Translate

સોમવાર, 29 સપ્ટેમ્બર, 2014

બલિદાન અને માંસાહાર


એક સમાચાર વાંચી ચોંકી જવાયું 'બકરી ઇદ માટે બાર હજાર વધારાના બળદ કાપવાનો સરકારનો આદેશ.' અંઅધશ્રદ્ધા નિર્મૂલનનો ખરડો પસાર કરનારી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર આવો આદેશ આપે વરવી વાસ્તવિકતા છે કે પછી ચૂંટણી નજીક હોય ત્યારે રાજકારણમાં આવું બધું ચાલ્યા કરે? ખેર બ્લોગમાં મુદ્દો ચર્ચવો નથી આજે.મારે વાત કરવી છે બલિ કે પશુ વધની.

ધાર્મિકતાને નામે હજારો લાખો મૂંગા પશુઓની બલિ સ્વીકારી કયા ભગવાન ખુશ થતા હશે?અહિં કોઈ એક ચોક્કસ ધર્મને લગતા રીતિરિવાજની વાત નથી. આસામના શક્તિપીઠ ગણાતા કામાખ્યા દેવીના મંદિરમાં લોહીની નદીઓ વહે છે. ગુજરાતના અંબાજી મંદિરમાં ગબ્બર ડુંગરની ટોચે પણ માતાજીના દિવા નજીક એક ખાસ પત્થર પાસે કૂકડાની બલિ ચડાવાય છે જગા થોડા વર્ષો પહેલા મેં પ્રત્યક્ષ જોયેલી. માનવ જ્યારે અન્ય પશુઓને પોતે પેદા કરતો નથી ત્યારે તેને પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ પશુપક્ષીઓની બલિ ચડાવવા તેમની નિર્મમ હત્યા કરવાનો હક્ક કોણ આપે છે? પણ મને લાગે છે મારો પ્રશ્ન ગેરવ્યાજબી છે.જે માણસ પોતાના ભલા માટે નરબલિ(કે બાળકનું બલિદાન) ચડાવવા પણ તૈયાર થઈ જતો હોય તેના માટે પશુપક્ષી પ્રત્યે દયાભાવની આશા રાખવી તો વધુ પડતું ગણાય.

હવે બલિનો પ્રશ્ન યથાવત રહેવા દઈ ચર્ચા કરી માંસાહારની. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે એક દિવસ તેમણે બકરીનું માંસ ખાધું અને પછી આખો દિવસ અને રાત તેમને પેટમાં બકરી રડી રહી હોય એવો અનુભવ થયો અને ત્યાર બાદ તેમણે ક્યારેય માંસાહાર કરવાની ટેક લીધી. કેમ માંસાહાર કરનાર દરેકને આવો અનુભવ નહિ થતો હોય? માંસાહાર માટે મારવામાં આવતાં પ્રાણી-પંખી કે અન્ય જીવને તેનું કસમયે મોત નિપજાવતી વખતે જે અસહ્ય વેદનામાંથી પસાર થવું પડતું હશે તેની માંસાહારી વ્યક્તિને કેમ અનુભૂતિ નહિ થતી હોય.અરે ક્યારેક તો કસાઈ તેની સામે નિર્દોષ જીવની હત્યા કરી તાજું  માંસ વેચે છે.

રસ્તામાં કોઈક વાર મરઘાં-બકરી નજરે ચડી જાય ત્યારે દરેક વેળાએ મને તેમના પ્રત્યે એક દયાનો ભાવ ઉપજે કે એક દિવસ તેમણે કોઈક કસાઈના હાથે કપાઈ કોઈક માણસના પેટમાં જવાનું છે. કુર્લા-અંધેરી રોડ પર પસાર થતી વેળા એક મોટું કતલખાનુ નજરે ચડે અને તેની ભીંતે અડીને બીજી બાજુ એક નાનકડું મંદિર આવેલું છે. વિરોધાભાસી દ્રષ્ય સર્જતા મંદિરના દેવ-દેવી રોજ કેટકેટલી મરણચીસ સાંભળતા હશે! છતાં કંઈ કરી શકવાની લાચારી અનુભવતા હશે?

માછલાં અને અન્ય અનેક મત્સ્ય જીવોનું પણ લાખોની સંખ્યામાં નિકંદન નિકળતું હશે. કેટલાક લોકોની બાબતે એવી દલીલ કે 'લોકો માંસાહાર કરે છે તેથી પૃથ્વી પર બધા માણસોને ખાવાનું પૂરું પડી રહે છે' મારા ગળે ઉતરતી નથી. (ક્યાંથી ઉતરે? હું શુદ્ધ શાકાહારી રહ્યો… માંસાહારની વાત પણ ક્યાંથી મારા ગલે ઉતરે?!!) કીડીને કણ અને હાથીને મણ કહેવત કંઈ અમસ્તી થોડી સર્જાઈ હશે? ચર્મ ઉદ્યોગ અને અન્ય અનેકવિધ કારણોસર કરાતી પશુ-પક્ષીઓની હત્યાની ચર્ચા કરવા બેસું તો બ્લોગ આખા એક ગ્રંથમાં ફેરવાઈ જાય! ચર્ચા ફરી ક્યારેક માંડીશું.

પ્રાચીન યુગમાં આદિપુરુષ પાસે અન્ય કોઈ સાધનો હોવાથી અને રાંધણ કળા અસ્તિત્વમાં હોવાને લીધે માંસાહાર ફરજિયાત કરવો પડ્યો હોય સમજી શકાય. જંગલના પ્રાણીઓ પણ જૈવિક સાંકળના નિયમ મુજબ અને પોતે માનવ જેવી બુદ્ધિ કે વિવેકભાન ધરાવતા હોવાથી અન્ય પ્રાણીઓનો શિકાર કરી તેમનું માંસ આરોગે ક્ષમ્ય ગણાય.પણ વિવેકબુદ્ધિ ધરાવનાર મનુષ્ય વિકલ્પો હોવા છતાં માંસ મચ્છી ખાય મને રૂચતું નથી. તામસી વૃત્તિ,નવા નવા રોગો થવાની શક્યતા જેવા નકારાત્મક પરિબળો છતા લોકો હોંશે હોંશે માંસાહાર કરે છે. કેટલાક માંસાહારી લોકો તો તેના વગર જીવી શકતા નથી અને તેમને રોજ ખાવામાં માંસ-મટન-મચ્છી જોઇએ થોડું વધુ પડતું  લાગે છે. ભૌગોલિક વિષમતાને કારણે દરિયા કાંઠા કે નદી કાંઠાના પ્રદેશોમાં વસતા લોકો મચ્છી અને ભાત તો ખાય વાત પણ મને ગયા જમાનાની લાગે છે.આજે ગ્લોબલાઈઝશન અને પ્રગતિને કારણે વિશ્વ ક્યાં જઈ પહોંચ્યું છે.ઉલટું અમેરિકા અને અન્ય વિકસીત દેશોમાં લોકો માંસાહારથી શાકાહાર તરફ વલે રહ્યાં છે.વેગન લોકોનો નવો સમુદાય ઉભો થયો છે જે શાકાહારથી પણ એક કદમ આગળ વધી દૂધ કે તેમાંથી બનેલા કોઈ પણ પદાર્થનું સેવન કરતો નથી. તો પછી માંસાહાર શા માટે? ફક્ત જીભનાં ચટાકા માટે?

એવી દલીલ જો કોઈ કરે કે જો માંસાહાર થાય તો કેટલીક પ્રજાતિઓની સંખ્યા ભયજનક હદે વધી જાય વાતમાં દમ નથી કારણ નિયંત્રણનું કામ કુદરતનું છે જે કરી લેશે. આપણાં જેવા ખેતી પ્રધાન દેશમાં મને નથી લાગતું કે દેશની સમગ્ર પ્રજા પણ જો શાકાહારી બની જાય તો અન્નખોરાકની સમસ્યા ઉભી થાય.બલિ માટે લેવાતા પ્રાણી-પક્ષીઓનાં ભોગ માટે જો સરકાર કડક કાયદા બનાવે અને આવાં દુષ્ક્રુત્ય આચરનાર પર આકરાં દંડવેરા કે સજા ફટકારે તો ચોક્કસ તેને નાબૂદ કરી શકાય.મંદિર જેવી પવિત્ર અને જાહેર જગાએ તો દૂષણ સત્વરે બંધ કરાવું જોઇએ.