોડું ચાલો
એટલે આજુબાજુ ગંધાતા છાપરાં કે થોડા વધુ
આગળ જાઓ એટલે ઝૂંપડપટ્ટી કે અન્ય ગંદકી-અસ્વચ્છતાનું જ પ્રદર્શન થાય.
પુલ પર થઈ કરોડોના
ખર્ચે બનેલાં સ્કાયવોક પર આવો એટલે
અધવચ્ચે તૂટેલી ટાઈલ્સ કે ખાડા-ટેકરા
વાળાં તળીયા પર ચાલવું પડે.
રાતે સ્કાય વોક્સ પર ઘણી જગાએ
ઘોર અંધારું જોવા મળે. ટ્યુબલાઈટ્સ હોય પણ ઉડી ગયેલી
અથવા ખરાબ થઈ ગયેલી. સ્કાય
વોક્સના ઉંચા પગથિયાની મોટા ભાગની ટાઈલ્સ પણ તૂટી ગયેલી.
ખરું જોત તો સ્કાય વોક્સ
પરથી ચડવા ઉતરવા બધે એસ્કેલેટર્સ જ હોવા જોઇએ
પણ ગણી-ગાંઠી જગાઓએ આવા એસ્કેલેટર્સ મૂકાયા હોવા છતાં તે ચાલુ હોતા
કે કરાતા નથી.
સ્કાયવોકથી
ઉતરી બસમાં ચડો એટલે ત્યાં પણ કંઈ સ્થિતી
બદલાઈ ન જાય.માલિકીની
કંપનીએ ટિકિટો માટે કંડક્ટર્સને મશીન તો આપી દીધાં
પણ તેની ગુણવત્તા એટલી હલકી કે આવા હજારો
મશીનો કરોડો રૂપિયાના નુકસાન છતાં પાછા ખેંચી લેવાનું વિચારાઈ રહ્યું છે અને ફરી
જૂની પ્રિ-પ્રિન્ટેડ ટિકિટ્સની સિસ્ટમ ચાલુ કરાશે. કેટલીક બસોમાં તો એ શરૂ
થઈ પણ ગઈ છે.
ટિકિટનું મશીન કદાચ ટિકિટ છાપી શક્તું હોય તો પણ એમાં
ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ એપ્સથી ટિકિટ લેવા માટે જરૂરી વાઈ-ફાઈ ચાલુ હોય જ નહિ એટલે
કેશ-લેસ ટ્રાવેલ કરવાનું સ્વપ્ન સિદ્ધ થઈ જ શકે
નહિ!
તમને
વિચાર આવશે કે ઉપર કરી એ બધી ફરીયાદો
કરવાનો આશય શું? તો આ ચર્ચા
છેડવાનો હેતુ આપણે જે કામ કરી
છીએ કે જે કંઈ
ચીજ વસ્તુનું ઉત્પાદન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
કરી છીએ તેમાં ક્યાંય કચાશ ન રાખીએ એ
વિચાર ગ્રહણ કરવાનો છે. જેમ આપણે હલકી ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુ કે સેવા વાપરી
ક્યારેય સંતુષ્ટ કે ખુશ નથી
થતાં તેમ આપણાં દ્વારા બનાવાતી વસ્તુ કે સેવા શ્રેષ્ઠ
ન હોય તો સામી વ્યક્તિ
કે ગ્રાહકને પણ આપણે ફરીયાદની
તક જ પૂરી પાડીશું.
હવે
હલકી ગુણવત્તાયુક્ત પદાર્થ કે
સેવાના અનુભવની સરખામણી
મેટ્રોમાં ટ્રાવેલ કરતી વખતે થતાં અનુભવ સાથે કરો કે હવાઈ મુસાફરી
કરતી વખતે હવાઈમથકે કે વિમાનમાં થતાં
અનુભવ સાથે કરો. આ અનુભવ ચોક્કસ
શ્રેષ્ઠ અને અવિસ્મરણીય હશે!
જ્યારે
પસંદગી કરવાનું આપણાં હાથમાં હોય ત્યારે આપણે હલકી ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુ વાપરવી જ શા માટે?
નવી વસ્તુ સર્જતા હોઇએ કે ખરીદતા હોઇએ
ત્યારે વપરાતો કાચો માલ સામાન કે ઇન્ગ્રેડિયન્ટ્સ સારામાં સારી
ગુણવત્તા વાળા જ વાપરીએ જેથી
તેમાંથી બનનારું એન્ડ પ્રોડક્ટ પણ શ્રેષ્ઠ જ
બની રહે.
ટ્રેનની
સીટની ગાદી કે પંખા કે
બારીના કાચ હોય કે સ્માર્ટ કાર્ડનું
મશીન કે તેનું હાર્ડવેર
કે સોફ્ટવેર, સ્કાયવોકની ટાઈલ્સ કે ટ્યુબલાઈટ્સ્નો કોન્ટ્રાક્ટ
સંભાળતી મેન્ટેનન્સ કંપનીની સેવા કે બસની ટિકિટનું
મશીન હોય કે તેમાં અપાતી
વાઈફાઈની સેવા - આ બધામાં સરકાર
કે નિર્ણય લેવાનો હક્ક ધરાવતી સત્તા કે કંપની ભ્રષ્ટાચારને
તાબે ન થવાનું નક્કી
કરી કદાચ થોડી વધુ મોંઘી સેવા કે ચીજવસ્તુની પસંદગી
કરે તો આપણને કોઈ
ફરીયાદ કરવાનો મોકો ન મળે. ભારત
પણ વિદેશોની જેમ સ્વચ્છ અને શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે. તમે જ્યારે આવી કોઈ બાબતમાં નિર્ણયકર્તા હોવ અથવા તમારે પોતાને માટે કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે શ્રેષ્ઠ જ વસ્તુની પસંદગી
કરવાનો આગ્રહ રાખશો અને તેનો અમલ કરશો તો મારી આ
લેખ લખ્યાંની મહેનત લેખે લાગશે!