Translate

રવિવાર, 21 જાન્યુઆરી, 2018

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૭)

વિશાલ લામા તેની ગાડી લઈ સમયસર આવી ગયો અમને ગેંગટોકની સફર કરાવવા.સૌ પ્રથમ બીજા દિવસે નાથુલા પાસ જવા માટે પરવાનગી અર્થે અમારા ફોટા અને આઈકાર્ડ્સની ફોટોકોપીઝ તેને યાદ કરીને આપી દીધી જેથી આટલે દૂર આવ્યા બાદ નાનકડી ઔપચારિકતાને લીધે અમે આટલી અદભૂત અને સુંદર જગાની સફર ચૂકી ન જ ઇએ. તેણે એ બધું અમારી અન્ય જરૂરી વિગતો સાથે લઈ લીધું અને કોઈકને ફોન કરી એ માટેની કાર્યવાહી આરંભી દીધી અને સૌ પ્રથમ એ અમને લઈ ગયો ફૂલોના એક પ્રદર્શનમાં જ્યાં એક નાનકડા બાગને મોટા બંધ ગ્રીનહાઉસ જેવા ખંડમાં પરિવર્તિત કરી ઘણાં સુંદર વિવિધરંગી પુષ્પોના છોડ ઉગાડવામાં - સજાવવામાં આવ્યાં હતાં.ટિકિટ લઈ અમે એ બાગની મુલાકાત લીધી.








  અહિં બહાર પ્રવેશદ્વાર પર ઉભેલ યુવાન ત્યાંનો સ્થાનિક નાગરિક હોવા છતાં તેણે અમને ગુજરાતીમાં આવકાર આપ્યો!અંદર પાર્કમાં ક્યારેય ન જોયેલાં ફૂલોનાં રોપા હતાં અને તેમના પર જાતજાતનાં નાના-મોટાં ફૂલો શોભી રહ્યાં હતાં.ધરાઈને તેમના સૌંદર્યનું પાન કર્યું,તેમને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોટા પાડ્યાં.ત્યાંથી વિશાલ અમને લઈ ગયો ગણેશટોંક નામનાં વિઘ્નહર્તાનાં મંદીરે.અષ્ટવિનાયકની હોય તેવી વિવિધ કેસરી મૂર્તિઓ અષ્ટકોણાકારે મંદીરમાં શોભી રહી હતી.ઉંચાઈ પર આવેલ આ મંદીરના ટાવર પરથી ગેંગટોકના અને દૂરેદૂરે આવેલાં પર્વતોની હારમાળાના ફોટા પાડ્યાં બાદ અમે નીચે ઉતરી કેન્ટીનમાં ચા-નાસ્તો કર્યાં.આલૂ-પરાઠાનો સ્વાદ ધાર્યાં કરતાં વધુ સારો હતો. દક્ષિણ ભારતથી આખી બસ ભરીને એક મોટું ટોળું ગેંગટોક દર્શને આવ્યું હશે એ અહિ ભટકાયું.કલબલ કલબલ કરતી કન્યાઓએ હિતાર્થને ખુબ રમાડ્યો અને સાથે દાદા-દાદીની ઉંમરના વયસ્કો પણ હતાં જેઓ અમને જોઇને વિચાર્યું હશે કેવા ભારતની ભૂમિના ત્રણ તદ્દન ભિન્ન સંસ્ક્રુતિ ધરાવતાં લોકો અહિં ભેળા થઈ ગયાં છે - ગુજરાતી,મદ્રાસી અને સિક્કિમવાસી! મોટા ભાગના એ દક્ષિણ ભારતીય સહેલાણીઓએ ત્યાં ભાડે મળતા સિક્કિમના પરંપરાગત પોષાક પહેરી ફોટા પડાવ્યાં. મંદીરની સામે આવેલા પ્રાણીબાગમાં ત્યાર બાદ અમે ગયાં.

અહિં મોટાભાગનાં દાર્જિલિંગના ઝૂમાં જોયેલાં પ્રાણીઓ જ જોવા મળ્યાં પણ સિક્કિમના આ પ્રાણીબાગની વાત કંઈક અનેરી હતી.આ એક જંગલ જ હતું એમ કહીએ તો ખોટું નહિ ગણાય.અહિં દાર્જિલિંગના પ્રાણીબાગ કરતાં ઓછાં પ્રાણીઓ હતાં પરંતુ તેમના પાંજરા અતિ વિશાળ હતાં.બલ્કે કહોને એવડાં મોટાં હતાં કે પ્રાણીઓને કદાચ લાગતું જ નહિ હોય કે તેઓ પાંજરામાં પૂરાયેલાં છે.એક પાંજરા થી બીજા પાંજરા વચ્ચેનું અંતર ખાસ્સુ વધુ હતું.રેડ પાંડા,યાક,પર્વતીય દીપડો,જંગલી બિલાડી,સાહુડી,ભસતું હરણ 












 વગેરે પ્રાણીઓને તેમના કુદરતી આવાસ જેવા પરિસરમાં નજીકથી જોવાની મજા આવી.એક પાંજરાથી બીજા પાંજરા સુધી જવા માટે પગથી જેવો રસ્તો જંગલના વાતાવરણમાં જ ખુબ સરસ રીતે બનાવેલ હતો.અમને આ પ્રાણીબાગમાં ખુબ ચાલવું પડ્યું હોવા છતાં ભારે મજા આવી.ત્યાંથી અમે ગયાં તાશી વ્યુ પોઇન્ત નામની જગાએ.અહિ પણ ઘણા બધાં દાદરા ચડી ઉંચે જઈ સુંદર પ્રાક્રુતિક દ્રષ્યની મજા માણવાની હતી.



બાજુમાં લશ્કરી કેન્દ્ર હતું અને ભેટ-સોગાદની ચીજ વસ્તુઓ વેચતી એક સરકારી દુકાન.ત્યાંથી થોડી ઘણી ભેટ-સોગાદો ખરીદી અમે આગળ વધ્યાં.
            હવે વારો હતો બનજાંખરી પાર્કનો.ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ભારે ખરાબ હતો પણ આ પાર્કમાં ફરવાની ખુબ મજા આવી.અહિં જંગલમાં વસતા સ્થાનિક જાંખરી જાતિના આદિવાસીઓના લોકજીવનને લગતી ચીજવસ્તુઓ તથા આદમકદના પૂતળાઓ વગેરેનું પ્રદર્શન કરાવતાં વિભાગ હતાં










 તો સાથે જ બેસીને નાસ્તો કરી શકીએ કે ફોટા પાડી શકીએ એવા સુંદર ચીની ઢબનાં છાપરા ધરાવતી નાનકડી ઓરડીઓ પણ હતી.થોડે ઉપર આગળ એક સુંદર જળધોધ હતો અને પાસે જ સાહસિક રમતો રમી શકીએ એવા પુલ-જાળી વગેરે સાધનો પણ હતાં.જળધોધ સાથે તેમજ સિક્કિમના પરંપરાગત પોષાકમાં અમી,નમ્યા અને બહેન ભાવનાએ ધરાઈને ફોટા પડાવ્યાં. 
 
 પાર્કમાંથી બહાર આવી મોડે મોડે બપોરના ખાવામાં નૂડલ્સ અને અહિં ખુબ પ્રખ્યાત એવા મોમોઝની મજા માણી.
ત્યાંથી પાછા ફરી અમે ફરી ગેંગટોકના મુખ્ય શહેર તરફ આવ્યાં અને એક અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવતો રોમાંચક અનુભવ માણ્યો રોપવેમાં!આખા ગેંગટોકની સુંદર ઝાંખી કરાવતો આ અનુભવ ત્યાં ગયેલા દરેક પ્રવાસીએ લેવો જ જોઇએ!

કાચની બારી ધરાવતા એ ઉડનખટોલામાંથી વિહંગાવલોકન જેવો અનુભવ કરતાં કરતાં મેદાન,પર્વતો,ટચૂકડા કતારબદ્ધ વાહનો,પુલો,નદીઓ,મકાનો અને રંગીન ગેંગટોકના સાંધ્યરંગીન આકાશને જોવાની મજા અપૂર્વ હતી. એ દિવસનું છેલ્લું નવું પોઇન્ટ એટલે ઉડનખટોલાના કેન્દ્રથી નજીક જ આવેલી એક મોનેસ્ટરી.અહિં પણ દાર્ક્જિલિંગની અન્ય મોનસ્ટરીઝમાં થયેલ દિવ્ય,શાંત અને પવિત્ર અનુભવનું પુનરાવર્તન કરવાની મજા આવી.

 
  

બહાર સેંકડો પ્રેયર બેલ પ્રદક્ષિણા કરતા કરતાં ઘૂમાવ્યાં અને બાજુમાં એક ખંડમાં એક સાથે પ્રગટાવાયેલા સેંકડો દીવાઓની રોશનીએ મનને અનેરા ભક્તિભાવથી ગદગદ કરી નાંખ્યું.


(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો