Translate

બુધવાર, 29 ડિસેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : મોંઘવારીના વમળમાં ફસાયેલો મધ્યમવર્ગનો માનવી

"ધરતી પર ફેલાયો છે મોંઘવારીનો રોગચાળો,


ત્રાહી ત્રાહી મચી છે, કોઈ તો સંજીવની પાઓ."

હા, ત્રાહી ત્રાહી મચી ગઈ છે સમગ્ર વિશ્વમાં મોંઘવારી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનું ઔષધ શોધવામાં વૈજ્ઞાનિકો પણ સફળ થયા નથી અને જેના દ્વારા પ્રશાસનના પાયા ડગમગવા લાગ્યા છે એ મોંઘવારીની કાળી છાયામાંથી નીકળવા મધ્યમવર્ગીય માનવી પાણી વગરની માછલીની જેમ તરફડીયા મારી રહ્યો છે. સતત વધતા જતા મોંઘવારીના વમળમાં માનવી સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલો છે. પોતાના મનની ભાવના, લાગણીને સરકાર સમક્ષ પ્રસ્તુત કરવા ૫ જુલાઈના રોજ "ભારતબંધ" નામનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. પણ શું તેનાથી મોંધવારી ઓછી થઈ જવાની છે?

આ ભારતબંધને કારણે ૧૩ હજાર કરોડનું થયેલું નુકશાન શું ભૂલવાલાયક છે? ના કદી પણ નહી. આ વધતી જતી મોંઘવારીનું કારણ શું? વધતા જતા પેટ્રોલ- ડિઝલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. આ વિદેશી પ્રવાહીને પ્રશાસન માત્ર ૨૬ રૂ. પ્રતિ બેરલમાં પ્રાપ્ત કરે છે અને તેના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કર લગાડી બજારમાં ૫૨ રૂ. માં વહેંચે છે અને જ્યારે વધતી મોંઘવારીના કારણ પૂછવામાં આવે તો વિશ્વ બજારને મોંઘા ભાવ હોવાનું જણાવી સરકાર પીછેહઠ કરે છે. માનવ મનની શાંતી, લાગણી, રૂપિયાની લાલચ જેવા તત્વો મોંઘવારીમાં નાશ પામ્યા છે, માટે જ કહેવાયુ છે કે,

"સઘળાં સુખો પોઢી ગયા રૂપિયાની સોડમાં,

ને લાગણી હારી ગઈ, રૂપિયાની હોડમાં."

મોંઘવારીનો શ્રાપ મધ્યમવર્ગ અને પછાત વર્ગને એવો લાગ્યો છે કે ૬ જુલાઈના રોજ યુ.પી ના એક ગામડામાં માતા- પિતાએ પોતાના છ માંથી થી ત્રણ સંતાનને મોતના મુખમાં પોઢાડી દીધા. કારણ વધતા જતા ભાવને લીધે તેઓ પોતાના સંતાનનું ભરણ-પોષણ કરવામાં સક્ષમ ન હતા. બીજી બાજુ ખેડૂતો દ્વારા પકાવવામાં આવતા ઘઉં જે ભારતની ૨/૩ વસ્તીની જઠરાગ્નિ શોષી શકતો હતો, તે પાક વરસાદના પાણીમાં સડી રહયો છે.

હાપુડ ,ઝાંસી જેવા શહેરો માં અનુક્ર્મે ૪.૫ લાખ અને ૫,૦૦૦ ઘઉં ની ગુણીઓ સડી રહી છે અને પ્રશાસન ચૂપ છે. જે શાક કાલે ૧૦રૂ કિલોમાં વહેંચાતું હતું તે જ શાક આજે ૧૨થી ૧૫રૂ પા કિલો જ મળે છે. મોંઘવારીનો સામનો કરવા ક્રુષિ પ્રધાન શરદ પવાર દ્રારા પગલા ભરવામાં નથી આવતા અને બીજી બાજુ તે પોતાના માથા પરથી સરકારી બોજો ઓછો કરવા વિનંતીની ફુલમાળા ગૂંથી રહ્યા છે.

ભારતના અર્થતંત્રને વિશ્વમાં માન-સન્માન મળી રહ્યું છે પણ તે અર્થતંત્રમાં પીસાતા મધ્યમવર્ગ અને પછાત વર્ગના માનવીની પરિસ્થિતિ શું છે તે જાણવા કોઈ પ્રયત્ન નથી કરતું.

આઈ.પી.એલ.(Indian Premiere League) માં કરોડો-અબજો રુપિયાની ઉજાણી કરવામાં આવે છે, દાવતો ગોઠવવામાં આવે છે અને બી.પી.એલ (Below Poverty Line) ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને એક ટંક ભોજન પણ નથી મળતું! એક જ દેશમાં આઈ.પી.એલ અને બી.પી.એલ વચ્ચે આટલો તફાવત આશ્ચર્યકારક નથી?

ફુગાવો એટલે inflation થોડાં મહિનાઓ અગાઉ જ દ્રિઅંકી સંખ્યા પર પહોંચી આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અમીર વર્ગ પણ મોંઘવારીના કારણે કરકસર કરતો થઈ ગયો છે. જો નજીકના ભવિષ્યમાં બધા મનુષ્ય મળીને મોંધવારીનો ખાતમો નહી કરે તો ‘પીપલી લાઈવ’ ફિલ્મનું આ ગાયન જીવનભર ગાતા રહેવું પડશે –

"સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ ,મહેગાઈ ડાયન ખાય જાત હૈ !”

- સચીન વજાણી

સોમવાર, 20 ડિસેમ્બર, 2010

બત્તી-બંધ ને પાંખો પ્રતિભાવ

તારીખ ૧૧મી ડિસેમ્બરના બીજા શનિવારે પાછલા ચાર વર્ષની જેમજ આ વર્ષે પણ બત્તી-બંધ કાર્યક્રમની જાહેરાત કેટલાક એક્ટિવીસ્ટ જૂથો દ્વારા કરવામાં આવી. (સિડની શહેરથી શરૂ થયેલ આ કાર્યક્રમ હેઠળ નિયત એક કલાક દરમ્યાન લોકો સ્વેચ્છાએ ઘરના,ઓફિસના વગેરે શક્ય બધાં વિજળીથી ચાલતા ઉપકરણો બંધ કરી દે છે જેથી વિજળીની બચત પણ થાય અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓ અંગે જાગરૂકતા ફેલાય. કેટલીક જગાઓએ તો સરકાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થતાં એક કલાક માટે ફરજિયાત આખા શહેરમાં અંધારપટ કરી દેવાય છે.) આ વખતે તો બત્તી-બંધ દરમ્યાન મુંબઈના જુહુ વિસ્તારથી મરીન ડ્રાઈવ સુધી એક સાયકલ રેલી પણ યોજવામાં આવી હતી. પણ કોઈ વર્તમાન પત્રમાં આ વિષેના અહેવાલ જોવા મળ્યા નહિં. ખરું જોતા ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લેતા, આવા કાર્યક્રમોનો વર્તમાન પત્રોએ જોરશોરથી પ્રચાર કરવો જોઈએ અને નિયત શનિવારના એકાદ અઠવાડિયા અગાઉથી રોજ લોકોને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું કામ પ્રસાર માધ્યમોએ કરવું જોઈએ.




આ કાર્યક્રમના બે દિવસ અગાઉ એક અંગ્રેજી અખબારમાં આ વિષેની એક નાનકડી ખબર વાંચી અને મેં આ વખતે પણ બત્તી-બંધ કાર્યક્રમમાં મારી રીતે સહભાગી થવાનું નક્કી કર્યું, ઓફિસમાં પણ બને એટલા લોકોને આ ઇનિશિયેટીવમાં જોડાવા ભલામણ કરીને. પણ આપણે ત્યાં લોકોને જ્યાં સુધી કોઈ પ્રત્યક્ષ કે તરત ફાયદો ન જણાય ત્યાં સુધી આવા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર કરવા લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ છે. આ ‘લોકો’ માં મારા ઘરવાળા પણ આવી ગયા!



ગયા વર્ષે ડિસેમ્બરના બીજા શનિવારે જ્યારે બત્તી-બંધ યોજાવાનો હતો ત્યારે હું મહેસાણા મારે સાસરે ગયો હતો.ત્યાં મેં મેઇન સ્વિચ બંધ કરવા સૂચન કર્યું પણ સાંજે મહેમાન આવી ચડ્યા અને લાઈટ-પંખા બંધ કરવાનું અશક્ય બની ગયું. છતાં મેં મારી રીતે બત્તી-બંધમાં સહભાગી થવાનો નિર્ધાર કર્યો હતો.આથી હું પહોંચી ગયો ધાબે અને ત્યાં મારો મોબાઈલ મેં સ્વિચ ઓફ કરી દીધો અને એક કલાક મેડિટેશન કર્યું, જાત સાથે વાતો કરી અને એકાંતમાં સમય ગાળી એક કલાક પસાર કર્યો. સતત સાથે રહેતા,બીજા કોઈ પણ અતિ નજીકના સ્વજન કરતા પણ વધુ સમય તમે જેની સાથે ગાળતા હોવ તેવા મોબાઈલથી પૂરો એક કલાક દૂર રહેવું કેટલું અઘરું છે, આજના સમયમાં, એ તો મારા જેવો કોઈ મોબાઈલ સામે હોવા છતાં તેને એક કલાક સ્વિચ ઓફ કરી મૂંગો બેસી રહેનાર સમદુખિયો જ જાણે!



આ વર્ષે તો હું અહિં મુંબઈમાં જ મારે ઘેર હતો.આથી આ વર્ષે પણ મેં બત્તિ બંધમાં ભાગ લેવા વિચાર્યું.સવારે ઘરમાં જાહેર કરી દીધું કે સાંજે સાડા સાત થી સાડા આઠ લાઈટપંખા વગર ચલાવવું પડશે.કોઈ તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે મેં ભોળાએ સહુના મૌનને તેમની સંમતિ ગણી ઉત્સાહમાં આવી જઈ બીજા ત્રણ પાડોશીઓને પણ બત્તિબંધ વિષે થોડી ઘણી માહિતી આપી એમાં ભાગ લેવા સૂચન કર્યું.તેમણે હા ભણી.સાંજે સાડા સાત થવાની થોડી મિનિટો પહેલા મેં ફરી સૌને યાદ દેવડાવી મેઇન સ્વિચ બંધ કરવાની વાત કરી એટલે બધાએ એકી સૂરમાં વિરોધ નોંધાવ્યો!છતાં આ તો બધા મારા જ ઘરવાળા હતા ને?મનાવી લઈશ એમ વિચારી બરાબર સાડા સાતે મેં મારા ઘરની મેઇન સ્વિચ બંધ કરી દીધી.અને શરૂ થયો મારા પર ગાળોનો વરસાદ!મને વેદિયો કહેવામાં આવ્યો.હું એકલો આમ બત્તિ બંધ કરીને શું મોટી ધાડ મારી લેવાનો હતો કે મારા એકલાના બત્તિ બંધ કરવાથી સરકારને વિજળી બચાવવામાં કેટલે મોટી મદદ મળી જવાની હતી આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા પણ મેં મારી બેન પાસે મીણબત્તિ તૈયાર રખાવડાવી હતી અને અડધો કલાક બત્તિ બંધ કરવાની પરવાનગી મેં મારા પરિવાર પાસેથી મેળવી લીધી.પેલા બીજા બેત્રણ પાડોશીમાંથી એકે બત્તિબંધ કરી નહિં પણ મને સંતોષ અને ખુશી છે કે મેં એક નહિં તો અડધા કલાક માટે પણ બત્તિ બંધ પાળ્યો ખરો!

મુદ્દો છે સારા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો, તેમાં સહભાગી થવાનો. તમે એમ ન વિચારો તમે એકલા કંઈક સારુ કરીને શું મોટી ધાડ મારી લેવાના છો? ટીપું ટીપું મળીને જ સમુદ્ર રચાય છે. બીજું કોઈક કંઈ સારું કરતું હોય તેને તમારાથી બને એટલો સહકાર આપો, પ્રોત્સાહન આપો. આપણે સૌએ મળીને એક સારા સમાજની રચના કરવાની છે અને આવતી પેઢી માટે તેઓ સારુ જીવન જીવી શકે એવું જગત છોડી જવાનું છે. તો ચાલો નાની નાની વાતો પર ધ્યાન આપીએ,આપણાથી બનતું કંઈક કરી દેખાડીએ...

રવિવાર, 12 ડિસેમ્બર, 2010

માનવી માનવ થાય તોયે ઘણું...

કેટલીક વસ્તુઓથી ભગવાન દૂર જ રાખે તો સારું.હોસ્પિટલ,પોલીસચોકી,અદાલત,સરકારી કચેરી આ બધી જગાઓ આવી છે જેનાથી તમારો પનારો ન પડે તો તમે સદનસીબ.પણ દરેકના જીવનમાં ક્યારેક આ જગાઓમાંની એક કે વધુની એકાદ મુલાકાતનો પ્રસંગ તો આવે જ છે. નવેમ્બર માસમાં મારે ચારેક હોસ્પિટલની મુલાકાત,મારા પિતાની અચાનક ખરાબ થઈ ગયેલી તબિયતને કારણે લેવી પડી.પણ આ બધી હોસ્પિટલમાં મને થયેલ અનુભવો મહદાંશે સારા રહ્યા. એકાદબે અનુભવોની વાત મારે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.


દિવાળીને દિવસે પપ્પાને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી.આથી પૈસા ચૂકવવા હું હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભો હતો.ત્યાં મારી બાજુમાં એક ભાઈ ઉભા હતા તેમણે મારી સામે રુપિયા પાંચ હજાર રોકડા કોઈક દર્દીને આપી દીધાની જાણ રિશેપ્સન પર બેઠેલ ખ્રિસ્તી સ્ત્રીને કરી. વાત એમ હતી કે આ ભાઈ તેમની પત્ની અને યુવાન પુત્રીને

લઈને દિવાળીના શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાના હેતુથી તેમના ઘરની નજીક આવેલી આ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા.તેઓ કંઈ પેલા યુવાન,જેને તેમણે તેના પિતાના ઓપરેશન માટે પાંચ હજાર રુપિયાની મદદ કરી હતી તેને ઓળખતા નહોતા.પણ સીધા હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર આવી તેમણે પેલી પીઢ અનુભવી રિસેપ્શનીસ્ટને યોગ્ય જરૂરિયાતમંદ દર્દી વિશે પૂછપરછ કરી.રિસેપ્શનીસ્ટ દરેક દર્દી પૈસા ચૂકવવા તેની પાસે જ આવતા હોવાથી તેમની આર્થિક સ્થિતી,ઘરની પરિસ્થિતી વગેરે અંગે માહિતી મેળવી લેતી હોય છે. આથી તેણે પેલા મદદ કરવા આવેલા ભાઈને એક ગરીબ યુવક પોતાના પિતાને મોટા ઓપરેશન માટે ગઈ રાત્રે જ દાખલ કર્યા હોવાની જાણ કરી અને એ ભાઈ તે યુવકને પાંચ હજાર રુપિયા આપી આવ્યા.હજી બીજી વધુ મદદ માટે બીજા કોઈ જરૂરિયાતમંદ દર્દી વિષે તેઓ પૃચ્છા કરી રહ્યા હતા જે મેં સાંભળી.હું સાવ આભો જ બની ગયો હતો અને અહોભાવપૂર્વક એ વ્યક્તિ અને તેની વાતચીત નિહાળી-સાંભળી રહ્યો હતો.રિશેપ્સનિસ્ટે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બધા દર્દીઓની ફાઈલ ચકાસી લીધી પણ તેને કોઈ મદદની જરૂર હોય એવું દર્દી જણાયું નહિં.આથી તે ભાઈએ પોતાનું બિઝનેસ્સ-વિઝિટીંગ કાર્ડ રિસેપ્સનિસ્ટને આપી કોઈને મદદની જરૂર પડે તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું.મારુ સંવેદના તંત્ર આ ઘટનાના સાક્ષી બની ઝણઝણી ઉઠ્યું.

તુંડે તુંડે મતિર્ભિન્ના - જુદા જુદા માણસો જુદી જુદી મતિ. એ જ ન્યાયે બધી હોસ્પિટલો પણ સારી હોય એવું જરૂરી નથી.ભગવાનની દયાથી મારે તો મુલાકાત લેવી પડેલી ચારે હોસ્પિટલનો મારો અનુભવ સારો જ રહ્યો પણ મેં એવી પણ કેટલીક હોસ્પિટલો વિષે સાંભળ્યું છે જ્યાં તેઓ દર્દીની હાલત કે તબિયતનો જરા સરખો પણ વિચાર કર્યા વિના તેને દાખલ કરતા પહેલા ડિપોઝિટની રકમ જમા કરી દેવાની ફરજ પાડે છે.ગરીબ દર્દીઓનો બિલકુલ વિચાર કરતી હોતી નથી.દરેક હોસ્પિટલની ફરજ પહેલા માણસનો જીવ બચાવવાની, તેની તબિયત સુધારવા તેને શ્રેષ્ઠ સારવાર આપવાની છે, જે તેણે ચૂકવી ન જોઈએ.

ડોક્ટર પણ કેટલાક ખૂબ સારા તો કેટલાક ખૂબ 'વ્યવહારુ' હોય છે.એટલી હદ સુધી વ્યવહારુ કે વેપારી કે તેઓ માણસ હોવાનું પણ ચૂકી જાય છે.પપ્પાના હ્રદયમાં લોહી લઈ જતી મુખ્ય નસમાં ત્રણેક અવરોધો જણાયા ત્યારે અમારી સ્થિતી કફોડી થઈ ગઈ.કેટલાક ડોક્ટર પોતાના અંગત સ્વાર્થને લઈને એન્જિયોપ્લાસ્ટી નામના ઉપાયની સલાહ આપે તો બીજા કેટલાક સર્જન ડોક્ટર્સ બાયપાસ ઓપરેશન કરાવવાની સલાહ આપે.આપણને સામાન્ય જનને તો આ બધી જટિલ બાબતમાં શી સમજ પડે?આખરે ઘણા ડોક્ટર્સની તેમજ સ્નેહી સંબંધીઓ-મિત્રોની સલાહ અનુસરી અમે પપ્પાની બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.ડોક્ટર્સે હંમેશા સાચી સલાહ આપવી જોઈએ.

એક મિત્રના પિતાને અડધી રાતે હ્રદયમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.ડોક્ટરે આવીને ઇલાજ ઓપરેશન કરી દીધાં અને બિલ પકડાવ્યું રુપિયા નવ લાખનું.સામાન્ય સંજોગોમાં ચાર-પાંચ લાખની કિંમતમાં થઈ જતા આ ઓપરેશનના મારા મિત્રના પિતાના કેસમાં કેમ આટલા વધારે રુપિયા માંગવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબમાં મહિલા ડોક્ટરે જણાવ્યું કે તેણે ઇમર્જન્સી ચાર્જ લગાડ્યો હતો જે અડધી રાતે આવવા માટેનો હોઈ સામાન્ય કરતા બમણાથીયે વધુ હતો. શું ડોક્ટર્સ આટલા ઉંચા ભાવ વસૂલે એ યોગ્ય ગણાય?

આવા અનેક અનુભવ પાછલા મહિને થયા પણ હવે ઇશ્વરની કૃપાથી પપ્પાની તબિયત સારી છે.

ભગવાનને પ્રાર્થના કે સૌને સદબુદ્ધિ આપે અને માણસાઈ આપે જેથી કપરા કાળમાં માનવી માનવ થઈ એકમેકની સહાય કરે...

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

ગેસ્ટબ્લોગ - જૂની પેઢીએ યાદ રાખવા જેવી વાત

                                                                             
                                                                                     ગેસ્ટબ્લોગર  - લતા બક્ષી

ઘણી વાર જિંદગીમાં મૂલ્ય વાત નાના પ્રસંગથી એક્દમ સચોટ રીતે ઉભરી આવે છે.હમણાં હું ને મારા પતિ તેમના માટે શર્ટ લેવા એક આધુનિ ક મોલમાં ગયા.ત્યાં એક શોપમાં મને જે પ્રકારના શર્ટ જોઈતા હતા તે વિષે એક કાઉન્ટર સંભાળી રહેલા યુવાનને જણાવ્યું. થોડી શોધ પછી તેણે મને કહ્યું - મેડમ, આ ઓલ્ડ ડીઝાઈન છે,હવે નહિં મળે. મેં એ યુવાનને બહુ જ સાહજિકતાથી જણાવ્યું કે મે પણ તો ઓલ્ડ છીએ ને?! હું ને મારા પતિ ૬૦થી ઉપરની વયના છીએ.મારા ઉત્તર બાદ તે યુવાને નવીન અને રમૂજભરી દ્રષ્ટીથી મારી સામે જોયું!!



એવું છે ને કે પેઢીભેદ કે વિચારભેદ મોટી વયના નાગરિકો કદાચ તેમના અસંતોષ ને ઉપેક્ષાને કારણે સેવતા હોય છે.માત્ર નજર બદલવાની જરૂર છે.મારા અનુભવના એકબે તારણ છે - પૂછ્યા સિવાય મત ન આપવો. નવયુવાન પેઢીને સદા આલોચનાપૂર્વક અને ટીકાપાત્ર રીતે ન મૂલવવી.જે પસંદગીની સ્વત્રંતતા - ફ્રીડમ ઓફ ચોઈસ - આપણને નથી મળી તે એમને મળે એવી સગવડ આપવી.

આ સંદર્ભમાં મારી દિકરીની બહેનપણીએ પ્રથમ વાર ત્રણ કલાકની મુલાકાત બાદ મારી હાજરીમાં તેને જણાવ્યું – “Your mummy is cool!” (યોર મમ્મી ઈઝ કુલ - તારી માતા 'કુલ' એટલે કે આજના જનરેશનની ભાષામાં - બહુ સારી છે) ત્યારે આ પ્રશંસા મારે માટે આનંદમય બની રહી.

મેં બાવીસ વરસના ગાળા બાદ પુન: ભણવાનુ શરૂ કર્યુ. પચીસ છત્રો ના સમુહમાં બાવીસની વય ૧૮-૨૦ વરસ હતી. અમે ત્રણ બેતાળીસ વરસના હતા. સત્ર ને પહેલે દિવસે સર્વ તૈયારી કરી હું જવા નીકળી ત્યારે મેં મારી આશંકા મારા દીકરાને જણાવી કે આ સમુહ માં એકરસ કેમ થઈ શકાશે? ત્યા રે રાહુલે મને કહ્યું કે " Be yourself.” (બી યોર સેલ્ફ - તમે જેવા છો તેવા જ બની રહો) આ સૂત્રે મારો અભ્યાસ કાળ અતિ સરળ માહિતી સભર બનાવ્યો.એ સમયે મને સમજાયુ કે મનના બારણા ખુલ્લા રાખવા અતિ મહત્વનું છે. દરેક જ્ણ પોતાના કથન કરતાં વર્તન દ્વારા દાખલો બેસાડે તો તે વધુ સચોટ રહેશે. કહેવાય છે કે “ You can not demand respect, you command respect. “ (યુ કેન નોટ ડીમાન્ડ રિસપેક્ટ, યુ કમાન્ડ રિસપેક્ટ - તમે માન છિનવી શક્તા નથી તે કમાવું પડે છે.)

ઘણી વાર સાંભળવા મળે છે - અમારો જમાનો, અમારા જમાનાનો ડ્રેસ, અમારા જમાનાનું ફલાણું અને અમારા જમાનાનું ઢીંકણું - જમાનો મારા-તમારો કે કોઈનો નથી. સમય કોઈનો સગો નથી. આપણે સમયની સર્વોપરિતા સ્વીકારીને તે અનુસાર પોતાને તે માળખામાં બંધબેસતુ કરીએ તો કોઈ કડવાશ ન રહે. કોઇ અસંતોષ ન રહે.

યુવાયુવતીમાં થનગનાટ છે. વણખેડી ભૂમિ ખેડવાની ધગશ છે, સાહસ છે, સાથે સાથે ભવિષ્ય ની સલામતી અંગે સજાગતા છે. એક અગમ્ય અજાણ પરિબળ વિશે ચિંતા છે.

રખે એમ માનતા કે આ વિચારો વરિષ્ઠ નાગરિકોને ઉતારી પાડવા માટે છે.આ નાગરિકો તેમના અનુભવ વડે ભવિષ્યની સફરના ભયસ્થાનો અંગે સૂચના કરી શકે છે. યુવાનીનુ કોઈ દુસાહસ આખી જિંદગી ભાર રૂપ બનાવી દે તેવા પ્રસંગ વિશે માર્ગદર્શન આપે છે. આ છતાં પણ તેમનું બાળ ક કોઈ કૃત્ય કરે તો હંમેશા તેની સાથે રહે છે. અને તેને પીઠબળ આપે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે બાળકોનો ઉપયોગ પોતાના અધૂરા રહી ગયેલા સપના સાકાર કરવા કદાપિ ન કરશો.

- લતા બક્ષી