Translate

રવિવાર, 30 જાન્યુઆરી, 2011

જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્ચિતતા

ગુજરાતમાં ચારેક દિવસ રોકાવાનો પ્લાન હતો પણ ઓફિસમાં કંઈક અર્જન્ટ કામ આવી ચડતા એ ટૂંકાવી એક જ દિવસમાં પાછો ફરી રહ્યો છું અને ટ્રેનમાં મારી મમ્મીનો રડમસ અવાજ સંભળાય છે.મારા નાની પરલોક સિધાવ્યાના ખબર મારી મમ્મી મને આપે છે.માતૃશોક ગમે તે વયે આવે, તે વસમો હોય છે.મા દરેકને વહાલી હોય છે અને મા ગુમાવ્યાનું દુ:ખ કદાચ જીવનના સૌથી વધુ દુ:ખોમાંનુ એક ગણી શકાય. આ બ્લોગમાં વાત માના પ્રેમ કે માના મૃત્યુ વિષે નહિં,પણ આપણા જીવનની ક્ષણભંગુરતા અને અનિશ્ચિતતા વિષે કરવી છે.




ઉપર જણાવ્યા મુજબ ઓફિસનું કામ એટલું અર્જન્ટ હતું કે મારે તત્કાલ ક્વોટાનો ઉપયોગ કરી રાતની બે વાગ્યાની ટ્રેનની ટિકિટ બૂક કરવી પડી. અમદાવાદથી રાતે બે વાગ્યાને વીસ મિનિટે આ ટ્રેન ઉપડી મને નવ ચાલીસે વાંદ્રા પહોંચાડવાની હતી. હું ઓફિસમાં પહેરવાના કપડા પણ સાથે લઈને જ નિકળ્યો હતો એવી ધારણા સાથે કે સીધો વાંદ્રા ઉતરી ઓફિસ પહોંચી જઈશ. પણ આપણા ધાર્યા પ્રમાણે બધું થતું હોત તો આજે દુનિયાનો નકશો,વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ હોત.અમદાવાદ સ્ટેશન પર ગાત્રોને થિજવી દે એવી ઠંડીમાં હું એક બાંકડે બેઠો ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો ત્યાં અનાઉન્સમેન્ટ થયું કે મારી ટ્રેન એક કલાક ચાલીસ મિનિટ મોડી આવશે. ટ્રેન આવી બે કલાક મોડી અને એ પણ અગાઉ નિર્દેશ થયા મુજબ પ્લેટફોર્મ ચાર પર નહિં પરંતુ પ્લેટફોર્મ છ ઉપર. આવે વખતે ધીરજની કસોટી થતી હોય છે. ખેર, સવારે નવેક વાગે ટ્રેનમાં વિચાર કરતો હતો કે બોસને એસ.એમ.એસ કરી જણાવી દઉં કે ટ્રેન મોડી પડતા, હું પોણા દસની જગાએ ઓફિસે દોઢ-બે કલાક મોડો પહોંચીશ. ત્યાં મારા ઘરેથી ફોન આવ્યો મારી મમ્મીનો.અતિ રડમસ અવાજ સાંભળતા મને કંઈક અમંગળ ઘટી ગયાના ભણકારા વાગ્યા.તેણે ખબર આપ્યા કે મારા નાની નથી રહ્યા.મમ્મીની તબિયત પણ થોડી નરમગરમ હોવાથી અને મારા પપ્પા હાલમાં કામ સંદર્ભે ગુજરાત ગયા હોઈ હવે મારે મમ્મી સાથે થોડો સમય તો રહેવું જ પડે એવી પરિસ્થિતી ઉભી થઈ.ઓફિસમાં પણ અતિ મહત્વની ટ્રેઇનિંગ હતી પણ તેમાં હવે જઈ શકાય તેમ નહોતું.



મૃત્યુને જીવનની (કે કદાચ જીવન બાદની) સૌથી અનિશ્ચિત અને આકસ્મિક ઘટના ગણાવી શકાય. થોડાં સમય અગાઉ મારા એક નજીકના કુટુંબમિત્રની દિકરીના ઘેર પણ અતિ દુ:ખદ આંચકાજનક પ્રસંગ બન્યો.એ બહેન અને તેમની સાત વર્ષની દિકરીને પાછળ મૂકી તેમના સાડત્રીસ-આડત્રીસ વર્ષની વયના પતિનું અકલ્પનીય રીતે મૃત્યુ થયું. સવારે ઘરેથી કોઈક સરકારી કામ માટે અંધેરીમાં એક સરકારી કચેરીમાં તે ગયા હતા અને બહાર માર્ગમાં ઉભા હતા ત્યાં તેમના માથા પર આંબલીના ઝાડની મોટી ડાળી તૂટી પડી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું.કેટલું આશ્ચર્યકારક અને માન્યામાં ન આવે તેવું.હજી તેમની સાત વર્ષની દિકરીને મૃત્યુનો અર્થ સુદ્ધા નથી ખબર અને ઇશ્વરે તેના પિતાને પોતાની પાસે બોલાવી લીધા.



જન્મભૂમિ જૂથ સાથે સંકળાયેલા જાણીતા કટાર લેખક,વિવેચક,કલાકાર અને દિગ્દર્શક એવા સતીશભાઈ વ્યાસ દિગ્દર્શિત ત્રણ એકાંકીઓ ભજવવા દોઢેક મહિના પહેલા અમે વાપી ગયા હતા.પસંદગી નામના એક પ્રહસન એકાંકીમાં હું અને બીજા થોડાં કલાકારો અભિનય કરતા હતા જ્યારે 'ટુ સર,વિથ લવ...' નામની એક એકાંકી એકપાત્રી ભજવાવાની હતી જેમાં અનિલ ઉપાધ્યાય નામના અભિનેતા શિક્ષકના શોષણનો ભોગ બનેલા એક લૂઝર વિદ્યાર્થીની ભૂમિકા અદા કરવાના હતા.અમે બધા કલાકારો સાથે, બે ગાડીઓમાં વહેંચાઈ વાપી પહોંચ્યા હતા.અનિલભાઈ અમારી ગાડીમાં હતા.તેઓ ખાસ મળતાવડા નહોતા પણ એક જ ગાડીમાં આખો દિવસ તેમની સાથે પસાર કર્યો,એક જ નાનકડા મેક અપ રૂમમાં એક મેક સાથે વાતચીતનો વ્યવહાર થયો. તેમનો અભિનય અવ્વલ દરજ્જાનો રહ્યો અને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.અમે બધાએ સાથે હોટલમાં ડિનર લીધું.વાપીથી પરત આવ્યા બાદ બીજા દિવસે સતીશભાઈ પાસેથી પેમેન્ટ લેવાનું હતું ત્યારે પણ હું,અમારા સહકલાકાર શરદ શાહ અને સતીશભાઈ અનિલભાઈને મળ્યા.તેઓ ખૂબ મૂડમાં પણ હતા.(કદાચ એકાદ પેગ લગાવ્યો હશે) થોડી ઘણી શાયરીઓ બોલી સતીશભાઈને કહ્યું મારે આવી તો ઘણી સાહિત્યીક ચીજોનું આદાનપ્રદાન કરવાનું છે અને ત્રીજેજ દિવસે મને શરદભાઈનો એસ.એમ.એસ આવ્યો કે અનિલ ઉપાધ્યાયનું અચાનક હાર્ટ-ફેલ થવાને કારણે મૃત્યુ થયું છે.આઘાત જનક સમાચાર હતાં.અમને સૌ સહકલાકારોને જબરો આંચકો લાગ્યો.

ઉપર મારા નાની લીલાબાના મૃત્યુની વાત કરી તેમની અંત્યક્રિયા વખતે સ્મશાનમાં બાજુમાં એક મારા જેવડા જ જુવાનજોધ યુવકની ઠાઠડી આવી.બસમાં પ્રવાસ કરતા કરતા અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો.

આવા તો આક્સ્મિક મૃત્યુના અનેક કિસ્સાઓ સાંભળવા મળશે.પણ આ બ્લોગથકી એટલું જ ચર્ચવાનું કે મૃત્યુ અફર છે અને ગમે ત્યારે ત્રાટકી શકે છે આથી એક અતિ મહ્ત્વની વ્યવહારિક વાત - આપણાં જીવન નો કોઈ ભરોસો નથી આથી આપણે થોડો ભવિષ્યનો વિચાર કરી આપણા પર આશ્રિત વ્યક્તિઓનું જીવન આપણી ગેરહાજરીમાં પણ વ્યવસ્થિત અને સુખદ જ બની રહે તે સુનિશ્ચિત આપણે કરી લેવું જોઈએ.અર્થાત આપણે સારી જગાએ પૈસાનું રોકાણ કરી રાખવું જોઈએ,લાઈફ ઇન્સ્યુરન્સના યોગ્ય પ્લાનમાં રોકાણ કરતા રહેવું જોઈએ.પત્ની અને સંતાનોને તેઓ પોતાના પગ પર ઉભા રહી શકે, જગતનો અને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો તેઓ સામનો કરી શકે એ માટે તેમને હોંશિયાર બનાવવા જોઈએ.

અને બીજું આપણે પ્રત્યેક ક્ષણને એ રીતે જીવવી જોઈએ કે આ ક્ષણ જાણે આપણી છેલ્લી ક્ષણ ન બની રહેવાની હોય.કોઈ સાથે શત્રુતા ન બાંધવી જોઈએ.આપણા સગાસ્નેહી અને મિત્રોને ભરપૂર પ્રેમ આપવો જોઈએ.સ્વપ્નો જોવા જોઈએ અને તેમને પૂરા કરવા મચી પડવું જોઈએ.પેલું એક સરસ ભજન છે ને : 'કાલ કોણે દીઠી છે...'

રવિવાર, 23 જાન્યુઆરી, 2011

ગેસ્ટ બ્લોગ : વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!


ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (નીચેનો ફોટો) જૂન ૭, ૨૦૦૯ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મીડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે.

 
આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ.


કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ તે આતંકવાદની વિરૂદ્ધ ભારત સરકાર નરમ હાથે કામ લેતી રહી છે. પરિણામે છેલ્લાં વીસેક વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભારતીયોની (નાગરિકો તથા ખુશ્કી જવાનો) સંખ્યા ૮૪,૦૦૦ના આંકડાને વટાવી ગઇ છે. ખુવારીનો તે આંક જો વધુ લાગતો હોય તો જાણી લો કે તે ફિગર ૨૦૦પનો છે. ચાર વર્ષમાં હજી બીજા કેટલા લોકો મર્યા હશે તે કોણ જાણે!

પાક હસ્તકના કાશ્મીરમાં આજે ત્રણેક હજાર જેટલા યુવાન ‘જેહાદી’ઓ કુલ ૪૯ આતંકવાદી કેમ્પ્સમાં ખદબદી રહ્યા છે. કાશ્મીર ખીણમાં પોતાની આણ ફેલાવવા માટે તેઓ વારેતહેવારે સશસ્ત્ર હુમલા કરતા રહે છે. આ હુમલાઓને ખાળવા માટે ભારતના ખુશ્કીદળે સમગ્ર કાશ્મીરમાં બધું મળીને ૩૩,૦૦૦ જવાનોને તથા અફસરોને ડ્યૂટી પર ખડેપગે રાખવા પડે છે. રાષ્ટ્રીય રાયફલ્સ, રોમિયો ફોર્સ, રિઝર્વ પુલિસ વગેરે જેવા અન્ય લશ્કરી દળોને ગણો તો કાશ્મીરમાં તૈનાત ભારતીય જવાનોની સંખ્યા બે લાખ જેટલી બેસે છે. નવાઇની વાત છે કે આટઆટલી કડક વ્યવસ્થા હોવા છતાં કાશ્મીરમાં વર્ષે સરેરાશ ૨,પ૦૦ આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં કેટલાય ભારતીય જવાનો પોતાનો જાન ગુમાવે છે અથવા બૂરી રીતે જખમી બને છે.

બળાબળની દ્રષ્ટિએ જોવા બેસો તો એક તરફ માત્ર ત્રણેક હજાર આતંકવાદીઓ છે, તો બીજી તરફ ભારત પાસે બે લાખનું સંખ્યાબળ છે. હાઇ-ટેક શસ્ત્રો અને વિમાનો જુદાં! ભારત ધારે તો (કહો કે ભારતે વર્ષો પહેલાં ધાર્યું હોત તો) પાક પ્રેરિત આતંકવાદનો ગણતરીના દિવસોમાં સફાયો કરી શકે, પરંતુ રાજકારણના આટાપાટામાં સપડાયેલી કોઇ સરકારને તેમાં રસ નથી. લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને પાક હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ્સ પર છાપામાર હુમલો કરવામાં ભારતને કોણ રોકી શકે? પરંતુ નહિ, એવું પગલું ભરીને જગત આખાની નારાજગી વહોરી લેવાનું કોઇ સરકારને પાલવતું નથી. અમેરિકાની ગૂડબૂકમાં રહેવું એ ભારતીય રાજીનીતિની વણલખી નીતિ છે. પરિણામે આતંકવાદને મૂંગા મોઢે સહન કર્યે રાખવા સિવાય આરો રહેતો નથી.

દરમ્યાન મેજર ઋષિકેશ રામાણી જેવા સપૂતો એક પછી એક કરીને વીરગતિ પામતા રહે છે, બીજે દિવસે સમાચારોમાં તેમની વીરગાથા લખાય છે અને માટીપગા નેતાઓ સદ્ગત સપૂતોને એકાદ ખિતાબ વડે સન્માનિત કરી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ક્રમ હવે તો આપણને કોઠે પડી ગયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

આતંકવાદ અલંકારિક શબ્દોથી નહિ, પણ અમોધ શસ્ત્રોથી જ નાથી શકાય! આ સિમ્પલ વાત દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ ક્યારે સમજશે?


- હર્ષલ પુષ્કર્ણ
 
 
GUEST BLOG URL:
http://harshalpushkarna.blogspot.com/2009/06/blog-post_09.html

રવિવાર, 9 જાન્યુઆરી, 2011

શ્રી દિલીપ ધોળકિયા, શ્રી વેણીભાઈ પુરોહિત અને સારી વક્તવ્ય કળાની થોડી ટીપ્સ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો...

આ અમર થઈ ગયેલા ગુજરાતી ગીત સાથે સંકળાયેલ બે-ચાર ઘટનાઓ દસ-પંદર દિવસના ટૂંકા ગાળામાં જ બની ગઈ.

૧૯૫૦માં બહાર પડેલી ગુજરાતી ફિલ્મ દિવાદાંડીનું આ સુમધુર ગીત જે પહેલા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના કંઠે સ્વરબદ્ધ થવાનું હતું પણ પછી ગુજરાતી ગીત-સંગીતવિશ્વના શિરમોર સમા સ્વ. શ્રી દિલીપ ધોળકિયાના મુખેથી ગવાયું અને આજે પણ દરેક ગુજરાતી રસિક આ ગીતથી ભાગ્યે જ અજાણ હશે.

મહાન સ્વરસમ્રાટ એવા આ વયસ્ક સંગીતકારનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરતા આ પીઢ મહાન સંગીતકાર માટે કહ્યું કે તેમના મૃત્યુથી જાણે ગુજરાતી ગીતસંગીતના એક યુગનો અસ્ત આવી ગયો.

એક સારી વાત એ બની કે તેમના મૃત્યુના એક-બે દિવસ પહેલાં જ તેમને પ્રતિષ્ઠિત મુનશી સન્માન અને પુરસ્કારથી નવાજવામાં આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ પુરસ્કાર સમારંભમાં પ્રત્યક્ષ તો હાજર ન રહી શક્યા પણ હોસ્પિટલના બિછાનેથી પણ તેમણે પોતાના આભારસંદેશમાં ‘તારી આંખનો અફીણી …’ ગીતનું મુખડું ગાઈ તેમની ઝિંદાદિલીનો પરિચય આપ્યો!

સ્વ. શ્રી દિલીપ ધોળકિયાને હ્રદયથી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ.

**************************************************

‘તારી આંખનો અફીણી …’ ગીતના રચયિતા એટલે ઉમાશંકર જોશી જેમને ‘ બંદો બદામી’ કહેતા અને ૩જી જાન્યુઆરીએ જેમની ત્રીસમી પુણ્યતિથી ગઈ એવા મહાન ગુજરાતી કવિ શ્રી વેણીભાઈ પુરોહિત. ૨૬મી ડિસેમ્બરે સ્વ. શ્રી વેણીભાઈ પુરોહિતની જ્ઞાતિના તેમની યાદમાં યોજાયેલા એક વકતૃત્વ સ્પર્ધા તેમજ તેમના રચિત કાવ્યોની કાવ્ય પઠન સ્પર્ધામાં મને નિર્ણાયક તરીકે જવાનું સદ્ભાય પ્રાપ્ત થયું. શ્રી વેણીભાઈ જેવા પૂજ્ય અને મોટા ગજાના કવિની સ્મૃતિમાં રખાયેલ આ કાર્યક્રમમાં અનુભવી અને જાણીતા કવિ અને સંચાલક શ્રી શોભિત દેસાઈ તેમજ એક અનુભવી અને ગુજરાતી ભાષાના જાણકાર એવા શિક્ષિકા જેવા અન્ય નિર્ણાયકો સાથે આ માનદ ભૂમિકા ભજવવાનું આમંત્રણ મારા માટે ગૌરવની વાત હતી. પ્રથમ વાર આમ જજ તરીકે જવાનું હોવાથી એક ડર હતો કે આવડી મોટી જવાબદારી હું યોગ્ય રીતે નિભાવી શકીશ કે કેમ? પણ કાર્યક્રમને અંતે જ્યારે બીજા નિર્ણાયકો સાથે મારા સ્કોર્સ મેળવ્યા ત્યારે અમારા ત્રણેના મત લગભગ એટલા સરખા હતા કે અમારે અંતિમ નિર્ણય માટે પરસ્પર કોઈ ચર્ચા જ ન કરવી પડી. આ પ્રસંગે શીખવા અને જાણવા મળેલી કેટલીક વાતો આજના બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.

મંચ પર અને ઘણાં લોકો સાંભળી રહ્યા હોય ત્યારે બધાંની આંખમાં આંખ પરોવી આત્મવિશ્વાસપૂર્વક, સાહજિકતાથી, જરાય ગભરાયા વગર બોલવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. મહાવરો કેળવી વકતૃત્વની કળા ચોક્કસ આત્મસિદ્ધ કરી શકાય છે.તમારે જે કહેવું છે તે સ્મિત સાથે નિર્ભયતાથી વધુ મોટા પણ નહિં અને વધુ નીચા પણ નહિં એવા અવાજે કહો.લોકો સામે જોઈને નજર ફેરવતા ફેરવતા બોલો એટલે કે એક જ વ્યક્તિ સામે જોઈ તમારું વક્તવ્ય પૂરું ન કરો. હાવભાવ સાથે બોલો પણ એટલા બધા ન હલો કે લોકો તમને સાંભળવાનું ભૂલી જાય! કઢંગી રીતે ઉભા ન રહો કે ખરાબ રીતે ન બેસો.તમે કમ્ફર્ટેબલ રહી બોલી શકો એ રીતે ઉભા રહો કે બેસો.માઈકની બરાબર સામે અતિ નજીક જઈ ન બોલો.એનાથી તમારા ઉચ્ચારો ફાટશે(બ્લાસ્ટ થશે).માઈકથી મોં સહેજ ત્રાંસુ રાખી બોલો.બોલતા પહેલા માઈકમાં તમારો અવાજ ચકાસી લો.બોલતી વખતે હળવા રહો. ટેન્શન ન લો. તમારું વક્તવ્ય નિયત સમય કરતા અડધી મિનિટ ઓછું રાખો.વક્તવ્ય વહેણમાં હોય એ રીતનું રાખો જેથી બોલવાના મુદ્દાઓ સહજતાથી એક પછી એક સ્ફૂરે,તમારે આગળના શબ્દો કે વાક્યો યાદ કરવા તકલીફ ન લેવી પડે.જો કદાચ તમે એકાદ મુદ્દો ભૂલી પણ જાવ તો તે શ્રોતાઓને જણાવા ન દો.તમારું વક્ત્વ્ય અસ્ખલિતપણે વહેતું હોવું જોઈએ - ઝરણાની જેમ. માર્ગમાં અડચણરૂપ પત્થર પણ આવે તો ઝરણુ કેવું અટક્યા વગર વહ્યે રાખે છે તેમજ! શ્રોતાઓને પહેલેથી તમારા વક્તવ્યની જાણ તો હોતી નથી.આથી એકાદ બે વિચાર તમે બોલવાના ભૂલી પણ જાઓ તો તેમને તેની ખબર પડતી નથી, સિવાય કે તમે તમારા હાવભાવ દ્વારા તેની જાણ છતી કરી દો. મુખ પર આછું સ્મિત રાખો.શ્રોતાઓ સાથે પણ તેમને તમારા વક્ત્વયમાં સાંકળી લેવા નાનકડા પ્રશ્નો પૂછો.પણ આનો અતિરેક ન થવો જોઇએ.વક્તવ્યમાં રસ ભરવા એકાદ બે નાના ઉદાહરણ ટાંકી શકાય પણ આખી મોટી વાર્તા કહેવા બેસી જાઓ એ ન ચાલે. એકાદ રમૂજી ટૂંચકો ચાલે પણ આખા વક્તવ્યને જોક્સથી ભરી દો એ ન ચાલે!બને એટલી હળવી શૈલીમાં સરળ ભાષામાં તમારા વિચારો રજો કરો.ભારે ભરખમ ભાષા સારા વક્તવ્ય માટે હોવીજ જોઇએ એ જરૂરી નથી.

તમારા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વક્તવ્ય તૈયાર કરો.કોઈક કાવ્યની એકાદ બે પંક્તિઓને પણ તમે વક્તવ્યમાં વણી લઈ શકો.શ્રોતાઓનો રસ જળવાઈ રહ્યો છે કે નહિં એ ધ્યાનમાં લો.તથ્યો પ્રત્યે સજાગ રહો.ખોટી માહિતી ક્યારેય વક્તવ્યમાં હોવી જોઇએ નહિં.જેમકે કોઈક કવિની કાવ્યપંક્તિ ટાંકતી વખતે તમે તે કવિનું નામ જાણતા હોવ તો બોલો પણ એ વિષે તમે ચોક્કસ ન હોવ તો કવિનું નામ બોલ્યા વગર જ 'કોઈક કવિએ કહ્યું છે કે...' એ રીતે બોલી કાવ્ય પંક્તિ બોલો.

કાવ્ય પઠન વખતે સ્પર્ધાના નિયમો ખાસ જાણીલો. તમારે ફક્ત કાવ્ય જ વાંચવું જોઇએ. તેનું વિવેચન કરવું જોઇએ નહિં.પણ જો એની સ્પર્ધાના નિયમમુજબ છૂટ હોય તો તેને કાવ્યપઠનમાં રસક્ષતિ ન થાય એ રીતે વણી લો.

છેલ્લે વક્તવ્ય હોય કે કાવ્યપઠન, તમે પોતે એને એન્જોય કરો અને પછી જુઓ શ્રોતાઓ પણ તેને માણે છે કે નહિં!

રવિવાર, 2 જાન્યુઆરી, 2011

હેપ્પી ન્યુ યર!

ફરી એક નવું વર્ષ… નવી ક્ષિતિજો… નવા શમણાં… નવા ધ્યેયો!


પ્રત્યેક નવો દિવસ એક નવી આશા લઈ ઉદય પામે છે. નવી શરૂઆત.અધૂરા રહેલા અરમાનો અને કામ પૂરા કરવાની વધુ એક નવી તક!

રાત અંધારી હોય છે પણ એ પછી ધીમે ધીમે અજવાળાનું સામ્રાજ્ય પથરાતું જાય અને એ જાણે અંધારાને દૂર ભગાડતું જાય. ક્યારેય બ્રાહ્મમૂહુર્તમાં (સવારે ૪ વાગ્યાની આસપાસ) ઉઠીને તમે તાજી હવા શ્વાસમાં ભરી છે? ક્યારેય એ કાળે પ્રવર્તતી અદભૂત શાંતિનો અનુભવ કર્યો છે? ના..? તો હજી એક નવા દિવસની, નવા વર્ષની શરૂઆત થઈ છે! માણી લો આ અવર્ણનીય આનંદ આપનારા અને અપ્રતિમ શાંતિનો અહેસાસ કરાવનારા અનુભવને!

આપણને જે સ્થિતીમાં હોઈએ તેમાં જ રચ્યાપચ્યા રહેવું ગમે છે.કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળવું અતિ કષ્ટદાયક લાગે છે.ઊંઘી રહ્યા હોઈએ તો જાગીને બેઠા થવાનો કંટાળો આવે.શનિ-રવિની રજા હોય ત્યાર બાદ સોમવાર ઝેર જેવો લાગે! પણ પરિવર્તનથી જ જીવન ટકી રહે છે.સોમવાર આવે એટલે જ તમે અધૂરા મૂકેલા કે નવા હાથમાં લેવાના કામોની શરૂઆત કરી શકો!પ્રગતિના નવા શિખરો સર કરી શકો!ઇશ્વર તમને વધુ એક તક આપે છે સોમવાર દ્વારા. નવા દિવસ દ્વારા… નવા વર્ષ દ્વારા… રખે એ ચૂકી જતાં!

યોગાનુયોગ જુઓ!આ બ્લોગ લખી રહ્યો છું ત્યારે જ એક મિત્રનો એસ.એમ.એસ આવ્યો.જેનો અર્થ કંઈક આવો છે - "શું તમને વિચિત્ર અને નવાઈભર્યું નથી લાગતું કે આપણા ટેમ્પરરી(ક્ષણભંગુર અને અનિશ્ચિત) જીવન માટે આપણને જોઈએ છે બધું પર્મેનન્ટ(કાયમી)?!"

મારા પપ્પના મોઢે ઘણી વાર સાંભળ્યું છે "પલ કી ખબર નહિં પર સામાન સૌ બરસ કા..."

આ રીતે જીવીએ છીએ આપણે. સતત દોડતા દોડતા...ઘણી વાર શા માટે એ પણ ન ખબર હોવા છતાં આપણે બસ ભાગ્યા કરવું છે. નવા વર્ષથી આપણે સૌએ થોડા મનન અને ચિંતન માટે થંભી જવું જોઈએ.જીવનના નાના નાના પણ ચોક્કસ ધ્યેયો નક્કી કરવા જોઈએ અને તેને પૂર્ણ કરવાનું આયોજન કરવું જોઈએ.પરિવારને, મિત્રોને અને સૌથી વધુ તો તમારી જાતને સમય આપી સૌના અને તમારા અધૂરા રહી ગયેલા ઓરતા પૂરા કરવાના છે. સમયની રેત એક વાર હાથમાંથી સરી ગયા બાદ ફરી પાછી હાથમાં નહિં આવે.પણ નવા વર્ષની શરૂઆત સાથે એક તક તમને ચોક્કસ મળી છે થોડું આત્મનિરિક્ષણ કરવાની અને જાતનું તથા તમારી સાથે સંકળાયેલા સર્વ માટે કંઈક કરી છૂટવાની! તો ઝડપી લો એ તક ને..!

હેપ્પી ન્યુ યર..!