Translate

બુધવાર, 30 એપ્રિલ, 2014

ગુજરાતમાં મિની-વેકેશન


પખવાડિયા પહેલાં મારી દિકરી નમ્યાંને શાળામાં વેકેશન પડ્યું એટલે તેને ગુજરાત તેના નાનાનાની-મામામામી પાસે રજાની મજા માણવા મૂકવા ગયો.બે-ત્રણ દિવસ જ રહ્યો પણ ખૂબ ફર્યો અને જે અનુભવ કર્યો તે આજે બ્લોગ થકી તમારાં સૌ સાથે શેર કરી રહ્યો છું.

બાધા-આખડી વગેરેમાં મને આમ તો વિશ્વાસ નહિ પણ ઇશ્વરમાં શ્રદ્ધા ખરી. મારા સાસુમા એ મારા પગના ઓપરેશન પછી હું ગુજરાત જાઉ એટલે મને લઈ બહુચરાજી ધામે દર્શન કરવાની બાધા રાખી હતી. હું અમી,નમ્યા અને મારા અન્ય પરિવારજનો સહિત કારમાં બહુચરાજી જવા નીકળ્યાં. અમે બહુચરાજી ધામે પહોંચતા પહેલા એ જ રસ્તામાં આવતા મોઢેરાના સૂર્ય મંદિરે જવાનું નક્કી કર્યું અને સૂર્યમંદિર નજીક પહોંચ્યા ત્યાં વરઘોડો જતો હોય ત્યારે વાગે તેવા ઢોલકનો સ્વર સંભળાઈ રહ્યો હતો. આજુબાજુ જોકે જાન જેવું કંઈ દેખાતું નહોતું. વધુ વિચાર્યા વગર સૂર્યમંદિર પહોંચ્યા.

        અદભૂત કોતરણી ધરાવતા પત્થરોનું બનેલું પ્રાચીન સૂર્યમંદિર જોવું એક લહાવો છે.પત્થરના સ્થંભ પર મનુષ્યોની તેમજ દેવીદેવતાઓની વિવિધ આકારમાં પ્રતિમાઓ કંડારેલી જોવા મળે. ધ્યાનથી જોતા માલૂમ પડ્યું કે કેટલીક પ્રતિમાઓમાં તો સ્ત્રી પુરુષ મૈથુન ક્રિયામાં રત કંડારાયા હતાં. ખજૂરાહોની જેમ અહિં પણ આવા શ્રુંગારિક કામાસનો વાળી કોતરકામ ધરાવતી પ્રતિમાઓ મંદિરની દિવાલો પર છે એવી જાણ નહોતી. સૂર્યાસ્ત થવામાં થોડી વાર હતી. સાંજનું વાતાવરણ મનમોહક હતું. સોલંકી શૈલીના આ પ્રાચીન સૂર્યમંદિરનું અન્ય મોટું આકર્ષણ એટલે અહિ આવેલી સેંકડો પગથિયા ધરાવતી વાવ.મોટા લંબચોરસ કૂંડ આકારની આ વાવ જોતાં અનેરી ધન્યતાની લાગણી થાય.ચારે દિશાઓમાં સામસામે વાવમાં નીચે ઉતરવા માટે નાના નાના પગથિયા બનાવેલા હતાં.વચ્ચે પાછા દેવીદેવતાના દહેરાઓ  પણ ખરાં. આખી મોટી લંબચોરસ વાવમાં એક સરખી ડિઝાઈન ધરાવતું આવું અદભૂત બાંધકામ અતિ ભવ્ય અને સુંદર લાગતું હતું. અમે આ પગથિયા ઉતરી વાવમાં નીચે ઉતર્યા જ્યાં થોડું પાણી હતું.વાવ કેટલી ઉંડી હશે તેની તો કલ્પના ન થઈ શકી કારણકે પાણી કાળાશ પડતું લીલું અને અપારદર્શક હતું.પણ પાણીની સપાટી જ્યાં દાદરા પાસેથી શરૂ થતી હતી ત્યાં મેં અને નમ્યાએ કુતૂહલપૂર્વક જળચર કાચબા નિહાળ્યા.તેઓ દાદરા પર પાણી નીચે આરામ કરતાં હતાં પણ થોડી વાર નિરખ્યા બાદ જેવી અમે મોટેથી વાતચીત શરૂ કરી કે તેઓ ચપળતાથી પાણીમાં ઉંડે સરકી ગયા.

સૂર્યમંદિરમાંથી બહાર આવ્યાં એટલે એક નોખું દ્રષ્ય જોવા મળ્યું. પેલો વરઘોડામાં વાગતા સંગીત જેવો અવાજ ફરી સાંભળવા મળ્યો પણ આ વખતે તો સામે એક અચરજ પમાડે તેવું દ્રષ્ય પણ જોવા મળ્યું. એક નેતરની રસ્સીવાળા ગામડે જ જોવા મળે તેવાં ખાટલા પર ઘોડો નાચતો જોવા મળ્યો. બલકે કહો કે તેનો માલિક ઘોડાને નચાવી રહેલો જોવા મળ્યો.આજુ બાજુ એક-બે વિદેશી સહેલાણીઓ આ દ્રષ્યનું વિડીયો શૂટીંગ કરી રહ્યાં હતાં. પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે ઘોડાને સંગીત વગાડી વરઘોડામાં નાચવાની તાલીમ અપાઈ રહી હતી. નાચતો ઘોડો જોઈ અમને ખૂબ નવાઈ લાગી. નાચતો તો શું કહોને તેના આગળ-પાછળનાં પગ વારાફરતી ઉંચાનીચા કરતો ઘોડો જોઈ તેની થોડી દયા આવી. વિચાર આવ્યો કે ઘોડાને આમ કઢંગી રીતે નાચતો જોઇ લોકોને શું મજા આવતી હશે?વરઘોડામાં ઘણાં લોકો બેન્ડબાજાના તાલે ઘોડાને પણ નચાવતાં અને નાચતા ઘોડાને જોઈ રાજી થતાં હોય છે. યોગાનુયોગ એ જ રવિવારે મેનકા ગાંધીનો આ જ વિષય પરનો લેખ જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિમાં પ્રકાશિત થયો હતો. માનવોએ મૂંગા પશુઓ પર અત્યાચાર બંધ કરવો જોઇએ. ઘોડો નાચવા કે સંગીત નો ઘોંઘાટ સહન કરવા ટેવાયેલો હોતો નથી.પણ તેને આ રીતે ખાસ તાલીમ આપી તૈયાર કરાય છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર અન્ય પશુઓનો ઉપયોગ કરી તેમનું શોષણ કરવાનું બંધ કરી દેવું જોઇએ.

સાંજ ઢળવા આવી હતી. ભીડ વગરના સરસ રસ્તા પર અમારી ગાડી પૂરપાટે હવે બહુચરાજી તરફ દોડી રહી હતી. સૂર્યાસ્તનું દ્રષ્ય અને આસપાસના ખેતરો મનને એક અનેરો આનંદ આપતાં હતાં.

બહુચરાજી પહોંચ્યા એટલે અન્ય યાત્રાધામની જેમ મંદિરની આસપાસ વિવિધ દુકાનો હતી. ખાસ કરીને પૂજાપાના સામાનની મહત્તમ દુકાનો હતી.એક યુવાન સામેથી આવી પેટીમાંથી ચાંદીના વિવિધ માનવ અવયવોની પ્રતિકૃતિઓ દેખાડવા માંડ્યો. લોકો અહિ શરીરના વિવિધ અવયવોની તકલીફ હોય તેના નિવારણ માટે બાધા રાખતા હોય છે.કોઈનું આંખનું ઓપરેશન હોય તો તે સાજા થયા બાદ ચાંદીની આંખ ચડાવે.કોઈને હાથની તકલીફ હોય તો તે હાથ ચડાવે.મારા સાસુમાએ મારા વતી ચાંદીનો પગ લીધો.મને પણ મારી મમ્મીના પગે હાલમાં તકલીફ છે તેથી તેના વતી પગ ચડાવવાનું મન થયું અને મેં તેમ કર્યું. બાધા-આખડીમાં માનનારા મેં કોણ જાણે કઈ શ્રદ્ધાથી પ્રેરાઈને મમ્મી માટે પગની જોડી ખરીદી બહુચરાજીને ચડાવી. અહિ બીજા કોઈને નુકસાન પહોંચાડવાની  કે ભગવાન સાથે સોદો કરવાની વાત નહોતી કે જો તમે મારી મમ્મીના પગનું દર્દ મટાડી દેશો તો હું તમારા પારે આવી ચાંદીના પગ ચડાવીશ.પણ મનમાં એવી આસ્થા જાગી કે હું પગની જોડી ધરાવીશ તો મમ્મીને પગના દર્દમાં રાહત થશે. એવું મારૂં તાર્કિક મન વિચારી રહ્યું. લોકો અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અંગત સ્વાર્થ માટે અન્ય ને નુકસાન પહોંચાડવા સુધી કે ક્યારેક તો સઘળી સારાસારની હદો વટાવી જઈ અન્ય જીવની બલિ ચડાવવા સુધી તૈયાર થઈ જતાં હોય છે તદ્દન ખોટું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. બહુચરાજી મંદિરમાં સાંધ્ય આરતી સમયે પહોંચ્યા અને આરતીમાં સામેલ થવાની મજા આવી.

પછી તો બીજે દિવસે ઇડર પાસે કડિયાદરા નામના નાનકડા ગામે એક સગાને ત્યાં મળવા જવાનું પણ બન્યું અને કાળઝાળ ગરમીમાં પણ આસપાસના ખેતરો વગેરે જોતાં જોતાં ફરવા જવાની મજા આવી.અમારાં કુળદેવી ભુવનેશ્વરી માતાનાં ગુંજા ગામે આવેલાં મંદિરે,અમારાં મૂળ વતન ઉંઢાઈ ખાતે આવેલા અમારા ઇષ્ટ દેવ લાખેશ્વર મહાદેવનાં મંદિરે તેમજ વચ્ચે રસ્તામાં આવતાં ઝૂંડવાળા અંબાજીનાં મંદિરોમાં દર્શન કર્યાં. કડિયાદરાથી નજીક વિરેશ્વર નામની સુંદર જંગલ જેવા પ્રદેશમાં આવેલી જગાએ ગયાં.ત્યાં મંદિરમાં દર્શન કર્યાં બાદ નાનકડી ટ્રેક માણતાં માણતાં એક નાનકડા કુંડ પાસે ગયાં જ્યાં એવી લોકવાયકા છે કે કુંડમાં ગંગાજી સ્વયંભૂ રીતે પ્રગટ્યા છે.અમે કૂંડમાં પાણી કદી સૂકાતું નથી.કોઈ પણ મોસમમાં પાણીનું પ્રમાણ નથી વધતું,નથી ઘટતું.ઝરણાની જેમ પેલા કૂંડમાંથી વહ્યાં કરે છે.કૂંડની આસપાસ કુદરતી સૌંદર્ય અને લીલી વનરાજી અપાર હતાં.

લોકોએ અહિં ઠેર ઠેર પથ્થરો એકમેક પર ગોઠવી મકાનની પ્રતિક્રુતિઓ તૈયાર કરી હતે.એમ કહેવાય છે કે તમારે જેટલા માળનું મકાન જોઈતું હોય તેટલાં પથ્થર એકમેક પર ગોઠવવાનાં!મેં અને નમ્યાએ પણ અમારો એક દ્વિમાળી બંગલો તૈયાર કર્યો!એક સુંદર ઝાડ નીચે મને ફોટો પડાવવાનું મન થયું.પણ તે થોડું આઘે અવાવરૂં જગાએ હતું.ત્યાં સૂકા વેરાયેલાં પાંદડાઓ વચ્ચે ગોઠવાયેલા પથ્થર પર બેસવા ગયો ત્યાં તો સૂકા પાંદડાઓમાં અનેક દેડકાનાં બચ્ચાં આમતેમ કૂદવા લાગ્યાં અને મારા કાનમાં પણ એક ડર ઉત્પન્ન કરે એવો ભમરાંના ગણગણાટ જેવો સ્વર સંભળાયો.પણ હવે પથ્થર સુધીતો પહોંચી ગયેલો. નમ્યાને ખોળામાં બેસાડી ફોટો પડાવ્યો ત્યારે ઝંપ્યો!

સાંજે પાછાં ફરતાં ખેતરોમાં ઉંના પાકમાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયા જોઈ. એરંડા, વરિયાળી, ફણસી અનેક પ્રકારની વનસ્પતિના ખેતરો જોયાં અને આખો દિવસ ફર્યાં બાદ જ્યારે ઘેર પાછા ફર્યાં ત્યારે રાતે નિરાંતે મીઠી ઉંઘ આવી!

સોમવાર, 21 એપ્રિલ, 2014

વધુ સારા ભારત માટે આ વખતે તો ચોક્કસ વોટ આપજો...


મૂળ 'જાગો રે...' શિર્ષક હેઠળ અંગ્રેજીમાં બ્લોગ મેં ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના દિવસે લખ્યો હતો પણ તેમાં ચર્ચેલાં મુદ્દાઓ આજેય એટલાં યથાર્થ છે જેટલાં પાંચ વર્ષ અગાઉ હતાં તેથી તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી તમારી સમક્ષ 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કર્યો છે :
મારા મૂળભૂત હક સમા મતદાનના અધિકાર અને ફરજનું પાલન કરીને હમણાં હું મતદાન કેન્દ્રથી પાછો ફર્યો.ખબર નહિ કેમ પણ મારા વિસ્તારના લાયક ઉમેદવારને મત આપી પાછા ફર્યા બાદ હું ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવી રહ્યો છું. એક અકથ્ય ખુશીના અનુભવથી સભર છે લાગણી! શારીરિક કે માનસિક બળ વાપરવાની જરૂર પડે એવા વોટ આપવાના કાર્ય કર્યા બાદ મારા વિસ્તાર માટે,મારા શહેર માટે,મારા દેશ માટે લાયક એવા ઉમેદવારને ચૂંટવાની મોટી જવાબદારીમાં મારૂં નાનકડું યોગદાન આપી કંઈક કરી છૂટ્યાની અનુભૂતિ થઈ રહી છે મને! તમારે પણ આવી લાગણીનો અનુભવ કરવો હોય તો હજી મોડું નથી થયું. પહોંચી જાવ વાગ્યા પહેલા તમારા નજીકના મતદાન કેન્દ્રે!

                હવે અહિ એક બીજો મુદ્દો ચર્ચવાનું મન થાય છે.આળસ,ઢીલ તેમજ લાપરવાહીનો.આપણે બધા વત્તેઓછે અંશે આળસુ હોઇએ છીએ અને જીવનમાં ઘણાં પ્રસંગોએ આળસ દાખવીએ છીએ, ઘણાં કાર્યોમાં ઢીલ કરીએ છીએ અને અનેક બાબતો પ્રત્યે લાપરવાહી દાખવીએ છીએ. .આજે મેં ઘણા લોકોને એમ બોલતા સાંભળ્યા કે શા માટે વોટ કરવો જોઇએ? નેતાઓએ આપણા માટે શું કર્યું છે કે આપણે વોટ કરવો જોઇએ?હવે ભલા એમને કોણ સમજાવે કે વોટ કરીને તમે કોઈ નેતાનું નહિ બલ્કે તમારૂં પોતાનું ભલુ કરી રહ્યા છો.વોટ કરી તમે યોગ્ય ઉમેદવારને જીતાડવામાં સહભાગી બનો છો જે જીતશે તો તમારા મતવિસ્તાર,શહેર અને દેશ માટે કોઈક સારૂં કાર્ય કરી શકશે.

મારા પરિચયમાં એવા ઘણાં લોકો છે જે ૨૩-૨૪ વર્ષની વય ધરાવતાં હશે અને જેઓ કદાચ પહેલી વાર મતદાન માટે પાત્ર બન્યાં હશે.પણ તેમનું નામ હજી મતદાતા યાદીમાં નોંધાયું નથી.વોટીંગ કાર્ડ હોય તો એક સમયે ચાલે અને તમે મત આપી શકો પણ મતદાતાઓની યાદીમાં તમારૂં નામ નોંધાયું હોય તો મને લાગે છે મત આપવો મુશ્કેલ બની જાય.મેં મારા મિત્રોને પૂછ્યું તમારૂં નામ કેમ મતદારોની યાદીમાં નથી?જવાબ મળ્યો : અમને ખબર નથી કે યાદીમાં નામ કઈ રીતે નોંધાવાય.આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે બધું તૈયાર ભાણે મળે.શું યોગ્ય છે?

                તમારે પોતે જવાબદાર નાગરિક બની ખાતરી કરવી જોઇએ કે તમારૂં નામ મતદાતાઓની યાદીમાં નોંધાઈ ચૂક્યું છે કે નહિ.સરકારે ખૂબ જોરશોરથી લોકોના નામ મતદાતાઓની યાદીમાં નોંધવાનું અને લોકોને વોટીંગ આઈડી આપવાનું એક મોટું અસરકારક અભિયાન હાથ ધર્યું હતું અને તેનો સારો એવો પ્રચાર પણ કર્યો હતો.તબક્કાવાર શહેરના બધાં વિસ્તારોને અભિયાનમાં આવરી લેવાયાં હતાં.તો શા માટે દરેકે તેનો લાભ લીધો?આળસ અને બેદરકારી,લાપરવાહી.'હોતા હૈ ચલતા હૈ' વાળા અભિગમને લીધે.

બીજું એક આઘાતજનક વલણ લોકોમાં જોવા મળ્યું.લોકો ચૂંટણીને દિવસે મળેલી રજા ને સપ્તાહાંતની રજાઓ સાથે જોડી પરિવાર સાથે મિનિ-વેકેશન માણવા ચાલ્યા ગયાં.કેટલું બેજવાબદારી ભર્યું વર્તન!સરકારે રજા એટલા માટે જાહેર નથી કરી જેથી તમે પિકનિક માણવા તમારી ફરજ ભૂલી ભાગી જઈ શકો.તમે તમારો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપી શકો માટે તમને રજા મળે છે.ઉલટું પરિવાર સાથે બહાર જતાં રહેવાથી તમારા અન્ય પરિવારજનો પણ મત આપી શકતાં કુલ મતદાનની ટકાવારી ઘટે છે અને આવા બેજવાબદારી ભર્યાં પગલા દ્વારા તમે તમારા સંતાનોને,આવનારી નવી પેઢીને પણ એજ અયોગ્ય વર્તન શિખવો છો.પરિપક્વ વલણ દાખવો.મળેલી તકનો યોગ્ય અને સમજણપૂર્વકનો ઉપયોગ કરો અને કરતાં શિખવો.

મેં ઘણી વાર લોકોને યોગ્ય પગલાં યથાયોગ્ય સમયે લેતાં જોયા છે.જેમકે નવા ઘરમાં,શહેરમાં કે રાજ્યમાં રહેવા ગયા બાદ દરેક યોગ્ય અને જરૂરી જગાએ પોતાનું નવું સરનામું સુધારવું.મારા ઘણાં ઓળખીતાઓએ પોતાના નવા વોટીંગ કાર્ડ નવા સરનામા સાથે બદલાવ્યાં નથી."હવે વોટ આપવા જૂના મતદાર કેન્દ્ર સુધી કોણ લાંબુ થાય?" એમ પણ પાછા તેઓ કહે છે.લગ્ન બાદ યુવતિઓએ પોતાના બધાં દસ્તાવેજો નવા સરનામા સાથે અપડેટ કરાવી લેવા જોઇએ.ખાસ કરીને વોટર આઈડી કાર્ડ્સ જેથી તેઓ મતદાનનો અમૂલ્ય અવસર ચૂકી જાય.

                મારી એક કઝીન ઘણાં વર્ષો અગાઉ અમારા પાડોશમાં રહેતી હતી. પછી તેઓ નવી જગાએ રહેવા ગયાં અને થોડા વર્ષ બાદ તેના લગ્ન થતાં તેનું ત્રીજું નવું સરનામું પણ તેણે હજી ઘણી જગાઓએ સુધાર્યું નથી અને ટપાલી આજ પર્યંત તેના પત્રો-મેગેઝીન્સ મારા ઘેર આપે છે કારણ તે જાણે છે મારી કઝીન સુધી પત્રો પહોંચી જશે જો તે મારા ઘેર આપશે!ઓફિસમાં પણ મારા ઘણા ભૂતપૂર્વ સહકર્મચારીઓ નોકરી છોડી ગયા ને વર્ષો વિતી જવા છતાં તેમના બેન્ક સ્ટેટમેન્ટ્સ કે અન્ય જરૂરી કે બિનજરૂરી પત્રો-દસ્તાવેજો તેમના જૂના સરનામે આવી જમા થતાં જાય છે અને ઢગલો મોટો થતો જોઈ મારો ગુસ્સો વધતો જાય છે!તેમને સમયસર પોતાનું નવું સરનામું દરેક યોગ્ય જગાએ અપડેટ કરવાનું કેમ નહિ સૂઝતું હોય?આટલી બધી આળસ અને લાપરવાહી શા માટે?
આપણે સૌ, કામોને પાછા ઠેલીએ છીએ. એક અતિ ખરાબ આદત છે.પેલી પંક્તિઓ આપણે સૌએ યાદ રાખવા જેવી છે...
कल करे सो आज कर
 आज करे सो अब...