જીવનમાં ડગલે ને પગલે આપણે પસંદગીઓ કરવાની હોય છે. રણોત્સવમાં પણ ઘણાં વિકલ્પો હોય ચોક્કસ સમયે એક જ વખતે એકસાથે ચાલી રહેલી જુદી જુદી પ્રવૃત્તિઓ પૈકી એકને ન્યાય આપવાની. તમારી રૂચિ પ્રમાણે કયો વિકલ્પ તમારે વધુ માણવો છે તેની પસંદગી તમારે કરવી પડે. કુટુંબ સાથે મોડી સાંજે શોપીંગ કરવું કે ઇનહાઉસ એક્ટિવિટી માણવી, ઘણી બધી વાનગીઓ સાથે લાઈવ સંગીતની મજા માણતા માણતા રાતનું ભોજન આનંદથી સપરિવાર લાંબો સમય આપી એન્જોય કરવું કે રાતે નવથી સાડા દસ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણવી. એક રાત બે દિવસ કે બે રાત ત્રણ દિવસના પેકેજમાં તો તમે કદાચ બધું માણવાનું ચૂકી જ જાઓ. મેં કરેલ ત્રણ રાત ચાર દિવસના પેકેજમાં પણ મને એ પૂરો થયા બાદ એવી પ્રતીતિ થઈ કે હજી એકાદ-બે દિવસ વધુ રહેવા મળત તો કેવું સારું! ખેર, રણોત્સવના પેકેજ બાદ પણ એક દિવસના ભૂજના હોમસ્ટે દરમ્યાન પણ ઘણું એન્જોય કર્યું જેની વાત રણોત્સવની રણકી કહાનીયા પૂરી કર્યા બાદ!
પહેલા દિવસે અને રાતે ઇન હાઉસ એક્ટિવિટી અને સૂર્યાસ્ત તેમજ પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રની રૂપેરી ચાંદનીમાં સફેદ રણની સુંદરતા માણ્યા બાદ બીજે દિવસે વારો હતો કચ્છના મુખ્ય શહેર માંડવીના કેટલાક ખાસ સ્થળોએ સાઇટ સીઇંગ કરવા જવાનો. વહેલી સવારે સૂર્યોદય જોવા જવાનો પ્લાન વાદળિયા વાતાવરણને કારણે રદ્ થયો પણ બદલામાં અમે સવારનો નાસ્તો ધરાઈને કરવામાં અને પછી સાઇકલિંગની મજા માણવામાં કર્યો.
સાઇકલિંગ કરવાની એવી તો મજા આવી કે ના પૂછો વાત! અમીએ પણ કેટલા વર્ષો બાદ સાઇકલ પર હાથ(કે પગ?!) અજમાવ્યો!
ત્યારબાદ રણોત્સવની બસમાં બેસી દોઢેક કલાકની સફર ખેડી જઇ પહોંચ્યા માંડવી. આ સફર દરમ્યાન બસમાં બ્લુ ટૂથ દ્વારા મેં મારા મોબાઇલ પરના મનપસંદ હિન્દી ફિલ્મી ગીતો સ્પીકરમાં વગાડ્યાં અને અન્ય સહ પ્રવાસીઓએ પણ આ સંગીતની મજા માણી.
દોઢેક કલાકમાં અમે માંડવી પહોંચી ગયા. માંડવી ઐતિહાસિક શહેર જેવું લાગ્યું. અહીં બસમાંથી જીર્ણ પ્રાચીન કિલ્લાની દિવાલો જોવા મળી, મોટા વહાણ બાંધવાના એકાદ - બે કારખાના જોવા મળ્યાં. ખાસ તો અહીં એક સ્મારકની મુલાકાતે અમને લઈ જવાયા. એ હતું શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણાં મહાનુભાવો છે જેમણે પોતાનું આખું જીવન આ આઝાદીની લડત માટે સમર્પિત કરી દીધું હતું પણ તેમાંના કેટલાકની ઇતિહાસમાં પૂરતી નોંધ લેવાઈ નથી. આવા જ એક નેતા એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. તેઓ ૧૮૫૭માં ૪થી ઑક્ટોબરે માંડવી ખાતે જન્મ્યા હતા અને યુવાન થયા બાદ મોટો ભાગ પરદેશમાં રહી તેમણે ભારતની આઝાદી માટે નોંધનીય કામ કર્યું. તેમના અસ્થિ સિત્તેરેક વર્ષ કરતાં વધુ સમય સુધી પરદેશમાં રહ્યા અને થોડાં વર્ષ અગાઉ ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ અસ્થિ ભારતમાં આણી, માંડવીમાં વર્માજી ને સાચી અંજલિ આપતા ભવ્ય સ્મારક બનાવી વર્માજીનું સ્વપ્ન પૂર્ણ કર્યું.
આ સ્મારક અતિ ભવ્ય છે અને અહીં શ્યામજી કૃષ્ણ વર્માની આખી જીવન ગાથા જાણવા મળે છે અહીં બનાવાયેલા સંગ્રહાલય દ્વારા. તેઓ વિદેશમાં જ્યાં રહેતા એ બ્રિટિશ હાઉસની પ્રતિકૃતિ પણ અહીં તૈયાર કરાઈ છે. અહીં એક વિડિયો ફિલ્મ દ્વારા અમને રણોત્સવના પ્રવાસીઓને આ મહાપુરુષના જીવન અને ભગીરથ કાર્યની માહિતી મળી.
બસમાં અમારો ગાઇડ મોઢા પર સદાયે મોટું સ્મિત રાખતો અભિષેક નામનો બોલકો યુવાન હતો. તે અમને માંડવીના ઇતિહાસ અને આ શહેર વિશે અન્ય રસપ્રદ માહિતી આપતો હતો. માંડવી બીચ પર લઈ જતા પહેલા તે અમને રણોત્સવના મુલાકાતીઓ માટે ખાસ બનાવાયેલી સામે દૂર દરિયાનું દ્રશ્ય દેખાય એવી બીચ રિસોર્ટ પર લંચ માટે લઈ આવ્યો. ભોજન લીધા બાદ અમે મુલાકાત લીધી માંડવીના વિજય વિલાસ પેલેસની. ૧૯૨૯માં કચ્છ ના મહારાવ વિજય સિંઘજીએ આ મહેલ એક સમર રિસોર્ટ તરીકે બાંધ્યો હતો.
અહીં કેટલીક હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે.મહેલમાં ઉપર ગયા બાદ અગાશી માંથી માંડવીનો દરિયો અને શહેરની ઝાંખી જોવા મળે છે. જો કે મને આ મહેલ વધુ પસંદ ન પડ્યો કેમકે મને અહીં તેની જાળવણીમાં પૂરતી તકેદારી રખાતી નહીં હોય એવું લાગ્યું.
આ મહેલમાં સમય પસાર કર્યા બાદ ફરી માંડવીના બીચ પાસે આવ્યા જ્યાં લંચ લીધું હતું અને હવે અમે ચા - પાણી પીધા બાદ જઈ પહોંચ્યા માંડવીના સ્વચ્છ સુંદર દરિયા કિનારે. આ બીચ ખાનગી હોવાથી કદાચ ત્યાં સ્વચ્છતા જળવાઈ રહી છે. અહીં રેતીના વિશાળ પટ પર અમે દસ - પંદર મુલાકાતીઓ જ હાજર હતાં. અહીં અમને ખૂબ મજા આવી.
આટલો સ્વચ્છ સુંદર દરિયા કિનારો ભારતમાં અતિ જૂજ છે. કર્મની કઠણાઈ છે કે નજીક ના જે જે દરિયા કિનારે પહોંચવું સરળ છે અને જ્યાં લોકોની અવરજવર વધે છે, એ દરિયા કિનારા પોતાની સુંદરતા ખોઈ બેસે છે. માંડવીના દરિયા કિનારે અમે પાણીમાં છબછબિયા કર્યા, રેતીમાં ખૂબ રમ્યા, આરામ ફરમાવી શકાય એવી લાંબી ખુરશી પર બેસી અફાટ દરિયા સામે તાક્યા કરવાની મજા માણી અને નાના બાળકોની જેમ અભિષેકે ચાર - પાંચ બૂમો પાડી પછી જ અમે, સૂર્યાસ્ત જોવાની મજા માણ્યા બાદ ફરી બસમાં ગોઠવાયા.
ટેન્ટસીટી પાછા ફર્યા ત્યાં સુધી અંધારું થઈ ગયું હતું અને ફરી એક રોશની ભરી સાંજ અમે રણોત્સવના સુંદર ટેન્ટસીટીમાં માણી. મોડું થઈ જતાં આજે પણ સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણવાનું અમે ચૂકી ગયા. આપણે મુંબઈવાસી શહેરીજનો રાતે મોડા જમવાની ટેવ ધરાવતા હોવાથી નવથી સાડા દસ વચ્ચે જ જમવાનું થાય અને તે જ સમયગાળામાં કાર્યક્રમ અન્ય જગાએ ચાલતો હોવાથી ચૂકી જવાતો. આવતી કાલે તો કાર્યક્રમ માણવો જ એવી મનમાં ગાંઠ વાળી અમે કાર્યક્રમ જ્યાં થતો એ મેદાન પાસે ફરી રહ્યાં. અહીં સુંદર ગામડા જેવું દ્રશ્ય મંચની આસપાસ બનાવાયું હતું. ખાટલા ઢાળ્યા હતા, નાની હાટ બનાવાઈ હતી, મોટા સુંદર મોરનું શિલ્પ તેના પર ફોકસ કરાયેલી ભૂરી - લીલી લાઇટની રોશનીમાં શોભી રહ્યું હતું. આસપાસ અન્ય પણ મોડર્ન આર્ટથી છલકતા અન્ય શિલ્પો શોભી રહ્યા હતા. ઘોંઘાટ ભર્યા કાર્યક્રમ પત્યા બાદની શાંતિ અમે કાર્યક્રમ ચૂકી જવાના સહેજ પસ્તાવા સાથે મમળાવતા ત્યાં ચાલી રહ્યાં. અગિયારેક વાગે બહાર થોડું ચાલી ગોલ્ફકાર્ટ કર્યું અને અમારા ક્લસ્ટરમાં પાછા ફર્યાં. અહીં આવ્યા બાદ પણ ક્લસ્ટરમાં વચ્ચે ગોઠવેલા હીંચકે ઝૂલતા અમે એકમેકના સંગાથની હુંફ માણી, અન્ય પ્રવાસોની જૂની યાદો વાગોળી. પછી અમારા ટેન્ટમાં જઈ સૂઈ ગયા. અડધી રાતે બહારથી બે પ્રકારના અવાજો સંભળાઈ રહ્યાં - એક માવઠા અને ગાજવીજનો અને બીજો અમારા ક્લસ્ટર મેનેજર સુરેન્દ્ર અને તેના સાથીઓએ આ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા શરૂ કરેલી ચહલપહલનો.
(ક્રમશ:)
કચ્છનું ધોરડો ગામ જ્યાં રણોત્સવ માટે ત્રણ - ચાર મહિના માટે ટેન્ટસીટી ઉભી કરાય છે ત્યાં વાતાવરણ વિષમ જોવા મળે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં જેમ સામાન્ય રીતે ત્રણ ઋતુઓ અનુભવવા મળે છે ત્યારે કચ્છના આ વિસ્તારમાં ઘણી વાર લાગલગાટ ત્રણ વર્ષ સુધી વરસાદનું ટીપુંયે વરસતું નથી પણ ગત વર્ષે પ્રકૃતિ જાણે આ ધરા પર મહેરબાન થઈ હોય એમ ત્યાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો. સફેદ રણ તો જ તૈયાર થાય જો વરસાદના પાણીને સુકાઈ જવા પૂરતો તડકો મળે. ગત વર્ષે વરસાદ રહી રહી ને વરસતો રહ્યો. નવરાત્રી ગઈ પણ વરસાદ ના ગયો, દિવાળી ગઈ તોયે એણે સંપૂર્ણ વિદાય ના લીધી. રણોત્સવ તો નિયત સમય મુજબ શરૂ થઈ જ ગયો નવેમ્બરના આગમન સાથે. હવે હજી વરસાદ મન થાય ને અણધારી મુલાકાત લઈ બેસે તો રણોત્સવ જેવા આવડા મોટા આયોજન કરનારાએ તો પૂરી તકેદારી રાખવી જ પડે. અને તેનો અમને તો થોડો થોડો પણ પ્રત્યક્ષ અનુભવ થયો સાહેબ!
બે દિવસ અતિ સુખમાં વિતાવ્યા બાદ બીજી રાતે જ્યારે અમે અમારા ટેન્ટમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે અડધી રાતે ટેન્ટ બહારથી ક્લસ્ટર મેનેજર સુરેન્દ્ર અને તેના અન્ય ટીમ મેમ્બર્સના અવાજો આવી રહ્યા. થોડા ધ્યાનથી સાંભળ્યું તો વીજળીના ગડગડાટ જેવા અવાજો પણ સંભળાઈ રહ્યાં. જોકે આ વરસાદ એવો જોરદાર નહોતો કે ટેન્ટ પલળી જાય અને બધે જળબંબાકાર થઈ જાય. આ કદાચ ઝાપટું હશે સવારે થોડી ઘણી ભીનાશ જોતા માલૂમ પડયું. પણ એવો અંદાજ આવ્યો કે ટેન્ટસીટીના આયોજકોની ટીમ સાબદી થઈ ગઈ હતી. ખેર, વરસાદ ત્યારે વધુ વરસ્યો નહીં તેથી પરિસ્થિતિ વણસી નહીં. વાતાવરણ આવું હોય ત્યારે સૂર્યોદય જોવાનો મેળ તો ક્યાંથી પડે? ત્રીજા દિવસની સવારે પણ મીઠાના રણમાં સૂર્યોદય જોવા જવાનો પ્લાન મોકૂફ રખાયો. ચોથા છેલ્લા દિવસે તો સવારે વહેલા ચેક આઉટ કરવાનું હોય તેથી સૂર્યોદયની મજા સફેદ રણમાં માણવાનું નસીબમાં નહીં લખ્યું હોય એમ માની સવારનો નિત્યક્રમ પતાવી બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ હોલ ગયા અને ધરાઈને સવારનો નાસ્તો માણ્યો.
ત્રીજા દિવસે બપોર પછી બસમાં ફરવા જવાનું હોવાથી લંચ સુધીનો સમય ટેન્ટસીટીમાં અંદર જ પસાર કરવાનો હતો આથી અમે અડવેન્ચર ઝોનમાં જવાનું અને પછી ટેન્ટસીટીમાં અંદર ઘૂમવાનું અને ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું.
અમીને તો અડવેન્ચર એક્ટિવિટીમાં ઝાઝો રસ નહી અને હિતાર્થ હજી ત્રણ જ વર્ષનો હોવાથી આ માટે એલિજીબલ નહીં, આથી એ બંને ને એક બાજુ બેસાડી હું અને નમ્યા અડવેન્ચર ઝોનના મોટા ચતુષકોણાકાર પ્લેટફોર્મમાં પ્રવેશ્યા. લશ્કરીદળના સૈનિકોને ટ્રેનિંગમાં અપાય એવી લો રોપ અને હાઈ રોપ એમ બે પ્રકારની દોરડા પર લટકી, સરકી આગળ વધવાની અને દોરડાંની જાળ પર પગ ભરાવી તેમ જ લાકડાની ક્રમ બદ્ધ પણ થોડે થોડે અંતરે ગોઠવેલી પટ્ટીઓ પર આગળ વધી અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાની એક્ટિવિટી હતી. નમ્યાને તેની ઉંચાઈ પ્રમાણે લો રોપ એક્ટિવિટી કરાવડાવી. તેને મજા આવી. હવે મારો વારો હતો. એર ગ્લાઈડીંગ હજી કોઈક કારણ સર શરૂ કરાયું નહોતું તેથી મારે ઉડતા શિયાળ જેવા લાગતા ચામાચીડિયાના નામ પરથી ઓળખાતી ફ્લાઇંગ ફોક્સ કે ઝિપલીંગ થી સંતોષ માનવો પડયો. અહીં ત્રણેક માળ જેટલી ઉંચાઈએ જઈ ત્યાંથી દોરડા પર લટકતા લટકતા દૂર નીચે એક નિયત જગાએ પહોંચવાનું હોય. પંખી ને દેખાય એવો નજારો માણતા માણતા એક બે મિનિટમાં તો તમે નીચે પણ આવી જાવ!
આખી ટેન્ટસીટીનું આ રીતે વિહંગાવલોકન કરવાની મજા આવી. ગોળાકારે અલગ અલગ ક્લસ્ટર્સમાં શોભતા શ્વેત તંબુઓ, ગ્રીન કાર્પેટ, કેસરી કંડીલો અને વચ્ચે મુકાયેલા સુશોભનના આર્ટ મોડલ્સ અનોખું સુંદર દ્રશ્ય સર્જી રહ્યાં જે આટલી ઊંચાઇ એથી જ જોઈ શકાય! આ પછી અન્ય એક 'અડ્રેનલાઇન રશ' જન્માવતી અતિ સાહસી અને રોમાંચક એક્ટિવિટીની સૌ પ્રથમ વાર મજા માણી. એ હતી સ્વિંગ એટલે કે ઝૂલો ઝૂલવાની રમત. લાગે તો સરળ કે ઝૂલવાનું હવામાં, પણ જ્યારે ચાર - પાંચ માળ જેટલી ઊંચાઈએથી એક પાટીયા પર બેસવાનું અને પછી પાછળથી ઈનસ્ટ્રક્ટર તમને ધક્કો મારે એ ક્ષણની અનુભૂતિ તો આ ઝૂલો જે હિંમતવાન ઝૂલવા ઝૂકાવે એ જ જાણે! પાટીયા પર બેઠા હોવ અને પગ નીચે લટકતા હોય અને અચાનક નીચે નજર જાય અને અહેસાસ થાય કે નીચે ચાર પાંચ માળ જેટલી નીચાઈ સુધી કંઈ જ નથી અને અચાનક ઈનસ્ટ્રક્ટર તમને ધકેલે અને તમે સીધા હવામાં ફંગોળાવ ત્યારે પેટમાં જે પતંગિયા ઉડતા કે ઉંદર દોડતા અનુભવાય એ ખરેખર એક માણવા લાયક ફીલિંગ છે! સ્વિમિંગ કરતા હોય ત્યારે ઉંચા પાટીયા પરથી ડાઇવ મારતી વખતે પણ આવો સરખો અનુભવ થાય છે પણ અહીં ઉંચાઈ થોડી વધુ હોય. એક વાર હવામાં ફંગોળાયા બાદ તમે સાત થી આઠ વાર લોલક ની માફક ઝૂલ્યા કરો અને ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય અને પછી તમે મધ્યમાં નીચે આવો ત્યારે હાશ થાય અને અનેરા રોમાંચક અનુભવ માંથી પસાર થયાની અનુભૂતિ થાય!
આ અડવેન્ચર એક્ટિવિટીની મજા માણ્યા બાદ અમે આસપાસ ફર્યા, ટેન્ટસીટીમાં ગોઠવેલી અદભૂત અજાયબી જેવી પ્રતિકૃતિઓ સાથે અને આર્ટ પીસીસ સાથે ફોટા પડાવ્યા, ત્યાર બાદ લંચ લીધું અને પછી ની સીટી ટૂર માટે બસમાં રવાના થવા ટેન્ટસીટીના પ્રવેશદ્વાર ભણી રવાના થયા.
ટેન્ટસીટીના રિસેપ્શન કક્ષમાં હું કંઈક પૂછતાછ કરી રહ્યો હતો એવામાં અચાનક લાઇટ જતી રહી અને સાવ અંધારું થઈ ગયું. વાતાવરણ અચાનક પલટાયું હતું અને બહાર ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આ અતિ આકસ્મિક હતું. વરસાદને કારણે જ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન ત્વરિત બંધ કરી દેવાયું હતું, શોર્ટ સર્કિટ ના થાય એ માટે. ટેન્ટસીટીના બધાં આયોજક ટીમ મેમ્બર્સ એક્શનમાં આવી ગયા હતા. તેમના વોકીટોકી પર સૂચનોનો વણથંભ્યો પ્રવાહ ચાલુ હતો. તેમણે તાત્કાલિક અન્ય બધાં ક્લસ્ટર્સ માંથી પ્રવાસીઓને સૌથી મોટા અને કેન્દ્રીય ક્લસ્ટરમાં શિફ્ટ કરી દેવાની કવાયત આરંભી દીધી હતી. ગઇ રાત્રે જે ચહલ પહલ હતી તે આ કેન્દ્રીય ક્લસ્ટરને વર્ષાના ઝંઝાવાત સામે સૌથી વધુ સુસજ્જ કરવા માટેની હતી. તેમને અંદેશો આવી ગયો હશે તેથી અગાઉ થી પ્લાનીંગ કરી રાખ્યું હતું બધાને ક્લસ્ટર 'ડી' માં શિફ્ટ કરી દેવા, જો વર્ષા વધુ સમય સુધી ના આવે તો. જો વર્ષા અટક્યા વગર ચાલુ જ રહે તો પણ અમને આસપાસના ગામમાં અન્ય મોટી હોટલમાં શિફ્ટ કરવાનો પ્લાન 'બી' પણ તૈયાર હતો! આ અદ્ભુત પ્લાનીંગ જોઈ હું અને અન્ય પ્રવાસીઓ દંગ રહી ગયા. અમને રણોત્સવના આયોજકો માટે માન ઉપજ્યું અને તેમને સલામ કરવાનું મન થઈ આવ્યું. વરસતા વરસાદ વચ્ચે રિસેપ્શન બહાર ગેટ પરથી છત પરથી જોશ ભેર વહી રહેલા પાણીને ઝીલવા નીચે મોટી બાલદી મૂકી દેવાઈ હતી તેની આસપાસ ઉભા ઉભા અમે આ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં જ અમને આગળની ટૂર માટે લઇ જવા બસ આવી પહોંચી. અમારો સામાન અમારે ટેગ કરી દેવાની સૂચના અપાઈ હતી. અમે ફરીને આવીએ ત્યારે ક્લસ્ટર ડી ના નવા એ. સી. ટેન્ટમાં સામાન પહોંચી ગયો હશે તેવી અમને ખાતરી અપાઈ હતી! વધુ વરસાદ પડે તો અન્ય હોટેલમાં પણ સામાન પહોંચી જશે તેવી વ્યવસ્થા તેઓ એ વિચારી રાખી હતી. મહેમાનગતિ અને અતિથિઓની સગવડ સાચવવાની આનાથી વધુ સારી દરકાર કોઈ અન્ય જગાએ થયાનો અનુભવ યાદ નથી.
અમે કાળો ડુંગર અને અન્ય નિયત જગાઓએ ફરવા બસમાં બેસી રવાના થયા.
(ક્રમશ:)